તરોતાઝા

જંગલની શાન કહેવાતું પહાડી ફળ ‘કાફલ’

‘કાફલ પાકો, મિલ નિ ચાખો’ ‘ કાફલ પાકી ગયા છે, પરંતુ મેં તેને ચાખ્યા નથી

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

કાફલ ફળ ઉપર ઉત્તરાખંડમાં એક લોકપ્રિય કથા પ્રચલિત છે. માતા-પુત્ર જંગલની પાસે ગામમાં નાની ઝૂંપડી બનાવીને રહેતાં હતાં.ગરીબીને કારણે અનેક દિવસો તેમને ભૂખ્યા કાઢવા પડતાં હતાં. આ જંગલી ફળ તેમના જીવનનો સહારો હતું. એક વખત જંગલમાંથી છાબ ભરીને છાબમાં કાફલ લઈ આવી. પુત્રને સમજાવીનેે ગઈ કે
કાફલ ખાતો નહીં, તે વેચવા માટે છે. ફળને સાચવજે. માતા ખેતી માટે ગઈ. માતા પાછી આવી ત્યારે છાબમાં કાફલ ફળ ઓછાં લાગ્યાં. જે તડકાંને કારણે સુકાઈ ગયા હતા. માતાને લાગ્યું કે ફળ પુત્રએ ખાઈ લીધા છે. ખેતી કરીને થાકેલી હતી. ગુસ્સામાં તેણે વગર વિચાર્યે એક મોટો પથ્થર લઈને પુત્રને માર્યો. પુત્રના માથામાં અચાનક મોટો પથ્થર લાગવાથી તે મૃત્યુ પામ્યો. ફળ સુકાઈને આંગણામાં પડી રહ્યા. બીજે દિવસે વરસાદ વરસ્યો તો ફળ પાછા ફૂલી ગયા. છાબ પહેલાં જેવી જ ભરાઈ ગઈ. તે સમયે માતાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેથી આજે પણ એવું માનવામાં આવે છે કે આજે તે બાળક ઘુઘુતી પક્ષીના રૂપે આવે છે. મોટે મોટેથી અવાજ લગાવે છે ‘કાફલ પાકો, મિલ નિ ચાખો’. ‘કાફલ પાકી ગયા છે પરંતુ મેં નથી ચાખ્યા.’

સંપૂર્ણ પણે જંગલી કહેવાતું ‘કાફલ’ પહાડી લોકોનું મનભાવન ફળ કહેવાય છે. હિમાચલની પહાડીમાં ફરવાનો શોખ જેમને હશે તેમને ખ્યાલ હશે જ કે ત્યાં ઉગતાં ફળ-શાકભાજીની મીઠાશનો સ્વાદ દાઢે વળગે તેવો હોય છે. શહેરોમાં મળતાં ફળ-શાકભાજી કરતાં આગવી મીઠાશ તેમાં સમાયેલી હોય છે. આ ફળની ખાસિયત એટલે કે તે જંગલમાં આપમેળે ઊગી જતું જોવા મળે છે. કાફલ હિમાલયનું સિઝનલ ફળ કહેવાય છે. થોડા સમય પહેલાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ આપણા માનીતા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ઉત્તરાખંડનાં ખાસ ફળો ભેટમાં મોકલાવ્યાં હતાં. મોદીજીએ પણ પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો. વળી મોદીજીએ પત્રમાં દેવભૂમિ ઉત્તરાખંડના રસદાર ફળોમાં સમાવેશ કરાયેલાં ‘કાફલ’નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ ઔષધીય ગુણોથી ભરપૂર તેવા કાફલ વિશે જાણકારી આપવામાં આવેલી છે. આયુર્વેદમાં તે કાયફલ નામથી ઓળખાય છે. ઉત્તરાખંડના કુમાઉ -ગઢવાલથી લઈને હિમાચલ, મેઘાલય, તથા નેપાળના ગોરખા, કાઠમંડૂ -પોખરા જિલ્લામાં કાફલના વૃક્ષો જોવા મળે છે. તેના નામમાં જ ગુણ સમાયેલાં છે. કફ તથા વાતને દૂર કરતું ફળ.

