યોગ મટાડે મનના રોગ: માનસિક વિટંબણાઓ તો માનવ જેવી અને માનવ જેટલી કોઇ જીવને નહીં જ હોય તેમ અત્યુક્તિ વિના કહી શકાય
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- માનસિક રોગોનો પરિચય
માનવ એક દુ:ખી પ્રાણી છે, તેથી જ ભગવાન બુદ્ધે પ્રથમ આર્ય સત્યનો ઉદ્ઘોષ કર્યાં- દુ:ખ છે.
સમગ્ર જીવસૃષ્ટિમાં માનવ સૌથી વધુ દુ:ખી હશે તેમ લાગે છે. માનસિક કલેશો, માનસિક વિટંબણાઓ તો માનવ જેવી અને માનવ જેટલી કોઇ જીવને નહીં જ હોય તેમ અત્યુક્તિ વિના કહી શકાય.
આમ શા માટે બન્યું છે? માનવ દુ:ખી શા માટે છે? માનવનું ચિત્ત આટલું અશાંત – આટલું રુગ્ણ- આટલું વિકૃત કેમ બની ગયું છે?
માનવ મનોમય પ્રાણી છે- મનોમય ભૂમિકામાં જીવતું પ્રાણી છે. માનવની માનવસહજ વિટંણાઓ અને અશાંતિના સ્વરૂપને સમજવા માટે આપણે માનવીના મનના સ્વરૂપને સમજવું જોઇએ.
ભારતીય મનોવિજ્ઞાનમાં મનની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે:
“મન એટલે અંત:કરણનો સંકલ્પ-વિકલ્પાત્મક વ્યાપાર.”
સંકલ્પ-વિકલ્પ થયા જ કરે તે મનનો સ્વભાવ છે – સ્વરૂપગત ગુણધર્મ છે. અશાંતિ મનનું સ્વરૂપ છે, તેથી મનોમય પ્રાણી માનવના કપાળમાં અશાંતિ જડાઇ ગઇ છે. મન મૂળે જ વાંદરું છે. તે શાંતિથી બેસશે નહીં અને કોઇને શાંતિથી બેસવા દેશે પણ નહીં.
આમ શા માટે છે?
વિકાસક્રમમાં માનવી મુકામ નથી. માનવી અંતિમ મુકામ તો નથી જ- વચ્ચે આવતો મુકામ પણ નથી. વિકાસક્રમમાં માનવી એક ઉપર ચડતો ઢાળ છે- એક ચઢાણ છે. એ તો દેખીતું જ છે કે ઢાળ પર નિરાંતે બેસી ન શકાય. ચઢાણવાળો ઢાળ શાંતિથી બેસવા માટેનું ઉપયુક્ત સ્થાન જ નથી.
માનવી સુખી નથી. અશાંત છે તેનું કારણ આ છે.
મનોમય ભૂમિકા પરિવર્તનબિંદુ છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પહોંચવા માટે વચ્ચે અસ્થિરતાની અવસ્થા આવે છે. આ અવસ્થાને પરિવર્તનબિંદુ કહેવામાં આવે છે. એક સંવાદિતામાંથી બીજી વધારે ઊંચી સંવાદિતામાં પ્રવેશ પામવા માટે વચ્ચેની વિસંવાદિતામાંથી પસાર થવું જ પડે છે. મન અને મનોમય પ્રાણી માનવી આવી વિસંવાદિતાની અવસ્થા છે.
માનવીની અશાંતિ, રુગ્ણતા અને વિકૃતિઓનું મૂળભૂત કારણ આ છે. હવે પ્રશ્ન એ છે કે માનવી માટે આ અશાંત અવસ્થમાંથી બહાર આવવાનો ઉપાય શો છે? ઉપાય છે – મનસાવતીત અવસ્થામાં પહોંચવું તે. પરંતુ મનસાતીત અવસ્થામાં પહોંચવાનો કોઇ ઉપાય છે? હા, છે. આ ઉપાયનું નામ છે – અધ્યાત્મ. આ ઉપાયનું નામ છે- યોગ.
માનવના મનની અશાંતિના સ્વરૂપને સમજીને અને આ સમજને ભૂમિકારૂપે રાખીને હવે આપણે આધુનિક મનોવિજ્ઞાન પ્રમાણે માનસિક રોગોનો પરિચય મેળવીએ.
આધુનિક મનોવિજ્ઞાનમાં માનસિક રોગોનાં કારણો વિશે અનેક મત છે. જુદા-જુદા મનોવૈજ્ઞાનિકો જુદીજુદી કારણમીમાંસા રજૂ કરે છે.
