યોગ મટાડે મનના રોગ: આત્મનિરીક્ષણ પણ એક પ્રકારની ચિકિત્સાપદ્ધતિ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ
(ગયા અંકથી ચાલુ)
ભારતીય જીવનદર્શનના ત્રણ પાયા છે, જેના પર ભારતીય જીવનદર્શન પ્રતિષ્ઠિત છે.
(1) જીવનનું લક્ષ્ય સુખપ્રાપ્તિ નથી, પરંતુ સત્યપ્રાપ્તિ છે- પરમની પ્રાપ્તિ છે. (2)
જીવનનું કેન્દ્ર ચૈતન્ય અર્થાત્ આત્મા છે. ભૌતિકવાદ નહીં. પરંતુ ચૈતન્યવાસ તે ભારતીય દર્શનનો પાયો છે. આ આત્મા જ જીવનનું સત્ય છે અને તેની પ્રાપ્તિમાં જ જીવનની કૃતાર્થતા છે. (3) સત્ય હંમેશાં મંગલકારી છે. સત્યની મંગલમયતામાં શ્રદ્ધા – તે ભારતીય જીવનદર્શનનો એક પાયો છે.
જીવનની આ પાયાની સમજ જો વ્યકિતના ચિત્તમાં સ્પષ્ટ હોય તો તેના પરિણામ-સ્વરૂપે વ્યક્તિના મન:સ્વાસ્થ્ય પર તેના દ્વારા ઘણી મદદ મળે છે, કારણ કે જેવું જીવનદર્શન તેવું જીવન બને છે.
(3) આત્મનિરીક્ષણ: આત્મનિરીક્ષણ પણ એક પ્રકારની ચિકિત્સાપદ્ધતિ છે. આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિ પોતાના ચિત્તના વ્યાપારો, ગ્રંથિઓ, મર્યાદાઓ આદિને સમજે છે. પોતાના ચિત્તની સમજ એક મૂલ્યવાન સાધન છે. આ કાર્યમાં આત્મનિરીક્ષણ ઉપરાંત વ્યક્તિ સદ્ગુરુ કે અધિકારી વ્યક્તિની સહાયતા પણ મેળવી શકે છે અને સ્વાધ્યાય દ્વારા પણ મદદ મેળવી શકે છે.
આમ સદ્ગુરુ કે અધિકારી વ્યક્તિના માર્ગદર્શનને આધારે તથા સ્વાધ્યાયની સહાય લઇને વ્યક્તિ આત્મનિરીક્ષણ કરે તો તે પોતાની જાતને સારી રીતે સમજી શકે છે અને આ સમજના પ્રકાશમાં અનેક સમસ્યાઓનું નિરાકરણ મળી રહે છે.
(4) સ્વાધ્યાય: સ્વાધ્યાય સત્સંગનો એક વિકલ્પ છે. ઉત્તમ પુસ્તકોના અધ્યયન દ્વારા વ્યક્તિ પોતાની જાતને સ્વસ્થ રાખવામાં ઘણી સહાયતા મેળવી શકે છે. સ્વાધ્યાય દ્વારા ત્રણ ઘટનાઓ ઘટે છે.
(1) પોતાના ચિત્તનો અને જીવન વિષયક સમજનો વિકાસ
થાય છે.(2) ઉત્તમ સાત્ત્વિક-આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા
મળે છે. (3) સ્વાધ્યાય પોતે જ એક વિશિષ્ટ પ્રકારનું સાત્ત્વિક વાતાવરણ આપે છે. જેમ વ્યક્તિઓ દ્વારા વાતાવરણ બને છે, તેમ પુસ્તકોના સ્વાધ્યાય દ્વારા પણ એક વાતાવરણ બને છે.
આ રીતે સ્વાધ્યાય પણ મન:સ્વાસ્થ્યની જાળવણી અને પ્રાપ્તિ માટે મૂલ્યવાન સાધન છે.
(5) ક્રિયાયોગ: પૂજન, હવન, પાઠ આદિ ક્રિયાપ્રધાન સાધનાઓને ક્રિયાયોગ કહેવામાં આવે છે. ક્રિયાયોગમાં ચાર તત્ત્વો પ્રધાન છે. (1) મંત્ર: શુદ્ધઉચ્ચારપૂર્વક મંત્રપાઠ થવો જોઇએ. (2) દ્રવ્ય : શુદ્ધ દ્રવ્યનો વિનિયોગ થવો જોઇએ. (3) વિધિ : શાસ્ત્રોક્ય વિધિનું અનુસરણ થવું જોઇએ. (4) ભાવ ક્રિયા હ્રદયપૂર્વક થવી જોઇએ.
