આરોગ્ય પ્લસ : ચક્કર કે મૂર્છા આવવી…

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આ વખતે જાણીએ કોઈને અચાનક ચક્કર આવવા લાગે તો પ્રાથમિક સારવારરૂપે શું ઉપચાર કરવા…
મૂર્છા આવવાનાં લક્ષણ
- મગજને પૂરતું લોહી ન મળતા વ્યક્તિ થોડો સમય બેભાન થઈ જાય છે.
- ધબકારા ઓછા થઈ જવા અને આંખે અંધારા આવવા.
- ચામડી ઠંડી થઈ જવી અને શરીરમાં વધારે પરસેવો વળવો.
- માથું ફરવા લાગે અને શરીરનું સંતુલન ન રહે.
- પેટમાં દુ:ખાવો ઉપડે.
Also read : ટાઈટ જીન્સનો શોખ કેવી કેવી સમસ્યા સર્જી શકે?
ચક્કર આવવાનાં કારણ:
- બ્લડપ્રેશર કે બ્લડસુગરમાં ફેરફાર થવાથી
- ખૂબ જ ભૂખ અને તરસ લાગવાથી
- શરીરમાં વધુ પડતો દુ:ખાવો થવાથી
- વધુ પડતી ઠંડી-ગરમીમાં રહેવાથી
- ખૂબ જ માનસિક બોજમાં જીવવાથી
- મૂર્છા આવે ત્યારે આપણે શું કરવું?
- એ વ્યક્તિને જમીન પર ખુલ્લા વાતાવરણમાં વ્યવસ્થિત સૂવડાવી દેવી.
- જો એણે કોઈ ફીટ કપડાં પહેર્યાં હોય તો તરત જ ઢીલાં કરી નાખવાં.
- બંને પગ ઊંચા કરવા, જેથી મગજ સુધી લોહી પહોંચે.
- મૂર્છા ઊતરી ગઈ હોય, તો પણ એને 15-30 મિનિટ સુધી સુવડાવી રાખવા. ત્યાર પછી ધીરે-ધીરે ઊભા કરવા.
- ખાંડવાળું પાણી કે ફ્રૂટજ્યુસ પિવડાવવું. આપણને ખુદને ચક્કર કે મૂર્છા આવે ત્યારે શું કરવું?
- તરત જ જે કાંઈ ક્રિયા કરતા હોય તે બંધ કરીને નજીકની ખુલ્લી જગ્યામાં બંને પગ માથાથી ઊંચા રહે તે રીતે સૂઈ જવું.
- અથવા બંને પગ વચ્ચે માથું રહે તે રીતે બેસી જવું, જેથી મગજને લોહી મળે.
- ઊંડા શ્ર્વાસ લેવા, જેથી મગજને પ્રાણવાયુ મળે.
- મૂર્છા ઊતરી ગયા પછી 15-20 મિનિટ સુધી સૂઈ રહેવું. ત્યાર પછી ધીરે-ધીરે ઊભા થવું.
ચક્કર કે મૂર્છાના ઉપચાર
1) શરીરમાં પાણીનું પ્રમાણ જરૂર કરતાં ઓછું ન થઈ જાય તે માટે વરિયાળી અને સાકરનું પાણી પીવું.
2) હાથની આંગળી વડે કાનને ખેંચવો. જેથી કાનનું પ્રેશર સંતુલિત રહે છે અને મગજને લોહી મળે છે.
3.) નાકમાં હૂંફાળાં ઘીનાં ચાર-પાંચ ટીપાં નાખવાં. જેથી મગજને શુદ્ધ પ્રાણવાયુ મળે.
4) બેભાનીમાં નાકમાં મરીનું ચપટી ચૂર્ણ ભૂંગળી વડે ફૂંકતા તરત જ દર્દી ભાનમાં આવે છે.
વારંવાર આવતા ચક્કરના અસરકારક ઉપચાર
1) આમળાનું ચૂર્ણ અને સાકર બંને 1-1 ચમચી ઘી સાથે રોજ લેવું.
2) એકાદ ચમચી બદામનો ભૂકો, 1 ચમચી ઘી અને સાકર દૂધ સાથે લેવું.
3) અડધી ચમચી ઘી- 1 ગ્રામ મરીનું ચૂર્ણ અને અડધી ચમચી સાકર ભેગું કરીને લેવું.
