યોગ મટાડે મનના રોગ: ભારતીય માનસચિકિત્સા પાસે પોતાનો વિશિષ્ટ દષ્ટિકોણ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- તીવ્ર મનોવિકૃતિઓ:
તીવ્ર મનોવિકૃતિઓ ગંભીર પ્રકારની વિકૃતિ છે. જેમાં સમગ્ર વ્યક્તિત્વ વિઘટિત થઇ જાય છે. આ રોગનો દર્દી વાસ્તવિકતા અને અન્ય લોકો સાથેનો સંપર્ક ગુમાવી દે છે તે પોતાના માટે અને બીજાના માટે બોજારૂપ અને જોખમી બની જાય છે.
આવા દર્દી હૉસ્પિટલમાં રહેવા-પાત્ર હોય છે.
તીવ્ર મનોવિકૃતિના અનેક પ્રકારો છે. તેમને બે વિશાળ વિભાગમાં વહેંચવામાં આવે છે- ક્રિયાત્મક તીવ્ર મનોવિકૃતિ અને આવયવિક તીવ્ર મનોવિકૃતિ.
કિયાત્મક તીવ્ર મનોવિકૃતિઓના ચાર પ્રકારો છે :
(1) વિચ્છિન્ન ચિત્તાવિકાર (Schizoprenia) :
વિચ્છિન્ન ચિત્તવિકાર સૌથી વ્યાપક અને સૌથી ગંભીર પ્રકારની મનોવિકૃતિ છે.
આ વિકૃતિની ભોગ બનનાર દર્દીનાં વિચાર, લાગણી અને વર્તન સાવ ઢંગધડા વિનાનાં બની જાય છે. વિચ્છિન્ન ચિત્તવિકારના પણ અનેક પ્રકારો છે.
(2) બુદ્ધિવિમુખતાનો રોગ(Paranoia) :
આ વિકૃતિનો ભોગ બનનાર દર્દી ખૂબજ શંકાશીલ સ્વભાવનો બની જાય છે. દર્દી તીવ્ર મતિભ્રમ અનુભવ છે. કોઇ પોતાને ઝેર આપશે કે અન્ય રીતે મારી નાખશે – આ તેમનો મુખ્ય મતિભ્રમ હોય છે. તે પોતાને નેતા, ધર્મગુરુ, કોઇ ઐતિહાસિક વ્યક્તિ કે સમાજસુધારક માને છે. આ દર્દી કોઇ વાર મારામારી પણ કરી નાખે છે.
(3) ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ (Manic depression) :
આ વિકૃતિનો ભોગ બનનાર દર્દી વારાફરતી બે અવસ્થાઓ અનુભવે છે.
(1) ઉન્મત્ત અવસ્થા :
આ અવસ્થામાં દર્દી ખૂબ જ સુખી. આશાવાદી જોવા મળે છે. તે ખૂબ ઉશ્કેરાટ અનુભવે છે અને ખૂબ હસે છે તથા હસાવે છે.
(2) ખિન્ન અવસ્થા દરમિયાન આ જ દર્દી તીવ્ર વિષાદમાં સરી પડે છે. તેને કોઇ વસ્તુ સુખ આપી શક્તી નથી. દર્દી સર્વથા વિમુખ બની જાય છે. આ અવસ્થામાં તે પોતાના વિશે સાવ નીચો અભિપ્રાય ધરાવતો બની જાય છે.
આ બંને અવસ્થાઓ વારાફરતી આવે છે. ક્વચિત્ દર્દી મિશ્ર અવસ્થામાં પણ સરી પડે છે.
(4) વૃદ્ધત્વગામી ખિન્નતા (Involution Melanholia) :
વૃદ્ધાવસ્થાનાં લક્ષણો, નિરાશાવાદી મનોવલણ, અંત:સ્ત્રાવી ગ્રંથિ આદિ કારણોમાંથી આ વિકૃતિ પ્રગટે છે. આ દર્દી ઉદાસીનતા, અપરાધભાવ તથા વ્યર્થંતાની લાગણી અનુભવે છે. દર્દી આત્મહત્યા પણ કરી બેસે છે.
