વિશ્વમાં એવું સ્થળ, જ્યાં પીવાય છે સૌથી વધુ ચા
સ્પેશિયલ -અનંત મામતોરા
ભારતમાં દરેક વ્યક્તિ ચા પીવાનો શોખીન છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો. દેશમાં દરેક ઋતુમાં ચા પીવામાં આવે છે. ઘણા લોકો માને છે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચા પ્રેમીઓ ભારતમાં જ જોવા મળે છે. પરંતુ ચા પીવાના શોખીનોમાં પ્રથમ સ્થાન ભારતનું નથી. દુનિયામાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો સૌથી વધારે ચા પીવે છે. તે પણ એક કપ નહીં પરંતુ એક સાથે ત્રણ કપ ચા પીવે છે. અહીંની ચા એકદમ ખાસ અને સુગંધિત હોય છે, સ્વાદ પણ એકદમ મસ્ત. અહીં ચાનો એક મ્યૂઝિયમ પણ છે, જ્યાં ચાની તમામ પરંપરાઓને સંભાળીને રાખવામાં આવી છે. આ જગ્યા ન તો ભારતમાં છે, ન તો ચીનમાં, ન તો બ્રિટન કે આયર્લેન્ડમાં, પરંતુ આ દુનિયાની એવી અજાણી જગ્યા છે કે આ દેશની બહાર ભાગ્યે જ લોકો તેના વિશે જાણતા હશે. જર્મનીનું આ સ્થળ, જેણે ચા અને ચા પીવાની એક અનોખી અને આકર્ષક પરંપરા વિકસાવી છે.
જર્મનીનો ઓછી વસ્તી ધરાવતો ઉત્તરપશ્ર્ચિમ ખૂણો પૂર્વ ફ્રિશિયા તરીકે ઓળખાય છે. અહીંના લોકો ખરેખરમાં દુનિયાના અન્ય દેશની સરખામણીમાં સરેરાશ વધુ ચા પીવે છે. પૂર્વ ફ્રિશિયાના લોકો દર વર્ષે વ્યક્તિદીઠ ૩૦૦ લિટર ચા પીવે છે. આમ તો, સૌથી વધુ ચા પીનારા દેશોમાં તુર્કી નંબર વન છે. ભારતના લોકો ૨૯મા નંબરે આવે છે. એક અહેવાલ મુજબ પૂર્વ ફ્રિસિયનો ‘અવિવાદિત ચા વર્લ્ડ ચેમ્પિયન’ છે. તેઓ માત્ર જર્મન સરેરાશ કરતાં વધુ નથી પીતા, પરંતુ વિશ્વભરની અન્ય ચા પીવાની સંસ્કૃતિઓમાં વપરાશને તેઓ વટાવી દે છે. ૨૦૨૧માં આ વાતને જર્મન રેકોર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી.
પૂર્વ ફ્રિશિયનમાં એક ચા મ્યુઝિયમ છે, જેને બીટિંગ ટી મ્યુઝિયમ કહેવાય છે. અહીંના લોકો માટે ખાસ પ્રકારની ચા માત્ર એક પીણું નથી પરંતુ તેનાથી પણ ઘણું વધારે છે, જે તેમને સવારની ઠંડીમાં ગરમીનો અહેસાસ અપાવે છે. એક અનોખું વાતાવરણ માટે ચા બનાવવામાં આવે છે. જ્યાં કોઈ ચાર લોકો બેસે કે તરત જ ટી ફેસ્ટિવલ ચાલુ થઈ જાય છે. સૌ પ્રથમ, એક કપમાં નીચે રોક શુગર કે ક્લુન્ટજેનો ટુકડો મૂકવામાં આવે છે, પછી ગરમ પાણીમાં બનાવેલું ચાનું પીણું. જે એક સ્ટ્રોંગ સુગંધ અને ખાસ અરોમા આપે છે. જ્યારે આ ગરમ ચા પીણું કપમાં પડે છે, અને ખાંડને અથડાય છે ત્યારે તે હળવો, કર્કશ અવાજ કરે છે. પછી થોડી જાડી