
શિયાળામાં રંગોની વિવિધતા શાકભાજીમાં જોવા મળે છે. તેવી જ રંગોની વિવિધતા ફળોમાં જોવા મળે છે. હાલમાં ગરમીનો વરતારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. તેમ છતાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. હાલમાં બજારમાં નાના-મોટા બોર, જામફળ, સંતરા, પપૈયા, દાડમ, દ્રાક્ષ વગેરે ઠેર ઠેર વેચાતા જોવા મળે. શાકભાજીની વિવિધતા માણવી હોય ત્યારે ગૃહિણીનું કામ અચૂક વધી જતું હોય છે. જ્યારે ફળોની વિવિધતા માણવી સરળ બની જાય છે. શિયાળામાં રસીલા કેસરી તથા આછા લીલાશ પડતાં સંતરાં અત્યંત રસદાર-મીઠાં હોય છે.
અરે…આપને જણાવવાનું રહી ગયું…. ‘સ્વાદુ નારંગ’ એટલે જ આપણાં રસ મધુરી નારંગી કે સંતરા. ઉનાળામાં પાકેલી કેસરી કેરીનો સ્વાદ માણવા જેમ લોકો આતુર હોય છે તેવી જ આતુરતા સંતરાંના ચાહકોમાં શિયાળામાં જોવા મળે છે. એક સમય હતો કે જ્યારે ભારતની એક જાણીતી કંપનીની ઓરેન્જ પીપરમિન્ટ ખાવાનું લોકો પસંદ કરતાં. તો સદાબહાર ઘરે બનાવીને પીવાથી આનંદ મળતું ખટ્ટ-મધુરું ઓરેન્જનું શરબત પ્રત્યેક ઘરે આવકારમાં મળતું. શું આપ પણ સંતરાંના ચાહક છો? તો ચાલો, માણીએ સંતરાં ની ખટ્ટ-મધુરી સફર.
કુદરતની માનવ શરીરને સ્વસ્થ રાખવાની રીત વાસ્તવમાં પ્રશંસાને પાત્ર છે. ઠંડીમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી જતી હોય છે. તેની પૂરતી જાળવણી થાય તે માટે કુદરતે ઠંડીમાં ખટ્ટ-મધુરા સંતરાં બનાવ્યા છે. સંતરાંની ગણના દુનિયાના સૌથી સ્વાદિષ્ટ ફળમાં થાય છે. સંતરાંની અંદરની પેશી કે ચીરી લગભગ 10 હોય છે. ઓછી કૅલરી ધરાવતું પૌષ્ટિક ફળ ગણાય છે. સંતરાંમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. તેના સેવનથી વ્યક્તિનું પાચનતંત્ર મજબૂત બની જતું હોય છે. આયર્ન, ડાયેટરી ફાઈબર, પોટેશિયમ, ફૉલેટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. સંતરાંના સેવનથી શરીરને મહત્ત્વપૂર્ણ ઍન્ટિ-ઓક્સિડન્ટ મળી રહે છે. નિષ્ણાત આહાર તજજ્ઞ શિયાળામાં તંદુરસ્તી જાળવી રાખવા માટે નિયમિત રોજ એક સંતરાંનું સેવન કરવાની સલાહ આપે છે. શરીરની 90થી 100 ટકા વિટામિન સીની આવશ્યક્તા સંતરાંના સેવનથી પૂર્ણ થાય છે. જેને કારણે શરીરને પૂરતી માત્રામાં પોષક તત્ત્વો મળી રહે છે. હૃદયની તંદુરસ્તી જળવાઈ રહેવાની સાથે પાચન ક્રિયા મજબૂત બને છે.
સંતરાંનાં પોષણ મૂલ્યો કયાં છે?
