તંદુરસ્તી-મનદુરસ્તી: સ્વાસ્થ્યની જાળવણી માટે યોગનો પણ વ્યાપક ઉપયોગ થાય છે

-ભાણદેવ
યોગવિદ્યા ભારતની એક મૂલ્યવાન વિદ્યા છે. યોગવિદ્યા ઘણી પ્રાચીન વિદ્યા છે. વેદની સંહિતાઓ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ યોગવિદ્યાનાં ઘણાં મૂલ્યવાન તત્ત્વોના ઉલ્લેખો જોવા મળે છે. હજુ ગઈ કાલ સુધી માત્ર સાધુસંન્યાસીઓ યોગનો અભ્યાસ કરતા હતા અને તેમણે જ યોગવિદ્યાની પરંપરા જાળવી રાખી છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સાધુસંન્યાસીઓના આશ્રમોમાં જ ગોપિત અને સીમિત રહેલી આ મહાન વિદ્યા હવે ચોરે ને ચૌટે પહોંચી ગઈ છે.
માત્ર ભારતના જ નહિ, પરંતુ સમગ્ર વિશ્ર્વના જનસમાજમાં યોગ વિશે ઘણા વ્યાપક પ્રમાણમાં રસ ઉત્પન્ન થયો છે. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ સહિત સૌ યોગ વિશે કાંઈક જાણવા માટે અને યોગાભ્યાસ કરવા માટે તત્પર થયાં છે. વિશાળ મેદાનોમાં હજારો સ્ત્રી-પુરુષો એકી સાથે યોગાભ્યાસ કરતા જોવાં મળે છે. ટી.વી., સમાચારપત્રો આદિ માધ્યમો દ્વારા યોગનો પ્રચાર અને પ્રસાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે અને વધી રહ્યો છે. ભિન્ન ભિન્ન હેતુઓની પૂર્તિ માટે લોકોએ યોગ તરફ જાણે દોટ જ મૂકી છે.
Also read: આરોગ્ય એક્સપ્રેસ : રશિયાએ વિકસાવેલી કેન્સરની રસીથી આખરે કઇ રીતે થશે સારવાર?
યોગનો જેટલા વ્યાપક પ્રમાણમાં પ્રસાર થઈ રહ્યો છે, તેટલા જ વ્યાપક પ્રમાણમાં યોગવિષયક ગેરસમજોનો પણ પ્રસાર થઈ રહ્યો છે. કોઈ પણ વિદ્યાનો અતિશય પ્રસાર થાય ત્યારે તેનું મૂળ સ્વરૂપ દબાઈ જાય અને તેનું ભ્રામક સ્વરૂપ કે નકલી સ્વરૂપ ઉપર આવી જાય તેવું જોખમ હોય જ છે. યોગ પર પણ આવું જોખમ ઊભું થયું જ છે.
કોઈ પણ મૂલ્યવાન વિદ્યા ગોપિત રહેવાને બદલે સર્વજનસુલભ બને, તેમાં કશું ખોટું નથી. તે આવકાર્ય જ છે, પરંતુ તેમ બનવાથી તે વિદ્યા પોતાનું પોત ગુમાવી ન બેસે તેવી કાળજી અને સાવધાની રાખવી જ જોઈએ. યોગ અધ્યાત્મવિદ્યા મટીને ચિકિત્સાપદ્ધતિ બની જાય તેવું જોખમ ઊભું થયું છે. જો યોગ પોતાના મૂળ સ્વરૂપને ગુમાવી બેસશે તો યોગ મટી જશે; યોગ કાંઈક બીજું જ બની જશે.
હવે આપણે એવા સ્થાને અને એવા સમયે ઊભા છીએ કે આ સ્થાને અને આ સમયે યોગના યથાર્થ સ્વરૂપની સમજનો પણ વ્યાપક પ્રમાણમાં પ્રસાર થવો જોઈએ. યોગ શું છે અને શું નથી, તે વિશેની પ્રમાણભૂત માહિતી આપણે લોકો સુધી પહોંચાડવી જોઈએ.
Also read: તંદુરસ્તી-મનદુરસ્તી : માનવ પોતાની સતત ચાલતી શોધ દ્વારા શું ઈચ્છે છે?
