તરોતાઝા

પેરિસમાં સીન નદીના કિનારે એક એન્ટિક બુકસ્ટોર છે : ‘શેક્સપિઅર એન્ડ કંપની’ … ફ્રેન્ચ છાતી પર બ્રિટિશ રોઝ? યસ…!

જય વસાવડા

વર્ષો પહેલાં જયંત ઝવેરચંદ મેઘાણીના એક લેખમાં વાંચેલું કે આ બુકસ્ટોર નહોતો. પણ હતો એક મીટિંગ પોઈન્ટ. કળા નગરીના રતુમડાં રસિકડાં યુવાન-યુવતીઓ ત્યાં ભણતાં ભણતાં ઠલવાતાં. એકબીજાના ખોળાને ઓશિકું બનાવીને કલાકો વાંચતા. કવિતાઓના કબૂતરો ઉડાડીને પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી- ખભે માથું નાખીને લલકારતા. એ બુઝુર્ગ વડલા જેવા દાદા એ ખીલેલા બગીચાને મમતાથી સાચવતા. યંગસ્ટર્સ ત્યાંથી ઉધાર પુસ્તકો લઈ જતા. કોફી પી જતા, પ્રેમમાં પડતા- છૂટા પડતા- ઉડી જતા.

પાંદડાઓ અને પંખીઓ આવે ને જાય, પણ હરિયાળું વૃક્ષ અડીખમ ટકી રહે. સમય જતાં ધરતી પર કિતાબી સ્વર્ગ રચનારા એ દાદા ય સ્વર્ગવાસી થયા, ત્યાં અઢેલીને જ્ઞાનસરિતાની અંજલિ ભરનારાઓના સંતાનો પાંખો ફફડાવતા જવાન થયા. પણ ‘શેક્સપિઅર એન્ડ કંપની’ આજે ય ત્યાં અડીખમ મોજૂદ છે. હવે આજુબાજુ ગીચ ઈમારતોની કોલાહલભરી ગલીઓ છે. સામે નાનકડો બાગ છે.

શોપને વિન્ટેજ લૂક મળે એ માટે બ્લેકબોર્ડ પર કાયમી સુવાક્યો બહાર લખાયેલા છે. એથનિક બ્રિટિશ-ફ્રેન્ચ સ્ટાઈલની કાચે મઢેલી એ દુકાન મુંબઈના ‘સ્ટ્રેન્ડ બૂક સ્ટોર’ની જેમ બહુ સાંકડી લાગે, એટલી ખીચોખીચ ભરાયેલી હોય છે: ગ્રાહકોથી અને પુસ્તકોથી. સોરી, ગ્રાહકો નહીં, પણ ચાહકો. પુસ્તકો નહિ, પણ નિર્જીવ અબોલ મસ્તકો!

પેરિસની મુલાકાત સમયે ગાંઠ મારેલી અહીં સજદા કરવા જવાની. અને મિત્ર મોઈનખાન ઉમળકાભેર ત્યાં દોરી ગયો. પ્રવેશ કર્યો ત્યારે નારંગી રંગનો સૂરજ સાંજની પ્રતીક્ષામાં નદીને તાકતો હતો. બહાર નીકળ્યા ત્યારે ઘેરા નીલા આકાશમાં હળવે ચમકવા લાગેલા સિતારાઓને અમે તાકતા હતા.

પુસ્તકતીર્થમાં તરબોળ ડૂબકીઓ લગાવી. ગોલ્ડન હેરધારિણી એક મીઠડી યુવતી કાઉન્ટર પર સિક્કા મારતી હતી ખરીદાયેલી બુક્સ પર બુકસ્ટોરના નામના. જેથી સબૂત રહે કે તમે આ બુક ડિસ્કાઉન્ટ છતાં ઓનલાઈન નહિ, પણ મોંઘેરી ઓફલાઈન સાક્ષાત જઈને ખરીદી છે. એ નમણી નારનો સ્પર્શ પુસ્તકોને થાય એય એક સ્ટેમ્પ હતો યાદગીરીનો!

અંદર વાચકોની ચબરખીઓ ગોઠવેલી હોય, ઘરની જેમ ઠાંસી ઠાંસીને વિષયવાર નવા-જૂના પુસ્તકોનો ઢગલો આપણી ઉપર ઝળૂંબતો હોય! પાનાં ફેરવીને એની મહેક લેતો કોઈ યુવક સમાધિઅવસ્થામાં એની કોણી અડાડી દે, કોઈ માજીની કરચલી વચ્ચે દબાયેલી વાદળી આંખો બુક્સના ઘોડા પર નજર નાખતા પવનવેગી પાંખાળા અશ્ર્વ પર સવાર થઈને પોતાનું બાળપણ શોધે!
કેટકેટલા આવા બુકસ્ટોરની સફર આંખો અને કદમોએ ખેડી છે! ક્રોસવર્ડ- લેન્ડમાર્ક તો ખરા જ… પણ મુંબઈમાં કાજોલ અને સોનમ કપૂર લટાર લગાવતી હોય એવો જુહુનો ગ્રંથ, સિંગાપોરના ભવ્ય ઓર્ચાડ રોડ પર ક્ષીરસાગરમાં શેષનાગની જેમ પથરાયેલો વિશાળ કિનોકુનિયા, ઈટાલીના મિલાનમાં સ્વયમ્ જર્યોજીયો અરમાનીએ ડિઝાઈન કરીને સજાવેલો રૂપકડો ફેશન ફન બુકસ્ટોર…