સંતરાંમાં લગભગ 86 ટકા પાણી હોય છે. વળી વિટામિન સી, કાર્બ્સ, ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. કૅલ્શિયમ, પોટેશિયમ, જેવાં મિનરલ્સ સમાયેલાં છે. ખટ્ટ-મધુરા સંતરાંની ખાસિયત છે કે તેમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ સમાયેલાં છે. જે શરીરમાં રહેલાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. ઍન્ટિ-વાયરલ ગુણ જીવાણુના હુમલાથી થતાં ચેપથી શરીરની રક્ષા કરે છે. ત્વચાની ચમક જાળવવામાં સંતરા અગત્યની ભૂમિકા ભજવે છે.
સંતરાંને વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં સ્વાદુનારંગ કે મુખપ્રિય, હિન્દીમાં સંતરાં કે નારંગી, અંગ્રેજીમાં ઓરેન્જ કે સ્વાટો, ઉર્દૂમાં ગુલે-બહાર, કોંકણીમાં અનેનસ, ઓરિયામાં કમાલા, તમિળમાં કડાગુ, તેલુગુમાં કમલપાન્ડુ કે મલ્કાનારંગી, બંગાળીમાં કમલાનેંબુ, મરાઠીમાં નારંગ, મલયાલમમાં મધુરનારાના, ફારસીમાં કિસ્મે અજ નારંગ કહેવામાં આવે છે.
વિશ્ર્વમાં નારંગીના સૌથી વધુ ઉત્પાદનમાં ભારત ચોથા ક્રમાંકે આવે છે. પ્રથમ ક્રમાંકે યુનાઈટેડ સ્ટેટ, બીજા ક્રમાંકે ઈન્ડોનેશિયા, ત્રીજા ક્રમાંકે ટર્કી છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં નારંગીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાના આવે છે. મહારાષ્ટ્રમાં નાગપુરને ‘ઓરેંજ સિટી’નું ઉપનામ આપવામાં આવ્યું છે કેમ કે ત્યાંના સંતરાં નો પાક તથા સ્વાદ અત્યંત મીઠો હોય છે. સંતરાનો છોડ કાંટાવાળો હોય છે. તેના પાન તથા ફૂલમાં ખાસ સુગંધ હોય છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં વિવિધ રીતે કરવામાં આવે છે. વળી સંતરાંના છોડમાં ઊગતાં ફૂલોનો ઉપયોગ લગ્ન મડંપની સજાવટ કે પાર્ટીની સજાવટમાં ખાસ કરવામાં આવે છે. વિદેશમાં તો ક્ધયાના માથે ફરતી પહેરાવવામાં આવતી માળા કે મુગટમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. સંતરાંની છાલનો ઉપયોગ ખેડૂતો દ્વારા ખેતરમાં જીવાણું નાશક તરીકે કરવામાં આવે છે. ગૃહિણી દ્વારા સંતરાંની છાલનો ઉપયોગ કરીને માર્માલૅડ તરીકે ઓળખાતો જામ બનાવવામાં આવે છે.
સંતરાંના સ્વાસ્થ્યવર્ધક ગુણ
ઍનિમિયાથી બચાવે છે : સંતરાંમાં આયર્નની માત્રા નહીંવત્ હોય છે. વિટામિન સીની માત્રા ભરપૂર હોવાને કારણે આયર્નને શોષી લેવાની ક્ષમતા વધી જાય છે. શિયાળામાં રોજ સંતરા ખાવામાં આવે તો શરીરમાં આયર્નનો સમાવેશ સરળ બની જાય છે. વિટામિન બી-6 સમાયેલું હોય છે. આમ આયર્ન તથા વિટામિન -બી-6ને કારણે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. ઍનિમિયાની ઊણપથી બચી જવાય છે.
