તરોતાઝા

નિવૃત્ત જીવનમાં ટેક્નોલોજીનો ઉપયોગ કેટલો ઉપકારક?

ગૌરવ મશરૂવાળા

મારા કોલેજના દિવસોની આ વાત છે. એક દિવસ મારાં ફોઈનો ફોન આવ્યો અને એમણે કહ્યું, ‘મારા ઘરે આવીને વીડિયો ચલાવવાનું શીખવી જા…’ મને પણ કંઈક શીખવવાની તક મળતી હોવાથી હું તરત જ તેમના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો  :

‘બસ, દસ જ મિનિટમાં આવું છું!’. આજે આવી જ વાતચીત મારા પિતાજી અને મારી દીકરી વચ્ચે થાય છે. એ તો ઠીક, મારે પણ ક્યારેક સ્માર્ટફોન વાપરવા માટે દીકરીની મદદ લેવી પડે છે.


Also read: કૉલ્ડ પ્રેસ કે રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ક્યું ઉત્તમ?


જીવનના દરેક તબક્કે ટૅક્નોલૉજી બદલાતી જાય છે અને નવાં નવાં ઉપકરણો આવતાં જાય છે. કિશોરાવસ્થામાં ગેજેટનો કિશોરો પર કબજો હોય છે. તેનું કારણ એ કે ટૅક્નોલૉજી નવી આવે ત્યારે એમને તરત વાપરવા મળે છે. ઈંગ્લેન્ડમાં રહેતા મારા ભત્રીજાએ માત્ર ઑટોમેટિક ટ્રાન્સમિશન કાર  જોઈ છે. એને મેન્યુઅલ ગિયર કેવી રીતે ફેરવવું  એની ખબર  નથી. નવાં નવાં સાધનો આપણા આયુષ્યની વીસી અને ત્રીસીમાં ઝડપથી કામ કરવા માટે હોય છે અને આપણી ચાળીસી તથા વનપ્રવેશ બાદ તેમનો ઉપયોગ નવી કે અલગ રીતે કામ કરવા માટે થતો હોય છે.

આમ જુવો તો ૫૦ કે ૬૦ની ઉંમર પછી નવી ટૅક્નાલૉજી કે ગેઝેટ વાપરવાનું અઘરું થઈ જાય છે, કારણ કે એ સમયે કોઈ પણ પરિવર્તન સ્વીકારવાનું લોકોને ગમતું નથી. મગજ એ પ્રમાણે કેળવાયેલું હોય છે. ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ એ કહેવત આથી જ પડી છે. આમ છતાં, કહેવું જરૂરી છે કે ટૅક્નાલૉજી અપનાવવાથી મોટી ઉંમરે માણસનું જીવન ઘણું આસાન થઈ જાય છે.

નવું શીખવાની વાત આવે ત્યારે મોટી ઉંમરની વ્યક્તિઓના અલગ અલગ પ્રતિભાવ  જોવા મળે છે. કોઈક શીખવા માટે ઉત્સાહી હોય છે તો કોઈક પરાણે શીખવું પડે એમ હોવાથી શીખવા તૈયાર થાય છે. અમુક લોકો કદાચ એવું વિચારે કે આ બધી કડાકૂટમાં પડવાનો કોઈ અર્થ નથી. તો કોઈકના મતે પોતાને નવી વસ્તુની જરાપણ જરૂર નથી. માણસ ટૅક્નાોલૉજીને પરાણે સ્વીકારે કે ઈચ્છાથી, આખરે તો એ બધો મનનો ખેલ હોય છે, પણ એક વાત ચોક્કસ કે માણસને કંઈક શીખવું હોય તો કોઈકની મદદ લેવી પડતી હોય છે.

