મોજની ખોજ: શેર માટીની ખોટ શેરબજારની મૂડીથી ન પુરાય!

-સુભાષ ઠાકર
આ લેખ માટે કોરો કાગળ ને કોરું મગજ લઈ હું મારા
ટાલના મધ્ય ભાગમાં હાથ ફેરવી સુષુુપ્ત મગજને સક્રિય
કરવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં મારી ચંપાકલીએ
મને પુછયું :
‘કેમ આમ લમણે હાથ દઈ બેઠા છો? કોઈ ઉકલી ગયું?’
‘કોઈ નઇ બકા, હું જ ઉકલી જઈશ, સાલી મંદીની કોઈ હદ હોય કે નઇ? જોને, મોબાઇલને ફ્લાઇટ મોડ પર મૂકું ત્યાં થોડીવારમાં તો ઓટોમેટિક ઘોડાગાડી મોડ પર આવી જાય છે !’
એ જ વખતે મારા કાને ગીત અથડાયું ‘કોઈ લોટાદે મેરે બીતે હુએ દિન’ ને મારો અંતરાત્મા પોકારી ઉઠ્યો :
‘વાહ, વ્હાલી સાંભળ. આફરીન! શું કંઠ છે? અદ્દલ કિશોરકુમાર જેવું જ આ કોણ ગાય છે?
Also read: રિઇન્વેસ્ટમેન્ટ: પુન: રોકાણનાં જોખમને પહેલેથી સમજી લો..
‘અરે દાલ ભાત હૈ, એ કિશોરકુમાર જ છે જો તારા મોબાઈલનો રીંગટોન વાગે છે, ઉપાડ… વાત કર’
‘ઓહ સોરી, ‘હલોઓઓઓ…,’
‘અરે હું ક્યારનો હલી ગયો છું તમે સુભાષ ઠાકર બોલો છો?’
‘ના એનું ભૂત છું’ મેં કીધું
‘ભૂત નઇ સર, તમે અદભુત છો, ખબર પડી ગઈ તમે સુભાષ ઠાકર જ છો. સર, ચંબુ બોલું છું યાદ કરો ,‘રામ ભરોસે’ હોટલમાં વેઇટર હતો ને તમે મને વેઇટરની આખી વ્યાખ્યા સમજાવેલી’
મેં દસ સેક્ધડ ટાલ ખંજવાળી :
‘અરે હા, યાર યાદ આવ્યું મે કીધેલું ‘બકા હોટલમાં
ગિરદી હોય તો અમારે બહાર વેઇટ થવું પડે,પછી મેનૂ માટે વેઇટ થવું પડે, પછી ઓર્ડર લેવા આવે એ માટે વેઇટ થવું પડે, ઓર્ડર પછી ખાવાની ડિશ માટે વેઇટ થવું પડે, ખાધા પછી બિલ માટે વેઇટ થવું પડે, બિલ ચુકવ્યા પછી છૂટા પાછા આવે એ માટે વેઇટ થવું પડે. આટલી બધી વાર અમે વેઇટ કરીએ તો વેઇટર અમે કે તું?!’ હું જરાય વેઈટ થયા વગર સડસડાટ
બોલી ગયો.
‘સર, તમે તો હનુમાનચાલીસાની જેમ કડકડાટ બોલી
ગયા તમારી વાતમાં વેઇટ (વજન) હતું પણ રૂપિયા 1500નું પેટમાં પધરાવ્યું ને હું ટીપ માટે વેઇટ થયો તો તમે મને
માત્ર 1 રૂપિયો ટીપ આપી એ મારી સર્વિસનું ઘોર અપમાન
હતું. મેં કીધું ‘આ નઇ સર મને શેરબજારની કોઈ મસ્ત ટીપ આપો…’
Also read: ફુગાવાનું જોખમ કઈ રીતે નિવારી શકાય?