યોગના યથાર્થ સ્વરૂપનું નિર્દેશન અને યોગવિષયક યથાર્થ સમજનો પ્રસાર – આ યુગની માગ છે.
- ગેરસમજનું નિરસન:
યોગવિષયક યથાર્થ સમજની પ્રાપ્તિ થાય તે માટે પહેલાં આપણે યોગવિષયક ગેરસમજમાંથી મુક્ત થવું જોઈએ. યોગ શું છે, તે સમજતાં પહેલાં યોગ શું નથી, તે સમજી લેવું જોઈએ.
(1) યોગ ચિકિત્સા પદ્ધતિ નથી:
યોગનો પ્રાદુર્ભાવ અને વિકાસ આધ્યાત્મિક વિકાસ માટે થયો છે.
કેટલાક રોગોના નિવારણ માટે યોગની કેટલીક ક્રિયાઓ ઉપયોગી બની શકે તેમ છે, તે સાચું છે, પરંતુ આયુર્વેદ, એલોપથી કે પ્રાકૃતિક ચિકિત્સાપદ્ધતિની જેમ યોગ મૂલત: અને સ્વરૂપત: ચિકિત્સા પદ્ધતિ નથી. યોગ અધ્યાત્મવિદ્યા છે. બધા જ રોગોની ચિકિત્સા યૌગિક ક્રિયાઓ દ્વારા થઈ શકે તેવો દાવો કરવો કે તેવી અપેક્ષા રાખવી તે યોગના મૂળ સ્વરૂપને ન સમજવા બરાબર છે.
કેટલાક યૌગિક ગ્રંથોમાં રોગનિવારણ માટે યૌગિક ક્રિયાઓ પ્રયોજવાના ઉલ્લેખો મળી આવે છે, પરંતુ આ વિનિયોગ જુદા જ હેતુથી અને જુદા જ દૃષ્ટિબિંદુથી કરવામાં આવ્યો છે તેમ લાગે છે. યોગાભ્યાસીને યોગાભ્યાસ દરમિયાન કોઈ બીમારી આવી પડે તો તેના નિવારણ માટે યૌગિક ક્રિયાઓ પ્રયોજવા માટેના આ ઉલ્લેખો છે. આ ઉપરાંત પ્રાણાયામ કે ધ્યાન આદિ અંતરંગ યોગ જેવા આગળના અભ્યાસમાં જવા માટે સાધકના શરીરમાં ધાતુવૈષમ્ય ન હોય તે આવશ્યક છે. આ પ્રકારનું વૈષમ્ય હોય તો તેને દૂર કરવા માટે યૌગિક ક્રિયાઓનો વિનિયોગ કરવાનો વિચાર થયો છે.
જનસમાજને દૃષ્ટિ સમક્ષ રાખીને એક સર્વાંગીણ ચિકિત્સા પદ્ધતિ તરીકે યોગનો ઉપયોગ કરવાના ઉલ્લેખો યોગવિદ્યાના શાસ્ત્રીય ગ્રંથોમાં ક્યાંય જોવા મળતા નથી.
ધાતુવૈષમ્યના દૂરીકરણ માટે કે રોગનિવારણ માટે ક્યારેક યૌગિક ક્રિયાઓનો વિનિયોગ થાય છે; તે સાચું છે, પરંતુ ત્યારે તેમના સ્વરૂપમાં આવશ્યક પરિવર્તન કરવું પડે છે અને આવું પરિવર્તન તજજ્ઞો જ કરી શકે, તે ખ્યાલમાં રાખવું જોઈએ.
(2) યોગ શારીરિક શિક્ષણ પદ્ધતિ નથી:
યોગનો ઉપયોગ શારીરિક શિક્ષણ પદ્ધતિ (A system of physical education) તરીકે થવા માંડ્યો છે. શારીરિક શિક્ષણનાં પાઠ્ય-પુસ્તકોમાં યોગવિષયક પ્રકરણોનો સમાવેશ થવા માંડ્યો છે. ઘણા લોકો યોગને શારીરિક શિક્ષણની એક સારી પદ્ધતિ તરીકે સ્વીકારવા અને ગણવા લાગ્યા છે.
શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે અને પ્રાપ્તિ માટે યોગનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વ્યાપક પ્રમાણમાં એમ માની રહ્યા છે કે શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ ઉત્તમ પદ્ધતિ છે. (ક્રમશ:)