તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: જાગૃતિનો માર્ગ અર્થાત્‌‍ અવધાનપથએક અધ્યાત્મસાધન છે

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(1) પ્રત્યક્ષીકરણ: જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવવાની ક્રિયા.
(2) લાગણી કે આવેગના અનુભવ: સુખ-દુખ, માન-અપમાન, કામ ક્રોધ, ભય આદિનો અનુભવ.

(3) કર્મ: કોઇ પણ પ્રકારની ક્રિયા
(4) વિચારણા, કલ્પના, ચિંતન, આયોજન વગેરે માનસિક ક્રિયાઓ.
જ્યાં સુધી આપણે આપણી સામાન્ય ચેતનામાં જીવતા હોઇએ છીએ ત્યાં સુધી આ ક્રિયાઓ દરમિયાન તેમાં મહદંશે ખોવાઇ જતા હોઇએ છીએ. આપણે આપણી જાગૃતિને ગુમાવીને તેમાં રમમાણ બની જતા હોઇએ છીએ. આપણી ચેતના જેને ક્રિયા સાથે તદાકાર બની જતી હોય છે. જ્યારે વ્યક્તિ ક્રોધ કરે છે, ત્યારે તે ક્રોધ સાથે એકાકાર બની જાય છે. તેનામાં ક્રોધ અને પોતાની જાતને જુદાં પાડીને જોવાની આવડત નથી. તેથી તે ક્રોધને ખોટું પીઠબળ આપી દે છે.

આવી રીતે બધી મન:શારીરિક ક્રિયાઓ દરમિયાન આપણી સ્વજાગૃતિની જ્યોત પ્રજવલિત રહેતી નથી. આપણે મોટે ભાગે અને મહદંશે આ બધી ક્રિયાઓ બેભાનાવસ્થામાં કરતા હોઇએ છીએ. હા, ઊંઘ અને બેભાનાવસ્થામાં પ્રમાણમાં આપણી આ સામાન્ય જાગૃતાવસ્થામાં કાંઇક થોડીઘણી જાગૃતિ રહેતી હોય છે. આ આપણી અહંયુક્ત ચેતનાની પદ્ધતિ છે. આ જ આપણું અજ્ઞાન છે. જ્યારે આપણી ચેતના પોતાના વિશે જાગ્રત થાય, આપણે વિષયો સાથેની તદાકારતામાંથી બહાર આવીએ, આપણી દષ્ટિ અંદર વળે એટલે આપણી જાગૃતિ અર્થાત્‌‍ અવધાનાવસ્થાનો પ્રારંભ થાય છે.

આપણે ચેતનાની એક નવી અવસ્થામાં પ્રવેશ કરીએ છીએ. આપણે મનોમય અને અહંયુક્ત ચેતનામાંથી બહાર નીકળીએ છીએ. આપણી ચેતના જે કોચલામાં, અજ્ઞાનના આવરણમાં પુરાયેલી છે તે કોચલામાં તિરાડો પડવા માંડે છે. આપણે મહાચૈતન્યના પ્રકાશની ઝલક પામીએ છીએ. આપણી જાગૃતિની માત્રા વધી જાય છે. આપણી અંદર દીવો પ્રગટે છે. તે દીવાના પ્રકાશમાં આપણે ઘણી નવી બાબતો જોઇ શકીએ છીએ, જે આપણે પહેલાં જોઇ શક્તા ન હતા.

આપણું દર્શન બદલાઇ જાય છે. કારણ કે આપણી દષ્ટિ બદલાઇ જાય છે. આપણું દર્શન ઘણું ગહન અને વ્યાપક બની જાય છે. અંધકારમાં ફાંફાં મારવાં અને સૂર્યના પ્રકાશમાં જોવું તે બંનેમાં જેટલો તફાવત છે, તેટલો તફાવત પ્રથમ અને પછીની અવસ્થામાં છે.

