તરોતાઝા

મોજની ખોજ: ધોળિયો હોય કે કાળિયો… બધાના લોહીનો રંગ લાલ!

મોજની ખોજ -સુભાષ ઠાકર

મંદિરમાં એકલો એકલો બોર થયેલો નવરો ઈશ્વર જેમ કોઈ ભક્તની રાહ જોતો હોય એમ ડોક્ટર ચંબુપ્રસાદ પોતાના
દવાખાનામાં કોઈ દર્દીની રાહ જોતાં નવરાધૂપ બેઠેલા. જાણે પોતે જ ડોક્ટર ને પોતે જ દર્દી…ત્યાં મેં જાજરમાન પ્રવેશ કર્યો ને ડોક્ટર બોલ્યા ‘ઠાકર, પહેલા તો તમારી આંખમાં દવાના બે ટીપાં નાખવા પડશે’

હું તો ચમક્યો : ‘અદ્ભુત, અવિચારનીય, અકલ્પનીય. યુ આર જિનિયસ તમે ફેસ રીડર પણ છો? સાલુ, હજી તો મેં કીધુ જ નથી કે મારી આંખો નબળી છે તો આપને આ બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવ્યું કે ..’

‘અરે ટોપાલાલ, તમે અહીં બારણાંને બદલે બારીમાંથી ટપકયા એટલે મને બત્તી થઈ કે..’.

‘હા, ‘મારી આંખો નબળી છે એ તમારું નિદાન બરાબર છે’ આટલું કહી જાણે સલૂનમાં દાઢી કરવા આવ્યો હોઉ એમ ખુરશી પર બેસાડી આંખમાં દવાના બે ટીપાં નાખી શીશીનું ઢાંકણું ખોલતા હોય મારી ડોક મરડીને છોડી તો દસ સેક્ધડ સુધી મારી ડોક ધડ પર કથ્થક કરવા લાગી ને પછી ડોકમાંથી બાળકના ગલ્લામાંથી પરચુરણ ખખડતું હોય એવો ખણખણ અવાજ આવ્યો ને અંદરથી હું હલબલી ગયો.’

‘સર, આમ જો ડોક ધડથી છૂટાછેડા લેશે તો સમાજમાં મોઢું શું બતાવીશ?’

‘પણ તમારે આ ઉંમરે મોઢું કે બીજા અંગ બતાડી કામ શું છે? આંખ રિપેર થઈ જશે. હવે બોલો બીજી તકલીફ શું છે?’

‘બીજી તકલીફમાં તો શ્વાસ બહુ ચડે છે.’ મેં કીધું
‘એ પણ હું બંધ કરી દઇશ. શ્વાસ બંધ કરવામાં તો મારી માસ્ટરી છે. આ પહેલાં પણ મેં ઘણાના ચડતા શ્વાસ બંધ કર્યા છે, પણ તમારું લોહી હજી એકવાર ટેસ્ટ કરવું પડશે’ ડોક્ટર બોલ્યા.

‘અલ્યા ભઇ ડોક્ટર, હજી એકવાર એટલે?’ મારી ખચકી :
‘લોહી તો કઇ દાળ, સૂપ કે બાસુંદી છે કે ટેસ્ટ કર્યા કરો છો? સાત સાત વાર તો ચેક કર્યું ને કઇ આવતું તો નથી.. ન ડાયાબિટિશ, ન કોલોસ્ટ્રોલ, ન બીજી કોઈ ખરાબી.’

‘એટલે જ બકા, કઇ આવવું તો જોઈએ ને?’ ડોક્ટર ઉવાચ
‘તમે કેટલું સારું સારું…. લોહીમાં કઇ ન આવે તો ખર્ચો માથે ન પડે?

‘યાર, લોહી તમે ઉપર સાથે લઈ જવાના છો?’

‘અરે, હું તો નથી લઈ જવાનો પણ તમારે મારું બધું લોહી ભેગું કરી દુકાન ખોલી બહાર પાટિયું મારવું છે કે ‘અહીં તાજું ને પીવાલાયક લોહી મળશે. તમારે ચાની કિટલીની જેમ લોહીની કીટલી લઈ વેચવા નીકળવું છે ‘લ્યો આવી ગયું લોહી એ-નેગેટિવ બી..પોઝેટિવ.. લાલ લાલ લોહી…’

‘અરે, એમાં કેટલા રક્તકણ, શ્વેતકણ કેટલું હિમોગ્લોબિન એ તપાસવું તો પડે ને? ને જીવવું હોય તો દસ વાર પણ કરાવવું પડે, સમજ્યા?’