કૅન્સરનું જોખમ ઘટે છે : સંતરામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ- વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. તેની સાથે ફ્લેવોનૉઈડ, કૈરોટીનૉઈડ, જેવાં પાવરફૂલ ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય છે. ફ્રી રેડિકલ્સ કૅન્સર થવાનું એક મોટું કારણ ગણાય છે. સંતરા ખાવાથી તે જોખમ ઘણું જ ઘટી જાય છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે : સંતરામાં વિટામિન બી-6, મેગ્નેશિયમ પર્યાપ્ત પ્રમાણમાં હોય છે. જેને કારણે હિમોગ્લોબીન વધે છે. બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. અચાનક માથું દુખવું કે બેચેનીને કારણે થતાં હાઈ બ્લડપ્રેશરના જોખમથી બચી શકાય છે.
હૃદયને તંદુરસ્ત રાખવામાં ગુણકારી : સંતરામાં રહેલાં પોષક તત્ત્વોને કારણે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. મુખ્યત્વે વિટામિન સી, ફ્લેવોનૉઈડ, કૈરોટીનૉઈડ અગત્યના પોષક ગુણો ગણાય છે. નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસીનમાં પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ મુજબ સંતરાનું સેવન કરવાથી હૃદય સંબંધિત રોગનું જોખમ ઘટી જાય છે.
વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : સંતરા માટે એવું કહેવાય છે કે તે ઓછી કૅલરી તથા વધુ ફાઈબર ધરાવતું ફળ છે. જેથી વજન નિયંત્રણમાં રાખવા માગતી વ્યક્તિ માટે તે ‘સુપરફ્રૂટ’ ગણી શકાય. કેમ કે તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જેને કારણે લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. પાચન સંબંધિત તકલીફથી બચાવે છે. ભૂખ લાગતી નથી. વજન નિયંત્રણમાં રાખવામાં સહાય મળે છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં લાભકારી : ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા લાભકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં સમાયેલું ફાઈબર બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે. તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 40 હોય છે. ગ્લાઈસેમિક લોડ ફક્ત 5 હોય છે. જેથી તે ઓછી શર્કરા ધરાવતાં ફળમાં સ્થાન મેળવે છે. જેને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન લાભદાયક ગણાય છે.
ઈન્ફ્લેમેશન દૂર કરે છે : સંતરામાં ફ્લેવોનૉઈડસ્ તથા અન્ય પાવરફુલ પોષક ગુણો સમાયેલાં હોય છે. તેની સાથે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. નિયમિત એક સંતરાનું સેવન ક્રોનિક ઈન્ફલેમેશનને દૂર કરવામાં સહાયરૂપ બને છે. આથી સાંધાનો દુખાવો, શરીરમાં મેદનો ભરાવો, હૃદય રોગ જેવા રોગથી બચવામાં મદદ મળે છે. સંતરામાં રહેલું વિટામિન સી એક શક્તિશાળી ઍન્ટિ-ઓક્સિડન્ટ ગણાય છે. જે સફેદ રક્તકણોના કાર્યમાં સુધારો કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આંખોની તંદુરસ્તી માટે ગુણકારી : સંતરામાં કૈરોટીનૉઈડની માત્રા સારા પ્રમાણમાં હોય છે. વિટામિન એની માત્રા ભરપૂર હોય છે. જેે આંખોના મ્યૂકસ મેમ્બ્રેનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સંતરાં ક્યારે ન ખાવા જોઈએ : ભૂખ્યા પેટે સંતરા ખાવાથી એસિડીટીની સમસ્યા વધી શકે છે. જેને કારણે પેટ તથા છાતીમાં બળતરા થવી કે અપચાની તકલીફ થઈ શકે છે. તેથી સંતરાનું સેવન ભોજન બાદ કરવું કે હળવા નાસ્તા બાદ કરવું હિતાવહ ગણાય છે.
શરદી-ખાંસી થઈ હોય તેવા સંજોગોમાં સંતરાં ખાવાથી બચવું જોઈએ. તેનું મુખ્ય કારણ સંતરાની તાસીર ઠંડી હોય છે. જેને કારણે સંતરાના સેવન બાદ કદાચ શરદી-ખાંસી વધી શકે છે. તેમ છતાં પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ ઉપર તે આધાર
રાખે છે.
