આહારથી આરોગ્ય સુધી : શીતલા અષ્ટમી એટલે આરોગ્યનો તહેવાર

-ડૉ. હર્ષા છાડવા
ભારતમાં મંદિરો અને તહેવારોનું મહત્ત્વ અધિક થી અધિક છે. તહેવારો સાથે આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થા સાથે આરોગ્યનો ખૂબજ ઊંડાણપૂર્વકનો ઉદ્દેશ છે. બધાજ તહેવારો ઉજવવા પાછળ શારીરિક અને માનસિક આરોગ્યનો સંબંધ છે. તહેવારો ઉજવવાથી માનસિક ઉત્સાહ એક ચરમ પર રહે છે. જીવન જીવવાનો ઉત્સાહ જળવાઈ રહે છે. સામાજિક ઉન્નતિ અકબંધ રહે છે. તહેવારો ઉજવવાથી આર્થિક પ્રગતિ થાય છે, આર્થિક ઉપાર્જનના કારણે સમાજ, દેશ સમૃદ્ધ બને છે.
ભારતીય તહેવારો એટલે શારીરિક માનસિક અને આર્થિક આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વના છે તેમજ એકબીજા સાથે સંબંધ મજબૂત બને છે. આધુનિક સમયમાં યુવાપેઢી તહેવારોને ઉજવવા પ્રત્યે ઉદાસીનતા દાખવે છે તેથી જ ડિપ્રેશન જલદી આવી જાય છે. યુવાપેઢી જો જાણી લે કે તહેવારો ઉજવવા પાછળનો ઉદ્દેશ એ પોતાની આર્થિક માનસિક અને શારીરિક પ્રગતિ છે તો કોઈ શંકાને સ્થાન નહીં રહે. તહેવારો એ ભારતીય સંસ્કૃતિની ઉચ્ચત્તમ વ્યવસ્થા છે.
Also read: આરોગ્ય પ્લસ : ચક્કર કે મૂર્છા આવવી…
ભારતીય તહેવારમાં એક મહત્ત્વપૂર્ણ તહેવાર તે શીતલા અષ્ટમી છે. આને બસોડા કે બાસોદા પણ કહેવાય છે. શીતલાદેવી એ સ્વચ્છતા, આરોગ્ય અને સુખ-સમૃદ્ધિની દેવી તરીકે પૂજાય છે. જે આપણને સ્વચ્છતા અને આરોગ્ય વિશે સજાગ કરે છે. ભારતનાં ગામડાઓમાં ગામની શરૂઆતમાં જ એટલે કે પાદરમાં જ શીતલાદેવીનું મંદિર હોય છે. બાળકો પણ ગામના પાદરમાં જ રમે છે. બાળકોને શીતળા એટલે કે ચિકન-પોક્સનો ઈલાજ એટલે શીતળાદેવી. આગલા દિવસે બનાવેલું ભોજન એટલે ઠંડું કે વાસી ભોજન જમવું. જેનાથી ચિકનપોક્સની બીમારીથી સાજા થવાય. આપણા વડવાઓએ એવી વ્યવસ્થા બનાવી જેને કારણે ચિકનપોક્સ એ દુ:ખદાયી ન લાગે અને ઉત્સવ જેવું લાગે.
વડવાઓ શીતળા કે ચિકનપોક્સનો ઈલાજ જાણતાં હતાં. જે આજના આધુનિક ડૉક્ટરોને પણ માત આપે છે. આની રસી પણ શોધાઈ પણ તે વધુ સફળ ન થઈ. બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે ખૂબજ સરળ ઈલાજ છે. શીતળાને રોગ ન ગણતાં તે પ્રાકૃતિક છે અને તેનો ઈલાજ પણ સરળ છે. શીતળા એટલે શરીર પર અલગ અલગ દાણા નીકળે કે ફોડલીઓ નીકળે જેને કારણે શરીરમાં બળતરા થાય અને તાવ આવે. જે પસથી ભરેલા હોય છે. આ પ્રાકૃતિક રીતે લગભગ દરેક બાળકોને થાય છે. જેને પિત્તજ્વર દાહજ્વર, ચામડીનો રોગ આંખના રોગ વગેરે થાય છે. આ લગભગ ત્રણથી ચાર દિવસ રહે છે. બળતરા થતી હોવાને કારણે ભોજન ઠંડું લેવું જોઈએ. જેને કારણે બળતરા શમી જાય છે.
આ તહેવાર ઉત્તર ભારત, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં મોટે પાયે ઉજવાય છે. આ વર્ષે માર્ચની એકવીસ કે બાવીસ તારીખના આવે છે તિથિ ચૈત્ર કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે આ તહેવાર આવે છે. શીતળા અષ્ટમીના દિવસે આરોગ્ય દિવસ મનાવવો જોઈએ. ઉત્તર ભારતમાં આ તહેવારનું અધિક મહત્ત્વ છે. તેઓ બાસોડા નામથી આ તહેવાર ઉજવે છે. શીતળા કે ચિકનપોક્સ કે ચેચક બીમારી બાળકોને થાય અને થઈ હોય તો શીતળા અષ્ટમીના દિવસે ઠંડું કે વાસી ભોજન કરી તેનો ઉપચાર કરવો તે છે. શીતળા એ વાઈરસનો રોગ છે. વાઈરસ ન ફેલાય તેની માટે સ્વચ્છતા જરૂરી છે. માટે શીતલાદેવીને સ્વચ્છતાની દેવી પણ કહે છે.