‘અરે નથી જીવવું બસ.. તમેં નસ ન ખેંચો. એક વાત કઉ? યુ બિલીવ?

જીવનભર આ પરિવાર ને સંસારના લોકો ચા-કોફી-સરબત પીવડાવી બદલામાં એટલું લોહી પી ગયા કે હવે હું ટેસ્ટ કરવા પણ આપું તો પણ મારું જેશ્રી કૃષ્ણ થઈ જાય. લોહી આપવું એ કઇ દસના છુટા આપવા જેટલું સહેલું નથી મને એ કહો કે આ ટેસ્ટનું ચક્કર ક્યાં સુધી ચાલશે?’

‘અરે, અંદર લોહી હશે ત્યાં સુધી પીશે આઈ મીન ચેક કરશે’

‘અરે, આ લોહીમાં કેટલી ખાનદાની છે એ ચેક કરોને? એ ક્યાં પકડાય છે?.. સાચું કઉ તો આ શરીરની પીડા લઈને જીવ્યા તોય શું ને ન જીવ્યા તોય શું? સાલું આ શરીરના અવયવો સાચવવામાં જ જિંદગી પૂરી થઈ જાય એના કરતાં ‘સ્વ’માંથી ‘સ્વર્ગસ્થ’ થઈ જવું સારું.. એમાંને એમાં મારી કેટલી મહેનત પાણીમાં ગઈ’

‘કઇ મહેનેત?’ ડોક્ટરે પૂછયુ.ં

‘આ જુવાનીને જાળવવાની ને વૃદ્ધત્વને ટાળવાની. જિંદગીની મુસાફરીની ટ્રેન જનમના પારણાથી શરૂ થઈ સ્મશાનના બારણાં સુધી સડસડાટ ચાલી જાય છે…ક્યાંય રોકાતી નથી.’

‘રોકાઈ જાય બકા, રોકતા આવડવી જોઈએ. અચ્છા, સવારે ચાલો છો?’ ડોક્ટરે મને પૂછયું
‘યસ, રોજ સવારે બે કપ બપ્પોરે એક કપ, ને રાત્રે વાઈફ સાથે એક ..એટલે ચાર કપ..ચા ’

‘અરે ટોપા, મેં પૂછયું: ચાલો છો એટલે ચાલવા જાઓ છો? રામદેવબાબા કહે છે કે ચાલીસ પછી અગર તું ચાલીસ મિનિટ પણ નઇ ચાલીશ તો ક્યાંય નઇ ચાલીશ.’

‘તંબૂરો, યુ નો આ રામદેવબાબાનો… હવે તમેજ કહો ને આ સસલુ જનમથી જ કેટલી દોડાદોડ, ઉછળકૂદ કરતું જ રહે છે પણ આયુષ્ય માત્ર પંદર કે સોળ વર્ષ. ને પેલો ધીમી ગતિના સમાચાર જેવો આળસુનો પીર કાચબો જમવા સિવાય એક જગાએ ડોકી અંદર રાખી પડ્યો જ રહે છે ને આયુષ્ય 300 વર્ષ.. ! બાકી આ ચાલવા- બાલવાનું ગયું ભાડમાં. મોજમાં રહેવાનું. બાકી શ્વાસોચ્છવાસનો હિસાબ પૂરો થાય એટલે આ શરીર પાછું રિ-ડેવલોપમેન્ટ માટે ઈશ્વરને પરત આપી જ દેવું પડે એમાં રોજ ચાલો તોય તમારું કઇ ન ચાલે. બાકી ડોક્ટરબાબુ, હિંમત હોય તો સાચું કહેજો અમારા રોગ પર તમારી તંદુરસ્તી નભે છેને?

કાશ્મીરનો ધાળિયો હોય કે મદ્રાસનો કાળિયો હોય અંદર તો લોહી બધાનું લાલ જ હોય એમ મંદિર, મસ્જિદ, દેરાસર કે ચર્ચ ભલે અલગ પણ અંદરનો પરમાત્મા એક જ છે. ભાગલા જમીનના થાય આકાશના નઇ એટલે હું જૈન, હું હિન્દુ, હું મુસ્લિમ આ બધું ભૂલી જઈ હું ઈશ્વરે મોકલેલો તેનો જ અંશ ને વંશ છું એ વિચારીએ તો.. બોલો ડોક્ટર.. ! શું કહો છો?’

આપણ વાંચો: મોજની ખોજ : સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button