આરોગ્ય વીમાના પ્રીમિયમમાં ઘટાડો સંભવ છે: કઈ રીતે?

નિશા સંઘવી
આરોગ્ય વીમો દરેક પરિવારની મૂળભૂત જરૂરિયાત બની ગયો છે. આજે જીવનશૈલીને લગતી બીમારીઓનું પ્રમાણ પણ ભરપૂર વધ્યું છે. એની સામે તબીબી સારવારના ખર્ચમાં પણ સતત ધરખમ વધારો થઈ ગયો છે. આવા વખતમાં દરેક પરિવાર માટે પૂરતું આર્થિક રક્ષણ આપનારો આરોગ્ય વીમો આવશ્યક હોય છે. જો કે, આરોગ્ય વીમાના પ્રીમિયમનો બોજ માણસની કમર તોડી નાખે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને આ બોજ ઘણો ભારે પડે છે.
આવી સ્થિતિ પરિસ્થિતિમાં કવરેજ સાથે બાંધછોડ કર્યા વગર ઓછા ખર્ચે આરોગ્ય વીમો મળે એનો કોઈ વિકલ્પ છે ખરો?
આરોગ્ય વીમો તમારા ખિસ્સાને પરવડે એવો રાખવા માટેના કેટલાક રસ્તા આ પ્રમાણે છે:
1) શરૂઆત વહેલી કરો:
હવે તો લગભગ બધા જ લોકો જાણી ગયા છે કે આરોગ્ય વીમો હોય કે જીવન વીમો હોય, નાની ઉંમરે કઢાવી લેવાય તો એનું પ્રીમિયમ ઓછું હોય છે. દાખલા તરીકે, પાંચ લાખ રૂપિયાના આરોગ્ય વીમા માટે 25 વર્ષના યુવાનને લાગુ પડતું પ્રીમિયમ એ જ પોલિસી માટે 40 વર્ષની વ્યક્તિને લાગુ પડતા પ્રીમિયમ કરતાં ઓછું હોય છે. વળી, નાની ઉંમરે આરોગ્ય વીમો લઈ લીધો હોય તો શક્ય છે કે કોઈ પ્રિ-એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય નહીં. પ્રિ-એક્ઝિસ્ટિંગ ડિસીઝ વગરની પોલિસીનું પ્રીમિયમ પણ ઓછું હોય છે. ઉપરાંત, કોઈ પ્રિ-એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય તો એનો વેઇટિંગ પિરિયડ પણ જલદી એટલે કે નાની ઉંમરમાં જ પૂરો થઈ જાય.
2) વધુ ડિડક્ટિબલ રાખો અથવા કો-પે રાખો:
આજકાલ આપણે ત્યાં ઘણી આરોગ્ય વીમા કંપની વીમાધારકને સ્વૈચ્છિકપણે ડિડક્ટિબલનો અથવા કો-પેનો વિકલ્પ પૂરો પાડે છે. તમને એમ લાગતું હોય તો કોઈ પણ ક્લેમ આવશે તો અમુક રકમ સુધીનો ખર્ચ ભોગવવાની તમારી તૈયારી છે તો એવી સ્થિતિમાં તમે એ રકમને ડિડક્ટિબલ તરીકે રાખી શકો. બીજા શબ્દોમાં કહીએ તો, તમારો કોઈ ક્લેમ આવે તો આરોગ્ય વીમા કંપની એ ક્લેમની રકમમાંથી ડિડક્ટિબલની રકમ ઓછી કરીને ઉપરની-વધારાની રકમ તમને ચૂકવવા બંધાયેલી રહેશે. જ્યારે ક્લેમમાંથી કાપવાની રકમ ટકાવારી સ્વરૂપે હોય ત્યારે એને કો-પે કહેવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે તમારો કોઈ ક્લેમ આવશે ત્યારે એ ટકાવારી પ્રમાણેની રકમ કાપીને ઉપરના પૈસાનો ક્લેમ કંપની તમને ચૂકવશે. આ કો-પે 20 ટકા કે એની આસપાસની કોઈ ટકાવારી સ્વરૂપે હોય છે. ડિડક્ટિબલ અને કો-પેનો વિકલ્પ લીધો હોય તો આરોગ્ય વીમાનું પ્રીમિયમ ઓછું આવતું હોય છે. આવા પ્રકારે વીમો લેવાય ત્યારે તમારે તમારા ખિસ્સામાંથી અમુક રકમ ભરવી પડશે અને તેથી એના માટેની જોગવાઈ કરીને રાખવી પડશે એ ધ્યાનમાં લેવું ઘટે.
