તરોતાઝા

ફાઈનાન્સના ફંડા : વરિષ્ઠ નાગરિક બચત યોજના જાણી લો, બીજા કેટલાક મહત્ત્વના મુદ્દા

-મિતાલી મહેતા

આ પખવાડિક કૉલમમાં છેલ્લે આપણે વરિષ્ઠ નાગરિક બચત યોજના (સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ – SCSS) વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી. નિવૃત્તિ પછી આવકનો નિયમિત સ્રોત વ્યાજના રૂપે મળે અને સાથે સાથે મુદ્દલની સુરક્ષા અને કરવેરાના લાભ મળે એવો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આજે હવે એ યોજનાને લગતા બીજા જાણી લેવા જેવા મુદ્દાઓ તરફ વળીએ.

Also read: ફુગાવાનું જોખમ કઈ રીતે નિવારી શકાય?

SCSS એકાઉન્ટ પર વ્યાજનો દર
નાણાં મંત્રાલયે જાહેર કરેલો વ્યાજનો વર્તમાન દર વાર્ષિક 8.2% છે. SCSS ખાતા પરનું વ્યાજ થાપણની તારીખથી 31 માર્ચ/30 જૂન/30 સપ્ટેમ્બર/31 ડિસેમ્બર સુધી એપ્રિલ/જુલાઈ/ઓક્ટોબર/જાન્યુઆરીના પહેલા કામકાજના
દિવસે ચૂકવવામાં આવે છે. અહીં જણાવવું રહ્યું કે આ ખાતાના વ્યાજનું ઈસીએસ (ઈલેક્ટ્રોનિક ક્લીયરિંગ સિસ્ટમ) દ્વારા બચત ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.

SCSS ખાતા સામે લોન

લોન મેળવવા માટે એ ખાતામાં થાપણ ગિરવે મૂકવાની સુવિધા આપવામાં આવી નથી, કારણ કે એમ કરવાથી નિયમિત ધોરણે આવક થાય એવો યોજના પાછળનો ઉદ્દેશ્ય માર્યો જાય છે. આ એકાઉન્ટમાંથી અકાળે ઉપાડ કે ખાતું બંધ કરાવવું ખાતું ખોલાવ્યાની તારીખ પછી કોઈ પણ સમયે તેની SCSS ડિપોઝિટ ઉપાડવાનો વિકલ્પ હોય છે.

જોકે, એમાં અમુક દંડ લેવામાં આવે છે. ખાતું કેટલા સમય સુધી સક્રિય રહ્યું છે એના આધારે દંડની રકમ બદલાયા કરે છે. કોઈ ખાતું ખોલાવ્યાની તારીખથી એક વર્ષ પૂરું થાય તે પહેલાં જો તેને બંધ કરવામાં આવે તો કોઈ વ્યાજ મળતું નથી અને, જો ખાતામાં કોઈ વ્યાજ ચૂકવવામાં આવી ગયું હોય તો એટલી રકમ દંડ તરીકે મુદ્દલમાંથી કાપી લેવામાં આવે છે.

જો ખાતું ખોલાવ્યાની તારીખથી પ્રથમ વર્ષ પૂરું થયા પછી, પરંતુ બીજા વર્ષના અંત પહેલાં બંધ કરવામાં આવે, તો થાપણના 1.5% જેટલી રકમ દંડ તરીકે કાપવામાં આવે છે. જો ખાતું બીજા વર્ષે કે પછી પણ તેની પાકતી મુદત પહેલાં બંધ કરાવી દેવાય તો થાપણના 1% જેટલી રકમ દંડ તરીકે કાપવામાં આવે છે.

અહીં એ નોંધવું અગત્યનું છે કે ખાતાની મુદત લંબાવ્યાની તારીખથી એક વર્ષ પછી એ ખાતું બંધ કરવામાં આવે તો કોઈ દંડ નથી.

Also read: ફોકસ : એવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો જે ઘરની હવાને તરોતાજા રાખે

SCSS વિશે આ પણ જાણી લો

1) આ ખાતાની થાપણમાં સંયુક્ત ખાતાધારકનો હિસ્સો કેટલો હશે?

સંપૂર્ણ રકમ પ્રારંભિક થાપણદારના એટલે કે પ્રથમ અરજદાર તરીકે જેનું નામ હોય એના નામે હોય છે. સંયુક્ત ખાતાધારક તરીકે જીવનસાથીનું નામ લખવાથી કોઈ ફરક પડતો નથી.

2) શું પતિ-પત્ની બંને અલગ-અલગ ખાતું ખોલાવી શકે છે?

હા, પતિ-પત્ની બંને અલગ-અલગ વ્યક્તિગત ખાતું ખોલાવી શકે છે. જોકે, દરેક જીવનસાથી દીઠ મહત્તમ રૂા. 30 લાખની રકમની મર્યાદા છે.

3) જો હું મૃત્યુ પામું તો મારા ખાતાનું શું થાય?

જો તમે વ્યક્તિગત ખાતું (કોઈ સંયુક્ત રોકાણકાર વિના) ખોલાવ્યું હોય અને ન કરે નારાયણ ને તમારું અવસાન થઈ જાય તો એ ખાતું બંધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરાશે. આ સંજોગોમાં ખાતાધારકના એટલે કે તમારા નોમિનીએ ફોર્મ ‘એફ’ દ્વારા અરજી કરવી આવશ્યક છે.

4) હું વરિષ્ઠ નાગરિક છું, પરંતુ મારા જીવનસાથીની ઉંમર 60 વર્ષથી ઓછી છે, શું હું તેને મારા SCSS ખાતામાં સંયુક્ત ધારક તરીકે નિયુક્ત કરી શકું?

હા, તમે કરી શકો છો. અહીં તમારી ઉંમર લાયકાતનું પરિમાણ છે, તમારા જીવનસાથીની નહીં. આમ, એમની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તોપણ તમે એમને સંયુક્ત ધારક રાખી શકો છો. જોકે, આનાથી ઊંધી સ્થિતિ શક્ય નથી. કહેવાનો અર્થ એ છે કે જો તમારાં પત્નીની ઉંમર 60 વર્ષથી ઓછી હશે તો એ આ યોજનાનું ખાતું ખોલાવી શકશે નહીં, પછી ભલે તમે 60 વર્ષથી વધુ ઉંમરના હો.

ટૂંકમાં, પ્રાથમિક અથવા પ્રથમ થાપણદારની ઉંમર ધ્યાનમાં લેવામાં આવે છે, સંયુક્ત ધારકની નહીં. ટૂંકમાં, SCSS એ ભારતીય સરકાર દ્વારા પ્રાયોજિત રોકાણ યોજના છે, જે મૂડીની સુરક્ષા સાથે શ્રેષ્ઠ વળતર આપે છે અને તેથી એને સલામત અને અત્યંત વિશ્વસનીય માનવામાં આવે છે. તે એકાઉન્ટ ખોલાવવાની સરળ પ્રક્રિયા ધરાવતું મધ્યમ ગાળાના રોકાણનું સાધન છે અને એને સહેલાઈથી ઓપરેટ કરી શકાય છે માટે દરેક વરિષ્ઠ નાગરિકે આનો જરૂર લાભ લેવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button