ક્રીમને ચમચી વડે બહાર કાઢીને કપની અંદરની કિનારીઓ પર ચમચીને ફેરવીને મિક્સ કરવામાં આવે છે. ક્રીમ ધીમે ધીમે અંદર જાય છે. પછી ચમચી વિરુદ્ધ દિશામાં ફેરવાય છે. હવે થોડી જ ક્ષણોમાં ચાની ટોચ પર ક્રીમના સફેદ ટુકડાઓ તરવા લાગે છે. ક્રીમ પ્રથમ નીચે ડૂબી જાય છે, પછી ઝડપથી ફરી ઉપર આવી જાય છે, જેના કારણે એવો આભાસ થાય છે જેને સ્થાનિક લોકો વલ્કજે કહે છે, જેનો અર્થ નાનો વાદળ કહેવાય છે. આ વાદળો ધીમે ધીમે ભેગા થાય છે, ક્રીમનું સફેદ સ્તર બનાવે તે જરૂરી છે. પછી આ ચાના કપને હાથમાં પકડીને તેને મિક્સ કર્યા વિના ત્રણ તબક્કામાં ચાખવામાં આવે છે. પ્રથમ ચુસ્કીમાં મોટે ભાગે જાડી ક્રીમનો સ્વાદ આવે છે. બીજી ચૂસ્કીમાં કાળી ચાનો સ્ટ્રોંગ સ્વાદ આવે છે અને છેલ્લી ચૂસકીમાં પીગળેલી રોક શુગરનો મીઠો સ્વાદ આવે છે. આમ આવું તેઓ ત્રણ વાર કરે છે, કારણ કે પૂર્વ ફ્રિસિયન સામાન્ય રીતે એક સમયે ઓછામાં ઓછા ત્રણ કપ ચા પીતા હોય છે. હંમેશા યજમાન ચા રેડે છે અને માત્ર ત્યારે જ બંધ થાય છે જ્યારે કોઈ વ્યકિત ખાલી કપમાં કાળજીપૂર્વક ચમચી રાખે, જેનો અર્થ થાય છે બસ હવે ચા નહીં.
પૂર્વ ફ્રિશિયામાં સવારે ચા પીવાની શરૂઆત થાય છે. સતત ચા પીવી એ અહીં સૌથી સામાન્ય બાબત છે. અહીં સવારની શરૂઆત ચા નાસ્તાથી થાય છે. બપોરે પણ ચા પીરસવામાં આવે છે. સાંજે પણ ચા પીવામાં આવે છે. ઘણા પૂર્વ ફ્રિસિયનો પણ સૂતા પહેલા પણ ચા પીવે છે. તેથી અહીં દિવસમાં ચાર કે પાંચ વખત ચા પીવામાં આવે છે. પૂર્વ ફ્રિશિયામાં ચા એ કાળી ચાનું મિશ્રણ છે, જેમાં મોટે ભાગે આસામની ચા હોય છે. તે આ પ્રદેશ માટે એટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે તેને ઔપચારિક રીતે ૨૦૧૬ માં જર્મનીના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગ રૂપે
અંકિત કરવામાં આવ્યું હતું. ચાને ટી હાઉસમાં પણ પીરસવામાં આવે છે. અહીં આવતા પર્યટકો માટે ટી હાઉસમાં ચા પીવી એ એક અલગ જ અનુભવ છે. ચા અહીંના સ્થાનિક જીવન અને સંસ્કૃતિમાં એકીકૃત છે. ૧૭મી સદીમાં ડચ વેપારીઓએ મોટા પ્રમાણમાં યુરોપમાં ચા લાવવાનું શરૂ કર્યું. પછી તે આ પ્રદેશનું વિશિષ્ટ પ્રતીક બની ગયું. ૧૭મી સદીના મધ્યમાં, ચા મોટાભાગે શ્રીમંત પૂર્વ ફ્રિસિયનો માટે હતી. ૧૮૫૦ની આસપાસ અંગ્રેજોએ આસામના ભારતીય વિસ્તારમાં ચાની ખેતી શરૂ કરી ન હતી ત્યાં સુધી ચા પોસાય તેમ ન હતી. જ્યારે તે સસ્તી બની, ત્યારે બધા માટે ચા પીવી શક્ય બની શક્યું.