તરોતાઝા

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન નિયમનું પાંચમું ચરણ- ‘ઇશ્ર્વર પ્રણિધાન’ દ્વારા સમર્પણ

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

ઇશ્ર્વર, ભગવાન, દેવ-દેવી વી. આપણી આસ્થાના આલંબન બની ગયાં છે. સર્વ મનુષ્ય ગણ, પોતાની સાચી ઓળખ મેળવવા માટે અને પોતાના અસ્તિત્વનું કારણ સમજવા માટે સતત પુરુષાર્થ કરતા હોય છે. એમના પુરુષાર્થને સાચી દિશા આપવા માટે ‘ઇશ્ર્વર’ કેન્દ્ર બિંદુ સમાન હોય છે. દુનિયાના લગભગ બધા દેશોમાં, કોઇક ને કોઇક સ્વરૂપે ‘ઇશ્ર્વર’ની પ્રતિકૃતિ જોવા મળે છે. અષ્ટાંગ યોગનો મુખ્ય ધ્યેય પણ આવો જ કંઇક છે. એ જીવાત્માને પરમાત્માના દર્શન કરાવવા માટેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન છે. અષ્ટાંગ યોગનો બીજો અંગ ‘નિયમ’ના પાંચ ચરણોમાં મનુષ્ય અંતરમુખી બની શકે છે અને પોતાના આતમમાં પોતાના જ દિવ્ય સ્વરૂપના દર્શન મેળવવા માટે પાત્રતા કેળવે છે.

ઘણા એવા શ્રદ્ધાળુ હોય છે જે રોજ ઇશ્ર્વર નામની માળા ફેરવે છે અને ઘણા એવા પણ છે જે ઇશ્ર્વર સાથે સંવાદ પણ કરે છે. અને સાથે સાથે ઇશ્ર્વરની સંકલ્પના પણ અનેક રીતે કરવામાં આવી છે. મનુષ્ય જાતીએ ઇશ્ર્વરને મંદિરોમાં અને ધર્મસ્થાનકોમાં સ્થાપિત કરી દીધા છે. કારણ કે મનુષ્યને પોતાની તર્ક બુદ્ધિથી સમજાતું નથી કે આ વિશ્ર્વ કોણ ચલાવે છે અને આ સમગ્ર સૃષ્ટિની રચના કોણે કરી છે. માટે ઇશ્ર્વર હોવા આવશ્યક છે. ત્યારે જ આ સંકુચિત દેદીક બુદ્ધિને સંતોષ થાય છે કે કોઇ પરમ દિવ્ય શક્તિ છે જેણે આ બધું સર્જન કર્યું છે.

ઇશ્ર્વર વિશેની ચર્ચા ત્યારે રસપ્રદ બને છે જયારે શાસ્ત્રોમાં રેખાંક્તિ એક શ્ર્લોક આપણી માન્યતાને હચમચાવી નાખે છે, પ્રસ્તુત શ્ર્લોક.

” अहम् ब्रह्मास्मि, ब्रह्मे वह अस्मि “

અર્થાત્ હું જ બ્રહ્મ છું, બ્રહ્મામાં જે કંઇ છે એ મારું જ સ્વરૂપ છે.
આ શ્ર્લોક કહે છે કે હું જ છું અને મારા સિવાય બીજું કંઇ પણ નથી. ઇશ્ર્વર પણ નહીં.

અને અષ્ટાંગ યોગ કહે છે કે ‘ઇશ્ર્વર પ્રણિધાન’ એક મહત્તમ ગુણ છે. ઇશ્ર્વરની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવાની છે.

ઇશ્ર્વરની ઓળખ
ઇશ્ર્વરની ભક્તિ અથવા એમની શ્રદ્ધાપૂર્વક ઉપાસના ત્યારે સંભવે જયારે આપણે ઇશ્ર્વરને જાણીએ. અને ઇશ્ર્વરને જાણવા માટે આપણી તર્ક બુદ્ધિ અને જડતાને ત્યજવી પડશે. જયારથી મનુષ્ય તાર્કિક રીતે વિચાર કરતો થઇ ગયો છે, ત્યારથી એનું પતન થયું છે. વર્તમાન જગતમાં ભલેને વૈજ્ઞાનિક પ્રગતિના ઢોલ નગરાં વાગે છે. પણ મનુષ્યની આંતરિક વ્યથા જોઇને પ્રગતિ નહીં પણ દૂરગતિની પ્રતીતિ થયા વિના રહેતી નથી. આજનો મનુષ્ય શરીરથી રોગી, મનથી ચિંતિત અને આત્મસુખથી વંચિત દેખાય છે અને એના દુ:ખથી મુક્તિ મેળવવા માટે મનુષ્ય ઇશ્ર્વરને પૂજવા લાગ્યો છે.

