તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: જે વ્યક્તિ મનથી પ્રસન્ન અને સુખી છે તે સ્વસ્થ છે

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
(3) જે વ્યક્તિ સમાજને ઉપદ્રવને કે બોજારૂપ ન બને તે વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિ ગણવામાં આવે છે. મન:સ્વાસ્થ્યના આ ધોરણને સામાજિક શાંતિનું ધોરણ કહેવામાં આવે છે.

ભારતીય મનોવિજ્ઞાનનું મન:સ્વાસ્થ્ય વિશેનું ધોરણ આધુનિક મનોવિજ્ઞાન કરતાં ઘણું ભિન્ન છે. ભારતીય મનોવિજ્ઞાન મન:સ્વાસ્યને બે રીતે સમજાવે છે:

(1) આધ્યાત્મિક ધોરણ: જે આત્મસ્થ છે તે સ્વસ્થ છે. મન:સ્વાસ્થ્યનું આ સર્વોચ્ચ ધોરણ છે. જે વ્યક્તિ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે જ વ્યક્તિનું ચિત્ત, તેનું જીવન અને તેનું વર્તન યથાર્થત સ્વસ્થ હોય છે જે આત્મસ્થ નથી તેના ચિત્તમાં. જીવનમાં અને વર્તનમાં કોઇ ને કોઇ સ્વરૂપની વિકૃતિ હોય જ છે- અસ્વસ્થતા રહે જ છે.

આ ધોરણ મુજબ ભગવાન બુદ્ધ કે રમણ મહર્ષિ જેવા વિરલ પુરુષો જ સ્વસ્થ ગણાય અન્ય સર્વમાં અસ્વસ્થતાનાં તત્ત્વો હોય જ છે.
આધ્યાત્મિ દષ્ટિથી જોઇએ. તો આ હકીકત સત્ય છે. કારણકે જે આત્મસ્થ ન હોય તેના જીવનમાં કોઇ ને કોઇ સ્વરૂપની વિકૃતિઓ જોવા મળે જ છે.
પરંતુ આ આત્મસ્થ પુરુષો કેટલા? બાકીના બધાને વિકૃત ગણવા? આ ધોરણ ઘણું ઊંચું છે.

(2) વ્યાવહારિક ધોરણ: જે વ્યક્તિ મનથી પ્રસન્ન અને સુખી છે તે સ્વસ્થ છે. આયુર્વેદમાં આરોગ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: જે અવસ્થામાં સુખ અનુભવાય તે અવસ્થા સ્વસ્થ છે. સુખ, શાંતિ અને પ્રસન્નતા આરોગ્યની નિશાની છે.

આ લક્ષણ મન:સ્વાસ્થ્યને પણ લાગુ પડે છે. જે વ્યક્તિના ચિત્તમાં વિકૃતિઓ હોય તો વ્યક્તિ મનથી સુખી, શાંત અને પ્રસન્ન હોઇ શો જ નહીં. જે વ્યક્તિનું ચિત્ત મનોરોગથી મુક્ત હોય, જે માનસિક રીતે સ્વસ્થ હોય તેના ચિત્તમાં, જીવનમાં અને વર્તનમાં સુખ, શાંતિ અને પ્રસન્નતા હોય જ છે.
મન:સ્વાસ્થ્યના આ ધોરણ પ્રમાણે ચિત્તની પ્રસન્નતા, સુખ અને શાંતિ દ્વારા વ્યક્તિના મન:સ્વાસ્થ્યને નિશ્ચિત કરવામાં આવે છે.

પ્રથમ ધોરણ ઘણું ઊંચું ધોરણ છે અને આ ધોરણ વ્યાવહારિક ભૂમિકા પરનું ધોરણ છે.
મન:સ્વાસ્થ્યનું પ્રથમ ધોરણ આદર્શ ધોરણ છે, કારણ કે આખરે તો વ્યક્તિએ તે ધોરણ સુધી પહોંચવાનું છે. દ્વિતીય ધોરણ કામચલાઉ ધોરણ છે. વ્યાવહારિક ભૂમિકા પરનું ધોરણ છે.

