લીલાછમ લાંબા તુરિયામાં સમાયેલાં છે દૂધીથી પણ વધુ લાભ
તુરિયાના આરોગ્યવર્ધક ગુણો
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
તુરિયા, તુરઈ કે તૌરી તરીકે જાણીતાં લીલાછમ લાંબા તુરિયા બારેમાસ મળતું શાક ગણાય છે. બિહારમાં તુરિયાને નેનુઆ તરીકે ઓળખવામાં આવે છે. તુરિયાનું શાક પ્રિય શાકમાં સ્થાન ધરાવે છે. તુરિયાની મુખ્ય ત્રણ પ્રજાતિ જોવા મળે છે. તેનો ઉપયોગ વિવિધ ચિકિત્સામાં કરવામાં આવતો હોય છે. અન્ય એક પ્રજાતિને હિન્દીમાં ઝિંગા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં રિઝ ગૉર્ડ કહેવાય છે. સંસ્કૃતમાં પીતપુષ્પા, ગુજરાતીમાં તુરિયા કે ઘીસોડા, બંગાળીમાં ઘોષલત્તા, મરાઠીમાં દોડકી, તેલુગુમાં બીરાકયા, તમિળમાં પિરકાન્કઈ તરીકે ઓળખવામાં આવે છે.તુરિયાનું તેલ પણ અનેક રોગમાં ઉપયોગી ગણાય છે. તુરિયાની વેલ હોય છે. તેની વેલ, તેના ફળ, પાન, મૂળિયા, બીજ પ્રત્યેકનો ઉપયોગ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં કરવામાં આવે છે. ચોમાસામાં મળતાં તુરિયાનો સ્વાદ વધુ મીઠો લાગે છે. માન્યું કે તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને કાચું જ ચાખી લેવું જરૂરી છે. ક્યારેક તે કડવાં પણ હોઈ શકે. તુરિયામાં પોટેશિયમ, મૅગ્નેશિયમ, ફોસ્ફરસ તથા વિટામિન એ, વિટામિન બી, વિટામિન સીની માત્રા સમાયેલી છે. વળી ખાસ પ્રકારના ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ તુરિયામાં સમાયેલું છે. તેથી જ તેને દૂધીને ટક્કર મારી શકે તેવા શાક તરીકે ઓળખવામાં આવે છે.
મગજના સ્વાસ્થ્ય માટે ગુણકારી
તુરિયામાં વિટામિન બી-૬ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન બી-૬ શરીરના ન્યૂરલ ફંકશનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન બી-૬ પાણીમાં ત્વરિત ભળી જતું હોય છે. જે મગજની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી બને છે. રોગપ્રતિકારકશક્તિ વધારવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી તંદુરસ્ત જીવન જીવવાની સાથે યાદશક્તિ ટકી રહે તેવી ઈચ્છા ધરાવતી વ્યક્તિએ તુરિયાનું સેવન અજમાવવા જેવું છે.
વજન ઘટાડવામાં લાભકારક
વધતાં વજનને નિયંત્રણમાં રાખવા જે શાકભાજીમાં પાણીની માત્રા વધુ હોય તેનું સેવન કરવું આવશ્યક ગણાય છે. તુરિયામાં પાણીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. પેટનો મેટાબોલિક રેટ વધારીને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તુરિયાનું શાક કે તેનો રસ નિયમિત પીવાથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
પાચનક્રિયા તંદુરસ્ત બનાવે
તુરિયાના ગરમાં સેલ્યુલોઝની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે એક કુદરતી ફાઈબર ગણાય છે. દાળમાં તુરિયા ભેળવવાથી કે મધ સાથે તુરિયાનો રસ પીવાથી જૂની કબજિયાતથી છુટકારો મળે છે. પાચનક્રિયા મજબૂત બનાવે છે.
ત્વચા માટે ગુણકારી
તુરિયામાં ઍન્ટિબૅક્ટેરિયલ ગુણ સમાયેલાં છે. જે ત્વચાની ઉપર દેખાતાં કાળા ડાઘ કે ચકામાની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તુરિયામાં રહેલું પાણી ત્વચાને અંદરથી પોષણ આપવામાં મદદ કરે છે. જેને કારણે ત્વચા ચમકદાર બને છે.
ડાયાબિટીસમાં લાભકારક
ડાયાબિટીસના દર્દીને માટે તુરિયા અત્યંત ગુણકારી ગણાય છે. સૌ પ્રથમ તુરિયાનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરમાં સુગર મેટાબોલિઝમને સતર્ક કરે છે. વળી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. અનેક વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. જે તુરિયાને આહારમાં નિયમિત સમાવવાથી દૂર કરી શકાય છે.
તુરિયા-પાતરાનું શાક
૨ નંગ મોટા તુરિયા, ૨ ઝૂડી પાતરાના પાન, ૨ કપ ચણાનો લોટ. સ્વાદાનુસાર મીઠું, ૨ ચમચી ધાણાજીરું, ૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી આમલીની ચટણી, ૧ ચમચી ગરમ મસાલો, ચપટી હિંગ, ૨ મોટી ચમચી તલ, ૩ મોટી ચમચી તેલ, સજાવટ માટે કોથમીર
તુરિયા-પાતરાનું શાક બનાવવાની રીત
સૌ પ્રથમ તુરિયાને તથા પાતરાના પાનને બરાબર સાફ કરી કોરાં કરી લેવાં. તુરિયાને ચાખીને તેની છાલ કાઢીને એક સરખાં ટૂકડાં કરી લેવાં. પાતરાંના પાનની નસો કાઢી લેવી. એક બાઉલમાં ચણાનો લોટ લેવો. તેમાં સ્વાદાનુસાર ઉપર દર્શાવેલ મસાલો ભેળવવો. ૧ ચમચી તેલનું મોણ નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. મિશ્રણને પાતરાના પાન ઉપર લગાવી વિંટા વાળી લેવાં ઉપરથી તલ ભભરાવવા. વરાળમાં ૨૦-૨૫ મિનિટ માટે બાફી લેવાં. એક કડાઈમાં તેલ લેવું તેમાં તુરિયાના તૈયાર કરેલાં કટકાં વઘારવાં. હિંગ ભેળવવી. જરૂર મુજબ પાણી ભેળવવું. ધીમા તાપે તુરિયાને પકાવી લેવાં. તુરિયામાં સ્વાદાનુસાર મસાલો કરવો. બફાઈને તૈયાર કરેલાં પાતરાના કટકા શાકમાં ઉમેરવા. કોથમીરથી સજાવીને ગરમાગરમ સ્વાદિષ્ટ શાક પરાઠા કે રોટલી સાથે પીરસવું.
ડિહાઈડ્રેશનથી બચાવે છે
તુરિયામાં પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કૉપર તથા સેલેનિયમ જેવા વિવિધ ખનીજ તત્ત્વો સમાયેલાં જોવા મળે છે. જે એસિડિટીને રોકવામાં મદદ કરે છે. વળી શરીરને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તેનું મુખ્ય કારણ તુરિયામાં પાણીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વળી તેનું સેવન કરવાથી ઈલેક્ટ્રોલાઈટની માત્રા વધે છે. શરીરમાં પોષક તત્ત્વોને વધારવામાં મદદ કરે છે. મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર તથા બિહારમાં તુરિયાની ખેતી સૌથી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં લગ્નપ્રસંગે તુરિયા-પાતરાનું શાક અચૂક બનાવવામાં આવતું હોય છે.