આધુનિક મનોવિજ્ઞાનમાં માનસિક રોગોનાં જે કારણો દર્શાવવામાં આવે છે, તેમાંનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે:
(1) પોતાના મનની ગતિવિધિવિષયક સમજનો અભાવ
(2) ઇચ્છાઓનું દમન, સંઘર્ષ અને હતાશા
(3) ભય અને ચિંતા
(4) શરીર-રાસાયણિક ક્રિયાઓ
(5) ઉછેર, ટેવ, સંસ્કારો
(6) વારસો
(7) આઘાતજનક ઘટનાઓ
આધુનિક માનસરોગવિજ્ઞાનમાં માનસિક રોગોને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવે છે: બચાવ-પ્રયુક્તિઓ, સૌમ્ય મનોવિકૃતિઓ અને તીવ્ર મનોવિકૃતિઓ.
- બચાવ-પ્રયુક્તિઓ:
સંપૂર્ણ સ્વસ્થ અહીં કોઇ નથી. સામાન્ય માનવીમાં પણ થોડીઘણી વિકૃતિઓ હોય જ છે. બચાવ-પ્રયુક્તિઓ આવી સામાન્ય માનવની વિકૃતિઓ છે. સામાન્ય માનવી પોતાના રોજબરોજના જીવનમાં આ બચાવ-પ્રયુકિતઓનો આશરો લે જ છે. `બચાવ-પ્રયુક્તિઓ’ નામ જ સૂચવે છે કે આ બચાવ-પ્રયુક્તિઓ વસ્તુત: એક પ્રકારની રક્ષમાત્મક પ્રતિક્રિયાઓ છે. કૂકરમાં સેફટી વાલ્વ સલામતી જાળવી રાખવા માટેનો એક રક્ષણાત્મક ઉપાય છે. માનવી પોતાનું માનસિક સ્વાસ્થ્ય અને સમાજ સાથેનું પોતાનું સમાયોજન જાળવી રાખવા માટે કેટલી માનસિક-વ્યાવહારિક પ્રયુક્તિઓ અજમાવે છે.
આ ઉપાયોને બચાવ-પ્રયુક્તિઓ કહેવામાં આવે છે.
સામાન્ય વ્યવહારમાં આપણે આ બચાવ-પ્રયુક્તિઓને વિકૃતિઓ ગણતા નથી, કારણ કે આવી બચાવ-પ્રયુક્તિઓ તો સર્વજનસહજ અને નિત્યજીવનમાં પ્રયુક્ત છે. જો બચાવ-પ્રયુક્તિઓને વિકૃતિ ગણીએ તો સમાજના લગભગ સૌ માનવોને વિકૃત ગણવા પડે. આ બચાવ-પ્રયુક્તિઓ તો માનવજીવનનો ભાગ બની ગયેલ છે.
આમ હોવા છતાં આ બચાવ-પ્રયુક્તિઓને માનસિક વિકૃતિઓના વર્ગીકરણમાં શા માટે સામેલ કરવામાં આવે છે? આમ કરવાનું કારણ એ છે કે આ બચાવ-પ્રયુક્તિ ભલે સર્વજનસહજ હોય અને ભલે માનવજીવનનો સામાન્ય ભાગ હોય છતાં તેઓ એક સ્વરૂપની ભલે સાવ નાની એવી પણ વિકૃતિઓ તો છે જ.
પ્રત્યેક માનવના શરીરમાં કોઇક પ્રકારની નાની-અમથી ખામીઓ હોય જ છે. સામાન્ય વ્યવહારમાં આપણે તેમને રોગ ગણતા નથી અને તેમની ચિકિત્સા પણ કરતા નથી. આમ છતાં સ્વાસ્થ્યના સંપૂર્ણ ખ્યાલને દષ્ટિ સમક્ષ રાખીએ તો આવી નાની-અમથી ખામીઓને પણ બીમારી જ ગણવી પડે. આ જ રીતે બચાવ-પ્રયુક્તિઓને ભલે આપણે વિકૃતિઓ ન ગણીએ, પરંતુ ચુસ્તપણે વિચારીએ તો આ પ્રયુક્તિઓ પણ એક પ્રકારની વિકૃતિઓ જ ગણાય.
બચાવ-પ્રયુક્તિઓનાં અનેક સ્વરૂપો છે. પ્રધાન સ્વરૂપો આ પ્રમાણે છે:
(1) અધિકતર પ્રવૃત્તિઓ:
નિષ્ફળ જનાર વ્યક્તિ પુન: સફળ થવા માટે ખૂબ પુરુષાર્થ કરે તો તે `અધિકતર પ્રવૃત્તિઓ’ છે.
(2) ક્ષતિપૂર્તિ:
એક ક્ષેત્રમાં નિષ્ફળ જનાર વ્યક્તિ તે ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે તો તે `ક્ષતિપૂર્તિ’ છે.