આ જાગૃતિ કે અવધાનના પ્રાગટ્યથી આપણી ચેતનામાં, આપણી મનોદશામાં અને આપણા વ્યવસારમાં ક્રાંતિકારી પરિવર્તનો આવે છે.
જીવનમાં યથાર્થ જાગૃતિના પ્રાગટ્યથી આપણાં જીવનમાં કેવાંકેવાં ક્રાંતિકારી પરિવર્તનો આવે છે તેની એક રૂપરેખા અહીં પ્રસ્તુત છે.

(1) અહંયુક્ત નાની ચેતના મહાચેતનાના સંપર્કમાં આવે છે.

(2) જીવન અને જગતને જોવાની આપણી દષ્ટિ બદલાઇ જાય છે. તેથી જીવન અને જગતનું આપણું દર્શન બદલાઇ જાય છે.

(3) આપણું પ્રત્યક્ષીકરણ વધુ સ્પષ્ટ, વધુ સમગ્ર અને વધુ યથાર્થ બને છે. અરે! જાગૃતિની પળોમાં ઝાડ-પાનનો વર્ણ પણ જુદો જ દેખાય છે. પુષ્પો નવું સ્વરૂપ ધારણ કરે છે.

(4) આપણી લાગણી શાંત અને સ્વસ્થ બને છે. કામ-ક્રોધના વેગ મોળા પડવા માંડે છે, કારણ કે અવધાનના પ્રકાશમાં આ અંધકારની સેના ટકી શકે નહીં.

(5) આપણી વિચારણા વધુ સ્પષ્ટ અને વધુ વિવેકયુક્ત બને છે. આપણા નિર્ણયો સમતોલ બને છે. આપણી બધી બૌદ્ધિક-માનસિક ક્રિયાઓ વધુ સુક્ષ્મ અને વધુ સ્પષ્ટ બને છે.

(6) આપણાં કર્મો વધુ નિષ્કામ, સમર્પિત અને ક્ષમતાયુક્ત બને છે. આપણી કર્મકુશળતા વધી જાય છે.

(7) ભૂતકાલીન સ્મૃતિઓ અને ભવિષ્યની ચિંતાના બોજામાંથી મન મુક્ત થવા માંડે છે, એટલે જીવન સ્વસ્થ, પ્રસન્ન અને હળવુંફૂલ બનવા માંડે છે.
(8) આપણી ચેતનામાં પ્રાણીમાત્ર પ્રત્યે સદ્ભાવ અને પ્રેમ પ્રગટે છે.

(9) રાગ-દ્વેષનું વિસર્જન થવા માંડે છે.

જેમ એક લોટા પાણીમાં એક ચમચી મધ નાખવામાં આવે તો બધું જ જળ મધુર બની જાય છે. તેવી જ રીતે જીવનમાં જાગૃતિનું તત્ત્વ ઉમેરાય છે ત્યારે સમગ્ર જીવનનું રૂપાંતર થવા માંડે છે.

હવે આપણે જોઇએ કે આ યથાર્થ જાગૃતિ કે અવધાનના વિકાસ દ્વારા જીવનનાં ભિન્નભિન્ન પાસાં પર કેવી અસર થાય છે.

  1. જાગૃતિ દ્વારા આધ્યાત્મિક રૂપાંતર:
    અધ્યાત્મપથ પર ત્રણ પ્રક્રિયાઓ સાથેસાથે બને છે. કોઇ પણ આધ્યાત્મિક સાધન દ્વારા આ ત્રણ પ્રક્રિયાઓ બને છે કે નહીં અને ક્યા સ્વરૂપે બને છે, તેને આધારે તે આધ્યાત્મિક સાધનનું મૂલ્યાંકન થાય છે. અધ્યાત્મપથની આ ત્રણ પ્રક્રિયાઓ છે:
    (1) ચિત્તશુદ્ધિ
    (2) મનસાતીત ભૂમિકામાં આરોહણ
    (3) ભાગવત ચેતનાનો સ્પર્શ.
    જાગૃતિનો માર્ગ અર્થાત્‌‍ અવધાનપથ એક અધ્યાત્મસાધન છે. હવે આપણે જોઇએ કે અવધાનપથ પણ આ ત્રણે પ્રક્રિયાઓ કેવી રીતે બને છે.