લંડનમાં નદીકિનારે સમીસાંજે ચાલતા ચાલતા જયાં રાત પડી ગઈ અને કોથળો ભરાય એટલા પુસ્તકો, ઘેર રાજકોટ કુરિઅર પ્રેમપૂર્વક વગર ઓળખાણે ત્યાંથી કરી આપ્યા એ જગવિખ્યાત ‘ફોઈલ્સ’, ન્યૂજર્સીથી કેલિફોર્નિયા સુધી બધે જ અમેરિકામાં મળી જતા જાયજેન્ટિક બાર્ન્સ એન્ડ નોબલ્સ, જર્મનીમાં તોતિંગ પથારો કરીને બેઠેલો અને ભાષા સમજાય નહિ તો ય જયાં ‘અઠ્ઠે દ્વારકા’ કરવાનું મન થાય એવો ‘અનધર ક્ધટ્રી’, ટોકિયોમાં દરિયાની લહેરની જેમ જ્યાં પુસ્તકો ગોઠવાયા હોય એ ‘ત્સુતાયા’, મેલબોર્નના ‘રીડિંગ કાર્લટન’…

આઈન્સ્ટાઈન ભણાવતા એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીના દરવાજા બહારની ફૂટપાથ, કોલકતાની રસગુલ્લા – સંદેશની સુંવાળપ ધરાવતી બંગાળી છોકરીઓના માછલીની ચમકતી ત્વચા જેવા વાળથી લહેરાતી કોલેજ સ્ટ્રીટ, દિલ્હીના ઝંડેવાલા એસ્ટેટની નવાબી મહેક ધરાવતી ગીચોગીચ કિતાબી ગોડાઉન જેવી દુકાનો, ટાઈમ્સ સ્કવેરમાં જીન્સ – ટીશર્ટ લેતાં લેતાં બુકસ – ડીવીડીઝ ખરીદી શકાય એવી ફેકટરી શોપ…

વર્લ્ડ જો ઓનલાઈન થાય, તો આ બધે જ લાઈટ્સ ઓફ થઈ જાય? હાઈટેક ઓટોમેશન અને પ્રકૃતિના વૈભવનો અણમોલ સંગમ ધરાવતા સ્વિત્ઝર્લેન્ડની ટ્રેનમાં જોયેલું દૃશ્ય આંખ સામે તરવરે છે.
એક બ્યુટીફુલ છોકરી અને એનો બોયફ્રેન્ડ પ્રવેશ્યા બર્નથી લુઝન જવા માટે સામેની જ બર્થ પર ગોઠવાયા. એક કોલ્ડ ડ્રિન્કના ગ્લાસમાંથી બંને વારાફરતી ચૂસકી લે, છોકરી એક નોવેલ વાંચતી હતી.
કાનમાં આઈફોનના ઈયરપ્લગ્સ પર મ્યુઝિક, પહાડો વચ્ચે સરકતી ટ્રેન, બોયફ્રેન્ડના ખભે ઢાળેલું માથું અને એનું ધ્યાન પુસ્તકમાં, છોકરાનું અમીનજરનું હેત એ છોકરીમાં!

કદાચ, રીડિંગ ગર્લ જે હોય એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ધરાવતી હોય તો ચીટિંગ ગર્લ ન હોય એવો ભરોસો હશે. યસ, વાંચતા લોકો પર થોડોક વિશ્ર્વાસ મૂકી શકાય સમજણનો. (ખરેખર વાંચતા હોય એ! ગોખતા હોય કે દુનિયાને દેખાડતા હોય એ નહિ!)
ઘર એ નથી, જેના સરનામા પાસપોર્ટ કે ઈલેકટ્રિક બિલમાં હોય છે. એ છે, જેની સાથે આપણે જોડાઈ શકીએ એવી માફક આવતી જગ્યા ! કોઈક એને શોધવા આખી દુનિયા ફરી વળે, અને કોઈકને એક સોહામણા સંગાથમાં એ જડી જાય!

એકઝેટલી, આ જ વાત ફરી એક વાર ‘ઈન્ડીપેન્ડન્ટ’ અખબારના કોલમનીસ્ટ આરીફા અકબરે, લંડનમાં નવા ખૂલેલા ૮૩૦ સ્કવેરફીટના બુકસ્ટોર ‘લાઈબેરિયા’ના સંદર્ભે લખી હતી.
ડિઝાઈનર લુક અને વિસ્કી બાર ધરાવતા આ સ્ટોરનું ઓપનિંગ એવા સમયે થયું, જ્યારે ભારતમાં એરપોર્ટ પર બુકસ્ટોર્સનું ઉઠમણું થવા લાગ્યું છે. વ્હાય? બિકોઝ, યુ કાન્ટ મીટ યોર લવર ઓન ક્ધિડલ.

માનો કે, મળી ગયા ઓનલાઈન તો ય વાળમાં આંગળીઓ ક્યારે અને ક્યાં ફેરવશો, હૂંફાળી હથેળીને ક્યારે અને ક્યાં દાબશો? ચાલતા-ચાલતા વાતોમાં ખભો ટકરાઈ જાય અને પછી તીરછી નજર- એનો રોમાંચ ક્યાં શોધશો?

-એન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, કશું સરસ વાંચશો નહિ, સાંભળશો નહિ, જોશો નહિ, ફરશો નહિ- તો પછી વાતો ક્યા ટોપિક પર કરશો, હેં? ને જો વાતો જ અનલિમિટેડ નહિ કરી શકો, તો પ્રેમ લિમિટેડ જ રહી જવાનો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button