(3) પુન: અર્થઘટન:
કોઇ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે ત્યારે સમગ્ર પરિસ્થિતિનું વિશ્લેષણ કરે, નિષ્ફળતાનાં કારણો શોધે, સમગ્ર ઘટનાનું પુનર્મૂલ્યાંકન કરે અને આમ કરીને સફળતાનો માર્ગ શોધી કાઢી ત્યારે તે `પુન:અર્થઘટન’ છે.
(4) સમાધાન:
વ્યક્તિ પોતાના ઇચ્છિત ધ્યયને પ્રાપ્ત ન કરી શકે ત્યારે તે ધ્યેયથી નીચેના ધ્યેયને પ્રાપ્ત કરીને સમાધાન કરી લે છે. તે પ્રયુક્તિને `સમાધાન’ કહેવામાં આવે છે.
(5) પ્રવૃત્તિ-નિમજજન:
ખૂબ પુરુષાર્થ કરવા છતાં વ્યક્તિ લક્ષ્યસિદ્ધિ પામી શક્તી નથી, ત્યારે હતાશા પેદા થાય છે. આ હતાશા અને માનહાનિથી બચવાનો અન્ય કોઇ ઉપાય ન સૂઝતાં પોતાની ધ્યેયવાળી પ્રવૃત્તિને આંખો મીંચીને ચાલુ રાખે છે. ધ્યેય સિદ્ધ થાય કે ન થાય તેની પરવાગી કર્યા વિના તે વ્યક્તિ પ્રવૃત્તિમાં ડૂબેલી જ રહે છે. વસ્તુત: આ એક પ્રકારની પલાયનવૃત્તિ જ છે. પોતાની ઊણપો, ચિંતા, અપરાધભાવ કે હીનભાવથી મનોદશા સામે રચેલી આ માનસિક કિલ્લેબંધી છે. આ બચાવ-પ્રયુક્તિને `પ્રવૃત્તિ-નિમજજન’ કહેવામાં આવે છે.
(6) યૌક્તિકીકરણ:
નિષ્ફળતા, બદનામી કે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે પોતાના અહમ્ને સાચવીને, પોતાના વર્તનને વાજબી ઠરાવવા માટે ઢાંકપિછોડાનો આશ્રય લઇને, યુક્તિપૂર્વક પોતાની સ્થિતિનો બચાવ કરવામાં આવે ત્યારે તે બચાવપ્રયુકિતને યૌક્તિકીકરણ કહેવામાં આવે છે.
દ્રાક્ષ ન મળે ત્યારે `દ્રાક્ષ ખાટી છે’- આ શિયાળની ઉકિત યૌક્તિકીકરણનું ઉત્તમ દષ્ટાંત છે.
મર્યાદિત માત્રામાં ઉપયોગ થાય તો યૌક્તિકીકરણ દ્વારા હતાશાની માત્રા ઘટે છે, પરંતુ અતિ પર જાય તો આમાંથી વ્યામોહ (ાફફિક્ષજ્ઞશફ) જેવી ગંભીર મનોવિકૃતિ પેદા થઇ શકે છે.
(7) ધ્યાન ખેંચવાની પ્રવૃત્તિ:
સામાન્યત: દરેક વ્યક્તિ જાગ્રત કે અજાગ્રત રીતે એવી ઇચ્છા રાખતી હોય છેે કે લોકો પોતાના તરફ ધ્યાન આપે. નાનાં બાળકોમાં આ વૃત્તિ વધુ હોય છે. વ્યક્તિ પોતાની પ્રતિભા, કૌશલ્ય કે સત્કર્મો દ્વારા અન્યનું ધ્યાન આકર્ષિત કરે તો તે વિધાયક અભિગમ છે. પરંતુ તેમ ન બની શકે તો ઘણી વ્યક્તિઓ ખંડનાત્મક માર્ગે પણ બીજાનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીઓનાં તોફાનો, મારામારી, ગુંડાગીરી આદિ ઘટનાઓમાં ઘણી વાર અન્યનું ધ્યાન આકર્ષિત કરવાની વૃત્તિ હોય છે.
આ બચાવ-પ્રયુક્તિને `ધ્યાન ખેંચવાની પ્રવૃત્તિ’ કહેવામાં આવે છે.
(8) તાદાત્મ્યીકરણ:
પોતાના ધ્યેયની પ્રાપ્તિમાં નિષ્ફળ નીવડેલી વ્યક્તિ અન્ય સફળ વ્યક્તિ કે સફળ સમૂહ સાથે પોતાની જાતને એકાકાર કરી દે અને એમ અનુભવે કે બીજાની આ સફળતા પોતાની જ છે. આ પ્રકારની પ્રયુક્તિને તાદાત્મ્યીકરણની બચાવ-પ્રયુક્તિ કહેવામાં આવે છે.
