સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ

-શ્રીલેખા યાજ્ઞિક
ગરમીના દિવસો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. બદલાતી મોસમને કારણે શરીરમાં ફેરફાર થતા હોય છે. અનેક લોકો કબજિયાતનો શિકાર બને છે. તો અનેક લોકોનું પેટ ઢીલું પડી જતું હોય છે. જેને કારણે વારંવાર ઝાડા થવાની ફરિયાદ તેઓ કરતા હોય છે. તો વળી કેટલાક લોકોમાં શરદી-તાવની તકલીફ વધી જતી હોય છે. તો વળી કેટલાક લોકોને સૂકી ઉધરસ સતાવતી હોય છે. ગરમીમાં શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પ્રવાહી જળવાઈ રહે તે અગત્યનું છે. તે માટે રસદાર ફળ તેમ જ રસદાર શાકભાજીનો આહારમાં ઉપયોગ આવશ્યક બની જાય છે.
ગરમીના દિવસોમાં બજારમાં ઠેર-ઠેર લાંબી પાતળી કાકડી મળતી હોય છે. આ કાકડીનું બીજું નામ ‘ખીરા’ છે. ‘ખીરા કાકડી’ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. તેથી જ આ કાકડી માટે ખાસ કહેવત જોવા મળે છે. ‘રત્નોમાં હિરા – શાકભાજીમાં ખીરા.’ શરીરની અંદર શુદ્ધીકરણ કરવાની સાથે બહારની ત્વચા, આંખને ઠંડક પહોંચાડવામાં અત્યંત ઉપયોગી ગણાય છે. પાણીદાર કાકડીમાં વિટામિન એ, વિટામિન સી તથા વિટામિન કે જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. કાકડીમાં ફાઈબર પોટેશિયમ, લ્યૂટેનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. શરીરની ચરબી ઘટાડવામાં કાકડીનો ઉપયોગ અકસીર ગણાય છે.
ગરમીમાં કાકડીનું સેવન ખાસ કરવું જોઈએ. કેમ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે જેથી નિર્જલીકરણ (ડિહાઈડ્રેશન)ની સમસ્યાથી બચી શકાય છે. ગરમીના દિવસોમાં બજારમાં ખાસ લાંબી પાતળી કાકડી મળતી હોય છે. તે કાકડીને અંગ્રેજીમાં કુકુમ્બર, તમિલમાં વેલ્લારિકા, બંગાળીમાં સાશા કે સૌશા, મરાઠીમાં સીતલચિન્ની કહે છે. કાકડીનું સેવન શરીરને ઠંડક પહોંચાડે છે. કેમ કે તેમાં 95 ટકા પાણીનું પ્રમાણ હોય છે.
ગ્રીષ્મમાં ખીરા કરશે ખરેખરની કમાલ
શરીરને નિર્જલીકરણની સમસ્યાથી બચાવે છે: ગરમીના દિવસોમાં પરસેવો વધુ થાય છે. જેને કારણે શરીરમાં પાણીનો ઘટાડો થાય છે. લાંબા સમય સુધી પાણી પીવામાં ના આવે તો વ્યક્તિ બેચેની અનુભવવા લાગે છે. ક્યારેક ચક્કર ખાઈને પડી જાય છે. આમ થવાનું કારણ શરીરમાં ડિહાઈડ્રેશનની તકલીફ જોવા મળે છે. કાકડીનું સેવન પ્રમાણભાન રાખીને દિવસે કરવાથી યોગ્ય માત્રામાં શરીરમાં પ્રવાહી જળવાઈ રહે છે. શરીરમાં રહેલા વિષાણુ બહાર નીકળી જાય છે. જેથી ત્વચા સ્વસ્થ બને છે.
વજન ઘટાડવામાં મદદરૂપ: કાકડીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કાકડીમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી તેનું સેવન કરવાથી કે તેનો રસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વળી કાકડીમાં કૅલરીની માત્રા ઓછી હોય છે. તેથી તેનું સેવન સલાડમાં કરવાથી વજન વધતું નથી.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: કાકડીનું સેવન હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમને માટે ગુણકારી ગણાય છે. કેમ કે ખીરામાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે. વળી શરીરમાં કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી ગણાય છે. કારણકે કાકડીમાં સ્ટેરૉલ નામક તત્ત્વ છે. જે કૉલેસ્ટ્રોલની યોગ્ય માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. જેથી હૃદય સંબંધિત રોગના ખતરાથી બચી શકાય છે.
કિડનીને રાખે સ્વસ્થ: કાકડીમાં પાણીની માત્રા વઘુ હોય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. પોટેશિયમની સાથે મળીને યૂરિક ઍસિડ તથા અન્ય ઝેરીલા પદાર્થને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. જેને કારણે કિડની સ્વસ્થ રહે છે. પથરી જેવી સમસ્યાથી બચાવે છે.
