તરોતાઝા

વિશેષ: પરિવારના સાથ સાથે સ્વાદ પીરસતી…

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

આજના આધુનિક યુગમાં ઘર ચલાવવાની જવાબદારી માત્ર એક જ વ્યક્તિની નથી, પણ બન્ને જીવનસાથીઓની બને છે. આર્થિક સંજોગો બદલાય છે, સ્થિતિઓ બદલાય છે, એક બીજાને સમજવાના માપદંદ બદલાય છે. ઘર બન્ને જીવનસાથીની સંયુક્ત જવાબદારી છે જ્યાં સહયોગ, સમજૂતી અને સહભાગિતા જરૂરી બને છે. ઘણી વખત એવું સાંભળ્યું હશે કે, એક મહિલાએ તેના પતિના ધંધામા સાથ આપ્યો હોય અને તેઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા, પરંતુ એવું બહુ ઓછું સાંભળ્યું હશે કે, એક પતિએ કોઈ મહિલાને સાથ આપ્યો હોય અને તેઓએ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી હોય. મુંબઈ સમાચારે અમુક એવી મહિલાઓ સાથે વાત કરી છે જેઓએ પોતે મહેનત કરી આગળ આવ્યા છે. ચાલો જાણીએ તેમના અનુભવો વિષે,

વિરાર વેસ્ટમાં રહેતા 68 વર્ષીય ગીતા સરૈયા કે જે કેટરિંગના ઉદ્યોગમાં છેલ્લાં 25 વર્ષથી છે તેઓ જણાવે છે કે, મારા લગ્ન થયા ત્યારે અમારું કપડાંનું કારખાનું હતું. ધંધો સારો ચાલે પરંતુ કારીગરોના હિસાબે ખૂબ જ હેરાન થવું પડતું હતું. તેથી મેં ઘરે રહીને કઈક આવક ઊભી કરવાનો વિચાર કર્યો. મને બાળપણથી જ ખાવાનું બનાવવાનો ખૂબ જ શોખ હતો. મને ઊંધિયું ખૂબ જ ભાવે અને બનાવવું પણ એટલું જ ગમે.જયારે હું ઊંધિયું બનવું ત્યારે હું મારા મિત્રો, પાડોશી અને મારા કઝિન્સને હંમેશાં આપતી. એક વખત મારી બહેને કહ્યું કે, તું ઓર્ડર કેમ નથી લેતી? બસ, ત્યારથી પાછા વળીને જોયું નથી. ક્યારેક એવું બનતું હોય છે કે આપણી આવડતના જયારે બીજા કોઈ વખાણ કરે ત્યારે આપણને આપણી કિમત સમજાય. સૌથી પહેલો ઓર્ડર મેં 5 કિલો ઊંધિયાનો લીધો હતો. ત્યાર બાદ મેં થેપલા સપ્લાઈ કરવાનું ચાલુ કર્યું. એક વસ્તુ મેં પહેલેથી જ વિચારેલી કે, મારે બલ્ક ઓર્ડરમાં જ કામ કરવું છે. જેમ જેમ આપણે વિચાર કરતા જઈએ તેમ આપણને કુદરતી સહાય મળતી જ રહે છે શર્ત માત્ર એટલી જ કે, તમારા વિચારો મક્કમ હોવા જોઈએ અને કામ કરવાની ધગશ હોવી જોઈએ. ધીરે ધીરે મેં થેપલા અને રોટલી હોટલોમાં સપ્લાઈ કરવાનું ચાલુ કર્યું. ત્યાર બાદ સીપ્ઝમાં દાબેલી આપવાનું ચાલુ કર્યું. જેમ જેમ ઓર્ડર મળતા ગયા તેમ તેમ કોન્ફિડન્સ પણ વધતો ગયો.’ ગીતાબહેન આગળ જણાવતા કહે છે કે,જ્યાં સુધી કંઈ ચાલુ ન કરીયે ત્યાં સુધી બધું જ અઘં લાગે છે. હું ઘરમાં રસોઈ કં અને મારા પતિ મને ડિલિવરી કરવામાં મદદ કરે. ત્યાર બાદ મેં કેટરિગ ચાલુ કર્યું. સૌથી પહેલો ઓર્ડર મેં 35 જણનો લીધેલો. રિસ્પોન્સ સારો આવતા એમાં શું નવું આપી શકીએ તે વિચારવાનું ચાલુ કર્યું. કેટરિગ સાથે સાથે એક બાજુ માત્ર ફરસાણ ચાલુ કર્યા. ફરસાણ એટલે કે, ખાંડવી, ઢોકળા, પાત્રા, ચાઈનિઝ સમોસા, અમીરી ખમણ અને અમારી સૌથી વધુ પ્રચલિત વાનગી એટલે કે, દાબેલી ઢોકળા.