એક વાત સમજવા જેવી છે કે દુ:ખનું કારણ આપણી જ અજ્ઞાનતા અથવા મિથ્ય સમજ છે. અને દુ:ખને દૂર કરવા માટે કોઇ પૂજનની નહીં પણ જ્ઞાન પ્રકાશની આવશ્યકતા હોય છે. જ્ઞાન શક્તિ સ્વરૂપ છે જે સર્વ જીવોમાં હોય છે, આપણા જ અંતરમાં હોય છે. એ શક્તિના ઉપયોગ દ્વારા અજ્ઞાનતા અને મિથ્યા સમજ દૂર થઇ શકે છે. જ્ઞાન શક્તિની સાધના આપણા સુખ માટે અનિવાર્ય છે. હવે પ્રશ્ર્ન એ છે કે જ્ઞાન શક્તિને જગાડીને વિકસિત કેવી રીતે કરી શકાય?

હિમાલયની ગુફાઓમાં સાધના કરનાર સિદ્ધ મનીષીઓ અધ્યાત્મિક વિજ્ઞાનનું એક અદ્ભુત પાસું સમજાવી ગયા છે. સર્વ જીવોમાં પાંચ મૂળભૂત શક્તિઓનો પરિચય કરાવતા અને એ શક્તિઓ દ્વારા વિકાસ અને સુખ પ્રાપ્તિના રહસ્યો સમજાવતા. આપણા સૌના આતમમાં ચિત્ત શક્તિ, આનંદ શક્તિ, ઇચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો સમૂહ હોય છે. આ પાંચ શક્તિઓના ઉપયોગ દ્વારા આપણું જીવન શકય બને છે. જેવી શક્તિઓની કેળવણી, એવી જીવનની ગુણવત્તા! આ શક્તિઓ આપણા જીવવા માટેના ગુણ તત્ત્વોનું સર્જન કરે છે.

‘જે જ્ઞાન શક્તિ છે તે ઇશ્ર્વર તત્ત્વનું સર્જન કરે છે!’
ઇશ્ર્વર જ્ઞાન સ્વરૂપ છે અને આપણા સૌના આતમમાં બિરાજમાન છે.


ઇશ્ર્વર પ્રણિધાનનું વિજ્ઞાન
ઇશ્ર્વર તત્ત્વ સમજાય તો પ્રણિધાન શક્ય બને. ઇશ્ર્વર આપણી જ દિવ્ય શક્તિ છે જે આપણી સદ્ગતિનું કારણ બની શકે છે. અને પ્રણિધાન એટલે આદર, એક નિષ્ઠા અથવા સંપૂર્ણ સમર્પણ. સમર્પણ પણ એક તપ છે. એક મહાન સાધના છે. સમર્પણમાં જ ઇશ્ર્વર પ્રણિધાનના રહસ્યો અને ઉપયોગીતાનો પરિચય છે.

આપણે ઘણી વખત બીજાના મુખેથી ઇશ્ર્વર સંબંધી ફિલસૂફી સાંભળી હશે: ‘જેવી ઇશ્ર્વરની ઇચ્છા’ અથવા ‘બધી ઇશ્ર્વરની લીલા છે.’ આવા ઉદ્ગાર પાછળ એક વિશેષ ભાવના છૂપાયેલી છે. આ ભાવનાનું વિશ્ર્લેષણ આધ્યાત્મિક કામો વિજ્ઞાન (spiritual Psychology) દ્વારા પણ કરી શકાય છે. આધિ, વ્યાધી અને ઉપાધિથી ઘેરાયલો મનુષ્યને ઇશ્ર્વરની સંકલ્પના એક દિલાસાનું કામ કરે છે. કોઇક દિવ્ય શક્તિ મારી રક્ષા કરશે. એવી આસ્થાથી દુ:ખ-મુક્તિની આશાને જીવંત રાખે છે. ઇશ્ર્વરને પોતાના દુ:ખોને સમર્પિત કરવાથી એ હળવાશ અનુભવે છે.
પણ ફિલસુફીના સિદ્ધાંતોનું વૈજ્ઞાનિક અર્થઘટન હંમેશાં વિશેષ પરિણામ આપે છે. સમર્પણ આપણી વિનય બુદ્ધિ અને સરલતાનું પ્રતિબિંબ છે. સમર્પણ એટલે આપણી સંસારિક ઓળખની ‘બલી’. જયારે મનુષ્યને પોતાના અહંકારનો આભાસ થાય છે અને એ અહંકાર રૂપી બેડીથી મુક્ત થવાની ભાવના કરે છે ત્યારે એ ‘ઇશ્ર્વર-ઇચ્છા’ પર બધું જ છોડી દે છે.
ઇશ્ર્વર પ્રણિધાન એક અમૂલ્ય સંદેશ આપે છે ‘ઇશ્ર્વર તત્ત્વ એ તમારી પોતાની જ્ઞાન શક્તિ છે. ઇશ્ર્વર તમારા જ આતમમાં વસે છે.’ ‘નિયમ’નું આ પાંચમું ચરણ ખરેખર આત્માને પોતાના અંતરમાં જ્ઞાન પ્રકાશ રૂપી પરમાત્માના દર્શન કરાવે છે અને સર્વે ને પોતાનાં દિવ્ય સ્વરૂપની ઓળખ કરાવે છે! ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button