આજે આપણે અનેક વડીલોને ટૅક્નોલોજી-ગેઝેટનો ઉપયોગ આનંદપૂર્વક કરતાં જોઈએ છીએ. મારા પાડોશીની જ વાત કરું. એ એમનાં પૌત્ર-પૌત્રી પાસેથી અઠવાડિયામાં એક વાર કંઈક નવું શીખતા હોય છે. ક્યારેક એ સ્કાઇપ વાપરવાનું તો ક્યારેક ફેસટાઈમ અને ફેસબુકનો ઉપયોગ કરવાનું શીખતા હોય છે. કેટલાક લોકો ટેક્નાોલૉજીનો ઉપયોગ આંશિક રીતે કરતા હોય છે. દાખલા તરીકે: મારા શાળા જીવનના ઇતિહાસનાં શિક્ષિકાને કોઈકે  ‘ક્ડિલ’  ભેટમાં આપ્યું હતું. એમના પુત્ર એમને પુસ્તક ડાઉનલોડ કરી આપે અને એ બેઠાં બેઠાં વાંચે. બીજી બાજુ, મેં એવા પણ લોકો જોયા છે જેમને ઑનલાઈન બૅન્કિંગમાં કે કોઈ ઍપ વાપરવામાં પણ તકલીફ પડતી હોય.

 અમેરિકાના જાણીતા અંધ સાહિત્યકાર એવાં હેલન કેલરે એક વખત કહ્યું હતું  : ‘માર્ગ પર વળાંક આવે એટલે રોડ પૂરો થયો એમ ન કહેવાય. તમે એ વળાંક પર વળી ન શકો તો જ રસ્તો પૂરો થયો કહેવાય…’


Also read: આરોગ્ય વીમામાં રિઈમ્બર્સમેન્ટ ક્લેમ કઈ રીતે કરી શકાય?


અમુક વખત ટૅક્નોલૉજીને અપનાવ્યા વગર છૂટકો જ નથી હોતો, જેમકે, હવે આવક વેરાનું રિટર્ન ઑનલાઈન જ ભરવાનું હોય છે, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (ૠજઝ)ના તંત્રમાં પણ બધું ઑનલાઈન જ છે. નોટબંધી વખતે બધાએ પરાણે કોઈક ને કોઈક વોલેટનો કે ઑનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવાનું શીખવું પડ્યું. હવે તો એડમિશનો પણ ઑનલાઈન થાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓએ પણ આ પરિવર્તનો સ્વીકાર્યા વગર ચાલે એમ નથી. આંતરરાષ્ટ્રીય પ્રવાસના અનુભવ પરથી મેં જોયું છે કે ત્યાં લગભગ દરેક કાઉન્ટર પર ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જ સ્વીકારવામાં આવતાં હોય છે. ભારતમાં પણ હવે એ દિવસો દૂર નથી. બેન્કો ચેકના વપરાશ પર ચાર્જ લેવા લાગી છે. હવે ગઋઝ અને છઝૠજ નો જમાનો છે.

ફરજિયાતપણે સ્વીકારવા પડતાં આવાં પરિવર્તનો પડકારરૂપ હોય છે. વરિષ્ઠ નાગરિકોને શીખવામાં થોડી તકલીફ પડે તો પણ એમણે આ બધું કામ પૂરતુ પણ શીખવાની વૃત્તિ રાખવી જરૂરી છે. તેમાં થોડી મહેનત કરવાથી કામ આસાન થઈ શકે છે. વળી, પરિવારની કોઈક ને કોઈક વ્યક્તિ મદદ જરૂર કરી શકે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સૌથી વધુ સારી મદદ કરી શકે છે. એમને પણ એમાં મજા આવતી હોય છે. બધાએ જોયું છે કે સામાન્ય રીતે  દાદા-દાદીને પૌત્ર-પૌત્રીઓ સાથે વધારે ફાવે છે. એમની પાસે સમય અને ધીરજ બન્ને હોય છે. વડીલો આ રીતે નવી પેઢીને વધુ સારી રીતે સમજી પણ શકે છે.


Also read: ટ્રાયગ્લીસરાઈડ કઈ રીતે ઘટાડશો?


હવે તો એવો પણ ટ્રેન્ડ છે કે વડીલોને શીખવવા માટે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરે છે. તેમાં જોડાઈ જવું. આવી જગ્યાએ આવનારા બધા લોકો મોટી ઉંમરના જ હોવાના અને તેથી ત્યાં જરાપણ સંકોચ નહીં થાય. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને વડીલોએ તો ઘણો સંસાર જોયેલો છે!                                          

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button