  1. ભારતીય માનસચિકિત્સાની લાક્ષણિકતાઓ:
    (1) ભારતીય માનસચિકિત્સા મૂલત: અધ્યાત્મવિદ્યા છે. ભારતીય અધ્યાત્મવિદ્યાનાં જે સાધનો છે. તેમનો જ વિનિયોગ જ્યારે માનસિક ચિકિત્સા માટે કરવામાં આવે ત્યારે તે ભારતીય માનસચિકિત્સાનું સ્વરૂપ ધારણ કરે છે. દષ્ટાંતત: પ્રાણાયામ આધ્યાત્મિક વિકાસ માટેનું સમર્થ છે સાધન અને અધ્યાત્મિવિદ્યાનો ભાગ છે.

આ પ્રાણાયામરૂપ સાધનનો ઉપયોગ મન:સ્વાસ્થ્યની જાળવણી માટે અને મનની વિકૃતિઓના નિવારણ માટે પણ થઇ શકે છે અને આમ થાય ત્યારે તે પ્રાણાયામ ભારતીય માનસચિકિત્સાની એક ચિકિત્સાપદ્ધતિનું સ્વરૂપ ધારણ કરે છે.
અસ્વસ્થ વ્યક્તિ વ્યાવહારિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટેની તેની યાત્રા તે માનસચિકિત્સાનો ભાગ છે અને વ્યાવહારિક દષ્ટિથી સ્વસ્થ વ્યક્તિ પરમ સ્વાસ્થ્ય (આત્મસ્થ અવસ્થા) પ્રાપ્ત કરે તે માટેની તેની યાત્રા તે અધ્યાત્મયાત્રા છે. માનસચિકિત્સા અને અધ્યાત્મયાત્રા કરી શકે નહીં, તેથી પહેલાં તેની માનસચિકિત્સા થવી જોઇએ, ત્યારપછી તે અધ્યાત્મયાત્રા કરે છે.

આમ માનસચિકિત્સા અધ્યાત્મયાત્રાની પ્રારંભિક પ્રક્રિયા છે. માનસચિકિત્સા દ્વારા માનસિક રીતે સ્વસ્થ બનેલી વ્યક્તિ માટે અધ્યાત્મપથ સુકર અને સરળ બની જાય છે.
આમ ભારતીય માનસચિકિત્સા અધ્યાત્મવિદ્યાનું જ એક પ્રારંભિક અને વિશિષ્ટ સ્વરૂપ છે.

(2) ભારતીય માનસચિકિત્સાનો અંતિમ આદર્શ આત્મસ્થનું મન:સ્થાસ્થ્ય છે. મન:સ્વાસ્થ્યનું પરમોચ્ચ આધ્યાત્મિક ધોરણ છે તે ભારતીય માનસચિકિત્સાનો આદર્શ છે. ભારતીય માનસચિકિત્સા જીવનમુક્ત પુરુશને કે આત્માવસ્થાને દષ્ટિ સમક્ષ રાખીને પોતાની કાર્યપદ્ધતિથી રચના કરે છે.

(3) માનસચિકિત્સાના બે કાર્ય છે- મન:સ્વાસ્થ્યની જાળવણી અને મનોરોગની ચિકિત્સા શરીરચિકિત્સાપદ્ધતિ પણ બે કાર્ય કરે છે: શરીરના સ્વાસ્થ્યની જાળવણી અને શરીરના રોગોની ચિકિત્સા. આયુર્વેદમાં પણ સ્વસ્થ જીવનપદ્ધતિ અને રોગચિકિત્સા એમ બંનેની વિચારણા કરવામાં આવે છે.

આધુનિક માનસચિકિત્સા વિશેત: મનોરોગની ચિકિત્સા કરે છે. પરંતુ મન:સ્વાસ્થ્યનું જાળવણી કેમ કરવી, તેના ક્યા ઉપાયો પ્રયોજવા તેની વિચારણા તેમાં બહુ ઓછી છે. આથી ઊલટું માનસચિકિત્સામાં મન:સ્વાસ્થ્યની જાળવણી વિશે વિશેષ પ્રચાર થયો છે. મન:સ્વાસ્થ્યની જાળવણી માટેની જીવનપદ્ધતિ અને મન:સ્વાસ્થ્યની જાળવણી માટેના ઉપાયો વિશે ભારતીય મનોવિજ્ઞાન અને ભારતીય માનસચિકિત્સામાં ગહન અને વ્યાપક વિચારણા થઇ છે.