જો આ ચારે તત્ત્વોનું મિલન થાય તો ક્રિયાયોગ સમર્થ સાધન બને છે, પ્રથમ દષ્ટિએ બહિરંગ જણાતા આ સાધનમાં અંતરંગ પ્રત્યે દોરી જવાની ક્ષમતા છે. આ ક્રિયાયોગના પરિશીલન દ્વારા ચિત્તની શુદ્ધિ અને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. તેના પરિશીલન દ્વારા સાધકને કાંઇક આંતરસ્પર્શ મળે છે અને અંદરનો થોડોઘણો પ્રકાશ પણ જીવન અને ચિત્તની અનેક વિટંબણાઓ દૂર કરવા માટે સમર્થ છે.
(6) મંત્રજંપ અને નામજપ: ગાયત્રી, નવાર્ણવ, મહામૃત્યુંજ્ય આદિ સિદ્ધમંત્રોના જપને મંત્રજપ કહેવામાં આવે છે અને રામ, કૃષ્ણ, શિવ આદિ ભગવત્સ્વરૂપોનાં નામના જપને નામજપ કહેવામાં આવે છે. મંત્રજપ અને નામજપ બંને સમર્થ આધ્યાત્મિક સાધનો છે. મંત્રજપ અને નામજપથી બે ઘટનાઓ ઘટે છે.
(1) ચિત્તનું શોધન થાય છે. (2) ઊર્ધ્વ ચેતનાનો સ્પર્શ મળે છે.
મંત્રજ્ય અને નામજપ મૂલત: આધ્યાત્મિક સાધન છે, પરંતુ મન:સ્વાસ્થ્ય અને માનસચિકિત્સા માટે પણ તેમનો ઉપયોગ કરી શકાય તેમ છે. જપનું આ અનુષ્ઠાન તે વિષમના જાણકારના માર્ગદર્શન પ્રમાણે જ થવું જોઇએ.
(7) આયુર્વેદિક ચિકિત્સા: આયુર્વેદમાં પણ માનસચિકિત્સા વિશે વિચારણા થઇ છે. આયુર્વેકદની ચિકિત્સા ત્રિદોષસિદ્ધાંત પર પ્રતિષ્ઠિત છે. મનોરોગનાં કારણોની સમજણ પણ આયુર્વેદ ત્રિદોષ-સિદ્ધાંત દ્વારા જ આપે છે. વાત, પિત્ત અને કફ-આ ત્રણેમાંના કોઇ એક, બે કે ત્રણ દૂષિત થવાથી રોગ જન્મે છે અને મનોરોગ પણ તે જ કારણે જન્મે છે. તેમ આયુર્વેદ સમજાવે છે અને મનોરોગની ચિકિત્સાપદ્ધતિ પણ તે પ્રમાણે ગોઠવે છે. મનોરોગની ચિકિત્સા માટે આયુર્વેદમાં બે સ્વરૂપોની ચિકિત્સા કરવામાં આવે છે:
(1) ઔષધિપ્રયોગ: શંખપુષ્પી, બ્રાહ્મી આદિ ઔષધિઓનો પ્રયોગ થાય છે. (2) પંચકમ: સ્વેદન, સ્નેહન, વમન, વિરેચન, બસ્તિ.
(8) યોગાસન: બાહ્મ દષ્ટિથી જોઇએ તો યોગાસન શારીરિક અવસ્થા છે. પરંતુ તેની અસર પ્રાણ સુધી અનેે પ્રાણ દ્વારા ચિત્ત સુધી પહોંચે છે. યોગાસનો અનેક છે અને ભિન્નભિન્ન યોગાસનો મન:સ્વાસ્થ્ય પર ભિન્નભિન્ન રીતે કાર્ય કરે છે. યોગાસન દ્વારા થતી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે.