ગીતાબહેન આગળ જણાવતા કહે છે કે, `કેટરિગ ચાલુ કરવું એ સેહલું નહોતું. તમારી પાસે મેન્યુની વિશેષતા અને હેલ્પર હોવા જોઈએ. સાથે સાથે મેન્જમેન્ટ પણ એટલું જ જરૂરી છે. અમુક વાનગીઓ એટલે કે, દાળ, ભાત, શાક ઘરેથી બનાવીને લઇ જવા પડે અને જે ફરસાણ હોય તેને હાફ ફ્રાઈ કરીને લઇ જવાના. પુરી અને ફરસાણ ગરમ જ હોવા જોઈએ. સૌથી પહેલો ઓર્ડર 35 જણનો હતો અને હાલમાં હું 500 સુધી કેટરિગના ઓર્ડર લઉં છું. ઉંમરના હિસાબે બધે નથી પહોંચી શકાતું. થાળીમાં પણ વેરાઈટી રાખી છે. જેમકે,150 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીની થાળી રાખી છે. મારે ઓછી કિમતે સારો અને શુદ્ધ માલ આપવો છે. મારે ઘર ઘરમાં પહોંચવું છે. મારી પાસે વધારે કિમતની થાળી પણ છે, પરંતુ જેઓનું બજેટ નથી તેઓને હું નારાજ નથી કરતી. મારાથી જે બને તે હું કરી આપું છું. આજે આખો પરિવાર મારી સાથે જોડાઈ ગયો છે અને મને સાથ આપે છે. મારું બધાને એમ જ કહેવું છે કે, જો તમારા જીવનસાથી ક્યાંક પાછા પડે તો તમે આગળ ચાલીને તે ખાડો પૂરી શકો છો. આપણા બધામાં કોઈ એવી એક ટેલેન્ટ હોય જ છે જેને આપણે વ્યવસાય બનાવી શકીએ. જરૂર છે માત્ર તમારામાં છુપાયેલા હુનરને ઓળખવાની. ‘

ઘાટકોપર ઇસ્ટમાં રહેતા 53 વર્ષીય મીના બહેન પરમાર કે જે 38 વર્ષથી થેપલા બનાવે છે તેમનું કહેવું છે કે, `મારા લગ્ન 17 વર્ષની ઉંમરે થયા હતા. મને હંમેશાં કંઈક ઠોસ કરવાની ઈચ્છા હતી એટલે કે હું જે પણ કઈ કં તેમાં માં નામ થાય. લગ્ન જલ્દી થવાને કારણે મેં મારા પતિને તેમના કામમાં મદદ કરવાનું વિચાર્યું અને સાથે સાથે મહિલાઓને જરૂરિયાતની વસ્તુઓ વેચતી. સુરતથી સાડીઓ લાવીને વેચતી. આટલા વર્ષોમાં ખ્યાલ આવી ગયો હતો કે કોઈ એકની ઇન્કમ પર ઘર નહિં ચાલે અને મારે કઈક કરવું તો પડશે જ. મને પહેલેથી જ થેપલા બનાવવાનો ખૂબ જ શોખ હતો. મને જયારે લગ્ન માટે પસંદ કરવાં આવ્યા હતા ત્યારે પણ હું થેપલા જ બનાવતી હતી. મેં મનમાં વિચારી લીધું કે જેનો શોખ છે તે વસ્તુને હું મારો વ્યવસાય કેમ નથી બનાવતી? ગમતી વસ્તુ કરવાનો ક્યારેય થાક કે કંટાળો ન આવે. વાત સો ટકાની પરંતુ શરૂઆત કેમ કરવી? એટલે મેં વિચાર્યું કે કોઈના ઘરે રોટલી બનાવવાનું કામ ચાલુ કં અને જેમના પણ ઘરે જાવ ત્યાં મારા થેપલાંની વાત કરીશ. ક્યારેક તો ઓર્ડર મળશે. કઈક કરવા માટે ઘરની બહાર નીકળવું જરૂરી છે. ધીરે ધીરે થેપલાંના ઓર્ડર મળવાના ચાલુ થયા. પહેલો ઓર્ડર 1 કિલો થેપલાંનો હતો. કામ કરતા કરતા મને બીજું એક ઘર મળી ગયું જેમાં મારે માત્ર રોટલી કરવાની. બીજા ઘરનું કામ મળ્યું અને બીજો એક વિચાર આવ્યો કે હું કોઈ રિટેલ શોપવાળાને ત્યાં મારા થેપલા અને રોટલી આપું. બસ વિચાર આવ્યો નથી કે તેને અમલમાં મુક્યો નથી. સાથે સાથે હું થેપલા બનાવવાની કંપનીમાં જોડાઈ ગઈ, જેથી મારી થેપલા વણવાની ઝડપ વધી ગઈ. હું દિવસના 60 થી 65 કિલો થેપલા કરતી અને તેની મજૂરી ખૂબ જ ઓછી, પરંતુ જો કઈ શીખવું હોય તો ભોગ આપવો પડે.

