
ગૌરવ મશરૂવાળા
`આપણે હકીકત તરફ લક્ષ આપીએ નહીં એનો અર્થ એવો નથી થતો કે હકીકતનું કોઇ અસ્તિત્વ જ નથી…’
- ઑલ્ડસ હક્સલી
શેરબજાર સતત ઘણા દિવસો સુધી ઉપર જતું હોય એવા અરસામાં અખબાર-ટીવીના વાચકો-દર્શકોના પ્રશ્નોની ઝડી વરસવા લાગે છે. કેટલાક લોકો લીવરેજિંગ વિશે સલાહ માગતા હોય છે.
આ `લીવરેજિંગ’ એટલે શું ?
એનો અર્થ ડિક્શનરીમાં શોધવા જઈએ તેના કરતાં સાદી ભાષામાં કહીએ તો રોકાણ કરવા માટે નાણાં ઉછીનાં લેવાં એટલે લીવરેજિંગ.
ઈક્વિટી બજારમાં તેજી ચાલતી હોય એવા વખતે ઘણા લોકો નાણાં ઉછીનાં લઈને રોકાણ કરતા હોય છે. એમની માન્યતા એવી હોય છે કે કરજ પર જેટલું વ્યાજ ચૂકવશે તેના કરતાં એમને વધારે વળતર શેરબજારમાંથી મળી રહેશે. આ વાતને ઉદાહરણ દ્વારા સમજીએ:
નરોત્તમભાઈ શાહના એમની બેન્કના રિલેશનશિપ મેનેજરે સંપર્ક કર્યો અને એમના ડિમેટ અકાઉન્ટમાં પડેલાં શેર, મ્યુચ્યુઅલ ફંડ તથા અન્ય રોકાણોની સામે ધિરાણ આપવાની ઑફર મૂકી. એમણે કહ્યું કે આ કરજ પર વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ લેવામાં આવશે. નરોત્તમભાઈએ વિચાર કર્યો કે જો એ ઈક્વિટીમાં 22 ટકા વળતર મેળવી શકશે તો બેન્કને 12 ટકા વ્યાજ ચૂકવ્યા પછી પણ તેમને 10 ટકાનું નેટ વળતર મળશે. વિચાર તરીકે આ વાત ખરેખર રસ જગાડે એવી હતી.
હવે આપણે આંકડાઓની ખરી ગણતરી માંડીએ. પહેલી વાત : બેન્ક પાસેથી લોન લીધા બાદ તેના પર 12 ટકાનું વ્યાજ ચૂકવવું પડશે એ વાત નિશ્ચિત છે. શેરબજારમાં કોઈ વળતર મળે કે ન મળે, 12 ટકા વ્યાજની ચૂકવણી ફરજિયાત બને છે. દરેકને ખબર છે કે ઈક્વિટી માર્કેટમાંથી નિશ્ચિત વળતર મળતું નથી. જો નરોત્તમભાઈને ઈક્વિટીમાં 22 ટકા વળતર છૂટશે તો જ તેઓ 10 ટકાની નેટ કમાણી કરી શકશે, પરંતુ આ *જો અને તો’ની વાત છે. ધારો કે ઈક્વિટી બજાર તૂટે અને 22 ટકાનું નુકસાન થાય તો નરોત્તમભાઈને એકંદરે 34 ટકાનું નુકસાન થાય (22 ટકા બજારના અને 12 ટકા બેન્કના વ્યાજના). બીજા બધાને જ્યારે 22 ટકા નુકસાન થાય ત્યારે નરોત્તમભાઈને 34 ટકા થાય. આમ, અન્યોની તુલનાએ એમને વધારે ખોટ જાય. આમ, લીવરેજિંગનું જોખમ (લીવરેજિંગ રિસ્ક) ભયંકર હોય છે. ઘણી વાર આપણા પોર્ટફોલિયોમાં અજાણતાં જ લીવરેજિંગ રિસ્ક આવી જતું હોય છે.
આ પણ વાંચો: પ્રવાહિતાના જોખમને આગોતરા ઓળખી લો
ધારો કે આપણે હોમ લોન લીધેલી છે. આપણે તેની ઈએમઆઇ (ઈક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) સમયસર ચૂકવીએ છીએ. આપણી પાસે નાણાંની બચત થાય ત્યારે લોનની ભરપાઈ કરવાને બદલે રોકાણ કરીએ છીએ. આમ, આપણે અજાણતાં જ લીવરેજિંગ કરી લીધું કહેવાય. બેલેન્સ શીટમાં એક બાજુ કરજ અને બીજી બાજુ નવું રોકાણ હોય છે. ઘણા લોકો કરબચત થતી હોવાથી હોમ લોન ચાલુ રાખે છે. આ રીત પણ ખોટી છે, કારણ કે લોન તો જેટલી જલ્દી ચૂકવી દેવાય એટલું સાં.
અહીં 2008નું વર્ષ યાદ આવે છે. એ વખતે ઈક્વિટી બજાર વધી રહ્યું હતું. મેં ઘણા લોકોને સલાહ આપી હતી કે એ લોકો હોમ લોન મુદત પૂર્વે ચૂકવી દે. મોટાભાગના લોકોએ મારી વાત માની, પરંતુ જે માન્યા નહીં એમને 2009માં અફસોસ થયો, કારણકે 2009માં વ્યાજદર વધી ગયા, ઈક્વિટી માર્કેટ પડી ભાંગી અને ઘણા લોકોના પગાર ઘટી ગયા અથવા નોકરી ગુમાવવી પડી.
જ્યારે તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય ત્યારે પોતાની બેલેન્સ શીટ પર એક નજર કરી લેવી જોઈએ. જો કોઈ રોકાણ છૂટું કરીને લોન વહેલી ચૂકવી શકાતી હોય તો તેમ કરવું. આ વાત ખાસ કરીને હોમ લોનને લાગુ પડે છે. ઘર જેટલું જલ્દી ઋણમુક્ત થઈ જાય એટલું સાં. કોઈકે સાચું જ કહ્યું છે: ઘરનો પાયો જ્યારે કરજ પર રચાયો હોય ત્યારે પારિવારિક જીવનનું સુખચેન અને સુંદરતા જતાં રહે છે.
આ પણ વાંચો: બજારનાં જોખમને કઈ રીતે પારખી શકાય?
આમ જીવનમાં ક્યારેય લીવરેજિંગ કરવું નહીં. મૂળભૂત જવાબદારીઓ પૂરી કરવા માટે ધિરાણ લેવું એ સમજી શકાય એવી વાત છે, પરંતુ રોકાણ કરવા માટે તો ધિરાણ કદાપિ લેવું નહીં.