3) ટોપ-અપ કે સુપર ટોપ-અપ પ્લાનની પસંદગી કરો:
આરોગ્ય વીમામાં બેઝ કવર ઉપરાંત ટોપ-અપ અને સુપર ટોપ-અપ એ બન્ને પ્રકારના પ્લાન ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે બેઝ કવરનું પ્રીમિયમ જ વધારે હોય છે. ટોપ-અપ અને સુપર ટોપ-અપ પ્લાનનું પ્રીમિયમ ઓછું હોય છે. તમારા બેઝ પ્લાનની રકમ કરતાં વધારે રકમનો ક્લેમ આવે ત્યારે જ એમાંથી ચૂકવણી થવાનો સવાલ આવે છે, જેમકે તમારે બેઝ પ્લાન 3
લાખ રૂપિયાનો છે. તમે એની ઉપર 10 લાખ રૂપિયાનું સુપર ટોપ-અપ લીધું. છે તો એ સુપર ટોપ-અપનું પ્રીમિયમ ઓછું હશે, પણ તમને 3 લાખ રૂપિયાની ઉપરના ખર્ચ માટેનું આર્થિક રક્ષણ મળી રહેશે. સામાન્ય રીતે મોટાભાગના ક્લેમ અમુક મર્યાદામાં જ આવતા હોય છે. આથી એની ઉપરની રકમ માટે ટોપ-અપ અને સુપર ટોપ-અપ આપવાનું આરોગ્ય વીમા કંપનીઓને અનુકૂળ પડતું હોય છે. બીજી બાજુ, ન કરે નારાયણ ને વીમાધારકને બેઝ કવર કરતાં વધુ મોટી રકમનો ક્લેમ આવે તો એ સુપર ટોપ-અપ અને ટોપ-અપની મદદથી એ ખર્ચને પહોંચી વળી શકે છે.
4) ફેમિલી ફ્લોટર પ્લાન લેવો:
પરિવારની દરેક વ્યક્તિનો અલગ અલગ આરોગ્ય વીમો લેવા જઈએ તો ઘણો વધારે ખર્ચ થઈ જાય. એને બદલે પતિ-પત્ની, સંતાનો અને માતા-પિતા એ બધાંનો ફેમિલી ફ્લોટર પ્લાન ઓછા ખર્ચે મળતો હોય છે. પરિવારમાં એક સાથે બધા જ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે એવું ભાગ્યે જ બનતું હોય છે. આમ, ફેમિલી ફ્લોટર પ્લાન વીમાધારક અને વીમા કંપની બન્નેને પરવડે એવો વિકલ્પ હોય છે.
5) આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવો:
માંદા પડો તો જ તમને મેડિક્લેમની જરૂર પડે ને? હા, એટલે જ કહેવાનું કે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવો તો તમારે તબીબી સારવારની જરૂર જ પડે નહીં. આ જ કારણ છે કે આરોગ્ય વીમા કંપનીઓ પણ વીમાધારકને મફતમાં કે ઓછા ખર્ચે વેલનેસ પ્રોગ્રામ ઑફર કરતી હોય છે. તમે રોજ ચાલવા જવાનો કે બીજો કોઈ વ્યાયામ કરો તો કંપનીની મોબાઇલ ઍપ્લિકેશનમાં એની નોંધ કરીને તમે પ્રીમિયમમાં રાહત મેળવી શકો છો અથવા તો વધારાના બેનિફિટ મેળવી શકો છો. ધૂમ્રપાન બંધ કરવામાં આવે, બહારનું ખાવાનું ઓછું કે બંધ કરવામાં આવે, નિયમિતપણે વ્યાયામ કરવામાં આવે તો તંદુરસ્તી જાળવવાનું સહેલું બની જાય છે. આ જ રસ્તે તમે આરોગ્ય વીમાના પ્રીમિયમની રકમમાં ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આખરે, આરોગ્ય વીમા કંપની પણ ઈચ્છે છે કે તમે માંદા પડો નહીં. જો તમે માંદા પડો તો એમણે જ તમારા ક્લેમ વખતે નાણાં ચૂકવવાં પડે છે.