આવયરિક તીવ્ર મનોવિકૃતિઓના પાંચ પ્રકારો છે:
(1) ચેપી રેોગોની સાથેસાથ સંબંધિત તીવ્ર મનોવિકૃતિ:
આ વિકૃતિ મગજમાં ચાંદી પડવાને કારણે થાય છે. પ્રથમ જનનેન્દ્રિયને ચાંદીનો રોગ (Syphilis) લાગુ પડે છે. પછી આ રોગ શરીરમાં ફેલાઇ જતાં મગજને નુકસાન થાય છે. દર્દી મતિભ્રમ, આવેગોની અસ્થિરતા, ઉદાસીનતા, સ્થળ-સમય – વિષયક બેભાનપણું અનુભવે છે.
(2) કેફી પદાર્થો સાથે સંબંધિત તીવ્ર મનોવિકૃતિ:
દારૂ, સીસું, પારો, મેંગેનીઝ જેવા પદાર્થોના સેવનથી તીવ્ર મનોવિકૃતિઓ જન્મે છે. આવેગોની અસ્થિરતા, સ્મૃતિલોપ, બૌદ્ધિક ક્ષીણતા, મૂઢાવસ્થા આદિ લક્ષણો આ મનોવિકૃતિમાં જોવા મળે છે.
(3) મગજની ઇજા સાથે સંબંધિત તીવ્ર મનોવિકૃતિ:
મજગ મનનું શારીરિક અધિષ્ઠાન છે, તેથી મગજને પહોંચતી ઇજાઓ વ્યક્તિને ઘણા પ્રકારની વિચ્છિન્નતા તરફ દોરી જાય છે. વિચ્છિનતાના સ્વરૂપનો આધાર મગજના ક્યા ભાગને ઇજા થઇ છે તેના પર છે. અકસ્માત, વૃદ્ધ, પ્રહાર આદિ સંજોગોમાં મગજને ઇજા થાય છે અને તેમાં તીવ્ર મનોવિકૃતિ જન્મે છે. બેભાનાવસ્થા, સ્મૃતિલોપ, વિભ્રમ, ખિન્નત, માનસિક દુર્બળતા આદિ લક્ષણો જોવા મળે છે.
(4) વૃદ્ધાવસ્થા સંબંધિત તીવ્ર મનોવિકૃતિ:
વૃદ્ધાવસ્થામાં વ્યક્તિના જ્ઞાનકોષો જીર્ણ થઇ જવાથી આ વિકૃતિ જન્મે છે. વિસ્મૃતિ. મતિભ્રમ, વિભ્રમ, લાગણીશૂન્યતા, ચંચળતા, શંકાશીલતા. વિષાદ, ચિંતા આદિ મનોવિકારો જોવા મળે છે.
(4) ફેફરું અથવા અપસ્માર (Epilepsy):
આરોગનું મુખ્ય લક્ષણ તાણ-આંચકી છે. શરીર એકદમ જકડાઇ જાય. સ્નાયુઓ ખેંચાઇ જાય, મુઠ્ઠીઓ બડાઇ જાય, સ્નાયુઓ ખેંચાય, હાથ-પગ પછડાય-આવાં ચિહ્નો આ રોગમાં જોવા મળે છે.
આ રોગ અને તેની ચિકિત્સા વિશે એક અલગ પ્રકરણમાં વિચાર થયો છે.
આ મનોવિકૃતિઓ ઉપરાંત મનોદૈહિક વિકૃતિઓ (psychosomatic disorders),, ચારિત્ર્ય-વિકૃતિઓ (conduct disorders),, મનોદુર્બળતાઓ (mental deficiency), મનોવિકૃતિઓ પણ હોય છે.