4) તુલસીના 10 પાન સાથે 2 મરી સવાર-સાંજ ચાવવા.
મુસાફરીમાં બેચેની થાય તો શું?
લક્ષણ: ઊલટી થવી, ચક્કર આવવા, માથું દુ:ખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીરમાં બેચેની અનુભવવી વગેરે.
કારણ….
મુસાફરી દરમિયાન જયારે આંખ અને કાન દ્વારા મગજને શરીરની ગતિ વિશે વિરોધાભાસી સંકેતો મળે છે ત્યારે બેચેની થાય છે. આપણે ગાડી, બસ, સ્ટીમર કે પ્લેનમાં મુસાફરી કરતા હોઇએ ત્યારે આપણે એક જગ્યાએ બેઠા હોવાથી આંખ મગજને શરીરની સ્થિરતાના સંકેતો પહોંચાડે છે. તે જ વખતે વાહનનાં થતાં હલન-ચલન અને વાઇબ્રેશનને કારણે જાણે શરીર હલન-ચલન કરી રહ્યું છે, એવા સંકેતોને કાન મગજને પહોંચાડે છે. આમ જયારે આંખ અને કાન દ્વારા મગજને વિરોધાભાસી સંકેતો મળે છે ત્યારે મુસાફરી દરમિયાન શરીરમાં કોઇક રીતે બેચેની કે ગભરામણ અનુભવાય છે.
ઉપચાર: મુસાફરી પહેલાં આદુંના 1-2 નાના ટુકડા ખાઇ લેવા.
મુસાફરી દરમિયાન મોઢામાં લવિંગ, એલચી કે તજ રાખી ચૂસતા રહેવું.
હૂંફાળા પાણીમાં 1 ચમચી મધ તથા અડધા લીંબુનો રસ મેળવીને પીવું.
1 ગ્લાસ સફરજનનું તાજું જયૂસ પીવું.
Also read : આરોગ્ય પ્લસ -ઃ મસા, હરસ ને ભગંદર… આ બીમારી કેટલી ત્રાસદાયક છે?
સાવધાની…
- મુસાફરી પહેલાં કે તે દરમિયાન ભારે, તળેલાં, મસાલેદાર અને નશાવાળા (ચા, કોફી વગેરે) પદાર્થો ન લેવાં.
- સાવ ભૂખ્યા પેટે પણ મુસાફરી ન કરવી.
- માથું શકય હોય એટલું ઓછું હલાવવું.
- મુસાફરી દરમિયાન વાંચવાની કે ટી. વી. જોવાની ટેવ ન પાડવી.
- ગાડીમાં આગલી સીટે ન બેસવું અને અમુક સમયે બારીમાંથી બહાર જોતા રહેવું.
- વિમાનની મુસાફરી દરમિયાન બારીની સાઇડની અને પાંખોની સીટની માંગણી કરવી. કેમ કે, ત્યાં ખૂબ જ ઓછા ધક્કાઓ લાગવાની સંભાવના હોય છે.
- મુસાફરી દરમિયાન તાજી હવા લેતા રહેવું. જે વાહનોમાં પાછળની સીટોમાં ઓછી બારીઓ હોય છે, ત્યાં હવાનું વ્યવસ્થિત પરિભ્રમણ હોતું નથી. તેથી આ બીમારી અનુભવાતી હોય છે. માટે ગાડીમાં બેઠા હોઇએ ત્યારે માત્ર એ. સી.ની ઠંડી હવા પર નિર્ભર ન રહેતા અમુક સમયે ગાડીની બારીઓ ખોલતા રહેવું.
- જયારે વધારે મુશ્કેલી અનુભવાય ત્યારે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવા. શાંત સંગીત સાંભળતા રહેવું.
- જે વાહનોમાં સામ-સામે સીટો હોય (જેમ કે ટ્રેન, બોટ) તેમાં વાહન જે દિશામાં જતું હોય તે દિશા તરફની સીટમાં બેસવું.
- અમુક લોકો પહેલેથી જ એવી માનસિકતા રાખતા હોય છે કે, મુસાફરી દરમિયાન તેમને તકલીફ થશે જ, પરંતુ તે ખોટી માનસિકતાનો ત્યાગ કરવો.