રામમંદિરની તારીખ તો ઊજવાઈ ગઈ પણ તેની પાછળની તવારીખ વાંચવા જેવી છે
સ્વતંત્ર્ય સંગ્રામ કરતાં પણ લાંબી ચાલી રામ મંદિરની ચળવળ
તવારીખ – રાજેશ યાજ્ઞિક
રામજન્મભુમિનો પ્રાચીન નકશો – દિગ્વિજયનાથ, અવિદ્યનાથ અને આદિત્યનાથ
રામમંદિરના વિધ્વંસની કહાણી 1526થી શરૂ થાય છે. આ તે વર્ષ હતું જ્યારે મુઘલ શાસક બાબર ભારત આવ્યો હતો. બાબરના ભારત પ્રવેશ સાથે જ તેના લશ્કર અને સેનાપતિઓએ દેશના આસ્થા સ્થાનો પર હુમલા શરૂ કર્યા. તેના બે કારણો એટલે એક તો લોકો પર પોતાની ધાક જમાવીને તેમને પોતાના અંકુશમાં લઇ શકાય અને બીજું આપણા દેશના ધર્મસ્થાનો માત્ર ધર્મ સમૃદ્ધ જ નહોતાં, પરંતુ લક્ષ્મી સમૃદ્ધ પણ હતાં, અને તે અમૂલ્ય સંપત્તિની લૂંટ કરીને પોતાની તિજોરી ભરી શકાય. ખેર બાબરી શાસનની શરૂઆત થયાના બે વર્ષમાં જ અયોધ્યા ઉપર સંકટનાં વાદળો આવ્યાં. ત્યારથી આપણે રામ જન્મભૂમિના કષ્ટમય ઇતિહાસને સંક્ષેપમાં જાણીએ.
1528 – મુઘલ સમ્રાટ બાબરના સેનાપતિઓમાંના એક મીર બાકીએ રામના હાલના મંદિરને તોડી પાડ્યું. મુઘલ સમ્રાટ બાબરના કમાન્ડર મીર બાકીએ (વિવાદિત સ્થળ પર) મસ્જિદ બનાવી. આ અંગે હિન્દુ સમુદાયે દાવો કર્યો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ હતું અને અહીં એક પ્રાચીન મંદિર હતું. હિન્દુ પક્ષ અનુસાર, ભગવાન રામનું જન્મસ્થળ મુખ્ય ગુંબજની નીચે હતું. બાબરી મસ્જિદમાં ત્રણ ગુંબજ હતા. બાબરના માનમાં મીર બાકીએ આ મસ્જિદનું નામ બાબરી મસ્જિદ રાખ્યું હતું. આ તે સમય હતો જ્યારે દેશભરમાં મુઘલ શાસન ફેલાઈ રહ્યું હતું.
1528 થી 1853: મુઘલો અને નવાબોના શાસન દરમિયાન, હિંદુઓ આ બાબતે બહુ અવાજ ઉઠાવવા સક્ષમ નહોતા. 19મી સદીમાં મુઘલો અને નવાબોનું શાસન નબળું પડવા લાગ્યું. બ્રિટિશ શાસન અસરકારક બન્યું હતું. આ સમયગાળા દરમિયાન જ હિંદુઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભગવાન રામના જન્મસ્થળ પર મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. આ પછી રામલલાનું જન્મસ્થળ પાછું મેળવવાની લડાઈ શરૂ થઈ.
ઔરંગઝેબના મૃત્યુ પછી અને છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરના સમયમાં અયોધ્યા નવાબોના શાસનમાં આવ્યું હતું, જેઓ ધાર્મિક રીતે પ્રમાણમાં ઓછા કટ્ટર હતા. તેમણે અયોધ્યાથી 6 કિલોમીટર દૂર ફૈઝાબાદમાં પોતાની રાજધાની સ્થાપી હતી. તેમના સમયમાં દેશના અન્ય રજવાડાના રાજવીઓએ અયોધ્યામાં અનેક મંદિરો અને મઠોનું નિર્માણ કરાવ્યું. તેમની ધાર્મિક સહિષ્ણુતાનો અંદાજ એ વાત પરથી પણ આવી શકે કે અયોધ્યાનું અતિ મહત્ત્વનું ગણાતું હનુમાન ગઢી મંદિર 1774માં નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા અપાયેલી વિસ એકર જમ્નીન પર નિર્મિત થયું હતું. આજે પણ ત્યાં ફારસી ભાષામાં લાગેલી તકતીમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
પણ અન્યો તેમના જેટલા સહિષ્ણુ નહોતા. ખાસ કરીએ સુન્ની મૌલવી આમિર અલી અમેઠવી જે ધાર્મિક રીતે અતિ કટ્ટર હતો અને અયોધ્યાના મંદિરો પર કબ્જો જમાવવા લોકોને ઉશ્કેરતો હતો.
1853 – હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ધાર્મિક હિંસાની પ્રથમ નોંધાયેલી ઘટનાઓ કથિત રીતે નજીકની હનુમાન ગઢી ખાતેની મસ્જિદ પાસે બની હતી.
