કંપની સંબંધી જોખમથી કઈ રીતે દૂર રહેવું…?

ગૌરવ મશરૂવાળા
24 ઑક્ટોબર, 2016ના દિવસની આ વાત મને આજે પણ બરાબર યાદ છે. એ દિવસે હું એક ટીવી સ્ટુડિયોમાં શો માટે રેકોર્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ‘તાતા સન્સના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને બરતરફ કરવામાં આવ્યા છે’ એવા સમાચારના ફ્લેશ ન્યૂઝ ટીવી સ્ક્રીન પર ઝળક્યા.. એ જ સાંજે મારે બીજો પણ લાઇવ શો કરવાનો હતો, પરંતુ તે રદ કરવામાં આવ્યો. શોના નિર્માતાએ મને ફોન પર તેની જાણ કરતાં કહ્યું: ‘અમે સાયરસ મિસ્ત્રીની હકાલપટ્ટીની અસરો વિશે ચર્ચા કરવાના છીએ….’ દેખીતી વાત છે કે એ દિવસના એ બ્રેકિંગ ન્યૂઝ હતા.
એ ઘટના બાદ ‘ઇન્ફોસીસ લિમિટેડ’ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિશાલ સિક્કા અને કંપનીના સ્થાપક સભ્યો વચ્ચેના મતભેદ બહાર આવ્યા. પહેલી ઘટનાને પગલે ‘તાતા ગ્રુપ’ની અનેક કંપનીઓના સ્ટોકના ભાવ ઘટી ગયા. બીજા કિસ્સામાં પણ ‘ઇન્ફોસીસ લિમિટેડ’ના સ્ટોકનું મૂલ્ય ઘટી ગયું. આવા બનાવ પહેલી વાર બન્યા હોય એવું નથી. અગાઉ અંબાણી બંધુઓ છૂટા થયા એ વખતે પણ શેરધારકોના વિશ્ર્વાસ પર પ્રતિકૂળ અસર થઈ હતી.
આ બધી ઘટનાઓ કંપની સંબંધી રિસ્ક (કોંગ્લોમરેટ રિસ્ક)નાં ઉદાહરણ છે. તેને અમુક હદ સુધી ઘટના સંબંધી જોખમ પણ કહી શકાય છે. જો કે, એ ઘટનાઓ કંપનીને લગતી હોવાથી તેમને કંપની રિસ્ક કહેવાનું જ ઉચિત ગણાશે. અહીં નોંધવું રહ્યું કે સરળતાથી અને સારી ચાલતી કંપની કે ઉદ્યોગસમૂહમાં પણ એવું કંઈક બની શકે છે, જે કંપની રિસ્ક બની જાય. આવી સ્થિતિમાં રોકાણકારને સરકારી નીતિઓ, અર્થતંત્રનાં ચક્રો, કુદરતી આફતો, કાળબાહ્ય થવું, જેવા અનેક ફેરફારોને લીધે નહીં, પરંતુ કંપનીના સંચાલકોમાં વધતા મતભેદોને લીધે જોખમ ઊભું થાય છે.
ક્યારેક અદાલતના આદેશને પગલે કે પછી કુદરતી ઘટનાને લીધે કંપનીના શેરના ભાવ ઘટી શકે છે. દાખલા તરીકે, થોડાં વર્ષો પહેલાં આફ્રિકાના અમુક દેશોની સરકારોના નિર્ણયોને લીધે ‘ભારતી એરટેલ લિમિટેડ્’ના આફ્રિકન સાહસને ભારે નુકસાન થયું હતું. આપણે ઘણી વાર રોકાણકારો પાસેથી ‘લગડી શેર’ એવો શબ્દપ્રયોગ સાંભળીએ છીએ. તેનો અર્થ એવો થયો કે એ સ્ક્રિપમાં રોકાણ કરવાનું ઘણું સારું કહેવાય. ક્યારેક લોકો એવું પણ કહેતા હોય છે કે અમુક કંપનીના શેરમાં રોકાણ કરીને પછી ભૂલી જવાનું. તેમાં કહેવાનો ભાવાર્થ એવો હોય છે કે એ શેરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાનું હોય છે. તેનો એવો અર્થ પણ નીકળે છે કે એ રોકાણ સલામત છે.
જોકે, રોકાણકાર તરીકે આપણે કરેલાં રોકાણોને ભૂલવાં જોઈએ નહીં, કારણકે એ આપણી મહેનતની કમાણી હોય છે. આપણે જ્યારથી અલગ અલગ પ્રકારનાં જોખમોની વાત શરૂ કરી છે ત્યારથી હું કહેતો આવ્યો છું કે સંપૂર્ણપણે જોખમમુક્ત હોય એવું એકેય રોકાણ નથી. દરેક રોકાણને કોઈક ને કોઈક જોખમ લાગુ પડે છે. જોખમ હોય છે એટલે જ તો વળતર મળતું હોય છે! આથી જ જ્યારે વધારે વળતર મળવાની વાત આવે ત્યારે સમજી જવું કે જોખમ પણ વધારે છે. કંપની રિસ્ક ફક્ત સંબંધિત કંપનીને જ લાગુ પડે છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના જોખમને બજારની સ્થિતિ, આંતરિક કામકાજ, અકાઉન્ટિંગ નીતિઓ, ગ્રાહકનું વર્તન કે અભિગમ, કામદારોની સમસ્યા, વગેરે જેવાં પરિબળો સાથે કોઈ સંબંધ હોતો નથી.
ઘણી વાર મેનેજમેન્ટમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોય છે અને પછી અચાનક જ જ્વાળામુખી ફાટતો હોય છે. એવા વખતે રોકાણકારો ઓચિંતા ઝડપાઈ જાય છે. એ સ્થિતિમાં એમને પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા જેટલો કે સંબંધિત રોકાણ ઉપાડી લેવા જેટલો સમય પણ મળતો નથી. આ પ્રકારના જોખમની અસર ઘટાડવા માટે એક સોનેરી નિયમ યાદ રાખવો. ઈક્વિટીમાં રોકાણ કરો ત્યારે શક્ય હોય ત્યાં સુધી એક સ્ક્રિપમાં 5થી 10 ટકા કરતાં વધારે રોકાણ કરવું જોઈએ નહીં. મોટું ઉદ્યોગગૃહ હોય તો પણ આ વાત લાગુ પડે છે. જો રોકાણકારની ઈચ્છા હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.
જો બિઝનેસ સારો ચાલે તો તેનો સ્ટોક આપોઆપ સારો ચાલવા માંડે છેઃ – વોરેન બફેટ
આપણ વાંચો : કયારેક કોઈ ઘટના પણ જોખમકારક બની શકે…