આહારથી આરોગ્ય સુધી: ઉનાળામાં આવતો તાવ…

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
ઉનાળાની બપોર એટલે ધોમધખતો તડકો. અગનગોળા વરસાવતી સૂરજની ગરમીની પરાકાષ્ઠા જાણે આગની ભઠ્ઠીમાંથી અગ્નિની શેરો વધુ છૂટતી હોય તેવું લાગે. ઉનાળામાં શહેર કે ગામડાંઓમાં સડકો ખાલીખમ થઈ જાય. થોડો વાહનવ્યવહાર થંભી જાય. મે મહિનામાં ઉનાળો ચરમસીમાએ પહોંચે છે. હવામાનના તીક્ષ્ણ મિજાજની વચ્ચે આપણું શરીર સ્વસ્થ રહે તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ઉનાળાની ઋતુમાં આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જોઈએ જેથી શરીર હાઈડ્રેટેડ રહે અને એનર્જી પણ રહે અને દિવસભર ખુશમિજાજ તેમજ ઊર્જાથી ભરપૂર રહી શકાય.
બાળકો માટે ઉનાળાની રજાઓ સૌથી આનંદદાયક દિવસો હોય છે. બાળકોને ગરમી કે લૂથી બચાવવા માટે જ ઉનાળું વેકેશન અપાય છે. ભણતરનો ભાર નહિ, રમો, હસો અને મજા કરો. બાળકોને ગરમીથી રાહત મળવી જરૂરી છે. કારણ કે સૂર્યનો સીધો પ્રકાશ, તાપમાન અને જળવાયુ પરિવર્તન જે શરીરના સ્વાસ્થ્ય પર નાના મોટા દરેકને અસર કરે છે. વધુ તાપમાનના કારણે શરીરમાંથી પાણી અને મીઠું (સોડિયમ) ઓછું થઈ જાય છે. જેથી ચક્કર આવવાં, ઊલટી થવી, પિત્ત વધવું, ઝાડા થવા અને ફલુ જેવો તાવ આવવો. ગરમીમાં શરીરમાં ઊર્જા ઓછી થાય છે. જેથી અન્ય બીમારી આર્થરાઈટીસ, ડાયાબિટીસ, કૅન્સર, કિડનીની વ્યાધિઓના કારણે તાવ આવે છે. કોઈપણ બીમારી વગર તાવ આવે તેનું કારણ છે કેમિકલયુક્ત ખોરાક, જંક ફૂડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેમિકલ દ્વારા પકાવેલાં ફળો જેવા કે કેરી, દ્રાક્ષ, કેળા. કબજિયાતને કારણે પણ ઉનાળામાં તાવ જોવા મળે છે. કારણ આ ઉનાળામાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જેથી શરીરનું તાપમાન વધી જાય અને વધુ પાણી પીવાના કારણે પણ પેટમાં તકલીફ થાય છે.
ઉનાળામાં ઋતુ પ્રમાણેનો જ આહાર આપણને તાવ કે અન્ય તકલીફથી બચાવી શકે છે. સૌની પ્રિય કેરી જે ઉનાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે. ધંધાદારી માનસિકતાને કારણે કેરીને ટકાવી રાખશો કે કલર માટે તેને જબરજસ્તી કેમિકલ દ્વારા (કેલ્શિયમ કાર્બોનેટ રસાયણ) પકાવવામાં આવે છે. આ એક ઘાતક કેમિકલ છે જે વિષેલું અને ગંધહિન રંગહિન ખનિજ ચૂનાનો પથ્થર છે જે શરીર પર ઘાતક અસર કરે છે. આવી પકાવેલી કેરી ખાવાથી શરીરમાં તાવ અને ફોડા નીકળે છે. આની ખરાબ અસરથી ઘણીવાર હૃદય અને કિડનીની બીમારી થાય છે. કેરી ખાવાથી આવેલો તાવ શરીરને મોટું નુકસાન કરે છે.
ઉનાળાની રજા દરમિયાન લોકો બહાર ફરવા જતાં બહારનું ભોજન તેમજ અન્ય પેકેટના આહારના કારણે પણ તાવ જોવા મળે છે. વધુ પડતા ઠંડા પીણાનો લોકો ઉપયોગ કરે છે. જેથી શરીરનું કેલ્શિયમ ખોરવાઈ જાય, હિમોગ્લોબિન ઘટી જાય અને તાવ આવે છે. પીપરમેંટ અને ચોકલેટ વેકેશનમાં બાળક વધુ ખાય છે જેથી પણ તાવ આવી જાય છે. ચોકલેટમાં માર્ગરીન (ખરાબ ઘી) વાપરવામાં આવે છે. બજારૂ ખાદ્યપદાર્થથી દૂરી બનાવવી જરૂરી છે. કેરીનો ઉપયોગ પણ ખાતરી કરીને વાપરવી.