‘તો આપેલી ને એ જ ટીપથી તો તું પ્રતાપ ચાલમાંથી પ્રતાપ પેલેસ સુધી પહોંચ્યો’ મેં કીધું
‘સર, પછી તે જ ટીપે મારી વાટ લગાડી. શેર બજાર બકરી બજાર બની ગયું ને એ ટીપના કારણે જ પ્રતાપ પેલેસમાંથી પાછો પ્રતાપ ચાલમાં આવી ગયો ને ઉધારી ચૂકવવા વ્યાજના પણ હપ્તા કરવા પડ્યા’ ચંબુ રડમસ થઈ બોલ્યો.
‘પણ બકા, તારામાં બાવળનું દાતણ ખરીદવાની હેસિયત ન્હોતી ને કોલગેટના શેર ખરીદ્યા પણ તું ભૂલી ગયો કોલગેટની પેસ્ટ દાંત ઉજળા કરી આપે, જીવન નઇ.’
‘હા પણ મારે કોઈ સંતાન ન હતું એટલે રોજ શ્રદ્ધાથી બધા શેર ભગવાન પાસે મૂકી હાથ જોડી બોલતો : ‘પ્રભુ, તું જો મને બાળક આપીશ તો આ શેરની કમાણી અનાથાશ્રમ માટે વાપરીશ.’
‘બકા, જો ઘરમાં શેર માટીની ખોટ હોય તો શેરબજારની મૂડીથી એ ન પૂરી શકાય’ મેં સમજાવ્યો.
‘જે થયું એ પણ હવે શું લાગે છે? શું લેવું જોઈએ?’ ચંબુએ પૂછ્યું.
‘ભગવાનનું નામ, 10માંથી 100 કરવાની લાલચે શ્વેતામ્બરમાંથી દિગંબર થઈ ગયો તોયે પૂછે છે શું લઉં?’ મે કીધું.
‘મને થાય છે કે હું શું કામ આ લફડામાં પડ્યો, અને હવે મારો જીવ બળે છે.’
‘બકા, જીવ બળે તો વહેલી રૂઝ આવી જાય પણ જો જીવ નીકળી જાય તો લાશને રૂપિયાની થપ્પીઓ કે શેરના કાગળિયા બતાવો તો પણ બીજા દિવસે પેપરમાં શ્રદ્ધાંજલિ નીચે તારો ફોટો આવે પણ ગયેલો જીવ પાછો ન આવે. સમજ્યો? સાંભળ, મહુડીની સુખડી ને શેરબજારની મૂડી ક્યારેય કોઈની પાછી ન આવે… કુંભના મેળામાં ન્હાયા એના કરતાં શેરબજારમાં વધુ ન્હાયા.’
‘તો ય પાછા વળવું હોય તો રસ્તો તો હશે ને?’ ચંબુએ પૂછ્યું.
‘યસ, પહેલાં તો તું ‘આ ખરીદી લો, વેચી મારો, લઇ
લો’ ને કાઢી નાખોના એના ચક્કરમાંથી બહાર નીકળી
જા, નઇતર તને કાઢી જતાં કોઈ વાર નઇ લાગે ! તને ખબર છે રાવણ જીવ્યો ત્યાં સુધી બધું હારી ગયેલો પણ એની
પાસે સોનાની લંકા બચી હતી.. કેમ કે એ શેર બજારનું
નહોતો કરતો ! હવે તારો ‘પીંજરેકે પંછી રે તેર દર્દ ન જાને કોઈ’ વાળો રીંગટોન બદલી હું જે મોકલું એ સેવ કરી રાખ ને રોજ સાંભળજે.’
-ને આજકાલ ચંબુ એ રોજ સાંભળે છે :
‘એ ભાઈ જરા દેખકે ચલો, આગે ભી નહીં, પીછે ભી નહીં ઉપર ભી નહીં નીચે ભી…’
યાદ રાખો, જગતમાં આપણા સિવાય આપણું કોઈ નથી આપણા જીવનનો પણ આ જ સાચો રિંગટોન છે.
શું કહો છો?