બે હજાર વર્ષથી પણ જૂનો છે આ પતંગ…!
ગઈ કાલની આજ -રાજેશ યાજ્ઞિક
‘મસ્તીનો તહેવાર ઊજવતી, સઘળી ન્યાતિ-જાતિ, ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતી પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી, પતંગ થઈને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી…’ સંક્રાંતિનો તહેવાર આવતાં જ જાણીતા કવિ રઈશ મણિયારની આ પંક્તિઓ યાદ આવી જાય એ સહજ છે. મકરસંક્રાંતિ ભારતવર્ષમાં ધાર્મિક-સામાજિક દૃષ્ટિકોણથી કેટલું મહત્ત્વ ધરાવે છે તે કોણ નથી જાણતું? ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ રૂપે અને નામે સંક્રાંતિ ઉત્સવ ધામધૂમથી ઊજવાય છે. સૂર્યના ઉત્તરાયણના અપભ્રંશ ‘ઉતરાણ’ એ ગુજરાતીઓનું પોતીકું નામ છે. ગુજરાત અને ગુજરાતીઓ માટે તો આ ઉત્સવ પતંગ વિના એવો છે, જેવી વરરાજા વિનાની જાન! -અને આમેય પતંગનો ઇતિહાસ પતંગ ચગાવવાના આનંદ જેટલો જ રોચક છે.
પતંગનો ઈતિહાસ 2000 વર્ષથી પણ વધુ જૂનો છે. એવું માનવામાં આવે છે કે પ્રથમ પતંગની શોધ ચીનના શાનડોંગમાં થઈ હતી. તેથી તે પ્રદેશને ‘પતંગના ઘર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર, એક ચીની ખેડૂત એની ટોપી પવનમાં ઊડી ન જાય તે માટે તેની સાથે દોરડી બાંધતો હતો. આ વિચાર સાથે પતંગની શરૂઆત થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે પૂર્વે પાંચમી સદીમાં ચીની ફિલસૂફ મોઝી અને લુ બાને વાંસના કાગળમાંથી પતંગની શોધ કરી હતી. જોકે, પતંગ ઉડાવવાના ખલીફાઓ અને ઉસ્તાદો માને છે કે પ્રથમ પતંગ હકીમ જાલીનોસે બનાવ્યો હતો. કેટલાક હકીમ લુકમાનનું નામ પણ લે છે. જોકે, કોરિયા અને જાપાન થઈને પતંગનું ભારતમાં આગમન થયું મનાય છે. અહીં તેનો પોતાનો અલગ ઇતિહાસ છે. મોટા ભાગના લોકો માને છે કે ચીનના પ્રવાસીઓ હિનયાન અને હ્યુએન સાંગ ભારતમાં પતંગ લઈ આવ્યા હતા.
વર્ષોથી રામાયણની કથા સાંભળનારાઓના ધ્યાનમાં પણ એક વાત કદાચ નહીં આવી હોય કે મહાકવિ તુલસીદાસે રામાયણમાં એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે શ્રી રામે એમના ભાઈઓ સાથે પતંગ ઉડાવી હતી. આ સંદર્ભમાં, ‘બાલકાંડ’માં ઉલ્લેખ છે: ‘રામ ઈક દિન ચંગ ઉંડાઇ, ઇન્દ્રલોક મેં પહુંચી જાઈ’ શ્રી રામે ભાઈઓ – મિત્રો સાથે પતંગ ઉડાવવાનું શરૂ કર્યું, જે ઇન્દ્રલોક સુધી પહોંચી ગયો અને એ પછી શું ઘટના બની અને પતંગ કેવી રીતે પાછો આવ્યો તેનું વર્ણન છે.
મોગલ દરબારમાં પતંગ એટલા લોકપ્રિય હતા કે રાજાઓ, રાજકુમારો અને મંત્રીઓ પણ પતંગ ઉડાવવામાં ભાગ લેતા હતા. મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને પણ પતંગ ઉડાવવાનો ઘણો શોખ હતો. ધીમે ધીમે રાજાઓ-નવાબોનો આ શોખ સામાન્ય લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો. વર્ષ 1927માં ‘સાયમન કમિશન’સામે ‘ગો બેક’ વાક્ય લખેલું પતંગ ઉડાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતના હૈદરાબાદ અને લાહોર (હવે પાકિસ્તાન)માં પતંગ ઉડાવવાની રમત ખૂબ જ ઉત્સાહથી રમાતી હતી. આજે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી વગેરેમાં વિશેષ પર્વમાં પતંગ ઉડાડવામાં આવે છે.