ભારતીય માનસચિકિત્સા
- પ્રસ્તાવ:
ભારતીય માનસચિકિત્સાનો એક સ્વતંત્ર શાસ્ત્રરૂપે વિકાસ થયો નથી કે તે સ્વરૂપે તેની સંરચના થઇ નથી. આપણી પાસે `ભારતીય માનસચિકિત્સા’ નામનું કોઇ સ્વતંત્ર વિજ્ઞાન ઉપલબ્ધ નથી. આમ છતાં ભારતમાં ઘણા પ્રાચીનકાળથી માનસચિકિત્સાની પરંપરા છે. ભારતમાં અધ્યાત્મિવિદ્યાના ભાગરૂપે અને વિશેષત: યોગવિદ્યાના ભાગરૂપે મનોરોગની ચિકિત્સા માટેની પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તેમનો વિનિયોગ કરવાની ઘણી પ્રાચીન પરંપરા પણ છે.
આયુર્વેદમાં પણ મનોરોગની ચિકિત્સા માટેનો વિભાગ વિકસ્યો છે. આધુનિક મનોવિજ્ઞાનમાં જે સ્વરૂપે માનસચિકિત્સા એક સ્વતંત્ર શાસ્ત્રરૂપે વિકસી છે, તેની એક વિજ્ઞાન તરીકે જે સ્વરૂપે સંરચના થઇ છે, તે સ્વરૂપનું માનસચિકિત્સાશાસ્ત્ર ભારતીય મનોવિજ્ઞાનના ભાગરૂપે વિકસ્યું નથી, છતાં ભારતીય અધ્યાત્મવિદ્યામાં -વિશેષત: યોગપરંપરામાં, ભારતીય મનોવિજ્ઞાનમાં અને આયુર્વેદમાં માનસચિકિત્સા માટેનાં ઘણાં મૂલ્યવાન તત્ત્વો, ઘણી મૂલ્યવાન પદ્ધતિઓ અને માનસચિકિત્સાવિષયક ગહન દષ્ટિ પણ છે. આ બધા તત્ત્વોને આધારે `ભારતીય માનસચિકિત્સા’ એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે વિકસી શકે તેવી શક્યતા છે, તે માટેની આવશ્યક ભૂમિકા ઉપલબ્ધ છે.
આપણે સમક્ષ પ્રશ્ન એ છે કે આપણી પાસે આ પરંપરાગત પદ્ધતિઓ, તત્ત્વો, દષ્ટિકોણ ઉપલબ્ધ છે તેને આધારે `ભારતીય માનસચિકિત્સા’ની એક સ્વતંત્ર શાસ્ત્રરૂપે સંરચના થઇ શકે નહીં? ભારતીય માનસચિકિત્સા પાસે પોતાનો વિશિષ્ટ દષ્ટિકોણ છે. પોતાનાં મૌલિક તત્ત્વો છે. સમયની સરાણ પર પાર ઊતરેલી પોતાની માનસચિકિત્સા પદ્ધતિઓ છે. તો આ સર્વને આધારે ભારતીય માનસચિકિત્સાની એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે સંચરના શા માટે ન થઇ શકે?
આપણે અહીં ભારતીય માનસચિકિત્સાવિજ્ઞાનની એક સંક્ષિપ્ત રૂપરેખા તૈયાર કરવાનો નમ્ર અને લઘુ પ્રયત્ન કરીએ.
- મનોરોગવિજ્ઞાન એટલે શું?
જેમ શરીરના રોગ હોય છે તેમ મનના પણ રોગ હોય છે. મન જ્યારે પોતાની સ્વાભાવિક સ્વસ્થ ગતિમાં કાર્ય કરવાને બદલે અસ્વાભાવિક, અસ્વસ્થ ગતિમાં કાર્ય કરે ત્યારે તે અવસ્થાને મનનો રોગ કહેવામાં આવે છે. મનનો રોગ તે મનની વિકૃતિ કે અસામાન્ય અવસ્થા છે. જેમ શરીરના અનેક રોગ છે, તેમ મનમાં પણ અનેક રોગ છે- અનેક વિકૃતિઓ છે. મનના રોગોનો અભ્યાસ કરનાર મનોવિજ્ઞાનની શાખાને મનોરોગવિજ્ઞાન (Abnormal Psychology)કહેવામાં આવે છે.
