બજારનાં જોખમને કઈ રીતે પારખી શકાય?

ગૌરવ મશરૂવાળા
એક ચીની કહેવત કહે છે: ‘માછલીને ખાવાનું દેખાય છે, પણ ખીલો દેખાતો નથી. એ જ રીતે મનુષ્યને નફો દેખાય છે, પણ જોખમ દેખાતું નથી.’
એક ઑફિસના ત્રણ કર્મચારી વચ્ચે કંઈક આવી વાતચીત ચાલી રહી હતી:
નીતિ: ઓ..હો…હો… ચોકલેટ્સ તો બહુ જ સરસ છે, ક્યાંથી લાવ્યા?
રમેશ: મારી ભત્રીજીએ બનાવી. ચોકલેટ્સ બનાવવામાં તો એ માસ્ટર છે.
નીતિ: એ ચોકલેટ્સ વેચે છે? શું ભાવ રાખ્યો છે?
રમેશ: ના, એ ચોકલેટ્સ વેચવા માટે નથી બનાવતી. ફક્ત ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે બનાવે છે.
નીતિ: મારી તો ઇચ્છા હતી કે એને ઑર્ડર આપી દઉં. મારા પાડોશી પણ ચોકલેટ્સ બનાવે છે અને કિલોના 450 રૂપિયાના ભાવે વેચે છે.
રમેશ: હું મીનાક્ષી મહેતા નામનાં બહેનને ઓળખું છું. એ 385 રૂપિયે કિલો આપે છે અને ઘરે ડિલિવરી પણ કરાવી દે છે. તારે એમને ઑર્ડર આપવો છે?
નીતિ: હા..હા.. નંબર આપો. એમની પણ ચોકલેટ્સ એક વખત ટ્રાય કરી લઉં.
પીટર (જે અત્યાર સુધીની વાતચીત સાંભળી રહ્યો હતો):
મને તો મિસિસ ફર્નાન્ડિસ નામનાં બહેને બનાવેલી ચોકલેટ્સ ઘણી ગમે છે. તેઓ 525 રૂપિયાનો ભાવ લે છે, પણ
સ્વાદ એટલો બધો સારો હોય છે કે એમને વધારે પૈસા આપવાનું પરવડે.
આ પ્રકારની વાતચીત મોટા ભાગની ઑફિસોમાં થતી
રહેતી હોય છે, પરંતુ આમાં આપણા માટે નોંધવાલાયક એક વાત એ છે કે રમેશની ભત્રીજી ચોકલેટ્સ બનાવે છે, પણ વેચતી
નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેની ચોકલેટ્સ માર્કેટમાં નથી. આથી એને કોઈ સ્પર્ધા નડતી નથી. બીજી બાજુ, મીનાક્ષીબહેન અને મિસિસ ફર્નાન્ડિસ ચોકલેટ્સ વેચે છે. આથી એમની વસ્તુ બજારમાં છે અને તેને માર્કેટ રિસ્ક (બજારસંબંધી જોખમ) લાગુ પડે છે.
Also read: આરોગ્ય એક્સપ્રેસ : રશિયાએ વિકસાવેલી કેન્સરની રસીથી આખરે કઇ રીતે થશે સારવાર?
આ જ રીતે આપણે જ્યારે રોકાણ કરીએ છીએ ત્યારે આપણાં નાણાં બજારમાં આવે છે. આ રોકાણ ઈક્વિટી માર્કેટમાં, બુલિયન માર્કેટ (સોના-ચાંદી) માર્કેટમાં કે રિયલ એસ્ટેટ માર્કેટમાં હોઈ શકે છે. આપણે ફિક્સ્ડ ડિપોઝિટ કે બોન્ડમાં પણ રોકાણ કરીએ તો આપણાં નાણાં ડેટ માર્કેટમાં આવ્યાં કહેવાય અને એ રકમને વ્યાજદરમાં થતા ફેરફારની અસર થતી હોય છે.