ભારતીય માનસચિકિત્સાવિજ્ઞાન વિશેષત: સ્વસ્થ જીવનવૃત્તનું વિજ્ઞાન છે.
મનના કે શરીરના રોગ થાય પછી તેમની સારવાર કરવી તેના કરતાં તે રોગો થાય જ નહી તેની વિચારણા કરવી તે વધુ ડહાપણનો માર્ગ છે.
Precantion is better than cure, (ઉપાય કરતાં પૂર્વસાવચેતી વધુ સારી છે) રોગનિવારણના ઉપાય કરતાં નીરોગી જીવનપદ્ધતિ દર્શાવવી તે વધુ સાચો માર્ગ છે. ભારતીય શરીરચિકિત્સાપદ્ધતિ અથવા આયુર્વેદ અને ભારતીય માનસચિકિત્સાપદ્ધતિ – બંનેમાં આ દષ્ટિકોણનો સ્વીકાર થયો છે.

(4) ભારતીય મનોવિજ્ઞાન પાસે અને તેથી ભારતીય માનસચિકિત્સા પાસે જીવનનું એક સ્પષ્ટ, સમર્થ અને ગહન દર્શન છે.
આધુનિક જીવનની સમસ્યાઓનું પ્રધાન કારણ જીવન પ્રત્યેનાં ખોટા દષ્ટિકોણ અને ખોટી વિચારધારા અપનાવવામાં રહેલું છે. જીવનના સાચા દર્શનના અભાવને કારણે આધુનિક માનવ અપરંપાર વિટંબણાઓમાં ફસાયેલો છે.

જ્યાં સુધી જીવનના કેન્દ્રસ્થ તત્ત્વ તરીકે ચૈતન્યનો સ્વીકાર ન થાય અને જ્યાં સુધી સુખ તે જીવનનું પ્રધાન લક્ષ્ય હોય ત્યાં સુધી વૈફલ્ય અને વિષાદ અનિવાર્ય છે અને ત્યાં સુધી સાચી શાંતિ દૂર જ રહેવાની.
ભારતીય મનોવિજ્ઞાન અને તેથી ભારતીય માનસચિકિત્સા જીવનના કેન્દ્રસ્થા તત્ત્વ તરીકે ચૈતન્યતત્ત્વનો સ્પષ્ટ સ્વકાર કરે છે અને જીવનના લક્ષ્ય તરીકે સુખને નહીં. પરંતુ સત્યને સ્વીકારે છે. ભારતીય મનોવિજ્ઞાનની આ એક મહત્ત્વપૂર્ણ લાક્ષણિક્તા છે. ભારતીય મનોવિજ્ઞાનની આ ગરિમા છે.
ભારતીય મનોવિજ્ઞાને તો હજારો વર્ષ પહેલાં જાહેર કર્યું છે કે સુખની શોધ જ દુ:ખનું કારણ છે. મનોરોગનાં કારણોમાં પણ સુખની શોધ મહત્ત્વપૂર્ણ કારણ છે. ભારતીય મનોવિજ્ઞાન આ દષ્ટિકોણ બદલવાની સલાહ આપે છે. સુખની શોધ થંભે તો માનસિક વિશંબણાઓ પણ વિરમે છે.

આખરે તો સુખવાદી નહીં, સત્યવાદી જીવનદર્શન જ સાચું સિદ્ધ થાય છે. આવું ચૈતન્યકેન્દ્રી જીવનદર્શન હોવાની મહત્તા ભારતીય માનસચિકિત્સા પાસે છે.