(1) ચિત્તશુદ્ધિ:
ચિત્તની કોઇ પણ અશુદ્ધિનું બળ તે અશુદ્ધિતા સ્વરૂપ અંગેના આપણા અજ્ઞાન પર અવલંબે છે. આપણે અશુદ્ધિના મૂળ સ્વરૂપને સમજતા નથી અને તેની સમગ્ર ગતિવિધિ વિશે જાગ્રત નથી તેના બળે અશુદ્ધિ ટકી રહે છે. આનો અર્થ એમ છે કે અશુદ્ધિઓનું મૂળ કારણ અજ્ઞાન છે. અવધાન તે જાગૃતિ અને સમજનો માર્ગ છે.

જાગૃતિના પ્રકાશમાં ચિત્તના ક્લેશો અને વૃત્તિઓનું સ્વરૂપ આપણી સમક્ષ તેના યથાર્થ સ્વરૂપે પ્રગટ થાય છે. કોઇ પણ અશુદ્ધિ જ્ઞાનના પ્રકાશ સામે ટકી ન શકે. અશુદ્ધિનું યથાર્થ સ્વરૂપ આપણી ચેતના સમક્ષ પ્રગટ થતાં તેનું બળ આપોઆપ ઘટવા લાગે છે. તેની આપણા ચિત્ત પરની પકડ આપોઆપ ઘટવા લાગે છે.

એક જાગ્રત માનવી અગ્નિને સ્પર્શે, તેનાથી થતો દાહ અનુભવે, એટલે તેને અગ્નિથી દૂર રહેવાની ઇચ્છા થાય જ. તે જ રીતે વાસનાઓ અને તેમના ભોગની દાહકતા જાગૃતિના પ્રકાશથી જોઇ શકાય છે.

જેમાં વેદના અને ગંદકી જ છે. તેવા ભોગો માનવીને આકર્ષે છે. તેનું કારણ અજ્ઞાનજન્ય મોહ છે. મોહના આવરણ વિના કોઇ પણ માનવ વાસનાના ભોગમાં ઊતરી શકે નહીં. કોઇ પણ વૃત્તિનો ભોગ તેના યથાર્થ સ્વરૂપે આનંદદાયક નથી- હોઇ શકે નહીં આમ છતાંતે સુખદ લાગે છે, તેનું કારણ મોહજન્ય નશો છે.

આપણા દર્શનની ખામી છે. જાગૃતિ આપણને યથાર્થ દર્શન આપે છે. યથાર્થ દર્શન ચિત્તશુદ્ધિનું મૂલ્યવાન સાધન છે.
કામ, ક્રોધ, લોભ, મત્સર, ભય, ગ્રંથિઓ -આ સર્વ અશૃદ્ધિઓનું બળ તેમના પ્રત્યેની આપણી બેભાનાવસ્થા છે.

જાગૃતિના પ્રકાશમાં તેમનું વિસર્જન થવા માંડે છે. માત્ર ભોગેચ્છા જ નહીં, અન્ય અશુદ્ધિઓનું વિસર્જન પણ જાગૃતિ દ્વારા થાય છે. ચિત્તાશુદ્ધિની સાધનાનું જાગૃતિરૂપી કેન્દ્ર છે.

(1) મનસાતીત ભૂમિકામાં આરોહણ:
જાગૃતિ અર્થાત્‌‍ અવધાનની ઘટના જ્યારે તેના યથાર્થ સ્વરૂપે પ્રગટે ત્યારે આપણી ચેતના મનસાતીત ભૂમિકાએ પહોંચે જ મનની ક્રિયાઓ આપણી ચેતનાને નીચેની ભૂમિકાએ બોધ રાખે છે. અવધાન જ્યારે પ્રગાઢ બને ત્યારે તે અવસ્થામાં મનની ક્રિયાઓ પાંખી પડવા માંડે છે અને આખરે બંધ પડી જાય છે. આમ બને એટલે ચેતના આપોઆપ મનસાતીત ભૂમિકાએ આરોહણ કરે છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button