કાફલનું વૃક્ષ ત્રણથી છ હજાર ફૂટની ઊંચાઈ ઉપર ઠંડી તથા છાંયેદાર જગ્યા ઉપર ઊગી જતાં હોય છે. પક્ષીઓ ફળ ખાઈને તેના બીજ આસપાસના વિસ્તારમાં ફેલાવી દેતાં હોય છે. જે ધીમે ધીમે સંપૂર્ણપણે કુદરતના સાનિધ્યમાં વૃક્ષ બની ફેલાય છે. પ્રકૃતિએ આ ફળના વૃક્ષના ફેલાવાની જવાબદારી પક્ષીઓને સોંપી દીધી છે.

ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણો ધરાવતું કાફલ સ્વાસ્થ્યવર્ધક છે. કાફલનું વૈજ્ઞાનિક નામ માઈરિકા એસકુંટેલા છે. કાફલનું ફક્ત ફળ જ નહીં પરંતું તેના બીજ, ફૂલ, પાન તથા વૃક્ષની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉપયોગી ગણાય છે. જંગલની શાન વધારવાની સાથે પ્રત્યેક દિલ ઉપર રાજ કરતું ફળ તરીકે કાફલની ખાસ ઓળખ છે. ફેબ્રુઆરીથી વૃક્ષ ઉપર ફળ બેસવાની શરૂઆત થતી હોય છે. ધીમે ધીમે મેં મહિનો આવે ત્યાં સુધીમાં તો વૃક્ષ લાલચટાક પાકેલાં ફળથી ભરાઈ જતાં હોય છે. જુલાઈ સુધી વૃક્ષો ફળથી લથબથ જોવા મળે છે. તેનો સ્વાદ માણી શકાય છે. રસથી ભરપૂર સ્વાદિષ્ટ ફળનો સ્વાદ માણવા લોકો ચૈત્ર માસની રાહ જોતાં હોય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હાલમાં કાફલના વૃક્ષની સંખ્યા ઘટવા લાગી છે. જે એક ચિંતાનો વિષય છે. તેના વૃક્ષોને સુરક્ષિત કરવાની ખાસ આવશ્યક્તા છે. ફળ લાલ ચટાક થાય ત્યાર બાદ જ તેનો સ્વાદ રસમધુરો લાગે છે. તેના વૃક્ષની ડાળીનો ઉપયોગ દાતણ તરીકે કરવામાં આવે છે. વળી તેની છાલ તથા ફૂલનો ઉપયોગ તેલ તથા રસાયન ચૂર્ણ બનાવવામાં થાય છે. કાયફલની છાલમાં માયરીસીટીન, માગ્રસીટ્રીન તથા ગ્લાઈકોસાઈડની માત્રા જોવા મળે છે. ફળની છાલને પાણીમાં ઉકાળીને તેમાં આદું, તજ, ભેળવીને તેની ચા પીવામાં આવે છે. જે અસ્થમા, ડાયેરિયા, ટાઈફોઈડ જેવી બીમારીના ઈલાજમાં અકસીર ગણાય છે.

કાફલમાં રહેલી ઍન્ટિઓક્સિડન્ટની માત્રાને કારણે તે કૅન્સર તથા હ્દય રોગના ખતરાથી બચાવમાં મદદ કરે છે. વળી તેમાં પોલીફેનાલ તથા ફાયટોકેમિકલ સમાયેલું હોય છે. ભૂખ ન લાગતી હોય તેને માટે કાફલ અત્યંત લાભદાયી ફળ ગણાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કાફલ ગુણકારી ગણાય છે. ઉત્તરાખંડ, હિમાચલ, નેપાળમાં કાયફલને કાફલ કહેવામાં આવે છે. તો મેઘાલયમાં તેને સોહ ફ્રી તરીકે ઓળખવામાં આવે છે. કાફલની ચટની, કાફલ ચાટ, કાફલ પન્ના વગેરે બનાવી શકાય છે.