અમદાવાદમાં 1989થી શરૂ થયેલો પતંગ મહોત્સવ હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય છે, જેમાં ભાગ લેવા સેંકડો વિદેશીઓ અમદાવાદ આવતા થયા છે. દુનિયામાં ક્યાં ક્યાં યોજાય છે પતંગોત્સવો? ઑસ્ટ્રેલિયાનો સૌથી મોટો પતંગ ઉત્સવ દર વર્ષે સપ્ટેમ્બરમાં સિડનીમાં ‘ફૅસ્ટિવલ ઑફ વિન્ડ્સ’ના નામથી ઊજવવામાં આવે છે.
ચીનના વેઇફાંગ શહેરમાં દર વર્ષે એપ્રિલમાં કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. અહીં એવું માનવામાં આવે છે કે ઊંચા પતંગને જોવાથી આંખોની રોશની સુધરે છે. જાપાનમાં, દર વર્ષે મેના પ્રથમ સપ્તાહમાં, હમામાત્સુના શિઝુકા પ્રાંતમાં પતંગોત્સવ યોજાય છે. અહીં એવી માન્યતા છે કે પતંગ ઉડાડવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે.
દર વર્ષે બ્રિટનમાં ઑગસ્ટના બીજા સપ્તાહમાં ‘પોર્ટ્સ માઉથ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ’નું આયોજન થાય છે. લોકો અહીં ડિઝાઇનર્સથી લઈને થ્રી-ડી પતંગ માટે ભેગા થાય છે. દર વર્ષે 1 નવેમ્બરે ગ્વાટેમાલામાં ‘કાઈટ ઑફ સુપાન્ગો’ નામનો પતંગ ઉત્સવ ઊજવવામાં આવે છે. જેમાં 15-20 મીટર પહોળા પતંગો ઉડાડવામાં આવે છે.
ઈન્ડોનેશિયાના ‘બાલી કાઈટ ફેસ્ટિવલ’માં 4-10 મીટર પહોળા અને 100 મીટરની પૂંછડીઓ સાથેના પતંગો ઉડાવવામાં આવે છે. તે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ઊજવવામાં આવે છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઊજવવામાં આવે છે. અમેરિકામાં ‘ઝિલ્કર કાઈટ ફેસ્ટિવલ’ યોજાય છે. દર માર્ચ મહિનામાં, અહીં તમામ વય જૂથો માટે સંગીતસમારોહ અને કાઈટ કોન્ટેસ્ટનું આયોજન થાય છે. પતંગ પણ ‘ગિનિસ બુક ઑફ રેકોર્ડસ’માં…વિક્રમોની આ વિખ્યાત બુકમાં અનેક પતંગ મહોત્સવ અને એના શોખીનોનાં નામ નોંધાયાં છે..
આ રહ્યા કેટલાક મહત્ત્વના રેકોર્ડ…. ઑસ્ટ્રેલિયાના રોબર્ટ મૂરે 2014માં વિશ્વની સૌથી ઊંચી પતંગ (ચાર હજાર નવસો મીટર) ઉડાડવાનો રેકોર્ડ સર્જ્યો હતો. 2005માં અબ્દુલ રહેમાન અને ફારિસે કુવૈતમાં પતંગ મહોત્સવમાં વિશ્વનો સૌથી મોટો પતંગ ઉડાવ્યો હતો. તે 25 મીટર લાંબો અને 40 મીટર પહોળો હતો. 2006માં એક દોરીથી 43 પતંગ ઉડાવવાનો રેકોર્ડ ચીનના મા કિંગહુસેટના નામે છે. પોર્ટુગલના ફ્રાન્સિસ્કો લુફિન્હાના નામે સૌથી લાંબી કાઈટસર્ફિંગ સફર (862 કિમી)નો રેકોર્ડ છે.
2011માં, ‘યુનાઈટેડ નેશનલ રિલીફ એન્ડ વર્ક એજન્સી’ સંસ્થાએ પેલેસ્ટિનિયન બાળકો માટે ગાઝા પટ્ટીના દરિયાકિનારા પર 12,350 પતંગો ઉડાવીને રેકોર્ડ બનાવ્યો હતો. -અને છેલ્લે છેલ્લે, કવિ રિષભ મહેતાની માર્મિક પંક્તિઓ એક માણસ જો કપાયે, ટીસ પણ ઊઠતી નથી!, કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ!! હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી!, સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