તાવથી બચવા ઋતુ પ્રમાણેના ફળોથી બજાર ઉભરાયેલી છે. જેમ કે લાલ જાંબુ, સફેદ જાંબુ, કાળા જાંબુ, રાયણ, બિમલી, કમરખ, શક્કરટેટી, કલિંગર, લીચી, તાડગોળા જે બીમારીથી બચાવે છે. તેમજ શરીરમાં પાણીની કમી થતી નથી અને ગરમીને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. દરેક પ્રકારના જાંબુ વાપરવા જોઈએ. જાંબુમાં વિટામિન સી, બ્લ્યુટિકનીક એસિડ, બીટા સ્ટીરોલ જે કૅન્સર જેવી બીમારીથી દૂર રાખે છે. કીમો થેરેપીની જરૂર પડતી નથી. કેટાગોલિક એસિડ ફૂડટોન્ડ, ગ્લુકોઝ અને લગભગ દસથી પંદર એસિડ છે જે શરીરને પાવરફૂલ બનાવે છે.
લીચીની પણ ઘણી જાત મળે છે. બિહારી લીચી, રામબુતાન લીચી, મેગોસ્ટેન લીચી, બ્રાઉન લીચી જે તાવની દુશ્મન છે. વિટામિન સી અને બીથી ભરપૂર છે જે અલ્સર અને અલ્સરના કારણે આવતા તાવથી દૂર રાખે છે. ઉનાળાના તાવ માટે લીચી રામબાણ ઈલાજ છે. વધુ જંકફૂડ ખાવાને કારણે કે કેરી વધુ પડતી ખાઈને આવતા તાવને તરત જ દૂર કરે છે. એકથી બે દિવસ ફક્ત લીચી ખાવી અને પાણીની પટ્ટી પેટ ઉપર રાખવી.
લાલ કે સફેદ જાંબુ જેને જાવા એપલ પણ કહે છે. જે ગરમીના તાવને દૂર કરે છે. તેમાં ફુદીનો નાખી જ્યુસ પીવાથી ઘણો ફાયદો થાય છે અને શરીર ઊર્જાવાન રહે છે.
બિમલી – આ એક હલકું ખાટું ફળ છે. જે સ્વાદમાં અતિ લાજવાબ છે. જેમાં ફુદીનો, જીરું નાખીને શરબત બનાવવાથી શરીરમાં શક્તિનો સંચાર અદ્ભુત થાય છે. ગરમીનું આ અનોખું ફળ છે.
કમરખ – બજારમાં મોટા પ્રમાણમાં મળે છે. જે શરીરનો થાક ત્વરિત દૂર કરે છે. તાવ પછી થાક માટે, કમરના દુખાવા માટે લાભકારી છે. શરબત, ચટણી, સલાડ બનાવી લઈ શકાય છે.
રાયણ – આ વિટામિન બી-12 અને બી માટેનો મોટો સ્ત્રોત છે. વિટામિન બીની જરૂરિયાત ત્રણથી ચાર દિવસમાં પૂરી કરી દે છે. અલ્સર જેવા રોગમાં કે ફોડા ભરવા માટે ખૂબ જ ઉપયોગી છે.
તાડગોળા – ગરમીનું સૌથી શ્રેષ્ઠ ફળ છે. શરીરને તાજગીથી ભરી દે છે. તાવ પછીની નબળાઈ દૂર કરે છે. આમાંથી બનતો ગોળ આયર્નની કમી ત્વરિત દૂર કરે છે.
ઉનાળામાં કેરી એ તાજગી અને તાકાતનું ફળ છે પણ તે કેમિકલથી પકાવેલું ન હોવું જોઈએ.
ઉનાળામાં આવતો તાવ એ આપણી ખાવા-પીવાની ખરાબ આદત તેમજ અસમજનું પરિણામ છે. તાવ માટે ગરમાળો અતિ ઉપયોગી છે જે કબજિયાત માટે મોટું શસ્ત્ર છે. અન્ય કેમિકલવાળી દવાઓ કરતાં ગરમાળાનો ઉપયોગ દવા તરીકે કરવો હિતાવહ છે. આની કોઈપણ પ્રકારની સાઈડ ઈફેકટ નથી.
આપણ વાંચો : આહારથી આરોગ્ય સુધી : કફ-શરદી-ખાંસી વખતે શું કરવું?