મીના બહેન આગળ જણાવતા કહે છે કે, ભલે મને 60-65 કિલો થેપલા કરવાની મજૂરી ખૂબ જ ઓછી મળતી , પરંતુ મારો હાથ ખૂબ જ સારા બેસી ગયો હતો. સાથે સાથે હું મારા બનાવેલા થેપલા પણ વેચતી. આજે તમને 30 કિલો થી લઇ 50 કિલો જેટલા થેપલા 1 દિવસમાં મળી રહેશે માત્ર 1 દિવસ પહેલા જણાવવાનું હોય છે. મેં મક્કમ રહીને વિચારેલું કે, મારી માસ્ટરી માત્ર થેપલા, રોટલી અને પરોઠામાં કરવી છે. ધીરે ધીરે બધી દુકાનોમાં હું થેપલા, રોટલી અને પરાઠા આપતી રહી. 1 કિલો થેપલાંથી શરૂ કરેલું કામ ક્યારે 70 કિલો થેપલા સુધી પહોંચી ગયું એની ખબર જ ન પડી. હવે તો મને બધા મીનાબહેન થેપલાવાળા તરીકે ઓળખે છે. આ ઓળખ માટે મેં કેટલો ભોગ આપ્યો છે અને કેટલો અથાગ પરિશ્રમ કર્યો છે તે મારું મન જ જાણે છે.

મીના બહેન આગળ જણાવતા કહે છે કે જો તમારે માર્કેટમાં ઊભા રહેવું હોય તો તમારે કઈક નવું કરવું પડે. એટલે મેં થેપલાંમાં વેરાઈટી આપવાનું ચાલુ કર્યું એટલે કે, સાદા થેપલા, મેથી વાળા, ગાર્લિક, કોથમીર અને બાજરા મેથીના થેપલા. આવી રીતે મારી પાસે 5થી 6 ટાઈપના થેપલાં મળી રહે છે. સાથે સાથે એવો પણ વિચાર આવ્યો કે, જે પણ ઓર્ડર લેવા આવે ત્યારે જો કોઈ સૂકો નાસ્તો રાખ્યો હશે તો તે પણ ઊપડશે. એટલે મેં 6 થી 7 બેઝિક સૂકા નાસ્તા વેચવાનું ચાલુ કર્યું. એમાં પણ મને સારો પ્રતિસાદ મળ્યો. હવે મેં બે બહેનો રાખ્યા છે. આ બધું કામ નાના પાયાથી મોટા પાયા સુધી લઇ જવામાં માત્ર એક વાતનો સંતોષ હતો કે મારે કોઈની પાસે મારી જરૂરિયાત પૂરી કરવા માટે હાથ નહિં લંબાવવો પડે. અને જ્યારે આપણે આપણા પૈસા ખર્ચ કરીયે ત્યારે તેનો આંનદ જ કઈક અલગ હોય.. મીનાબહેન પોતાની વાત પૂરી કરતા કહે છે કે, ગૃહિણીઓ પાસે એટલી બધી કળાઓ અને ખૂબીઓ હોય છે કે તેઓ તેને ઓળખીને આગળ લાવી શકે અને તમે તમારા શોખને વ્યવસાયમાં બદલી શકો.

આપણ વાંચો : વિશેષ : પરિવારના સાથ સાથે સ્વાદ પિરસતી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button