તરોતાઝા

ચોથું અંગ પ્રાણાયમ દ્વારા પ્રાણ તત્ત્વની શુદ્ધિ અને વિસ્તાર!

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

યોગ અને પ્રાણાયમની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. વિશ્વના અનેક દેશોમાં, આપણા દેશના આ અનોખા વિજ્ઞાને સ્વીકૃતિ મેળવી છે. પણ મોટા ભાગે યોગ સાધના કેન્દ્રોમાં યોગ આસન શરીરની કસરત અને પ્રાણાયમ એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા બની ગઈ છે. એક ગહન અને વિરાટ વિજ્ઞાનને આપણે વામન બનાવી દીધું છે.

આ વિષયની વિશેષ માહિતી અને સમજણ માટે એના બે પાસા હઠ યોગ અને રાજ યોગમાં યોગ-પ્રાણાયમની સાધના તરીકે વિભાજિત કરીએ. હટ યોગમાં શરીરના માધ્યમ દ્વારા પ્રાણ શક્તિનું જતન અને વિકાસ કરવામાં આવે છે, અને વિકસિત પ્રાણશક્તિ દ્વારા આત્મ-વિકાસ સાધવામાં આવે છે. હઠ યોગી વિવિધ શારીરિક આસન અને પ્રાણાયમ દ્વારા પોતાની પ્રાણ શક્તિને ઉત્તેજિત કરે છે અને તેને પોતાના સમગ્ર નાડી તંત્રમાં ફેલાવી દે છે. અહીં ખાસ નોંધ લેવાની છે કે હઠ યોગીનું કેન્દ્રબિન્દુ `પ્રાણ તત્ત્વ’ પર હોય છે.

અષ્ટાંગ યોગને `રાજ યોગ’ તરીકે પણ સંબોધવામાં આવે છે. એનાં વિવિધ અંગો એક જ લક્ષ્ય ધરાવે છે. આમ જાગરૂકતા (હાયર કોન્સિયસનેસ) રાજ યોગી પ્રાણાયમ દ્વારા શરીર-મન-ચિત્તમાં વહેતી પ્રાણશક્તિનું સંવેદન કરે છે અને સાથે સાથે ત્યાં સ્થિત અનેક અશુદ્ધ વૃત્તિઓને શાંત કરે છે.

પ્રાણાયમનો વિજ્ઞાન:

પ્રાણ' અનેઆયામ’ના સંયોજનથી નિર્મિત `પ્રાણાયામ એક વિશેષ અર્થધારી શબ્દ છે. આધ્યાત્મિકતાના સાધકો માટે પ્રાણાયમની સાધના અનિવાર્ય છે.

સંસ્કૃત શબ્દકોષમાં `પ્રાણ’ શબ્દના અનેક અર્થ સમજાવવામાં આવ્યા છે. એને જીવ-શક્તિ, શ્વાસ, જોમ, ઉત્સાહ, વિશેષ ઊર્જા વિ. તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પ્રાણ બે પ્રકારના હોય છે. એક શરીરપ્રાણ અને એક સર્વથા વિશ્વ પ્રાણ. આપણા જડ શરીરને ટકાવી રાખવા માટે અને એના વિવિધ અવ્યયોને કાર્યરત કરવા ભૌતિક ઊર્જા એ શરીર પ્રાણ પૂરી પાડે છે. આપણા શરીરની રચના સાથે એક ખાસ નાડી તંત્રની રચના પણ થાય છે. આ સૂક્ષ્મ નાડી તંત્ર, વિશ્વ-પ્રાણના વહેણ માટે ઊર્જા-માર્ગ હોય છે, જેમાં આ બ્રહ્મલોકની વિશેષ ઊર્જાને આવ્હાહિત કરવામાં આવે છે. આ રહસ્ય સમજાય જાય તો તમારું જીવન ધન્ય બની જાય… ભૌતિક પ્રાણ તંત્રના ઉપયોગથી દિવ્ય પ્રાણ તંત્રને ઉત્તેજન કરવું એ જ પ્રાણાયામનું વૈજ્ઞાનિક સ્વરૂપ કહી શકાય.

