તરોતાઝા

હોળીને બહાને અગ્નિની નજીક જાવ, તનમનથી અચૂક સ્વસ્થ થાવ!

તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા

હોળીની પ્રદક્ષિણા કરવામાં શરમાતા નહીં એ અંધશ્રદ્ધા
નહીં પણ આરોગ્યની ચાવી છે

આ રવિવારે હોળી છે અને સોમવારે ધુળેટી. આજની પેઢીને તો એટલી જ ખબર હોય છે કે ધુળેટીના દિવસે બેન્ક હોલીડે છે અને મિત્રો જોડે રંગ ભરી મસ્તી કરવાની છે, ખાવાનું છે પીવાનું છે. હોળીના દિવસે રજા હોતી નથી. એટલે પણ હવે હોળી દર્શન કે પ્રદક્ષિણા માટે તેમને સમય કે રસ હતો નથી.

હાલતા ચાલતા મિનરલ વોટરની બોટલ પકડીને ફરતા, વાતવાતમાં ડૉક્ટર પાસે દોડી જતાં અને પોતાની જાતને હેલ્થ કોન્સિયસ ગણાવતા આ યુવાનોને માલૂમ થાય કે ધર્મની કે સંસ્કૃતિની દ્રષ્ટિએ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ હોળી પ્રગટી હોય તેની આસપાસ જવું જરૂરી છે. તેની પ્રદક્ષિણા જરૂરી છે.

સામાન્ય રીતે હોળીના દિવસોમાં મુંબઈ જેવા શહેરમાં 24થી 27 ડિગ્રી ઉષ્ણતામાન હોય છે, પરંતુ આજનું વિજ્ઞાન કહે છે કે જો આ તાપમાન થોડીવાર માટે 45 ડિગ્રી સુધી પહોંચી જાય તો વાતાવરણમાંથી હાનિકારક જીવ જંતુઓ, બેક્ટેરિયા અને વિષાણુઓનો નાશ થાય છે. હવે આ હોળીના દિવસો એટલે ઠંડી અને ગરમીનો સંધિકાળ. આ દિવસોમાં માણસ ઘડીક ઠંડી તો ઘડીકમાં ગરમી એમ બે ઋતુનો ભોગ બને છે અને બીમાર પડે છે. ડૉક્ટર પાસે જાવ ત્યારે એ પણ કહે છે કે તમે ડબલ સિઝનનો ભોગ બન્યા છો. આવા પલટાતા ગરમ ઠંડા વાતાવરણમાં બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે. આવો જ સમય શરદ ઋનુ ( ભાદરવો- આસો ) માં પણ આવતો હોય છે. આવા સમયમાં વધી જતા રોગાણુઓથી બચવા વતાવરણને ગરમ કરવુ જરૂરી છે. એટલે જ નવરાત્રિમાં હવન અને વસંત ઋતુમાં હોળી દહન કરીને વાતાવરણને જંતુ મુક્ત કરવાનો સરસ રિવાજ આપણા ઋષિમુનિઓએ, આપણા પૂર્વજોએ આપણને આપ્યો છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે આવા પ્રકારના જ્ઞાન-વિજ્ઞાન આપણી શાળા કૉલેજોમાં ભણાવવામાં આવતા નથી એટલે નવી પેઢીને આવી પ્રથામાં વિશ્વાસ બેસતો નથી.

પગટેલી હોળીની નજીકના વાયુમંડળમાં ઉષ્ણતામાન 45થી 50 ડિગ્રી હોય છે જે રોગાણુઓનો નાશ કરવા સક્ષમ તો છે જ આ ઉપરાંત આપણું શરીર પણ આ તાપમાન પ્રમાણે ગરમ થતાં શિયાળામાં આપણા શરીરમાં જો કફ જામી ગયો હોય તો તે છૂટો પડી જાય છે અને આપણને અનેક પ્રકારની સમસ્યાથી બચાવે છે. હોળીની આસપાસ નવા જન્મેલા શિશુને હાથમાં રાખીને ફેરવવામાં આવે છે (જેને ઢૂંઢ કહેવામાં આવે છે) તેની પાછળ આ જ કારણ છે. નાનપણમાં આપણને કફ સતાવે છે. યુવાનીમાં વ્યક્તિ પિત્તનો ભોગ બને છે તો વૃદ્ધાવસ્થામાં માણસને વાયુની બીમારી સતાવે છે. બાળકોને હોળીની પ્રદક્ષિણા કરાવવાથી તેમને કફજન્ય રોગોથી રાહત મળે છે.