મનના સામાન્ય સ્વરૂપની વિચારણા સામાન્ય મનોવિજ્ઞાન કરે છે અને મનના વિકૃતિ અસ્વસ્થ સ્વરૂપની વિચારણા મનોરોગવિજ્ઞાન કરે છે. મનોવિજ્ઞાની આ શાખાને વૈકૃતિક મનોવિજ્ઞાન (Abnormal Psychology) પણ કહેવામાં આવે છે.
- માનસચિકિત્સાવિજ્ઞાન એટલે શું?
જેમ મનના રોગછેે તેમ મનના રોગોની ચિકિત્સા માટેના ઉપાયો પણ છે. આધુનિક મનોવિજ્ઞાન પાસે આજે મનના રોગોને સમજવાની, તેમનું નિદાન કરવાની અને મનોરોગમાંથી
મુક્ત થવા માટેની સારવારની પદ્ધતિઓ પણ છે. મનના રોગોની ચિકિત્સા કરનાર આ વિજ્ઞાનને માનસચિકિત્સાવિજ્ઞાન કહેવામાં આવે છે. માનસચિકિત્સાવિજ્ઞાન પ્રધાનત: ચાર
કાર્યો કરે છે:
(1) મન:સ્વાસ્થ્યને જાળવી રાખવાના ઉપાયો દર્શાવવા
(2) મનના રોગો અર્થાત્ મનની વિકૃતિઓનું નિદાન કરવું
(3) મનના રોગોના સ્વરૂપને સમજવું.
(4) મનના રોગોની ચિકિત્સા અર્થાંત્ સારવાર કરવી
આધુનિક મનોવિજ્ઞાનમાં મનના રોગોની ચિકિત્સા માટે એક સ્વતંત્ર શાખા છે. આધુનિકી મનોવિજ્ઞાનની આ શાખાને માનસચિકિત્સાવિજ્ઞાન કે ચિકિત્સા-મનોવિજ્ઞાન (Clinical Psychology) કહેવામાં આવે છે.
- મનોરોગનાં કારણો:
આધુનિક મનોવિજ્ઞાનમાં અનેક સંપ્રદાયો (schools) છે પ્રત્યેક સંપદાય મનના રોગોને પોતાની રીતે સમજાવે છે અને મનના રોગોનાં ભિન્નભિન્ન કારણો આપે છે. આધુનિક મનોવિજ્ઞાનમાં મનના રોગની કારણમીમાંસા વિશે એકવાક્યતા નથી. ફ્રોઇડિયન સંપ્રદાય દમિત જાતીયવૃત્તિને મનોરોગનું કારણ ગણાવે છે. એડલર હીનગ્રંથિને મનોરોગનું કારણ ગણાવે છે. વર્તનવાદીઓ વર્તનની અસ્વસ્થ તરેહને જ મનોરોગ ગણાવે છે.
આમ છતાં સમગ્ર રીતે વિચારતાં આપણી કહી શકીએ કે આધુનિક મનોવિજ્ઞાનમાં મનના રોગો માટેનાં છ કારણો દર્શાવવામાં આવે છે.:
(1) પોતાના મનની ગતિવિધિવિષયક સમજનો અભાવ
(2) ઇચ્છાઓનું દમન, સંઘર્ષ અને હતાશા
(3) ભય અને ચિંતા
(4) શરીર-રાસાયણિક કારણો
(5) ઉછેર, ટેવ, સંસ્કારો
(6) વારસો
(7) આઘાતજનક ઘટનાઓ
ભારતીય માનસચિકિત્સાની દષ્ટિએ મનના રોગોના છ કારણો દર્શાવવામાં આવે છે.