1855 – મૌલવી આમિર અલીના નેતૃત્વમાં અયોધ્યાના મંદિરો પર કબ્જો જમાવવા પ્રયાસ થયો, જેને ત્યારના નવાબ વાજિદ અલીએ લશ્કર મોકલીને નિષ્ફ્ળ બનાવ્યો. પણ આ ઘટનાઓને કારણે હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્યના બીજ રોપાઈ ગયા.
1858 – મીર બાકીએ મસ્જિદ બનાવ્યાના 330 વર્ષ પછી 1858માં આ લડાઈ કાનૂની બની હતી, જ્યારે પરિસરમાં હવન, પૂજા કરવા સામે પ્રથમ વખત એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અયોધ્યા રિવિઝિટેડ પુસ્તક અનુસાર, 1 ડિસેમ્બર, 1858ના રોજ, અવધ પોલીસ સ્ટેશનના અધિકારી શીતલ દુબેએ તેમના અહેવાલમાં જણાવ્યું કે સંકુલમાં એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ પહેલો કાનૂની દસ્તાવેજ છે. આ ઘટના રામજન્મ ભૂમિ ચળવળમાં અત્યંત મહત્ત્વની હતી. નવેમ્બર 1858માં, નિહંગ બાબા ફકીર સિંહ ખાલસાના નેતૃત્વમાં 25 નિહંગ શીખોએ અયોધ્યામાં બાબરી મસ્જિદમાં પ્રવેશ કર્યો અને અંદર હવન કર્યો. તેમણે ત્યાં રાતોરાત ચબૂતરાનું નિર્માણ કર્યું, અને મસ્જિદની દીવાલો પર `રામ – રામ’ લખ્યું. રામ જન્મભૂમિને લગતા સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં નવેમ્બર 1858માં તે વખતે અવધ તરીકે ઓળખાતા અયોધ્યાના થાણેદાર શીતલ દુબેના અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું:
“આજે પંજાબના રહેવાસી શ્રી નિહંગ સિંહ ફકીર ખાલસાએ ગુરુ ગોવિંદ સિંહના હવન અને પૂજાનું આયોજન કર્યું અને મસ્જિદના પરિસરમાં શ્રી ભગવાનનું (શ્રી રામનું) પ્રતીક ઊભું કર્યું. પ્રતીક સ્થાપના સમયે, સુરક્ષા માટે 25 શીખો ત્યાં તહેનાત હતા.” ભગવાન રામ માટેની લડાઈમાં શીખ પ્રજાએ આપેલા યોગદાનનો આ સુવર્ણ ઇતિહાસ છે.
આ ઘટના પછી નિહંગ શીખોને સ્થળ પરથી હટાવવામાં નાકે દમ આવી ગયો હતો. પણ ઘટનાથી સચેત થઇ ગયેલ બ્રિટિશ વસાહતી વહીવટીતંત્રે વાડ બાંધી, પૂજા સ્થાનોને અલગ કર્યા જેથી મસ્જિદની અંદરના ભાગનો ઉપયોગ મુસ્લિમો કરી શકે અને બહારના ચબૂતરાના ભાગમાં હિંદુઓને પૂજા કરવાની પરવાનગી મળી.
1885 – આ ઘટનાના 27 વર્ષ પછી રામ જન્મભૂમિની લડાઈ અદાલતના દરવાજે પહોંચી. અયોધ્યાના રહેવાસી, નિર્મોહી અખાડાના મહંત રઘુબીર દાસે, ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં વિવાદિત સ્થળની બહાર રામ ચબૂતરા પર છત્ર બાંધવાની પરવાનગી માગતી અરજી દાખલ કરી. અયોધ્યા વિવાદને લગતી આ પહેલી અરજી હતી જે કોર્ટે અરજી ફગાવી દીધી, ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ જિલ્લા મેજિસ્ટે્રટના નિર્ણયની વિરુદ્ધ મંદિરને કોંક્રીટની દીવાલો અને છત બનાવવાની મંજૂરી આપી ન શકે.
મામલો અદાલતમાં ગયો હોવાને કારણે સંઘર્ષને એક વળાંક મળ્યો અને જન્મભૂમિ પરિસરમાં ચાલતો સંઘર્ષ કાયદાકીય બન્યો હતો. 1857માં બ્રિટિશરો વિરુદ્ધ પહેલો બળવો થયો હતો અને ત્યાંથી લઈને આઝાદીની લડાઈએ પણ વેગ પકડ્યો હતો, જેને કારણે રામ જન્મભૂમિ તરફ હિન્દુ ધાર્મિક સંગઠનો અને અન્ય કેટલાંક હિન્દુ સંગઠનોનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહ્યું નહોતું, તેમ છતાં આ હિન્દુઓએ આ મુદ્દે સતત પ્રયત્નશીલ તો રહ્યા જ હતા. આઝાદીના સમયની આસપાસ ફરી એકવાર આ મુદ્દે હિન્દુઓએ અવાજ બુલંદ કરવાનું શરૂ કર્યું.
આઝાદી પછી રામ મંદિર ચળવળે જોર પકડ્યું. પણ તેના બીજ આઝાદીના એક વર્ષ પહેલા હિન્દુ મહાસભા દ્વારા રોપાયા હતા.
1946 – હિન્દુ મહાસભાની જ એક પાંખ અખિલ ભારતીય રામાયણ મહાસભાએ બાબરી મસ્જિદ સ્થળ હિન્દુઓને સોંપવા માટે અભિયાન શ કર્યું. આ અભિયાનમાં એક વ્યક્તિની ભૂમિકા બહુ મહત્વની હતી. અને તેને યોગાનુયોગ કહો કે નિયતિ કહો કે પછી સમજણ પૂર્વકની યોજના, પણ એ જ વ્યકિતના આધ્યાત્મિક વારસદાર આજે રામ મંદિર નિર્માણ સમયે અતિ મહત્વની ભૂમિકામાં છે!
એ વ્યક્તિનું નામ છે, મહંત દિગ્વિજયનાથ. તેઓ આ સમયમાં ગોરખનાથ મઠના મહંત હતા. અને તેમના પછી બીજી પેઢીના વારસદાર એટલે આજે ઉત્તર પ્રદેશના મુખપ્રધાન યોગી આદિત્યનાથ.
દિગ્વિજયનાથ 1920 માં કોંગ્રેસમાં જોડાયા, અને 1922 માં અસહકાર ચળવળમાં ભાગ લીધો. ચૌરી ચૌરાની ઘટનામાં “સક્રિય ભાગ” લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેમ પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 23
પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. દિગ્વિજયનાથ 1937માં હિન્દુ મહાસભામાં જોડાયા જ્યારે વિનાયક દામોદર સાવરકર તેના પ્રમુખ બન્યા અને સંયુક્ત પ્રાંતમાં હિન્દુ મહાસભાના વડા બન્યા. તેઓ રામ મંદિરના લક્ષ્યને વરેલા હતાં અને તેના માટે રાજકીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણેય સ્તર પર પોતાનું અભિયાન ચલાવતા હતા.
1948 – 2007માં રામના અસ્તિત્વનો “ઐતિહાસિક પુરાવો” ન હોવાનું એફિડેવિટ કરીને સુપ્રીમ કોર્ટમાં કહેનાર રાજકીય પક્ષ કોંગ્રેસ 1948માં ચૂંટણી જીતવા રામ મંદિરનો મુદ્દો ચગાવતી હતી. પુસ્તક, ગીતા પ્રેસ એન્ડ ધ મેકિગ ઓફ હિંદુ ઈન્ડિયામાં, પત્રકાર-લેખક અક્ષય મુકુલ 1948માં સમાજવાદી ઉમેદવાર આચાર્ય નારાયણ દેવ પર ફૈઝાબાદ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના બાબા રાઘવ દાસની જીત માટે તેમના હિન્દુત્વવાદને શ્રેય આપે છે.
1948માં, યુપી વિધાનસભાના 13 ધારાસભ્યો, જેઓ સમાજવાદી વલણ ધરાવતા હતા, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે તમામ 13 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. અયોધ્યા – જે તે સમયે ફૈઝાબાદ તરીકે જાણીતી હતી – પેટાચૂંટણીમાં હોટ સીટ બની હતી. અહીંથી સમાજવાદી વિચારક આચાર્ય નરેન્દ્ર દેવ મેદાનમાં હતા. તેઓ સમાજવાદી ધારાસભ્યોમાં સામેલ હતા જેમણે રાજીનામું આપ્યું હતું. તેમને હરાવવું કોંગ્રેસ માટે પડકાર બની ગયું હતું. તેમને હરાવવા માટે કોંગ્રેસે બાબા રાઘવ દાસને મેદાનમાં ઉતાર્યા. તેમનું એક વચન હતું કે તેઓ રામજન્મભૂમિને ‘વિધર્મીઓથી’ મુક્ત કરાવશે. કહેવાની જર ખરી કે, પેટાચૂંટણીમાં આચાર્ય નરેન્દ્ર દેવને, રાઘવ દાસને હાથે હારનો સામનો કરવો પડ્યો.
1949 – આ વર્ષમાં ગોરખનાથ મઠના સંત દિગ્વિજય નાથ અખિલ ભારતીય રામાયણ મહાસભામાં જોડાયા અને બાબરી મસ્જિદ સ્થળ નજીક રામચરિત માનસના 9 દિવસના અખંડ પાઠનું આયોજન કર્યું, જેના અંતે 22-23 ડિસેમ્બરના રોજ એવી જાહેરાત થઇ કે મસ્જિદમાં ‘ચમત્કારિક રીતે’ રામલલા પ્રગટ થયા છે. ઉપસ્થિત સંતોએ ‘ભયે પ્રગટ કૃપાલા, દીનદયાલા, કૌસલ્યા હિતકારી’ ગાઈને સ્તુતિ વંદના કરી. જોકે, પાછળથી મળેલી જાણકારીઓ અને ઘટના સાથે સંકળાયેલ લોકોના નિવેદન પરથી એ સ્પષ્ટ થયું હતું કે આ એક સંપૂર્ણ ચોક્સાઈથી બનાવેલ યોજના અંતર્ગત થયું હતું. મહંત દિગ્વિજય નાથનો તેમાં મોટો ફાળો હતો. ઘટનાને આખરી અંજામ આપવામાં જે વ્યક્તિઓ સામેલ હતાં તેમાં નિર્વાણી અખાડાના અભિરામ દાસ, તેમના બે ભાઈઓ યુગલ કિશોર ઝા અને ઈન્દુશેખર ઝા, તે ઉપરાંત નિર્વાણી અખાડાના રામાનંદી વૈરાગી વૃંદાવન દાસની ભૂમિકા મહત્વની હતી. વૃંદાવન દાસ પોતાની સાથે રામલલાની મૂર્તિ લઈને આવ્યા હતા જે આજ પર્યન્ત રામલલા બિરાજમાનમાં પૂજાતી રહી છે.
એ વખતની ભારત સરકારના બે અધિકારીઓ જેઓ પણ ‘રામ કાજ કરિબે કો આતુર’ હતા, તેમની કથા પણ જાણવા જેવી છે.
બે સરકારી અધિકારીઓ અયોધ્યાનો હવાલો સાંભળતા હતા, જે એ વખતે ‘ફૈઝાબાદ’ તરીકે ઓળખાતું હતું. એક હતાં એડિશનલ ડીસ્ટ્રીક માજિસ્ટે્રટ ગુદત્ત સિંહ અને બીજા હતા ડીસ્ટ્રીક માજિસ્ટે્રટ કે કે નાયર. તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન હતા ગોવિંદ વલ્લભ પંત. ગુદત્ત સિંહના વારસદારોએ જણાવ્યા મુજબ દિલ્હીની સરકારને ત્યાં સુધી બનાવની જાણ જ નહોતી જ્યાં સુધી પાકિસ્તાની રેડીઓએ આ ઘટના અંગે ઝેર ઓકતી ખબર આપવાનું શ કર્યું. નહેએ પંત સાહેબને તાત્કાલિક પૂર્વસ્થિતિ લાગુ કરવા ફરમાન કર્યું. ગોવિંદ વલ્લભ પંત તાત્કાલિક સ્વયં ઘટનાસ્થળે આવવા નીકળ્યા. પણ ‘ઠાકુર સાહબ’ તરીકે જાણીતા ગુદત્ત સિંહ તેમને પ્રોટોકોલ મુજબ જિલ્લાની સરહદે આવકારવા પહોંચ્યા અને તેમને ઘટના સ્થળે લઇ જવાની ઘસીને ના પાડી દીધી. ત્યાં જવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી એમ કહીને તેમણે મુખ્ય પ્રધાનને પરત જવાનું કહ્યું. એટલુંજ નહીં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પ્રુવ સ્થિતિ બરકરાર કરવા રામ મૂર્તિ ત્યાંથી હટાવવાના આદેશનું પાલન કરવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો.
તેમણે બે નિર્ણયો લીધા. તેમણે બનાવના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી જેથી હિન્દુ કે મુસ્લિમ, કોઈપણ પક્ષ ત્યાં જઈ ન શકે અને બીજું, તેમણે એક આદેશ જારી કર્યો કે રામલલાને સમર્પિત પૂજા અને ધાર્મિક વિધિઓ જે તે સ્થળ પર ઉદ્ભવી હતી તે ચાલુ રાખવી જોઈએ. આ આદેશ બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું
કદંગલાથિલ કણાકરન નાયર, અથવા કેકે નાયર, બ્રિટિશ કાળના આઈસીએસ ઓફિસર હતા અને 1949માં ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ માજિસ્ટે્રટ હતા. ગુદત્ત સિંહના પૂર ગુ બસંત સિંહે એક મુલાકાતમાં કહ્યું હતું કે બંને પુષો (સિંહ અને નાયર) ઢિચુસ્ત હિંદુ રાજકીય પક્ષ હિંદુ મહાસભા પ્રત્યે પણ સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ તેમની સરકારી નોકરીઓને કારણે તેમને સક્રિયપણે સમર્થન આપવાનું ટાળ્યું હતું. નહેએ તત્કાલીન મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખ્યો કે તેઓ “અયોધ્યાની ઘટનાથી પરેશાન” હતા, કોમી ભડકો થવાની આશંકા દર્શાવીને, નાયરે મૂર્તિને હટાવવાના કોઈપણ પગલાનો પ્રતિકાર કર્યો. નાયરને બાદમાં ફરજમાં બેદરકારી બદલ દૂર કરવામાં આવ્યા હતા. સાઇટ વિશે નાયરના વિચારો એક પત્રમાં પ્રતિબિંબિત થાય છે જેનો ઉલ્લેખ કોર્ટના દસ્તાવેજોમાં જોવા મળે છે. 16મી ડિસેમ્બર, 1949ના રોજ યુપીના તત્કાલીન ગૃહ સચિવ ગોવિંદ નારાયણને લખેલા પત્રમાં નાયરે જણાવ્યું હતું કે “આ સ્થળ પર એક ભવ્ય મંદિર વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવ્યું હતું”, જેને “16મી સદીમાં બાબર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને મસ્જિદ બાંધવામાં આવી હતી. મસ્જિદ બાબરી તરીકે જાણીતી હતી.” (નોંધનીય છે કે આ પત્ર રામલલાની મૂર્તિ બાબરી મસ્જિદમાં “પ્રગટ” થયા પહેલા લખાયેલો છે!
25 ડિસેમ્બર 1949 ના રોજ, નાયરે નોંધ્યું કે પૂજા અને ભોગ રાબેતા મુજબ ચાલુ હતા. નાયરે મૂર્તિને હટાવવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે “જો સરકાર હજી પણ આ તથ્યોને ધ્યાનમાં રાખીને હટાવવાનો આગ્રહ રાખશે, તો હું મારી જગ્યાએ બીજા અધિકારીને નિયુક્ત કરવા વિનંતી કરીશ”. મુખ્ય સચિવને 27 ડિસેમ્બર 1949 ના રોજ લખેલા પત્રમાં, નાયરે જણાવ્યું હતું કે તેઓ એવા કોઈ હિન્દુને શોધી શકશે નહીં જે મૂર્તિઓને હટાવવાની કામગીરી હાથ ધરે અને પ્રસ્તાવ મૂકે કે અપવાદ સાથે હિન્દુ અને મુસ્લિમ બંનેને બાદ કરીને મસ્જિદ ટાંચમાં લેવાય. આ આ બંને પત્રોથી નાયરનો ઝોક કઈ તરફ હતો તે સ્પષ્ટ થાય છે. પૂજારીઓની લઘુત્તમ સંખ્યા અને તે પક્ષકારોને અધિકારોના નિર્ણય માટે સિવિલ જજ પાસે મોકલવા જોઈએ, એવો પ્રસ્તાવ તેમણે આપ્યો. ત્યાર પછી રામજન્મભૂમિ કેસની શઆત થઈ હતી.
નેહની અવગણના સાથે, નાયર અયોધ્યા પ્રદેશમાં એક પ્રકારના સ્થાનિક હીરો બની ગયા હતા. તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું, અને તેઓ અને તેમની પત્ની જનસંઘમાં જોડાયા, જે પક્ષમાંથી બાદમાં ભાજપનો ઉદભવ થયો. બાદમાં, તેઓ અને તેમની પત્ની બંને ઉત્તર પ્રદેશના અનુક્રમે બહરાઈચ અને કૈસરગંજમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
1950 – 1950 સુધીમાં, રાજ્યએ કલમ 5 સીઆરપીસી હેઠળ માળખા પર નિયંત્રણ મેળવ્યું અને તે સ્થળ પર મુસ્લિમોને નહીં પણ હિન્દુઓને તેમની પૂજા કરવાની મંજૂરી આપી.મસ્જિદને વાસ્તવિક મંદિરમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને એબીઆરએમ બંનેએ સ્થળ પર પોતપોતાના દાવાઓ સાથે સ્થાનિક કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો હતો.
અયોધ્યાના રહેવાસી હાશિમ અંસારીએ કોર્ટનો સંપર્ક કર્યો અને સ્થળને મસ્જિદ ઘોષિત કરીને ત્યાંથી મૂર્તિઓ હટાવવા આદેશ આપવા વિનંતી કરી. તે જ સમયે ગોપાલ સિમલા વિશારદ અને રામચંદ્ર દાસ પરમહંસ દ્વારા ફૈઝાબાદ કોર્ટમાં બે દાવા દાખલ કરવામાં આવ્યા, જેમાં રામ લલ્લાની હિંદુ પૂજા કરાવવાની પરવાનગી માંગવામાં આવી. કોર્ટે પક્ષકારોને પૂજા કરવાની પરવાનગી આપી હતી. પણ કોર્ટે આંગણાના અંદરના દરવાજાને તાળાબંધ રહેવાનો આદેશ આપ્યો.
1959 – 17 ડિસેમ્બર, 1959ના રોજ, રામાનંદ સંપ્રદાય વતી નિર્મોહી અખાડાના છ વ્યક્તિઓએ કેસ દાખલ કર્યો અને આ જગ્યા પર પોતાનો દાવો રજૂ કર્યો. તેમજ માંગણી કરી હતી કે રીસીવર પ્રિયદત્ત રામને હટાવીને તેમને પૂજા કરવાની છૂટ આપવી જોઈએ. આ તેમનો અધિકાર છે.
1961 – કેસોની શ્રેણીમાં બીજો કેસ 18 ડિસેમ્બર 1961ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ઉત્તર પ્રદેશના સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડે દાખલ કર્યો હતો. કહ્યું કે આ જગ્યા મુસ્લિમોની છે. માળખું હિંદુઓ પાસેથી લઈને મુસ્લિમોને આપવું જોઈએ. મૂર્તિઓને માળખામાંથી દૂર કરવી જોઈએ. આ કેસ કોર્ટમાં ચાલતા રહ્યા.
1982 – આ તે વર્ષ હતું જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે રામ, કૃષ્ણ અને શિવના સ્થાનો પર મસ્જિદોના નિર્માણને ષડયંત્ર ગણાવ્યું હતું અને તેમની મુક્તિ માટે અભિયાનની જાહેરાત કરી હતી.
1984 – બે વર્ષ પછી, 8 એપ્રિલ 1984 ના રોજ, દિલ્હીમાં સંતો, મહાત્માઓ અને હિન્દુ નેતાઓએ અયોધ્યાની શ્રી રામ જન્મભૂમિ સ્થળની મુક્તિ અને તાળા ખોલવા માટે આંદોલન શ કરવાનું નક્કી કર્યું. વિશ્વ હિન્દુ પરિષદે રામ જન્મભૂમિ ચળવળ શ કરવા માટે એક જૂથની રચના કર. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને તેની કમાન સોંપવામાં આવી.
1986 – હરિ શંકર દુબેની અરજી પર જિલ્લા ન્યાયાધીશે અયોધ્યામાં વિવાદિત મસ્જિદના દરવાજા ખોલવાનો આદેશ જારી કર્યો,જેથી હિન્દુઓ પૂજા-અર્ચના કરી શકે. તેના વિરોધમાં મુસ્લિમોએ બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી. કોર્ટના આદેશ મુજબ તત્કાલીન રાજીવ ગાંધી સરકારે પરિસરના તાળા ખોલી નાંખ્યા. જેના પર આજે પણ વિવાદ ચાલે છે કે એ આદેશ રાજીવ ગાંધીનો હતો કે નહીં? કેટલાક કોંગ્રેસી નેતાઓ કહે છે કે રાજીવ અજાણ હતા. તો કેટલાક રાજકારણીઓ દાવો કરે છે કે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવીને મુસ્લિમ તુષ્ટિકરણના આક્ષેપોને બેલેન્સ કરવા રાજીવે જ આ પગલું લીધું હતું. ખેર, જે હોય તે, પણ તાળા ખુલ્યા.
1989 – જાન્યુઆરી 1989માં પ્રયાગમાં કુંભ મેળા દરમિયાન મંદિરના નિર્માણ માટે દરેક ગામમાં શિલા પૂજન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, 9 નવેમ્બર 1989 ના રોજ, શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર મંદિરના શિલાન્યાસની જાહેરાત કરવામાં આવી હતી. ભારે વિવાદ અને ઝઘડા પછી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ શિલાન્યાસ કરવાની મંજૂરી આપી હતી. બિહાર નિવાસી કામેશ્વર ચૌપાલ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કામેશ્વર ચૌપાલ દલિત સમાજમાંથી આવતા હતા. અને રામ મંદિરની પહેલી ઈંટ મુકવાનું સૌભાગ્ય જો એક દલિતને મળે તો જાતિવાદી રાજનીતિ કરનારા ઘણા રાજકીય પક્ષોના ગઢ ધરાશાયી થઇ જાય. ઉપરાંત દલિતોને પોતે હિન્દુઓથી અલગ નથી તે અહેસાસ કરાવવાની ભાવના પણ ખરી જ.
આ વર્ષે ટાઇટલના તમામ દાવાઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં ખસેડવામાં આવ્યા. નિર્મોહી અખાડા (159) અને સુન્ની વક્ફ બોર્ડ (1961)ના દાવાઓમાં પક્ષકારોને પ્રતિવાદી તરીકે નામ આપીને રામ લલ્લા વિરાજમાનના નામે બીજો દાવો હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
1990 – આમ તો જે ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તેનો રામજન્મ ભૂમિ સાથે સીધો સંબંધ નથી. પણ તેની દૂરગામી અસરને જાણવાની જર છે. આ વર્ષે મંડળ-કમંડળનો વિવાદ વકર્યો. કેમકે વી.પી.સિંહની સરકારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી અનામતની ઓફર કરી. અચાનક, ઘણા દલિતો રામ કી લડાઈ ને ઊંચી જાત કી લડાઈ તરીકે જોવા લાગ્યા, એમ સ્વયં ચૌપાલે પાછળથી કહ્યું હતું.
25મી સપ્ટેમ્બર 1990: રથયાત્રા – લાલકૃષ્ણ અડવાણીએ આંદોલનને સમર્થન આપવા માટે સોમનાથ (ગુજરાત)થી અયોધ્યા (યુપી) સુધીની રથયાત્રા શ કરી. આ યાત્રાએ રામજન્મભૂમિ આંદોલનને વધુ વેગ આપ્યો. દેશની રાજનીતિ ઝડપથી બદલાઈ રહી હતી. કેટલેક ઠેકાણે રથયાત્રાને બહાને કોમી રમખાણો થયા, જેના કારણે બિહાર સરકારે અડવાણીની ધરપકડ કરી. તેમ છતાં મોટી સંખ્યામાં ‘કાર સેવક’ અથવા સંઘ પરિવારના કાર્યકરો અયોધ્યા પહોંચ્યા અને મસ્જિદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડની સાથે કેન્દ્રમાં સત્તા પરિવર્તન પણ થયું. ભાજપના સમર્થનથી બનેલી જનતા દળની સરકાર પડી ભાંગી. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા હતા. આ સરકાર પણ લાંબો સમય ન ચાલી. નવી ચૂંટણીઓ યોજાઈ અને કોંગ્રેસ ફરી એકવાર કેન્દ્રમાં સત્તા પર આવી.
ગર્ભગૃહની બહાર શિલાન્યાસ થયા બાદ મંદિરના નિર્માણ માટે કારસેવાનો સમયગાળો શ થયો. મહંત અવૈદ્યનાથના નેતૃત્વમાં હિન્દુ સમાજે પોતાનું તન, મન અને ધન રામ સેવામાં સમર્પિત કરવાનું શ કર્યું. 30 ઓક્ટોબર 1990 અને 2 નવેમ્બર 1990 ના રોજ કારસેવા દરમિયાન, તત્કાલિન સરકારના આદેશ પર પોલીસ ગોળીબારમાં ઘણા રામ ભક્તોએ બલિદાન આપ્યું હતું. પરંતુ, દમનકારી પગલાં હોવા છતાં, મહંત અવૈદ્યનાથના નેતૃત્વ હેઠળ આંદોલનને તેના નિષ્કર્ષ પર લાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. બચ્ચા-બચ્ચા રામ કા ના નારા લાગ્યા. કોણ હતા મહંત અવૈદ્યનાથ? અન્ય કોઈ નહીં, પણ ઉત્તર પ્રદેશના આજના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આધ્યાત્મિક ગુ. આમ, ગોરખનાથ મઠની ગુ પરંપરાએ રામ જન્મભૂમિની ચળવળમાં તેમનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ બધાની વચ્ચે એક એવી ઐતિહાસિક તારીખ હતી જેનો ઉલ્લેખ કર્યા વિના આ ઇતિહાસ અધૂરો જ રહે.
વિવાદાસ્પદ માળખું તૂટી પડ્યું, કલ્યાણ સરકાર બરતરફ
1992 – તારીખ 6 ડિસેમ્બર 1992 હતી, આ દિવસે અયોધ્યા પહોંચેલા હજારો કાર સેવકોએ વિવાદિત માળખું તોડી પાડ્યું. તે જ દિવસે સાંજે તે જ જગ્યાએ એક અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું અને પૂજા શ થઈ. કેન્દ્રની તત્કાલીન પીવી નરસિમ્હા રાવ સરકારે રાજ્યની કલ્યાણ સિંહ સરકાર સહિત અન્ય રાજ્યોની ભાજપ સરકારોને પણ બરતરફ કરી દીધી હતી. ઉત્તર પ્રદેશ સહિત દેશમાં ઘણી જગ્યાએ સાંપ્રદાયિક હિંસા થઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. અયોધ્યા શ્રી રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં ભાજપના ઘણા નેતાઓ સહિત હજારો લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે રામ કાજની કાનૂની લડાઈમાં કેસોની સંખ્યા વધુ વધવા લાગી.
16મી ડિસેમ્બર 1992: મસ્જિદ તોડી પાડવામાં આવ્યાના 10 દિવસ પછી, વડા પ્રધાને બાબરી મસ્જિદના ધ્વંસ અને કોમી રમખાણો તરફ દોરી જતા સંજોગોની તપાસ કરવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ.એસ. લિબરહાનની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરી. કમિશનને મૂળપે તેની રચનાના ત્રણ મહિનામાં તેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
7મી જાન્યુઆરી 1993: નરસિમ્હા રાવ સરકારે 67.7 એકર જમીન (સાઇટ અને નજીકના વિસ્તારો) સંપાદન કરતો વટહુકમ બહાર પાડ્યો. પાછળથી કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદનની સુવિધા માટે અયોધ્યા એક્ટ, 1993 કાયદા તરીકે પસાર કરવામાં આવ્યો હતો.
1994: ઈસ્માઈલ ફાકી ચુકાદો – સુપ્રીમ કોર્ટે 3:2 ની બહુમતીથી અયોધ્યા એક્ટમાં અમુક વિસ્તારોના અધિગ્રહણની બંધારણીયતાને સમર્થન આપ્યું. પોતાના ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે ઠરાવ્યું કે મસ્જિદમાં નમાઝ અદા કરવી એ ઇસ્લામનું અભિન્ન અંગ નથી, સિવાય કે એ મસ્જિદનું કોઈ વિશેષ મહત્વ હોય. જોકે, મસ્જિદને બિનઆવશ્યક પૂજા સ્થળ ગણવા બદ્દલ ચુકાદાની ટીકા થઇ, પરંતુ ઇસ્માઇલ ફાકી દ્વારા કોઈ રીવ્યુ પિટિશન ફાઈલ કરવામાં ન આવી.
પોતાના ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે ઠરાવ્યું કે મસ્જિદમાં નમાઝ અદા કરવી એ ઇસ્લામનું અભિન્ન અંગ નથી, સિવાય કે એ મસ્જિદનું કોઈ વિશેષ મહત્વ હોય. જોકે, મસ્જિદને બિનઆવશ્યક પૂજા સ્થળ ગણવા બદ્દલ ચુકાદાની ટીકા થઇ, પરંતુ ઇસ્માઇલ ફાકી દ્વારા કોઈ રીવ્યુ પિટિશન ફાઈલ કરવામાં ન આવી.
ત્યાર પછીના વર્ષોમાં કોર્ટની સુનાવણીની રાહ જોવાતી રહી અને જમીન પર સતત આંદોલનો થતાં રહ્યા. અયોધ્યા જવાનો સિલસિલો અને ‘મંદિર વહીં બનાયેંગે’નો નારો બુલંદ જ રહ્યો.
2002 – ફેબ્રુઆરી 2002નો એ કાળો દિવસ જ્યારે કારસેવકોને લઈને આવતી ટે્રનના એક ડબ્બાને વિધર્મીઓએ સળગાવી નાખ્યો. ડાબેરીઓ અને સેક્યુલારિસ્ટોએ અને બિન-ભાજપી સરકારોએ આ બનાવને એક ‘અકસ્માત’માં ખપાવી દેવા રીતસરના ધમપછાડા કર્યા. એટલુંજ નહીં, ત્યાર બાદ ફાટી નીકળેલા રમખાણોમાં સલામતી દળોની મદદ જ્યારે નવાસવા મુખ્યપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાડોશી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પાસે માંગી ત્યારે બંને રાજ્યોના કોંગ્રેસી સત્તાધીશોએ કોઈ મદદ ન કરી. એટલુંજ નહીં ગુજરાતની સરકારને અને નરેન્દ્ર મોદીને જ આરોપીના પાંજરામાં ખડા કરવામાં કોઈ મણા ન રાખી. દાયકાઓ સુધી આ કેસ અદાલતમાં ચાલતા રહ્યા.
અદાલત પણ કદાચ આવો કોઈ ગોઝારો બનાવ બનવાની રાહ જોઈને બેઠી હોય તેમ, આ બનાવ પછી એપ્રિલ 2002માં અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે અયોધ્યા ટાઈટલ વિવાદની સુનાવણી શ કરી.
2003 – સર્વોચ્ચ અદાલતે એવો આદેશ પસાર કર્યો કે જ્યાં સુધી અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ દાવાઓનું સમાધાન ન થાય ત્યાં સુધી સંપાદિત જમીન પર કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિને મંજૂરી નથી.
જાન્યુઆરી 2003માં, કેનેડિયન ભૂ-ભૌતિકશાસ્ત્રી ક્લાઉડ રોબિલાર્ડે ગ્રાઉન્ડ પેનિટે્રટિગ રડાર વડે શોધ કરી હતી. સર્વેમાં નીચેના નિષ્કર્ષ આવ્યા:
“મસ્જિદની નીચે થોડું માળખું છે. આ બાંધકામો 0.5 થી 5.5 મીટરની ઊંડાઈના હતા જે પ્રાચીન અને સમકાલીન બાંધકામો જેમ કે સ્તંભો, પાયાની દિવાલો, સ્લેબ ફ્લોરિગ સાથે સંકળાયેલા હોઈ શકે છે, જે સાઇટના મોટા ભાગ પર વિસ્તરે છે.
માર્ચ-ઓગસ્ટ 2003: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશો હેઠળ વિવાદિત સ્થળની નીચેની જમીનનું ખોદકામ શ થયું. આ ખોદકામમાં મળેલા અવશેષો 10મી સદીના હિંદુ મંદિરના હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો. મુસ્લિમોએ એએસઆઇના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા. બાબરી મસ્જિદ એક્શન-પુન:નિર્માણના નેતાઓએ એએસઆઇની વિશ્વસનીયતા પર વાંધો વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને એટલા માટે પણ કે એએસઆઇ માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ આવે છે, જેનું નેતૃત્વ મુરલી મનોહર જોશી હતા, જે પોતે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસના આરોપી હતા.
2010 – 30મી સપ્ટેમ્બરના રોજ, અલ્હાબાદની હાઈકોર્ટમાં જસ્ટિસ એસ. યુ. ખાન, સુધીર અગ્રવાલ અને ડી. વી. શર્માની બનેલી ત્રણ સભ્યોની બેન્ચે ચુકાદો આપ્યો કે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દેવી જોઈએ, જેમાં રામ લલ્લાની મૂર્તિની જગ્યા રામ લલ્લા વિરાજમાનને મળે, સીતા રસોઈ અને રામ ચબૂતરા નિર્મોહી અખાડામાં અને બાકીનું સુન્ની વકફ બોર્ડને મળે.
2011 – ત્રણેય પક્ષોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જમીનના ત્રણ રીતે વિભાજન સામે અપીલ દાખલ કરી, જેના પગલે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ પર હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો.
2019 – ઐતિહાસિક ચુકાદો: 9 નવેમ્બર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ દ્વારા અંતિમ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ટ્રસ્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. તેણે સરકારને મસ્જિદ બનાવવાના હેતુ માટે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને વૈકલ્પિક 5 એકર જમીન આપવાનો આદેશ પણ આપ્યો હતો.કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે નિર્મોહી અખાડા એ દેવતા રામ લલ્લાના ભક્ત નથી અને અખાડાનો દાવો માર્યાદિત હતો. સુપ્રીમ કોર્ટે 12 ડિસેમ્બર 2019ના રોજ ચુકાદાની સમીક્ષાની માંગ કરતી તમામ 18 અરજીઓને ફગાવી દીધી હતી.
2020 – 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. તેની સાથે જ ભગવાન રામના પોતાની જન્મભૂમિથી પાંચસો વર્ષના ‘વનવાસ’ના અંતની શઆત થઇ! તે પછી જે થઇ રહ્યું છે તેના આપણે સહુ સાક્ષી છીએ.
આ સમગ્ર સંઘર્ષને માત્ર રાજકીય ચશ્માથી જોનારાઓ જનસાધારણની ધાર્મિક ભાવનાઓને કાં તો સમજવામાં નિષ્ફ્ળ ગયા અથવા જાણ્યું છતાં અજાણ્યુંની જેમ પોતાની વિચારધારાઓને કારણે અન્યોની ભાવનાઓ જાણવા છતાં નકારતા જ રહ્યા. રામ જન્મભૂમિના સંઘર્ષે ભારતીય સમાજ અને રાજકારણમાં ભારે પરિવર્તન ઉભું કર્યું. આવનારા ભવિષ્યમાં પણ આ પરિવર્તનની અસર કાયમ રહેશે, તે બાબત કોઈ શંકાને સ્થાન નથી.