દવા લીધા બાદ તરત જ સંતરાં ખાવા ન જોઈએ. દવા ગળ્યા બાદ તરત જ સંતરાનું સેવન કરવાથી દવાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તેમાં પણ ઍન્ટિબાયોટિક્સ તથા બ્લડપ્રેશરની દવા બાદ તરત જ સંતરા ખાવાનું ટાળવું સ્વાસ્થ્ય માટે હિતકારી
રહે છે.
સંતરાંને આમ તો તાજા છોલીને ખાવા યોગ્ય ગણાય છે. તાજા રસીલા સંતરાનો ઉપયોગ કરીને વિવિધ જ્યૂસ, મીઠાઈ, પિપરમિન્ટ બિસ્કીટ, જામ, માર્માલેડ, કૅક, સલાડ જેવી અનેક આઈટમ બનાવી શકાય છે.
સંતરાં વિશે અવનવું : સૌ પ્રથમ સંતરાની વાવણી ચીનમાં કરવામાં આવી હતી.
સંતરાંની રાજધાની બ્રાઝિલ ગણાય છે.
7 કપ જેટલાં કૉર્નફ્લેક્સને ખાવાથી મળતાં ફાઈબરની માત્રા એક મધ્યમ આકારનું સંતરું ખાવાથી મળે છે.
વિશ્ર્વમાં સંતરાંની 600થી પણ વધુ વેરાયટી ઊગે છે. કેટલાંક સંતરાની છાલનો રંગ લીલો હોવા છતાં તેની અંદરનો ગર અત્યંત મીઠો જોવા મળે છે.
ઈંગ્લૅન્ડના રાણી વિક્ટોરિયાના સમયમાં સંતરાંનું સેવન ફ્કત વૈભવી જીવન જીવતાં લોકો દ્વારા કરવામાં આવતું. ધનિકો દ્વારા જ સંતરાંને ભેટ તરીકે આપવામાં આવતાં.
સંતરાંના માવાની સાથે તેની છાલનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. જામ, જેલી કે શરબતમાં છાલને હળવે હાથે ઘસીને ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પણ વાંચો…પચાસની ઉંમરે હેલ્ધી ફૂડ ખાઓ, નહીંતર…
સંતરાંની બરફી
સામગ્રી : 750 ગ્રામ સંતરાનો ગર, 50 ગ્રામ ખાંડ, 200 ગ્રામ દૂધનો માવો, અડધો કપ મિલ્ક મૅડ, 2 ચમચી દૂધ, 3 ટીપાં ઓરેંન્જ ઍસેન્સ, 1 કપ સૂકા નાળિયેરનું ખમણ. 4 નંગ પિસ્તાની કતરણ.
બનાવવાની રીત : સૌ પ્રથમ સંતરાની ચીરી ઉપરથી છોતરાં તથા બી કાઢીને માવો તૈયાર કરી લેવો. હવે તેને ગેસ ઉપર ધીમી આંચે મૂકવી. તેમાં ખાંડ ઉમેરીને એક તારની ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરવું. તેમાં મિલ્ક મૅડ, માવો, નાળિયેરનું ખમણ ભેળવીને બરાબર એક રસ કરી લેવું. ઘટ્ટ થાય ત્યારબાદ ગેસ બંધ કરી લેવો. ઠંડું પડે ત્યારબાદ તેમાં ઍસેન્સ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. સંતરાની છાલને હળવે હાથે ખમણીને ભેળવવી. બધું જ મિશ્રણ એક રસ કરી લેવું. એક થાળીમાં ઘી લગાડીને તેમાં મિશ્રણ પાથરવું. એક સરખાં ટુકડા કરીને સ્વાદિષ્ટ બરફીનો સ્વાદ માણવો. વરખને બદલે પિસ્તાની કતરણથી સજાવવું.