(1) સ્વરૂપવિસ્મૃતિ:
ભારતીય મનોવિજ્ઞાનની દષ્ટિએ સ્વસ્થ હોવું. એટલે આત્મસ્થ હોવું. તેથી જે આત્મસ્ય નથી. તે સ્વસ્થ નથી. જે વ્યક્તિ પોતાના આત્મામાં- પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે જ યથાર્થત: સ્વસ્થ છે. નીરોગી છે. કોઇ પણ વ્યક્તિ પોતાના આત્માને ક્યારેય ગુમાવી શકે નહીં. પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઇ શકે નહીં. પરંતુ પોતાના સ્વરૂપનું વિસ્મરણ થાય છે અને તેને જ આત્મવિસ્મૃતિ કે સ્વરૂપવિસ્મૃતિ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ તે જ સર્વ મનોરોગોનું મૂળ કારણ છે, કારણ કે તે જ મૂળભૂત અસ્વસ્થતા છે.
સ્વરૂપવિસ્મૃતિમાંથી જ મનની સર્વ અસ્વસ્થતાઓનો પ્રારંભ થાય છે. જે આત્મસ્થ છે તે મનની સર્વ વિકૃતિઓથી સર્વથા પર છે. આત્મસ્થ જ યથાર્થ સ્વસ્થ છે. જે આત્મસ્ય નથી અર્થાત્ જેને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થાય છે તે યથાર્થ મન:સ્વાસ્થ્યથી ચ્યુત થાય છે અને તેમાંથી સર્વ મનોરોગોનો પ્રારંભ થાય છે.
આયુર્વેદમાં સર્વ રોગોના મૂળ કારણ તરીકે પ્રજ્ઞાપરાધ ગણાવવામાં આવેલ છે. આત્મવિસ્મૃતિ જ મૂળભૂત પ્રજ્ઞાપરાધ છે અને તેથી સર્વ મનોરોગોનું આદિ કારણ છે.
(2) અભાવગ્રંથિ (inner vanity complex):
અભાવગ્રંથિ એટલે વ્યક્તિના ચિત્તમાં સર્વવ્યાપી રૂપે રહેલી અધૂરપની લાગણી અર્થાત્ આંતરિક ખાલીપાની લાગણી (sense of vanity complex):
જીવનમાં કાંઇક ખૂટે છે. જીવન કાંઇક અધૂરું છે. તેવી લાગણી મોટે ભાગે પ્રત્યેક માનવમાં હોય છે. આ લાગણી પીડાયુક્ત છે. જે આત્મસ્થ ન હોય તે સર્વમાં આ અભાવગ્રંથિ હોય છે, કારણકે આત્મવિસ્મૃતિમાંથી જ અભાવગ્રંથિ જન્મે છે.
અભાવગ્રંથિને ભરવા માટેના પ્રયત્નોના ભાગરૂપે ઇચ્છાઓ જન્મે છે. બધી ઇચ્છાઓ પૂરીી થતી નથી, એટલે ઇચ્છાઓનું દમન કરવું જ પડે છે. તેમાંથી વૈફલ્ય, વિષાદ આદિ જન્મે છે અને આ પ્રક્રિયા જ્યારે તીવ્ર બને ત્યારે તે મનોરોગનું સ્વરૂપ ધારણ કરે છે.. આમ મનોરોગની આ આખી પ્રક્રિયાના પાયામાં અભાવગ્રંથિ કાર્ય કરી રહી હોય છે.
(3) જીવનદર્શનનો અભાવ:
જીવનવિષયક દર્શન-જીવનવિષયક સમજ જો અસ્પષ્ટ હોય કે ન હોય તો તેમાંથી મનની અનેક વિટંબણાઓ જન્મે છે. સમજના અભાવમાં સમસ્યાઓ જન્મે છે અને સમજના પ્રકાશમાં સમસ્યાઓનું નિરાકરણ થાય છે. જીવનનાં સ્વરૂપ, હેતુ અને જીવનપદ્ધતિ વિશે વ્યક્તિના ચિત્તમાં સ્પષ્ટ હોય અર્થાત્ તેનું જીવનદર્શન સ્પષ્ટ અને સ્વસ્થ હોય તો વ્યક્તિની જીવનપદ્ધતિ અને વ્યક્તિનું ચિત્ત સ્વાભાવિક રીતે જ સ્વસ્થ રહે છે. માનવ બુદ્ધિજીવી અને સમજદાર પ્રાણી છે અને સમજની અસર તેની જીવનપદ્ધતિ અને ચિત્ત ઉપર ઘણી ગહન અને ઊંડી હોય છે. વ્યક્તિ પોતાના જીવનદર્શનમાં જ અસ્પષ્ટ હોય અર્થાત્ વ્યક્તિનું જીવનદર્શન જ ખામીયુક્ત હોય તો તેના પરિણામરૂપે વ્યક્તિનાં જીવન અને ચિત્તમાં અનેક અસ્વસ્થતાઓ ઊભી થઇ શકે છે. સમજની કસર તે ઘણી મોટી કસર છે અને સમજની ઉપલબ્ધિ તે ઘણી મોટી ઉપલબ્ધિ છે.