(5) ભારતીય મનોવિજ્ઞાન વ્યક્તિત્ત્વના કેન્દ્ર તરીકે ચૈતત્યનો સ્વીકાર કરે છે. ચૈતન્ય અર્થાત્‌‍ આત્મા જ આપણા વ્યક્તિત્વનું યથાર્થ કેન્દ્ર છે. આ કેન્દ્રસ્થ ચૈતત્યનું વિસ્મરણ થાય અને વિસ્મરણને પરિણામે તે વ્યક્તિત્વના કેન્દ્ર તરીકે રહેવાને બદલે પડદા રહી જાય તો વ્યક્તિનું વ્યક્તિત્વ સુગ્રથિત રહી શકે નહીં. ભારતીય માનસચિકિત્સા સ્પષ્ટ રીતે કહે છે કે માનવ-વ્યક્તિત્વની સુગ્રથિતતા- (integration of personality)નો પ્રધાન આધાર એ છે કે વ્યક્તિત્વના કેન્દ્રમાં ચૈતન્ય અર્થાત્‌‍ આત્મા પ્રતિષ્ઠિતને હોય.

આપણા વ્યક્તિત્વના કેન્દ્ર તરીકે આત્માને બદલે શરીર, પ્રાણ, મન, ઇચ્છાઓ કે અન્ય કોઇ પણ તત્ત્વ હોય ત્યાં સુધી વ્યક્તિત્વનું યથાર્થ સ્વાસ્થ્ય ઊભું થઇ શકે નહીં. જેમજેમ માનવચેતનાનું કેન્દ્ર આત્માની નજીક સરકે છે. તેમતેમ માનવનું મન:સ્વાસ્થ્ય વધુ ને વધુ સારું બને છે અને તેથી ઊલટું જેમજેમ માનવચેતનાનું કેન્દ્ર આત્માથી દૂર જાય છે તેમતેમ વ્યક્તિનાં મન:સ્વાસ્થ્ય અને સુગ્રથિતતા નબળાં પડતાં જાય છે.
આમ હોવાથી મન:સ્વાસ્થ્યની પ્રતિષ્ઠા અને જાળવણી માટે ભારતીય માનસચિકિત્સા રાજમાર્ગ દર્શાવે છે- આત્મા પ્રત્યે ગતિ કરો અને વ્યક્તિત્વના કેન્દ્ર તરીકે આત્માની પ્રતિષ્ઠા કરી.

મન:સ્વાસ્થ્યનું કેન્દ્ર મન નથી. આત્મા છે તે ભારતીય મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે.

(6) ભારતીય મનોવિજ્ઞાન ચેતનાના અનેક સ્તરોની સ્વીકાર કરે છે. શરીર, પ્રાણ, મન, ઊર્ધ્વ મન, અંત:સ્ફુરણાત્મક મન, અધિમનસ, અતિમનસ- આ પ્રમાણે ચૈતનાના ઉત્તરોત્તર વધુ વિકસિત એવા સ્તરો છે. માનવચેતનાનું કેન્દ્ર જેમજેમ વધુ ઊર્ધ્વ સ્તરમાં આરોહણ કરે છે, તેમતેમ માનવ વધુ વિકસિત બને છે. શરીરમાં જીવનાર જીવ પશુભૂમિકામાં જીવે છે અને અધિમનસ કે અતિમનસમાં જીવનાર વ્યક્તિ દેવત્વની ભૂમિકામાં જીવે છે.

ચૈતનાની ઊર્ધ્વ સ્તરોની નિમ્ન સ્તરો પર અસર પણ થાય છે.
આમ હોવાથી માનવવ્યક્તિત્વના યથાર્થ વિકાસ માટે ભારતીય મનોવિજ્ઞાન બે ઉપાયો દર્શાવે છે.

(1) ચૈતનાના ઊર્ધ્વ સ્તરો પ્રત્યે ખુલ્લા રહેવું, તેના પ્રકાશને નીચેના સ્તરોમાં ઊતરવા દેવો.