હોળીમાં ગાયના છાણાં અને ઘી મિશ્રિત કરીને પ્રજ્વલિત કરવામાં આવે તો તેમાંથી જે ઓષધિયુક્ત વાયુઓ નીકળે છે તે વાતાવરણ અને આપણા તનમનને સ્વસ્થ કરી દે છે. હોળીમાં નાળિયેર હોમવાનો જે રિવાજ છે તે પણ વૈજ્ઞાનિક છે. નાળિયેરના વૃક્ષને આપણે કલ્પવૃક્ષ કહીને નવાજીએ છીએ. નાળિયેરમાં અનેક જાતના મિનરલ્સ હોય છે જે આપણા શરીરને શક્તિ અને સ્ફૂર્તિથી ભરી દે છે. કોઇ વ્યક્તિ બીમાર હોય તો ડૉક્ટર તેને નાળિયેર પાણી પીવાની અચૂક સલાહ આપે છે. આપણે કોઇ બીમાર વ્યક્તિને મળવા જઇએ છીએ ત્યારે નાળિયેર પાણી અચૂક લઇ જઇએ છીએ. આવું શ્રીફળ જ્યારે અગ્નિમાં હોમાય અને તેનું વાયુમાં રૂપાંતર થાય ત્યારે આસપાસના સહુ માણસો, ઢોરઢાંખર અને વનસ્પતિ સુદ્ધાંને તેના ગુણધર્મોનો લાભ મળે છે. આ ઉપરાંત આ ઋતુમાં છૂટથી મળતા ધાણી, ખજૂર પધરાવવાથી તેના સત્ત્વો તત્ત્વોનો પણ ભરપૂર લાભ આપણા તનમનને મળે છે.

હોળી પ્રગટાવી દીધા પછી આપણને બાયપ્રોડક્ટ તરીકે જે રાખ મળે છે તે પણ કલ્યાણકારી ઔષધ છે. જૂના સમયમાં સાબુનું ચલણ ન હોતું ત્યારે આ રાખ જ જંતુનાશક તરીકે વપરાતી જે વાસણોમાં રહેલી ચિકાશને દૂર કરી ચમકાવી દેતી. જૂના સમયમાં ઘરે ટોઇલેટ ન હતાં ત્યારે માણસો લોટે જવા જંગલે જતા અને પાછા ફરીને આ રાખથી જ હાથ ધોતા. રાખ ખરબચડી હોવાથી સાબુ અને સ્ક્રબર બેઉના કામ કરે છે. આ જંતુનાશક રાખ ચોળીને ન્હાવાથી શરીર અને ચામડીના અનેક દર્દોથી બચી શકાય છે. જૂના સમયમાં હોળીની આ રાખ, હોળીની આ ધૂળને જ શરીર પર રગડીને પછી સ્નાન કરવામાં આવતું જેને ધુળેટી કહેવાતી. આજે વિશ્વભરમાં ઘણાં ઉત્પાદકો રાખમાંથી સાબુ અને અનેક પ્રકારની આરોગ્યપ્રદ વસ્તુઓ બનાવે છે ત્યારે આપણે રાખની ઉપેક્ષા કરીએ છીએ. આજે આપણે રસાયણયુક્ત રંગોથી હોળી રમીએ છીએ તે તો ચામડી અને આંખોને ઊલટા નુકસાન કરે છે. હવે ગરમી વધતી જશે ત્યારે આપણને ટીવી પર અનેક પ્રકારની ફેસ-પાઉડરની જાહેરાતો જોવા મળશે. અરે બંધુઓ હોળીની આ ભસ્મ, આ રાખ એ બીજું કંઇ નહીં, પણ હોળી માતાએ આપેલો ટેલકમ પાઉડર છે.

બ્રહ્માંડમાં જે પાંચ તત્ત્વો છે પૃથ્વી,જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમાંથી અગ્નિ મધ્યનું સ્થાન શોભાવે છે. પૃથ્વી, જળ, વાયુ કે આકાશ પ્રદૂષિત થઇ શકે પણ અગ્નિ કોઇને ગાંઠતો નથી. એ ક્યારેય પ્રદૂષિત થતો નથી. ઉલટાનું તેની નજીક જે જાય છે તે તનમનથી શુદ્ધ થાય છે. પાણી કે દૂધ જેવી ચીજો ઉકાળીને પીવાથી શરીરને નુકસાન થતું નથી એ જ રીતે હોળી કે હવનમાં પ્રગટેલો અગ્નિ એટલે આસપાસના વાયુઓને ઉકાળીને જંતુરહિત બનાવતું ઉત્તમ તત્ત્વ. ઉત્તમ ઊર્જા. સોનું પણ અગ્નિમાં તપીને જ શુદ્ધ થાય છે. આપણે સીધા તો અગ્નિમાં પ્રવેશ ન કરી શકીએ પરંતુ તેમાંથી ઉત્પન્ન થયેલી રાખનો ઉપયોગ કરીને શરીરને શુદ્ધ કરી શકીએ. આ ઉપરાંત કેસૂડાના ફૂલ અને કુદરતી ગુલાલથી હોળી રમવામાં આવતી તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હતું. આજના યુવાનો જો આવી પરંપરાગત હોળી-ધુળેટી રમે તો તહેવાર ઉજવવાનો આનંદ તો આવે જ સાથે સાથે તેઓ તનમનથી સ્વસ્થ રહે અને આવનારી ગરમી અને ગરમીથી થતી અનેક પ્રકારની બીમારીઓથી અચૂક બચી શકે.

આ વખતે હોળી રવિવારે આવે છે. જાહેરરજા જ છે. તો સહુ કોઇ યુવા ભાઇબહેનોએ હોળીની પ્રદક્ષિણા કરવા જવું જોઇએ અને ઉપર જણાવ્યું તેમ પરંપરાગત રીતે તહેવાર ઉજવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ. તેમણે શરીરની બીમારી અને મનની અસ્વસ્થતા સિવાય કશું જ ગુમાવવું નહીં પડે તેની ગેરંટી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button