આમ હોવાથી સ્પષ્ટ અને સ્વસ્થ જીવનદર્શનનો અભાવ મનોરોગોનું કારણ બની શકે છે.
(4) પૂર્વજન્મનાં કર્મો અને સંસ્કારો:
આધુનિક મનોવિજ્ઞાનથી સ્વષ્ટ રીતે જુદું પડીને ભારતીય મનોવિજ્ઞાન પૂર્વજન્મ, પૂર્વજન્મનાં કર્મો અને સંસ્કારો તથા તેમની વર્તમાન જન્મનાં સ્વરૂપ અને વર્તન પર અસરનો સ્પષ્ટ સ્વીકાર કરે છે.
આધુનિક મનોવિજ્ઞાન મનની વિકૃતિઓને સમજવા માટે વ્યક્તિના અજાગ્રત મનને અને જાગ્રત મનને સમજવા માટે વ્યક્તિના બાળપણના અનુભવોને તપાસે છે- તેમનું વિશ્લેષણ કરે છે. આધુનિક મનોવિજ્ઞાન જન્મ-આઘાત અનેગર્ભાવસ્થાના અનુભવ સુધી જાય છે, પરંતુ પૂર્વજન્મનો સ્વીકાર કે વિચારણા તેમાં સદંતર નથી. ભારતીય મનોવિજ્ઞાન સ્પષ્ટ રીતે કહે છે કે વ્યક્તિ જે છે તે મહદંશે તેના અનેક જન્મોનાં કર્મો અને અનુભવોનું પરિણામ છે. પૂર્વજન્મનો સ્વીકાર કર્યા વિના માત્ર વર્તમાન જન્મ દ્વારા જ વ્યક્તિનાં વ્યક્તિત્વ અને વર્તનને પૂરેપૂરું સમજાવી શકાય તેમ નથી, તેથી ભારતીય મનોવિજ્ઞાન મનોરોગોના કારણરૂપે પૂર્વજન્મનાં કર્મો, અનુભવો અને સંસ્કારોનો સ્પષ્ટ રીતે સ્વીકાર કરે છે.
(5) પ્રાણના પ્રવાહોની અસમતુલા:
ભારતીય મનોવિજ્ઞાનમાં- વિશેષત: યોગવિદ્યામાં પ્રાણતત્ત્વનો બહુ ઊંડાણથી વિચાર થયો છે. માનવવ્યક્તિત્વમાં પ્રાણ એક મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ પાસું છે.
યોગવિદ્યા પ્રમાણે પ્રાણના પ્રવાહોની ગતિ બે પ્રકારની હોય છે- સધ્રીચી અને વિષુચી. સધ્રીચી ગતિ એટલે સુર્સવાદી અને વિષુચી એટલે વિસંવાદી , પ્રાણની સધ્રીચી ગતિમાં પ્રાણના પ્રવાહો સુસંવાદી સ્વરૂપે વહે છે અને તે આરોગ્ય માટે ઉપકારક છે. પ્રાણની વિષુચી ગતિમાં પ્રાણના પ્રવાહો વિસંવાદી સ્વરૂપે વહે છે અને તે રોગનું કારણ બને છે.
પ્રાણ મન અને શરીરને જોડનારી કડી છે, તેથી પ્રાણના પ્રવાહોની અસર મન અને શરીર બંને પર પડે છે. પ્રાણના પ્રવાહોની વિસંવાદી ગતિ શરીર અને મન બંનેના રોગનું કારણ બને છે.