6) વીમા કંપનીઓના પ્રીમિયમની તુલના કરો:
આજકાલ દરેક માહિતી આંગળીને વેઢે ઉપલબ્ધ છે. તમારે અલગ અલગ આરોગ્ય વીમા કંપનીઓના પ્લાન અને એના બેનિફિટ તથા પ્રીમિયમની જાણકારી મેળવી લીધા બાદ જ વીમો ખરીદવાનો કે ખરીદેલા પ્લાનનું નવીનીકરણ કરાવવાને લગતો નિર્ણય લેવો. તમને હાલની કંપની કરતાં વધુ સારા લાભ અને ઓછા ખર્ચે બીજી કોઈ કંપનીની પોલિસી મળતી હોય તો એ લેવામાં કશું ખોટું નથી. જો કે, તમારે આ ચકાસણી ઝીણવટભરી રીતે કરવી જરૂરી છે.
7) ઍડ ઓનની પસંદગી:
વીમાના લાભ અલગ અલગ ઍડ ઓન તરીકે મળતા હોય છે. એમાં મેટરનિટી કવર, ઓપીડી બેનિફિટ, રૂમ રેન્ટ વેઇવર, વગેરે જેવા ઍડ ઓન હોય છે. એ બધાં કહેવા માટે સારા, પરંતુ દરેક પરિવારની જરૂર ન હોય એવું શક્ય છે. હાલ જેની જરૂર ન હોય એ ઍડ ઓન લેવું નહીં. દાખલા તરીકે, જે પરિવારમાં આવનારાં કેટલાંક વર્ષો સુધી કોઈને બાળક થવાનું નથી તો મેટરનિટી કવરની જરૂર જ નથી. ઍડ ઓન વિશે નિર્ણય લેતાં પહેલાં આરોગ્ય વીમાનો પ્લાન બરોબર સમજી લેવો જરૂરી છે.
8) ‘નો ક્લેમ બોનસ’નો લાભ લો:
આરોગ્ય વીમા કંપનીઓને તો એ જ જોઈતું હોય છે કે તમારી પોલિસીમાં કોઈ ક્લેમ આવે નહીં. આથી, એ જે વર્ષે તમારો કોઈ ક્લેમ આવ્યો ન હોય એ વર્ષ માટે ‘નો ક્લેમ’ બોનસ આપતી હોય છે. નો ક્લેમ બોનસને લીધે તમારું પ્રીમિયમ વધ્યા વગર તમારા મેડિકલ કવરની રકમ વધી જાય છે. નાના-નાના ક્લેમ કરવાને બદલે નો ક્લેમ બોનસ ભેગી કરવાનું ઘણી વખત ફાયદાકારક પુરવાર થતું હોય છે. આથી આ ઝીણી બાબતનું પણ ધ્યાન રાખવું.
9) પ્રીમિયમની ચુકવણી વાર્ષિક ધોરણે કરો:
તમે પ્રીમિયમની ચુકવણી દર મહિને, દર ત્રણ મહિને કે વાર્ષિક ધોરણે કરી શકો છો. વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવો તો એમાં ડિસ્કાઉન્ટ મળે છે. તમને એક સાથે મોટી રકમ કાઢવાનું ફાવતું હોય તો વાર્ષિક ધોરણે જ પ્રીમિયમ ચૂકવવું સારું.
ટૂંકમાં…
આરોગ્ય વીમાનું પ્રીમિયમ ઘટાડવા માટે આડેધડ માર્ગ અપનાવવાની નહીં, પરંતુ સમજી-વિચારીને પગલાં ભરવાની જરૂર હોય છે. ઉપરોક્ત મુદ્દાને ધ્યાનમાં રાખશો તો આરોગ્ય વીમીની યોગ્ય પોલિસીનો તમે યોગ્ય નિર્ણય લઈ શકશો.
આપણ વાંચો : આરોગ્ય વીમા પૉલિસીની કંપની કેવા સંજોગોમાં બદલવી જોઈએ?