ચેતનાના ઊર્ધ્વ સ્તરોમાં આરોહણ કરવું.
ભારતીય માનસચિકિત્સા મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણી માટે પણ બંને ઉપાયોનો સ્વીકાર કરે છે.
મનની જ ભૂમિકા પર રહીને મનની સુધારણાનો પ્રયત્ન કરવો અતિ દુષ્કર છે, પરંતુ મનસાતીત ચેતનાના પ્રકાશને મનમાં ઊતારવો અને ઊર્ધ્વ ચેતનાની સહાયથી મનનું રૂપાન્તર સિદ્ધા કરવું તે વધુ સાચો અને સચોટ ઉપાય છે.
મન તો મૂળે જ વાંદરું છે. તેને શાંત શુદ્ધ, સ્વસ્થ અને પ્રકાશયુક્ત બનાવી શકાય તેમ નથી, પરંતુ મનસાતીત ચેતનાનો પ્રકાશ મનમાં ઊતરે તો કથીર સુવર્ણમાં બદલાઇ જાય છે. જેમ સૂર્ય ઊગે અને સર્વત્ર પ્રકાશ ફેલાઇ જાય છે, તેમ ઊર્ધ્વ ચેતનાના પ્રકાશથી માનવમન, માનવજીવન અને માનવવ્યક્તિત્વમાં અમૂલાગ્ર રૂપાન્તર સિદ્ધ થાય છે.
(7) ભારતીય માનસચિકિત્સામાં ચિકિત્સક ધંધાદારી ચિકિત્સક નથી અને ચિકિત્સક તથા મનોરોગીના સંબંધો ધંધાદારી નથી, પરંતુ આધ્યાત્મિક છે. ચિકિત્સક અધ્યાત્મપુરુષ છે અને ચિકિત્સક તથા દરદી વચ્ચેના સંબંધો ગુરુ-શિષ્યના સંબંધ છે. આ પ્રકારના વિશિષ્ટ આધ્યાત્મિક સંબંધો ભારતીય માનસચિકિત્સાનો પાયો છે. એક અધ્યાત્મપુરુષ આર્થિક દષ્ટિએ નહીં પરંતુ આધ્યાત્મિક દષ્ટિથી ગ્રાહકને નહીં પરંતુ શિષ્યને તેના મન:સ્વાસ્થ્યની જાળવણી માટે મદદ કરે છે. તેનું માર્ગદર્શન કરે છે.
ચિકિત્સકનું વિશિષ્ટ વ્યક્તિત્વ, ચિકિત્સક-દરદીના વિશિષ્ટ સંબંધો અને સ્થાનનું આશ્રમી વાતાવરણ- આ સર્વ પરિબળોની ચિકિત્સાની કાર્યવાહી પર ઘણી મોટી અસર પડે છે. ભારતીય માનસચિકિત્સાની આ વિશિષ્ટતા છે.
(8) ભારતીય માનસચિકિત્સક ધંધાદારી ચિકિત્સક નથી, પરંપરાગત રીતે ભારતીય માનસચિકિત્સાના ક્ષેત્રમાં ચિકિત્સા કરનાર વ્યક્તિમાં ત્રણ યોગ્યતા હોવાનું આવશ્યક ગણવામાં આવ્યું છે:
માનસચિકિત્સક અધ્યાત્મપુરુષ હોય
તે પોતે મનથી સ્વસ્થ હોય
તે કરુણાપૂર્ણ હોય.
કરુણાથી પ્રેરાઇને, મનથી સ્વસ્થ અધ્યાત્મપુરુષ મનોરોગીને મન:સ્વાસ્થ્યનો માર્ગ દર્શાવે તેવી ભારતીય માનસચિકિત્સાની પરંપરા છે.
(9) ભારતીય મનોવિજ્ઞાનમાં રોગની નહીં. પરંતુ રોગીની સારવાર કરવામાં આવે છે.
મનોરોગીના વ્યક્તિત્વમાં કોઇ વિકૃતિ જોવામાં આવે તો તે વિકૃતિની જ સારવાર કરવી તે પર્યાપ્ત નથી, કારણ કે બહારથી જણાતી તે વિકૃતિ મનોરોગીના સમગ્ર વ્યક્તિત્વથી ભિન્ન નથી. આ વિકૃતિ તેના સમગ્ર વ્યક્તિત્વનું લક્ષણ છે. તેના સમગ્ર વ્યક્તિત્વનું પરિણામ છે, તેના સમગ્ર વ્યક્તિત્વનો ભાગ છે.