માથાના દુખાવામાં રાહતદાયક

માથાનો દુખાવો આજકાલ સામાન્ય વાત બની ગઈ છે. સતત માનસિક તાણ, સ્પર્ધાત્મક વાતાવરણ તથા પરીક્ષામાં સારા ગુણાંકે પાસ થવાની સ્પર્ધા, ફાસ્ટફૂડની ચટપટી વાનગીને કારણે સગીરાવસ્થા તથા યુવાવસ્થામાં માથાના દુખાવાની તકલીફ થતી જોવા મળે છે. માથાના દુખાવાથી કાયમ માટે બચવું હોય તો કાફલનો મીઠો-મધુરો સ્વાદ વારંવાર માણવો જોઈએ. તેનો સ્વાદ જ એટલો અદ્ભુત હોય છે કે નાની-મોટી કોઈપણ વ્યક્તિ આ રસદાર
નાના અમથાં ફળને ખાઈને સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણોનો લાભ મેળવી શકે છે. કાફલની છાલમાંથી તૈયાર કરેલાં ચૂરણને સુંઘવાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે.

તણાવથી બચાવમાં ઉપયોગી

ઝડપી યુગમાં પ્રત્યેક વ્યક્તિ નાની-મોટી તાણનો અચૂક શિકાર બની જતો હોય છે. આવા સંજોગોમાં કાફલનું સેવન કરવાથી તણાવથી રાહત મેળવી શકાય છે. કાફલમાં એન્ટિ ઓક્સિડન્ટ તથા એન્ટિ ડિપ્રેંસેન્ટ ગુણો સમાયેલાં જોવા મળે છે.આ ફળની ખેતી મુખ્યતત્વે નૈનિતાલ, અલ્મોડા, રાનીખેત માં પાકતાં જોવા મળે છે.

શરદી-ખાંસીમાં ઉપયોગી

ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ તથા ઍન્ટિ-માઈક્રોબિયલ ગુણો સારા પ્રમાણમાં હોવાને કારણે તેનો ઉપયોગ કરવાથી શરદીમાં રાહત મેળવી શકાય છે. ઉઘરસ કે ઝીણાં તાવની સમસ્યા હોય કે પછી શ્ર્વાસની તકલીફમાં ઉપયોગ કરવાથી રાહત મળે છે.

પાચનતંત્રને માટે લાભકારક

પહાડી ફળ કાફલનો સ્વાદ ખટ્ટ-મધુરો જોવા મળે છે. દેખાવમાં તે બ્લૂ-બેરી જેવું હોય છે. કાફલમાં વિટામિન, આયર્ન તથા ઍન્ટિ-ઑક્સિડન્ટની
સાથે સારા પ્રમાણમાં પોષક ગુણો સમાયેલાં જોવા મળે છે.

ગરમીની મોસમમાં કાફલ શરીરને ઠંડક પહોંચાડે છે. કાફલ ખાવાથી પાચન સંબંધી બીમારીથી બચી શકાય છે.

પાચનતંત્ર સારુ રહે છે. કબજિયાત, એસિડિટી, બ્લોટિંગની સમસ્યાથી મુશ્કેલી અનુભવતા
લોકોએ કાફલનો ઉપયોગ આહારમાં જરૂર કરવો જોઈએ.

કાફલ પન્ના

સામગ્રી : ૨૫૦ ગ્રામ કાફલ, ૧ લિટર પાણી, ૧ વાટકી પાણી, સ્વાદાનુસાર સંચળ. ૧૫૦ ગ્રામ ખાંડ.
બનાવવાની રીત: સૌ પ્રથમ કાફલને બરાબર સાફ કરી લેવાં. સાફ કર્યા બાદ એક સ્ટીલની કડાઈમાં કાફલ લેવાં. તેમાં ૧ લિટર પાણી ભેળવવું. ફૂદીનો તથા ખાંડ ભેળવીને ગરમ કરવું. બરાબર ઉકાળી
જાય ત્યારબાદ તેને ચારણીથી ગાળી લેવું. બીજ
છૂટા પડે તે પ્રમાણે હાથેથી મસળી માવો ભેળવવો. શેકેલાં જીરાનો પાઉડર કે શિકંજી મસાલો ભેળવીને પીવો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો