તરોતાઝા

શાકાહારી માટે શ્રેષ્ઠ આહાર ગણાય છે ‘દરિયાઈ નીંદણ કે દરિયાઈ શેવાળ’

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

આજકાલ સમાજમાં એક નવો ચીલો શરૂ થયો છે. ઑર્ગેનિક ફૂડ તથા સલાડની વિવિધતાનો સ્વાદ માણવાનો. સ્વાસ્થ્ય માટે તે ઉત્તમ આહાર છે તેવી સમજ લોકોમાં વધતી જોવા મળે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા વધતી જોવા મળી રહી છે. માન્યું કે હાલમાં ફાસ્ટ ફૂડની બોલબાલા ઠેરઠેર જોવા મળે છે. તે એક વાસ્તવિક્તા છે. તો સ્વસ્થ રહેવાં શું ખોરાક અપનાવવો. કેટલી માત્રામાં લેવો તથા કયા સમયે લેવો તેની ચોક્કસ જાણકારી તેમની પાસે જોવા મળે છે.સલાડની વાત કરીએ તો કોરિયન તથા જાપાનીઝ લોકોમાં સીવીડનો સલાડ એક લોકપ્રિય આહાર ગણાય છે. તેમાં પ્રોટીન, વિટામિન બી ૧૨, ફાઈબર, કાર્બોહાઈડ્રેટસ્ તથા સોડિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ‘દરિયાઈ શેવાળ’ કે ‘સી-વીડ’ તરીકે ઓળખાતી લીલી વનસ્પતિનો ઉપયોગ આહારમાં છૂટથી કરવામાં આવી રહ્યો છે. સી-વીડને દરિયાઈ સોનું કહેવામાં આવે છે.

ચાલો પ્રથમ જાણી લઈએ શું છે આ ‘દરિયાઈ નીંદણ કે સી-વીડ’?

પૃથ્વી ઉપર ૭૦ થી ૭૫ ટકા પાણી જોવા મળે છે. વળી તેમાંથી ૨૫ થી ૩૦ ટકા ધરતી ઉપર મુખ્યત્વે નદી કે જંગલનો ફેલાવો જોવા મળે છે. જેમાં અનેક પ્રકારના જીવજંતુની જાતિ-પ્રજાતિ જોવા મળે છે. જેનો ભારતીય ચિકિત્સા પદ્ધત્તિમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી અનેક વનસ્પતિ તો એવી જોવા મળે છે જેનો ઉપયોગ માનવીના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. અનેક વનસ્પતિ તો એવી પણ જોવા મળે છે. જેનો ઉપયોગ ગંભીર રોગમાં ચમત્કારિક લાભ પહોંચાડે છે. વળી તેનો ઉપયોગ વ્યક્તિને આર્થિક રીતે ફાયદાકારક ગણાય છે. જેમાંની એક છે સમુદ્રી શેવાળ. પાણીમાં ઊગતાં શાકભાજીને પાકૃતિક ખાદ્ય તરીકે ઉપયોગી ગણાય છે. શેવાળની લગભગ ૧૦ હજાર પ્રજાતિ જોવા મળે છે. બહોળા પ્રમાણમાં પાણીનો પ્રવાહ સતત ચાલતો હોય તેવાં સ્થળો ઉપર ખાસ જોવા મળે છે. જેમ કે નદી, ઝરણું કે સમુદ્ર જેવા જળસ્ત્રોતની અંદર જોવા મળી આવે છે. કેટલીક વખત દરિયાઈ શેવાળ તરીકે ઓળખ ધરાવતી આ વનસ્પતિ નાની જોવા મળે છે. તો કેટલીક વખત તે મોટી જોવા મળે છે. લાલ, લીલા, કાળા કે ભૂરા રંગમાં ઊગી નીકળે છે. પાણીની આસપાસ ઊગી નીકળતી હોવાને કારણે તેમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો જોવા મળે છે. કોરિયાઈ, જાપાની તથા ચાઈનિઝ વ્યંજનોમાં તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવતો હોય છે.

રોગપ્રતિકારક શકિત જાળવવામાં ગુણકારી : જો આપ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોવ તો સમુદ્રી શેવાળનો આહારમાં ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. શરીરને ગંભીર રીતે નુકસાન પહોંચાડતા વાઈરસથી બચવામાં શેવાળ અત્યંત ગુણકારી ગણાય છે.

ડાયાબિટીસમાં ગુણકારી

ડાયાબિટીસના દર્દીઓ માટે સમુદ્રી શેવાળ અત્યંત ગુણકારી ગણાય છે. શેવાળમાં પ્રીબાયોટિક્સ, ફાઈબર તથા ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમાયેલાં જોવા મળે છે. તેમાં સમાયેલાં ઔષધીય ગુણો લોહીમાં શર્કરાની માત્રા જાળવવામાં મદદ કરે છે. વળી ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે ઈન્સ્યુલિનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