જો વ્યક્તિના વ્યક્તિત્વમાં જ પરિવર્તન ન આવે અને માત્ર એકલદોકલ વિકૃતિની જ સારવાર કરવામાં આવે તો ચિકિત્સાનું પરિણામ સ્થાયી બની શકે નહિ. જે વ્યક્તિત્વમાં6ી વિકૃતિ જન્મી છે તે સમગ્ર વ્યક્તિત્વની સારવાર કરવી, તે વ્યક્તિત્વનું રૂપાંતર કરવમાં આવે તો જ ચિક્ત્સાિનું પરિણામ યથાર્થ અને સ્થાયી બની શકે છે. દષ્ટાંતત: લોહીની અશુદ્ધિને કારણે ગૂમડું થાય અને માત્ર ગૂમડાની જ સારવાર કરવામાં આવે તો તેનું પરિણામ સ્થાયી અને મૂલગામી બની શકે નહીં, પરંતુ લોહીની શુદ્ધિના ઉપાયો યોજવામાં આવે તો તે સારવાર મૂલગામી અને સ્થાયી બને છે તે જ રીતે વ્યક્તિત્વમાં કોઇ વિકૃતિ હોય ત્યારે માત્ર તે વિકૃતિની જ સારવાર થાય તે પર્યાપ્ત નથી. સમગ્ર વ્યક્તિત્વના રૂપાંતરના ઉપાયો યોજવામાં આવે તો તે સારવાર મૂલગામી અને તેથી સ્થાયી પરિણામ આપે છે.
આ સ્વરૂપની સમજપૂર્વક ભારતીય માનસચિકિત્સા મનના એકલદોકલ રોગની ચિકિત્સા કરવાને બદલે સમગ્ર વ્યક્તિત્વને સમજીને તેના રૂપાંતરના ઉપાયો યોજવામાં આવે છે.
(10) ભારતીય માનસચિકિત્સા સ્વષ્ટ રીતે માને છે કે મનોરોગનાં કારણો માત્ર મનમાં જ હોય છે તેવું નથી. મનોરોગનાં કારણો મન, પ્રાણ અને શરીર- ત્રણેમાં હોય છે. મનોરોગનાં કારણો આ ત્રણે સ્તરોમાં હોય છે, તેથી માનસચિકિત્સા પણ આ ત્રણે સ્તરો પર થાય તે આવશ્યક છે. આવી સ્પષ્ટ સમજણને કારણે ભારતીય માનસચિકિત્સા શારીરિક, પ્રાણમય અને મનોમય એમ ત્રણે ભૂમિકા પર ઉપાયો યોજે છે. શરીરની ભૂમિકાએ આયુર્વેદોક્ત ઔષધિપ્રયોગો અને પંચકર્મ, પ્રાણની ભૂમિકાએ યોગોક્ત આસન-પ્રણાયામાદિ સાધનો તથા મનની ભૂમિકાએ ચિંતન, ધ્યાન, ભાવના, જપ આદિ સૂક્ષ્મ સાધનોનો પ્રયોગ કરવામાં આવે છે. આમ ત્રણે સ્તરો પર સંયુક્ત રીતે ચિકિત્સા કરવાને પરિણામે માનસચિકિત્સા વધુ બળવાન અને અસરકારક બને છે.
ભારતીય માનસચિકિત્સા માત્ર આ ત્રણ સ્તર પર જ નહીં, પરંતુ ચેતનાના ઊર્ધ્વ સ્તરો પર પણ કાર્ય કરે છે. ભારતીય માનસચિકિત્સા સ્પષ્ટ રીતે માને છે કે મનની સર્વ સમસ્યાઓનું યથાર્થ નિરાકરણ માત્ર મન-પ્રાણ-શરીરની ભૂમિકા પરની ચિકિત્સા દ્વારા મેળવી શકાય તેમ નથી; તેથી ઊર્ધ્વ ચેતનાનો પ્રકાશ આ નિમ્ન સ્તરો પર પહોંચાડવાના પ્રયોગો પણ આવશ્યક છે. આવી સમજને કારણે ભારતીય માનસચિકિત્સામાં મનસાતીત ભૂમિકાના પ્રકાશને નિમ્ન ચેતનામાં ઉતારવાનો એક ઘણો વિશિષ્ટ પ્રયોગ પણ થાય છે. જેમ અંધારા ઓરડામાં પ્રકાશનું એક કિરણ પ્રવેશે તો ઓરડો પ્રકાશિત થઇ જાય છે તે જ રીતે ઊર્ધ્વ ચેતનાના પ્રકાશ દ્વારા નિમ્ન ચેતના પ્રકાશિત થઇ જાય છે આ માટે પ્રાર્થના, અભીપ્સા, સમર્પણ, શ્રદ્ધા આદિ સાધનાઓ છે.
આમ ભારતીય મનોવિજ્ઞાનમાં ચેતનાના અનેક સ્તરો પર એકસાથે ચિકિત્સા થાય છે. તેવું તેનું વિલક્ષણ સ્વરૂપ છે.