(1) શવાસન, મકારસર આદિ આસનો ચિત્તવિશ્રાંતિકારક છે. માનસિક તણાવમાં અનેક મનોરોગનો જન્મ થાય છે. શવાસન, મકરાસન આદિ આસનો મનને તણાવમાંથી મુક્ત કરીને મન:સ્વાસ્થ્ય માટેે સહાયતા કરે છે. (2) થાઇરોઇડ ગ્રંથિન સાવની આપણી મન:સ્થિતિ તથા વ્યક્તિત્વવિકાસ પર અસર થાય છે. જો થાઇરોઇડ ગ્રંથિની કાર્યશૈલી સ્વસ્થ ન હોય તો મનની વિકૃતિઓ જન્મી શકે છે. સર્વાંગાસન, હલાસન, સિંહાસન, મત્સ્યાસન આદિ આસનોના અભ્યાસથી થાઇરોઇડ ગ્રંથિના સ્વાસ્થ્યમાં ઘણી સહાયતા મળે છે અને આ આસનો થાઇરોઇડ ગ્રંથિના સ્વાસ્થ્યમાં ઘણી સહાયતા મળે છે અને આ આસનો થાઇરોઇડ દ્વારા મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણીમાં સહાયતા કરે છે. (3) આપણાં શરીરમાં થાઇરોઇડ સિવાય અન્ય પણ અનેક અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે. આધુનિક શરીરવિજ્ઞાને પણ હવે સ્વીકાર્યુ છે કે આ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સાવની અસર વ્યક્તિની મન:સ્થિતિ પર અવશ્યક પડે છે. દ્ષ્ટાંતત: વ્યક્તિનાં ચિત્તમાં અને શરીરમાં અનુભવાતી કામોત્તેજનામાં અંત:સ્ત્રાવી ગંથ્રિઓના સ્ત્રાવની અસર પડે જ છે. જો આ અંતસ્ત્રાવી નિયમિત નિયંત્રિત અને સ્વસ્થ બનાવી શકાય તો તે રીતે મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણીમાં ઘણી સહાયતા મળે છે. મોટા ભાગનાં યોગાસનો કોઇ ને કોઇ અંત:સ્ત્રાવી ગ્રંથિઓ સાથે સંકળાયેલાં છે. યોગાસનો વિશેનાં પ્રાયોગિક સંશોધનો દ્વારા પુરવાર થયું છે કે યોગાસનોનો અભ્યાસ અંત:સ્ત્રાવી ગ્રંભિઓના સ્વાસ્થ્ય પર ઘણી મૂલ્યવાન અસર કરે છે. આનો અર્થ એમ થાય છે કે યોગસાનોનો અભ્યાસ અંત:સ્ત્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરે છે અને તેમના દ્વારા મનના સ્વાસ્થ્યમાં પણ સહાયતા કરે છે. (4) શરીરના મજજાતંત્ર ને ચિત્તની અવસ્થા અને ચિત્તના સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ છે. શીર્ષાસન, હલાસન, પશ્ચિમોત્તાનાસન, ધનુરાસન, મત્સ્વેન્દ્રાસન, ચક્રાસન વગેરે અનેક આસનો મગજ અને કરોડરજજુનાં સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં મૂલ્યવાન સહાય કરે છે અને તે રીતે મજજાતંત્ર દ્વારા મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણીમાં ઉપયોગી થાય છે. (દ) શરીરવિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાન સ્પષ્ટ રીતે સ્વીકારે છે કે શરીરની રાસાયણિક અવસ્થા સાથે ચિત્તની અવસ્થા અને સ્વાસ્થ્યને પ્રગાઢ સંબંધ છે. થોડો દારૂ પીવાથી કે થોડું ચરસ પીવાથી ચિત્તની અવસ્થા કેમ બદલાઇ જાય છે? શરીરની રાસાયણિક અવસ્થા ચિત્તને પ્રભાવિત કરે જ છે. યોગાસનનોના અભ્યાસ દ્વારા શરીરનો રાસાયણિક પ્રક્રિયાને પ્રભાવિત કરી શકાય છે અને તે રીતે યોગાસનોના અભ્યાસ દ્વારા ચિત્તની સ્વસ્થ અવસ્થા જાળવી રાખવામાં અને પ્રાપ્ત સહાયતા મળે છે. (દશ) શરીરના સ્વાસ્થ્યને મનના સ્વાસ્થ્ય સાથે સંબંધ છે જ. યોગાસનોના અભ્યાસ દ્વારા શરીરને સ્વસ્થ રાખી શકાય છે, તે સર્વસ્વીકૃત હકીકત છે. યોગાસનો શરીરને સ્વસ્થ રાખીને પણ મનને સ્વસ્થ રાખવામાં સહાયતા કરે છે. શરીર અને મન વચ્ચે સંબંધ છે. યોગાસનો શરીરની અવસ્થાઓ છે, પરંતુ તે મનને પણ પ્રભાવિત કરે જ છે. (7) આપણે જોઇ ગયા છીએ કે શરીર અને મનની રુગ્ણાવસ્થામાં વિષુચી (વિસંવાદી) પ્રાણ અનેક વાર જવાબદાર હોય છે. આ વિષુચી પ્રાણને સધ્રિચી (સુસંવાદી) બનાવવો કેમ? યોગાસનોના અભ્યાસ દ્વારા તે કાર્ય ઉત્તમ રીતે થઇ શકે છે.
આ રીતે પ્રાણને સુસંવાદી બનાવીને યોગાસનો મનના રોગોના નિવારણમાં અને મન:સ્વાસ્થ્યની જાળવણીમાં મૂલ્યવાન સહાય આપી શકે તેમ છે. (ક્રમશ:)