થાઈરોઈડમાં લાભકારક

થાઈરોઈડના દર્દીઓ માટે સમુદ્રીશેવાળ અત્યંત ફાયદાકરક ગણાય છે. તેનું મુખ્ય કારણ થાઈરોઈડ શરીરના મેટાબોલિઝમને નિયમિત કરવામાં ઉપયોગી બને છે. સીવીડ કે શેવાળમાં સારા પ્રમાણમાં આયોડીનની માત્રા સમાયેલી હોય છે. જે શરીર માટે એક આવશ્યક મિનરલ્સ ગણાય છે. એવું કહેવાય છે કે શેવાળનું સેવન કરવાથી હાર્મોનલ સમતુલા જળવાઈ રહે છે. જેને કારણે શરીરના થાઈરોઈડના પ્રમાણમાં સુધારો જોવા મળે છે. શરીરમાં થાઈરોઈડની ગ્રંથિ દ્વારા હાર્મોનલ સમતુલા જળવાઈ રહે છે. તેનું મુખ્ય કારણ છે સમુદ્રી શેવાળમાં આયોડીન તથા એમીનો એસિડની માત્રા સમાયેલી હોય છે. જેને કારણે હાર્મોનલ બદલાવને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી

હૃદયના દર્દી જો સમુદ્રી શેવાળનું સેવન કરે તો તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. સમુદ્રી શેવાળનું સેવન કરવાથી, હૃદય સંબંધિત બીમારીમાં ઉત્તમ ગણાય છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે સુમદ્રી શેવાળનું સેવન કરવાથી લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કારણ છે તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ સમાયેલું જોવા મળે છે. જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. હૃદયની ધમનીમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી બચાવમાં લાભકારક ગણાય છે. ટૂંકમાં કહીએ હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.

પૌષ્ટિક્તાથી ભરપૂર

શેવાળ માટે એવું કહેવાય છે કે તે મિનરલ્સ તથા પૌષ્ટિકતાનો ખજાનો ધરાવે છે. વિટામિન બી-૧૨ની ઉણપને દૂર કરવામાં અત્યંત ઉપયોગી ગણાય છે. શાકાહારી લોકો માટે એ અત્યંત ઉપયોગી ગણાય છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી ઍન્ટિઓક્સિડન્ટ તથા સલ્ફેટેડ પોલિકસેકેરાઈડની સાથે અન્ય પૌષ્ટિક ગુણો સમાયેલાં જોવા મળે છે. વળી તેમાં કૅલરીની માત્રા નહીવત્ જોવા મળે છે.

સપ્ટેમ્બર મહિનામાં તમિલનાડુમાં સમુદ્રી શેવાળ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ, યુવાઓ તથા ખેતી માટે ઉત્સાહિત માછીમારોને ખાસ પ્રશિક્ષણ આપવાની સુવિધા કરવામાં આવી છે. શેવાળ બીજ બૅંકની યોજના દ્વારા આર્થિક વિકાસના નવા અવસરો ઊભા કરવામાં આવ્યા છે. કિનારાના છ જિલ્લા જેવા કે નાગપટ્ટિનમ્, તંજાવુર, તિરૂવરૂર , પુદુકોટ્ટઈ, રામનાથપુરમ તથા થૂથુકુડીનાં ૧૩૬ ગામોનો સમાવેશ થાય છે. જેમનો મુખ્ય વ્યવસાય માછીમારી જોવા મળે છે. ૮૮૨૧ લોકોને આર્થિક લાભ મળશે. આમ એક નવા જ કુટિર ઉદ્યોગ કે જે ‘કેલ્પ ફોરેસ્ટ’ તરીકે ઓળખાય છે તેને પ્રોત્સાહન મળશે. એક અનુમાન મુજબ સીવીડની ખેતી ભારતના (ઇઇઝેડ) અનન્ય આર્થિક ક્ષેત્રના ૧૦ મિલિયન હેક્ટર કે ૫ ટકા ક્ષેત્રમાં કરવામાં આવે તો પાંચ કરોડ લોકોને રોજગાર મળી શકે. વળી રાષ્ટ્રિય જીડીપીમાં મોટું યોગદાન અપાવી શકે. લાખો ટન કાર્બન ડાયોકસાઈડથી બચી શકાય. પ્રાકૃતિક ગેસનું ૬.૬ અજબ ટન ઉત્પાદન કરી શકાય છે. આંદામાનના સમુદ્ર તટ ઉપર મોટા પાયે શેવાળની ખેતી હાલમાં થઈ રહી છે. તેના દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

શેવાળનો સલાડ

સામગ્રી : ૧ પેકૅટ સમુદ્રી શેવાળ, ૧ નંગ લાલ ટમેટું, ૧ નંગ લીલો કાંદો, ૧ નંગ લાલ કાંદો, ૧ ચમચી મરી પાઉડર, ૨ ચમચી સફેદ વીનેગર, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી દળેલી ખાંડ.
બનાવવાની રીત : સમુદ્રી શેવાળના પેકૅટને ખોલીને પાણીમાં ૧૫ મિનિટ માટે પલાળી રાખવી. એક બાઉલમાં વિનેગર, ખાંડ, મરી પાઉડર, તથા મીઠું ભેળવવા. તેમાં કાપીને નાના ટુકડા કરેલ ટમેટું ભેળવવું. લીલો તથા લાલ કાંદો કાપીને ભેળવવો. પલાળેલી શેવાળના નાના ટૂકડાં કરીને ભેળવવા. સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યવર્ધક સલાડ તૈયાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button