આમ પ્રાણના પ્રવાહોની અસમતુલા કે વિસંવાદી ગતિ મનના રોગોનું કારણ બની શકે છે.
(6) સપ્તધાતુ અને ત્રિદોષની અસમતુલા:
ભારતીય ચિકિત્સાપદ્ધતિમાં આયુર્વેદ પ્રમાણે શરીર સપ્તધાતુ અને ત્રિદોષનું બનેલું છે. સપ્તધાતુ આ પ્રણાણે છે: રસ, રક્ત, માંસ, મેદ, મજજા, અસ્થિ અનેે વીર્ય. દોષ આ પ્રમાણે છે- વાત, પિત્ત અને કફ.
આયુર્વેદ અને યોગ બંને સ્પષ્ટ રીતે કહે છે કે શરીર અને મન પરસ્પર ગાઢ રીતે સંલગ્ન છે. શરીરની મન પર અને મનની શરીર પર અસર થાય જ છે. તે પ્રમાણે શરીસ્થ સપ્તધાતુ અને ત્રિદોષ સમ અવસ્થામાં ન આવે ત્યાં સુધી મનની સ્વસ્થતા સિદ્ધ થઇ શકે નહીં. આમ સપ્તધાતુ અને ત્રિદોષની અસમતુલા અને વિકૃતિ પણ મનોરોગનું એક કારણ બની શકે છે.
આયુર્વેદ સ્પષ્ટ રીતે કહે છે કે મનના કેટલાક રોગોના કારણરૂપે વાયુનો પ્રકોપ હોય છે અને બુદ્ધિની મંદતાના પાયામાં કફની પ્રકોપ પણ હોય છે.
મનના રોગોનાં ઉપરોક્ત છ કારણોને આપણે એક અન્ય દષ્ટિકોણથી આ રીતે મૂકી શકીએ.
આત્મવિસ્મૃતિ તે મનના રોગોનું આધ્યાત્મિક કારણ છે.
અભાવગ્રંથિ મનના રોગોનું મનોમય કારણ છે.
જીવનદર્શનનો અભાવ મનના રોગોનું બૌદ્ધિક કારણ છે.
પૂર્વજન્મના સંસ્કારો તે મનના રોગોનું અસ્તિત્વગત કારણ છે.
પ્રાણના પ્રવાહોની અસમતુલા તે મનના રોગોનું શારીરિક કારણ છે.
આમ ભારતીય મનોવિજ્ઞાનમાં મનના રોગોનાં કારણો વિશે બહુ વ્યાપક દષ્ટિથી વિચારણા થઇ છે.
- મન:સ્વાસ્થ્ય એટલે શું?
મન:સ્વાસ્થ્ય એટલે શું અને માનસિક રીતે સ્વસ્થ કોને કહી શકાય તે વિશેે આધુનિક મનોવિજ્ઞાનમાં ભિન્નભિન્ન ધોરણો આપવામાં આવે છે. સામાન્યત: મન:સ્વાસ્થ્યને ત્રણ રીતે સમજાવવામાં આવે છે.
(1) જે સરેરાશ (ફદયફિલય) માનવી છે તે સ્વસ્થ છે. સમાજમાં લાખો-કરોડો માણસો જીવે છે. આ જનસમૂહની માનસિક અવસ્થાની જે સરેરાશ અવસ્થા છે તે સરેરાશ અવસ્થામાં જીવનાર માનવવ્યક્તિ તે સ્વસ્થ માનવી છે. આ ધોરણને આંકડાશાસ્ત્રીય ધોરણ કહેવામાં આવે છે.
(2) જે માનવવ્યક્તિ સમાજ સાથે અનુકૂલન સાધી શકે, સમાજની અન્ય વ્યક્તિઓ સાથે શાંતિથી જીવી શકે તે વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ છે આ ધોરણને સમાયોજનનું ધોરણ કહેવામાં આવે છે. (ક્રમશ:)