(9) પ્રક્ષેપણ:
વ્યક્તિ પોતાના દોષો- ઊણપોને સહન ન કરી શકે ત્યારે તેે તેનું અન્યમાં આરોપણ કરે છે અને તે રીતે પોતે છટકી જવાનો પ્રયત્ન કરે છે. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ ચોરી કરનાર જણાય છે. આ રીતે વ્યક્તિ પોતાની ખામીઓને છાવરવાનો વામણો પ્રયત્ન કરે છે. આ બચાવ-પ્રયુક્તિને `પ્રક્ષેપણ’ કહેવામાં આવે છે.
(10) દિવાસ્વપ્ન:
વાસ્તવિક જગતમાં અધૂરી રહેલી ઇચ્છા વ્યક્તિ કલ્પનાના ઘોડે ચડીને તરંગવિહાર દ્વારા પૂરી કર્યાનો મિથ્યા સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે તે `દિવાસ્વપ્ન’ કહેવાય છે શેખચલ્લીની કલ્પનાઓ આનું સચોટ દષ્ટાંત છે.
દિવાસ્વપ્નથી વ્યક્તિની હતાશા કાંઇક અંશે હળવી બને છે, પરંતુ દિવાસ્વપ્નમાં અતિશય રાચવાથી વ્યક્તિનો વાસ્તવિક જગત સાથેનો સંપર્ક તૂટી જાય છે અને વ્યક્તિ મનોવિકૃતિઓ તરફ ખેંચાઇ જાય છે.
(11) વિમુખતા કે નિવર્તન:
હતાશાજનક પરિસ્થિતિ અસહ્ય બને ત્યારે વ્યક્તિ તેનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગી જાય છે. વ્યક્તિ જગતની સંમુખ રહેવાને બદલે જગતથી વિમુખ બની જાય છે. આ રીતે તે વિકટ પરિસ્થિતિથી છટકી જાય છે. વ્યક્તિના આ પ્રકારના વ્યવહારને વિમુખતા' કે
નિવર્તન’ કહેવામાં આવે છે.
વ્યક્તિ જો સમાજથી અતિ વિમુખ બની જાય તો તે છિન્ન મનોવિકૃતિનો ભોગ બનેલ તેવું પણ જોખમ છે.
(12) દમન:
દુ:ખદ, કષ્ટપૂર્ણ કે આઘાતજનક ઘટનાઓને પોતાના જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં ધકેલી દેવાની અર્થાત્ તે રીતે ભૂલી જવાની પ્રક્રિયાને `દમન’ કહેવામાં આવે છે.
આ રીતે વ્યક્તિ દુ:ખદ ઘટનાથી બચી જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અજાગ્રત મનમાં દબાવી રાખેલી સ્મૃતિ ત્યાંથી જાગ્રત મનને અને તે રીતે વ્યક્તિના સમગ્ર જીવનને પ્રભાવિત કરે જ છે.
(13) પરાગતિ કે પીછેહઠ:
જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં ઉપસ્થિત પડકારો કે સંઘર્ષોનો ઉકેલ કરી શકે નહીં ત્યારે તે પોતાના ભૂતકાળમાં પીછેહઠ કરે છે. વર્તમાન વસમો લાગે ત્યારે તેમાંથી બચવા માટે ભૂતકાળમાં ચાલ્યા જવાની આ ઘટના છે. આ પ્રકારની બચાવ- પ્રયુક્તિને `પરાગતિ કે પીછેહઠ’ કહેવામાં આવે છે.
આ બધી બચાવ-પ્રયુક્તિઓ વ્યક્તિને હતાશામાં થોડી રાહત આપે છે, તેની માનસિક સમતુલાને જાળવી રાખવામાં મદદ કરે છે. આમ છતાં આ બધી બચાવ-પ્રયુક્તિઓ સ્વસ્થ વર્તન નથી. આ પ્રયુક્તિઓ અતંદુરસ્ત ઉપાયો છે. ભલે આ પ્રયુક્તિઓ સર્વજનસહજ છે, છતાં તે અતંદુરસ્ત વ્યવહાર છે. જો આ બચાવ-પ્રયુક્તિઓ અતિ તરફ જાય તો તે વ્યક્તિને વિકૃતિઓ તરફ દોરી જાય છે. તેથી આ બચાવ-પ્રયુક્તિઓને આપણે વિકૃતિઓ ગણતા નથી, પરંતુ તેમાં વિકૃતિઓનાં બીજ છે.
(ક્રમશ:)