ડાઇવર્સિફિકેશન નથી કર્યું?

ગૌરવ મશરૂવાળા
સામાન્ય રોકાણકાર વાતો તો મોટી મોટી કરતો હોય છે, પરંતુ જોખમોથી બચીને ચાલવાનું પસંદ કરે છે અને ડરી ડરીને નિર્ણયો લેતો હોય છે. તેનું વર્તન અસ્થિર હોય છે અને કોઈપણ જોખમભરી પરિસ્થિતિમાં ઝડપથી બહાર નીકળી જાય છે’
- ડેનિયલ ક્ધહમેન
શરદભાઈ ગાંધી એક દિવસ પોતાના રોકાણના આખા પોર્ટફોલિયો સાથે મારી પાસે આવ્યા. રોકાણો સંતુલિત અને ડાઇવર્સિફાઇડ હોવાં જોઈએ એવું એમણે ક્યાંક વાંચ્યું હતું તેથી પોતાનાં રોકાણો એવાં છે કે કેમ તે જાણવાની એમની ઈચ્છા હતી. પોર્ટફોલિયો પર નજર કરતાંવેંત મેં કહ્યું કે આમાં ક્યાંય ડાઇવર્સિફિકેશન દેખાતું નથી. પહેલાં તો એમને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું, પણ પછીથી સમજાયું કે હું એ વિશે ખરેખર ગંભીર હતો.
શરદભાઈના પોર્ટફોલિયોમાં એમણે જાતે ઈક્વિટીમાં કરેલું રોકાણ, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તથા ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરવા માટેની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમનું રોકાણ હતું. આમ એમનો આખો પોર્ટફોલિયો ઈક્વિટીનો હતો.
એમનો આ પોર્ટફોલિયોને જોઈને મને ઘણાં વર્ષો પહેલાંનો બીજા એક વડીલનો કિસ્સો યાદ આવ્યો. એમનાં રોકાણોમાં બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને સરકારી બોન્ડ સામેલ હતાં. આમ, એમનો આખો પોર્ટફોલિયો ડેટ સાધનોથી ભરેલો હતો.
આવું ફક્ત શરદભાઈ કે પેલા વડીલ સાથે થતું નથી. મોટાભાગના રોકાણકારો અલગ અલગ સાધનોમાં રોકાણ કરતા હોય છે, અલગ અલગ ઍસેટ ક્લાસમાં નહીં. સામાન્યપણે ઈક્વિટી, ડેટ, સોનું અને રિયલ એસ્ટેટ એમ ચાર પ્રકારના ઍસેટ ક્લાસ છે. ક્યારેક આપણે એ દરેક વિશે વિગતવાર ચર્ચા કરીશું, પણ આજનો આપણો વિષય ડાઇવર્સિફિકેશનને લગતો છે.
ઉક્ત અલગ અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ, જાતે કરાતું રોકાણ, વગેરે માધ્યમ છે. ધારો કે આપણે મુંબઈથી રાજકોટ જવું છે. આપણે ટ્રેન, પ્લેન, પોતાની કાર, બસ એ બધામાંથી કોઈ પણ સાધન પસંદ કરી શકીએ છીએ. આપણું ધ્યેય રાજકોટ સુધી પહોંચવાનું છે અને તેના માટે આ બધાં અલગ અલગ સાધન છે.
પોર્ટફોલિયોના એકંદર જોખમને ઘટાડવા માટે અલગ અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ કરવું જરૂરી છે. કોઈકે સાચું જ કહ્યું છે, જો તમારા પોર્ટફોલિયોનો અમુક હિસ્સો નુકસાનમાં જતો ન હોય તો સમજવું કે તમે પૂરતું ડાઇવર્સિફિકેશન કર્યું નથી.
બીજી તરફ, કેટલાક લોકોને રિયલ એસ્ટેટના રોકાણ પ્રત્યે ખાસ પ્રીતિ હોય છે. એક વાર મોટી ઉંમરનાં એક વિધવા બહેન મારી ઑફિસે આવ્યાં હતાં. પતિ એમના માટે કુલ 8.25 કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો મૂકી ગયા હતા. એ ઉપરાંત તેમનું રહેણાંક પણ હતું. તેમાંથી 7.50 કરોડનું મૂલ્ય તો વરલીમાંના એક ફ્લેટનું જ હતું. અન્ય રોકાણોમાં બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને જાતે લીધેલા કેટલાક ઈક્વિટી શેરનો સમાવેશ થતો હતો. તેમની પાસે સંપત્તિ સારી એવી કહી શકાય એટલી હતી, પરંતુ રોજિંદા ખર્ચની પળોજણ થતી હતી. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મને વિચાર આવ્યો કે જો એમને કોઈ લાંબી બીમારી આવી જાય તો શું? આ પોર્ટફોલિયો પણ ડાઇવર્સિફાઇડ કહેવાય નહીં.
ડાઇવર્સિફિકેશન કરીએ નહીં એ પણ એક પ્રકારનું જોખમ છે. મોટાભાગના રોકાણકારો આ જોખમની અવગણના કરતા હોય છે, કારણ કે દરેકને ઈક્વિટી, સોનું, રિયલ એસ્ટેટ અને ડેટ એ બધામાંથી કોઈ એક ઍસેટ ક્લાસ પ્રત્યે વળગણ હોય છે. આવું થવાની પાછળનાં કારણો અનેક હોઈ શકે છે. અમુક ઍસેટ ક્લાસમાં એક વખત ઊંચું વળતર મળ્યું હોઈ શકે છે અથવા તો કોઈ એક પ્રકારના રોકાણમાં ખરાબ અનુભવ થયો હોઈ શકે છે. ખરાબ અનુભવની વાત આવે ત્યારે બધાને ઈક્વિટી યાદ આવતી હોય એ સહજ છે.
એક વાર ક્યાંક ખરાબ અનુભવ થઈ જાય તો તેનો અર્થ એવો નથી થતો કે એ ઍસેટ ક્લાસમાં રોકાણ કરવાનું ટાળવું. કોઈ પણ રોકાણ કાયમી ધોરણે વધુ રોકાણ આપી શકે નહીં. અંગ્રેજીની એક કહેવત છે કે ‘વિજેતાઓ હંમેશાં બદલાતા રહે છે.’ આથી જ જો આપણે સંતુલિત અને ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો ઈચ્છતા હોઈએ તો અલગ અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ કરવું આવશ્યક છે.
કોઈકે કહેલી આ વાત પણ અહીં યાદ રાખવા જેવી છે: વાસ્તવિક જીવનમાં લાંબા ગાળાનું વળતર પોર્ટફોલિયોએ જે કામગીરી બજાવી તેના પર નહીં, પરંતુ રોકાણકારે કેવો પોર્ટફોલિયો બનાવ્યો તેના પર આધાર રાખે છે.
આપણ વાંચો : ફાઈનાન્સના ફંડા : રોકાણકારો પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે ખરો?