ચમકદાર ત્વચા માટે ગુણકારી: કાકડી સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. સાથે સાથે ત્વચા તેમ જ વાળ માટે અત્યંત લાભકારક ગણાય છે. કાકડી કે ખીરાનું સેવન નિયમિત કરવાથી ખરતાં વાળ અટકે છે. વાળ લાંબા ભરાવદાર થવા લાગે છે. વળી કાકડીનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે. આંખો ઉપર કાકડીને મૂકવાથી લાંબા સમયથી આંખમાં થતાં કળતરમાં રાહત મળે છે. આંખની આસપાસ કાળા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. બ્યુટીપાર્લરમાં તો કાકડીનો ઉપયોગ કરીને ખાસ પ્રકારનું ફેસિયલ પણ કરવામાં આવે છે. તેથી જ કાકડી ત્વચા તથા વાળ માટે અમૃત સમાન ગણાય છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: કાકડીમાં સમાયેલાં મિનરલ્સ તથા પોષક તત્ત્વો શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કાકડીના સેવન બાદ શરીરમાં ઈન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો થાય છે.
ભોજનમાં રહેલાં ગ્લુકોઝની માત્રાને તોડવામાં મદદ મળે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓ કાકડીનું સેવન કરે તો બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં સહાય મળે છે.
હાડકાં મજબૂત બને: કાકડીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં વિટામિન કેની માત્રા ભરપૂર છે. જે હાડકાંનું ઘનત્વ વધારવામાં મદદ કરે છે. જેથી હાડકાં બરડ બનતાં નથી.
કાકડીમાંથી વિવિધ વાનગીઓ તથા રસ બનાવી શકાય છે. કાકડીને ઠંડી કરી વચ્ચેથી કાપીને અંદર સંચળ-લાલ મરચું-જીરાનો પાઉડર ભભરાવીને ખાવાની અલગ મજા છે. મહારાષ્ટ્રમાં કાકડીનું થાલીપીઠ લોકપ્રિય છે. કાકડીનું રાયતું ગુજરાતમાં ઘેર-ઘેર બનતું હોય છે. સૅન્ડવીચમાં કાકડીનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. આજે આપણે કાકડીનો ઉપયોગ કરીને એક ઠંડું પીણું બનાવીશું. જે ગરમીમાં ટાઢક આપશે.
કાકડી વિશે અવનવું: કાકડીની ખેતી પ્રાચીન ભારતમાં લગભગ 400 વર્ષ પહેલાં કરવામાં આવતી હતી. ધીમે ધીમે તે ભારતની બહાર પ્રાચીન ગ્રીસ, રોમ યુરોપ, અમેરિકા, ચીન બાદ ધીમેધીમે સંપૂર્ણ વિશ્ર્વમાં પહોંચી ગઈ છે.
*હાલમાં દુનિયાની ચોથા ક્રમાંકે સૌથી વધુ ખેતી થતાં શાકમાં સ્થાન ધરાવે છે. કાકડી ગરમીમાં ઊગતું શાક ગણાય છે. 18-24 ડિગ્રી તાપમાન ઉપર સૌથી વધુ પાક મેળવી શકાય છે. કાકડીને અંગ્રેજીમાં કુકુમિસ સૈંટાઈવસ તરીકે ઓળખવામાં આવે છે.
*તેનો આકાર લાંબો વેલણ જેવો તથા ગોળ જોવા મળે છે.
*કાકડીનું સેવન કરવાથી ભોજનમાં રુચિ વધે છે.
*કાકડીમાં 95 ટકા પાણી સમાયેલું હોય છે.
*પિત્તને શાંત કરીને શરીરને ઠંડક પહોંચાડે છે.
*કાકડીનું સેવન મૂળા સાથે કરવું ના જોઈએ. ખાટાં ફળ સાથે કાકડીનું સેવન ન કરવું. રાત્રિના સમયે કાકડીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
*કાકડીનું સેવન કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.
કાકડીનું ઠંડું પીણું
સામગ્રી : 2 નંગ છાલ કાઢેલી કાકડી, 2 નાની ચમચી લીંબૂનો રસ, 10-12 નંગ ફૂદીનાનાં પાન, 1 ચમચી સંચળ પાઉડર, 10 નંગ બરફના ટુકડા.
બનાવવાની રીત: કાકડીની છાલ કાઢી લેવી. કાકડી કડવી છે કે નહીં તે ચકાસી લેવું. હવે મિક્સર જારમાં કાકડીના ટુકડા, ફૂદીનાનાં પાન, લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ પાઉડર, 10 નંગ બરફના ટુકડાને ક્રશ કરીને લેવા. બધું જ બરાબર મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવું. હવે એક ગ્લાસમાં ઠંડો-ઠંડો કાકડીનો જ્યૂસ પીરસવો.