  1. ભારતીય માનસચિકિત્સાની પદ્ધતિઓ:
    આપણે જોઇ ગયા છીએ તે પ્રમાણે ભારતીય અધ્યાત્મવિદ્યાની પદ્ધતિઓનો માનસચિકિત્સા માટે વિનિયોગ કરવામાં આવે છે. અધ્યાત્મનાં સાધનોનો જ્યારે માનસચિકિત્સા માટે વિનિયોગ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ તે સાધનોમાં આવશ્યક પરિવર્તન કરવામાં આવે છે. એક સાધક પ્રાણાયામ કરે અને એક મનોરોગી પ્રાણાયામ કરે ત્યારે બંને માટે પ્રાણાયામનું સ્વરૂપ ભિન્નભિન્ન હોય તે આવશ્યક અને અનિવાર્ય છે. આ દષ્ટિકોણ સતત ધ્યાનમાં રાખીને આપણે ભારતીય માનસચિકિત્સામાં જેનો ઉપયોગ થઇ શકે તેમ છે તેવી ચિકિત્સાપદ્ધતિઓનો અહીં વિચાર કરીએ છીએ.
    (1) આશ્રમી જીવન:
    આશ્રમના વાતાવરણમાં જીવવું, ગુરુના સાનિધ્યમાં રહેવું, સાત્ત્વિક-આધ્યાત્મિક વ્યક્તિઓનું સાથે રહેવું -આ બધાં તત્ત્વો માનસચિકિત્સા માટે ઉત્તમ માધ્યમ બની શકે તેમ છે. મન:સ્વાસ્થ્યની જાળવણી માટે પણ તેમનું ઘણું ઉત્તમ માધ્યમ બની શકે તેમ છે.
    મન:સ્વાસ્થ્યની જાળવણી માટે પણ તેમનું ઘણું મૂલ્ય છે. માનવ જે વાતાવરણમાં અને જેમના સાંનિધ્યમાં જીવે છે, તેમની અસર તેના ચિત્તમાં થાય જ છે. મંદિરમાં બેસવું અને શાકમાર્કેટમાં બેસવું તે બંને સમાન નથી. માનવચિત્ત પર વાતાવરણ અને સાંનિધ્ય બંનેની અસર ધીમી પણ સતત ગતિથી થયા કરતી હોય છે. તેથી આશ્રમી જીવન જીવવું તે પણ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણીનો ઉપાય છે.
    (2) જીવનદર્શનની સ્પષ્ટતા:
    આપણે જોઇ ગયા છીએ તે પ્રમાણે વ્યક્તિના જીવનદર્શનની અસર તેના ચિત્ત પર, તેની જીવનપદ્ધતિ પર અને તેના વર્તન પર પણ પડે જ છે. જો જીવનનું દર્શન જ ધૂંધળું ભોગવાદી, ભૌતિકવાદી કે ભ્રામક હોય તો વ્યકિતનાં ચિત્તા અને જીવનમાં યથાર્થ શાંતિ પ્રગટી શકે જ નહીં. જીવનવિષયક સમજ જીવનને પ્રભાવિત કરે જ છે.
    ભારતીય જીવનદર્શનના ત્રણ પાયા છે, જેના પર ભારતીય જીવનદર્શન પ્રતિષ્ઠિત છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button