પ્રાણાયમ શ્વાસોશ્વાસની કસરત નથી. તે તમારા અસ્તિત્વના પાયા સ્વરૂપ પ્રાણ તત્ત્વની સંવેદના છે, નિયંત્રણ છે, શુદ્ધીકરણ છે અને વિસ્તાર પ્રક્રિયા છે. હા… તમારા શ્વાસ તંત્ર દ્વારા પ્રાણઊર્જાને નિયંત્રિત કરી શકાય. પણ જો તમારું લક્ષ્ય એ તરફ હોય તો! આ દિવ્ય લક્ષ્ય વગર પ્રાણાયમ માત્ર ફેફસાં માટે કસરત જ બની રહી જશે.

અષ્ટાંગ યોગ અંતરગત પ્રાણાયમ આગળનાં અંગો માટે પૂર્વભૂમિકા સમાન છે. માણસની ઈન્દ્રિયો અને મનને પણ પોતાનાં કાર્યો પૂરા પાડવા માટે પ્રાણ શક્તિની જરૂર પડે છે. શુદ્ધ અને પ્રાણનત શક્તિનગર મન અને ઈન્દ્રિયો પણ વિચલિત થઈ જાય છે. પ્રાણાયમની સાધના દ્વારા મનની ચંચળતા કાબૂમાં લાવી શકાય છે અને `નિર્બીજ’ દશામાં સ્થિર કરી શકાય છે.

પ્રાણાયમની સાધના અને સિદ્ધિ:

પ્રાણાયમની સાધના માટે પ્રથમ લક્ષ્ય આપણા `પંચ પ્રાણવાયુ’ને પોતાની શ્રેષ્ઠતમ કાર્યક્ષમતા સુધી લઈ જવા માટે કરી શકાય. એ પાંચેયમાંથી સૌ પ્રથમ પ્રાણવાયુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. પ્રાણવાયુ પ્રધાન વાયુની કામગીરી બજાવે છે તે બીજા બધા વાયુને શક્તિ આપે છે. માટે જ પ્રાણવાયુ સ્વસ્થ અને વિકસિત થાય એ મહત્ત્વની વાત છે.

પ્રાણવાયુ આપણા ઈન્દ્રિય ઉપાર્જિત જ્ઞાન અને વિવિધ અનુભવોને આત્મા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તે આપણા ખોરાકનું પોષણ અને શ્વાસમાંથી મળતું ઓક્સિજન (Oxygen)ને પણ યોગ્ય મુકામે લઈ જાય છે તે આપણા હૃદયમાં કેન્દ્રિત હોય છે ગળાથી કરીને પેટ/ધમની સુધી શાસન કરે છે. પ્રાણવાયુ આપણા હૃદયને ધબકતું રાખે છે. આપણા તાપમાન તે નિયંત્રિત કરે છે અને શ્વાસની પ્રક્રિયામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે.

એબડોમિનલ બ્રીધિન્ગ (Abdominal Breathing) : પ્રાણવાયુને સ્વસ્થ રાખવા માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. નાના બાળકને જેમ શ્વાસ લેતા ફરીથી શીખવાનું છે. નાનાં બાળકો પેટથી શ્વાસ લેતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તો યે છાતીના સ્નાયુ દ્વારા શ્વાસ લેતો થઈ જાય છે. એ પ્રક્રિયામાં પ્રાણવાયુ પણ નબળો પડી જાય છે.

પ્રક્રિયા એક શાંત સ્થળે સુખાસનમાં બેસી જવું. બન્ને હાથ પેટ પર ઉપર-નીચે મુકવા. જ્યારે શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર નીકળવું જોઈએ અને શ્વાસ મુક્તિ વખતે પેટ અંદર જવું જોઈએ. આ પ્રક્રિયા 15 મિનિટ સુધી ચાલુ રાખવી સાથે ધ્યાન હૃદય ક્ષેત્રે હોવું જોઈએ અને ત્યાં જે ઊર્જા છે એની સંવેદના થવી જોઈએ.

પ્રાણાયમની સાધના કરતા કરતા શ્વાસની સીમા છાતી અથવા પેટથી પણ આગળ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. જાણે સમગ્ર શરીર શ્વાસ લઈ રહ્યો છે અને ત્યાર બાદ તમે સમગ્ર વિશ્વની ઊર્જા શ્વાસ દ્વારા લઈ રહ્યા છો એવી અનુભૂતિ થાય. આવી સ્થિતિમાં જ્યારે વિશ્વની પ્રાણ શક્તિ તમારી નાડીમાં વહે છે ત્યારે તમે માત્ર ઊર્જા છો, વિચાર રહિત છો, અનંત શક્તિશાળી છો… એનો આભાસ થયા વિના રહેશે નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button