Also read: તંદુરસ્તી-મનદુરસ્તી : માનવ પોતાની સતત ચાલતી શોધ દ્વારા શું ઈચ્છે છે?
શીતળા અષ્ટમી એ આરોગ્યનો દિવસ છે. આ દિવસે ખાવામાં આવતી વાનગીઓની યાદી ઘણી મોટી છે. આજની યુવા પેઢીને આ બનાવી જાણતી નથી તેથી આનું મહત્ત્વ પણ જાણતી નથી. આ દિવસે બનતી વાનગીઓમાં મીઠો બાજરાનો રોટલો, મીઠી ઘઉંની રોટલી, મીઠા ભાત, હલવો, નમક વગરની પૂરી, છાસ નાખીને ભાતની રાબ, દહીં નાખીને રાયતા, દહીં પૌઆ, ચણાની દાળ, શેરડીનો રસ નાખીને બનતા મીઠા ભાત, બાજરાને જાડું પીસી તેમાં છાસ નાખીને બનતી ઘાટ (એક પ્રકારની રાબ) કાંજીવડા, ગાજરની કાંજી, બીટની કાંજી તેમજ લોટમાં છાસ નાખીને બનતી કાંજી, દહીંવડા, રાબોરી (છાસ નાખીને બનતું પાપડનું શાક) મીઠા પકવાન, માલપુઆ, ખીર, છાસ બનાવેલું કેર-સાંગરીનું શાક, ગુલગુલે, મીઠા ચિલા, બાજરાની ખીચડી, કઢી પકોડા જેવી વાનગીઓ બને છે.
રાજ્યોની ખાવાની રૂચિ પ્રમાણે વાનગીઓ બને છે.શીતળા અષ્ટમી તહેવાર શરીરમાં થતી વિટામિન બી-12ની કમીને પૂરી કરે છે. આ તહેવારમાં બનતા ભોજન એ આરોગ્યની દૃષ્ટિએ ઉચ્ચ પ્રકારના છે. સ્વચ્છતા અને ઉમંગથી આ ભોજન બનાવાય છે જેને કારણે શરીરમાં ખુશીના હાર્મોનમાં વૃદ્ધિ થાય છે. કાંઈ નવું કર્યાનો આનંદ થાય છે. પૂજા પાઠથી મનની શુદ્ધિ થાય છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી માટે આ ખોરાક મહત્ત્વનો છે.
વિટામિન બી-12 માટે આજે મોટા બરાડા પડાય છે કે શાકાહારીના ભોજનમાં આ વિટામિનની કમી છે. જેથી લોકો દવાઓ અને ઈન્જેક્શન પર નિર્ભર રહે છે. જેની ઘણી સાઈડ ઈફેક્ટ છે. આ તહેવારે બનતા ભોજન જે આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. વિટામિન બી-12ની કમી હોય તો મહિનામાં બેથી ત્રણવાર આ બનાવી (આગલા દિવસે બનાવવો)ને આ વિટામિન કમી દૂર કરી શકાય છે. જેથી અન્ય બીમારી જેવી કે અલ્ઝાઈમર, અલ્સર, છાલા કે રેસીસ થતા હોય તો દૂર કરી શકાય. અન્ય વસ્તુઓ જેવી કે ઢોકળા, હાંડવો, થેપલા, ઈદડા, મેંદુવડા, ઈડલી પણ ઠંડાં કરીને લેવાથી વિટામિનની કમી દૂર કરી શકાય છે. ઘણીવાર વિટામિન એ શરીરમાં અધિક વધી જવાથી પણ વિટામિન બી-12 ઓછું થાય છે કે મોઢામાં છાલા પડે ત્યારે આ ભોજન લેવું જોઈએ.
ભારતીય સંસ્કૃતિનો આ અમૂલ્ય વારસો જે જાળવે છે કે મનાવે છે તે મોટા ધન્યવાદને પાત્ર છે. જેને આરોગ્યની કે બાળકોના આરોગ્યની ચિંતા છે તેઓ આવા ઉત્સવ જરૂર મનાવે છે. જીવન જીવવાનો ઉત્સાહ વધી જશે. આસ્થા અને આરોગ્ય જળવાઈ રહેશે. ઉત્સવમાં સારા કપડાં પહેરવા કે ફોટા પડાવવા કે રીલ બનાવવા નહિ. આપણા શારીરિક, માનસિક અને આર્થિક વિકાસ માટે જરૂરી છે. સહજ રીતે આરોગ્ય જાળવી શકાય છે.
ચિકનપોક્સને કાબૂમાં કરવા ગાયના છાણના ઉપલા બનાવી તેનો ધૂપ કરો. ઉત્તર ભારતમાં છાણાની માળા બનાવે તેને બડકુલા કહે છે.