આપણે જાણીએ છીએ એમ બજારમાં પ્રવર્તમાન સ્થિતિના આધારે રોકાણનું મૂલ્ય વધે છે કે ઘટે છે. આ ફેરફારને માર્કેટ રિસ્ક કહેવાય.
અહીં આપણે એક હેમંતભાઈ ભટ્ટનું ઉદાહરણ લઈએ. લાંબા ગાળા માટે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું જોઈએ એવું એ દૃઢપણે માનતા હતા. પોતાના પિતા પાસેથી આ વાત શીખી હતી. એક વખત સારી કંપનીના સ્ટોકમાં રોકાણ કર્યા બાદ એ તેના ભાવની હિલચાલ પર રોજિંદા ધોરણે ધ્યાન આપતા ન હતા. વર્ષમાં એકાદ વખત એકંદર સ્થિતિની સમીક્ષા કરી લેતા, એટલું જ.
સ્ટોક ખરીદ્યા પછી એ સતત બજારમાં રહેતા નહીં હોવાથી એમના પોર્ટફોલિયોને બજારસંબંધી જોખમ ફક્ત નામપૂરતું લાગુ પડતું હતું. સ્ટોકના ભાવ વધે કે ઘટે, એ ભાવ ફક્ત કાગળ પર જ રહેતા. સ્ટોકનો ભાવ હંમેશાં તેને વેચવામાં આવે ત્યારે જ ગણતરીમાં લેવાનો હોય એ બાબત અહીં નોંધવા જેવી છે.
બીજી બાજુ, મનોજભાઈ જૈને 10 વર્ષની મુદતના ભારત સરકારના કરમુક્ત બોન્ડ ખરીદ્યા
હતા. એમના મનમાં પહેલેથી સ્પષ્ટતા હતી કે એમનું આ રોકાણ નિવૃત્તજીવન માટેનું છે અને તેની પાકતી તારીખે જ વટાવવામાં આવશે, વચ્ચે તેનું ટ્રેડિંગ કરવામાં નહીં આવે. મનોજ જૈને એમ પણ નક્કી કર્યું હતું કે એ રોકાણ કર્યા પછી ડેટ માર્કેટમાં રહેવાના નથી. આથી એમને વ્યાજદરમાં થનારા ફેરફારની અસર થવાની ન હતી.
Also read: સાંધાના દુખાવા ને ખરજવામાં રાહત આપે છે ગૂગળ
ઉપરોક્ત ચર્ચા પરથી એટલું જ કહેવાનું છે કે રોકાણ કરતી વખતે માર્કેટ રિસ્કનો પણ વિચાર કરી લેવો આવશ્યક છે. આપણે કોઈક સાધનમાં રોકાણ કરીએ ત્યારે તેને સંબંધિત માર્કેટ રિસ્ક લાગુ પડે જ છે. એ રોકાણ પર બજારની સ્થિતિના આધારે ફેરફાર થાય ત્યારે તેનું મૂલ્ય બદલાતું જાય છે. આપણે એ રોકાણ કર્યા બાદ જો વધુ ખરીદી કે વેચાણ નહીં કરવાનું નક્કી કરીએ તો ટેક્નિકલ દૃષ્ટિએ આપણે બજારમાંથી બહાર નીકળી ગયા કહેવાઈએ અને તે વખતે માર્કેટ રિસ્ક લાગુ પડે નહીં. રોકાણમાં કોઈ સાચો કે ખોટો વ્યૂહ હોતો નથી. આપણે અપનાવેલા માર્ગ વિશે આપણા મનમાં સ્પષ્ટતા હોય તો આપણને માર્કેટ રિસ્ક લાગુ પડે છે કે નહીં તેનો સ્પષ્ટ ખયાલ હોય છે. એના આધારે આપણે યોગ્ય પગલાં લઈ શકીએ.