તરોતાઝા

ઉનાળામાં હૃદય અને મગજને શીતળતા પ્રદાન કરતી વરિયાળી

તંદુરસ્તી-મનદુરસ્તી – રેખા દેશરાજ

આમ તો બધી ઋતુમાં વરિયાળી ખાવાના ફાયદા છે, પરંતુ કાળઝાળ ગરમીના દિવસોમાં આ ઔષધિ આપણા હૃદય અને મગજને શીતળ રાખે છે કારણ કે વરિયાળીની તાસીર બહુ ઠંડી હોય છે. જ્યારે કોઇને લૂ લાગે છે તો તેને વરિયાળીનું પાણી પીવાનું કહેવામાં આવે છે. વરિયાળીના પાણીને થોડે દૂર ઉપરથી પેટમાં નાખવાથી પણ તેના ફાયદા થાય છે. તેથી જાણકારો કહે છે કે ગરમીમાં વરિયાળીનું યોગ્ય માત્રામાં સેવન જરૂરથી કરવું જોઇએ.


ક્યારે અને કેવી રીતે સેવન કરવું
ધગધગતા તાપ અને મનને અકળાવી મૂકનારી ગરમીમાં વરિયાળી ખાવાથી પાચન દુરસ્ત તો રહે જ છે, પણ તેનું શરબત પીવાથી પેટમાં રહેલી ગરમી શાંત પડી જાય છે. તેથી જ ઉનાળામાં સૌથી વધુ વરિયાળીનું શરબત પીવામાં આવે છે. પહેલી વાત તો એ કે ગરમીની ઋતુમાં વરિયાળીનું શરબત પીવાથી લૂ નથી લાગતી અને લૂ લાગી ગઇ હોય તો શરીર ડિહાઇડે્રટ થવા પર તેની અસર ઓછી થવાનું શરૂ થઇ જાય છે, પરંતુ જો કોઇને શરબત પીવાથી કોઇ સમસ્યા થતી હોય તો તે દૂધની ચામાં પણ અઢળક વરિયાળી નાખીને પી શકે છે. વરિયાળીવાળી ચા પીવાથી શરીરને ખાસ કરીને પેટને ઠંડક મળે છે, પરંતુ તેનો ફાયદો ખરી રીતે ત્યારે જ મળશે જ્યારે તેને ગોળ અથવા મધ સાથે મિશ્રણ કરીને પીવામાં આવે. વરિયાળી શરીર માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં પોષકતત્ત્વોની ભરમાર હોય છે. વરિયાળીમાં વિટામિન, કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ, આયરન, ઝિંક, મૈંગનીઝ અને મેગ્નેશિયમનો ભંડાર રહેલો હોય છે. આ તમામ પોષક તત્ત્વો આપણને ગરમીથી તો દૂર રાખે જ છે. સાથે ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


ગરમીઓમાં જો તમને સતત બેચેનીનો અનુભવ થતો હોય તો દરરોજ સવારે વરિયાળીનું પાણી જરૂરથી પીવું જોઇએ. હકીકતમાં સવારે સૌથી પહેલા શરીરમાં વરિયાળીનું પાણી જવાથી કેટલાય ફાયદા થાય છે. તેનાથી આપણું પાચનતંત્ર વધુ સાં બને છે. પેટમાં ગેસ બનતો નથી અને કબજિયાત થતું નથી. જો બન્યું હોય તો તેનાથી છુટકારો મળે છે અને હા નિયમિત વરિયાળીનું પાણી પીવાથી વજન પણ ઘટે છે. ત્વચામાં તાજગી, ચીકાશ અને ફ્રેશનેશ પણ જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે જો તમને વરિયાળીનું પાણી પીવામાં કોઇ મુશ્કેલી પડતી હોય તો તેમાં દેશી મિશ્રી ભેળવીને પણ પી શકાય છે, પરંતુ ખાંડ નાખીને પીવું નહીં. મિશ્રી ભેળવીને પીવાથી તેના પોષક તત્ત્વો નાશ પામતા નથી. વરિયાળીમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફંગલ ગુણો પણ હોય છે. તેથી વરિવાળી અને મિશ્રીનું પાણી પીવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે. તે અંદરથી શરીરને શીતળ અને હાઇડે્રટ રાખે છે. પેટની બળતરાને ઓછી કરે છે. પાચન દુરસ્ત રાખે છે અને હા જે લોકોમાં લોહિની ટકાવારી ઓછી હોય તેમણે તો જરૂરથી આ પીણું પીવું જોઇએ. કારણ કે તેનાથી શરીરમાં હિમોગ્લોબિન બને છે.


ફાયદાકારક છે વરિયાળીનું ફાયબર
વરિયાળીમાં ભરપૂર માત્રામાં ફાયબર મળે છે. આ ફાયબર આપણી પાચનક્રિયાને વધુ સારી તો બનાવે જ છે, સાથે તેનાથી પેટમાં ગેસ બનતો નથી. જો ગેસ બનતો હોય તો બંધ થઇ જાય છે. જ્યારે પેટમાં ગેસ બને છે તો પેટમાં ભારે ગરમીનો જમાવડો થાય છે અને જ્યારે ગેસ બનતો બંધ થઇ જાય છે તો ગરમી ખતમ થઇ જાય છે. આનાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ઘણા લોકોને ગરમીમાં ખાસ કરીને કબજિયાતની તકલીફ પરેશાન કરતી હોય છે. કારણ કે તે જે પાણી પીવે છે તેનો મોટા ભાગનો હિસ્સો પરસેવાના રૂપમાં શરીરની બહાર નીકળી જાય છે અને શરીરમાં પાણીની અછત રહે છે. આ સમસ્યાથી પીડિત લોકોએ ખાસ વરિયાળીનું પાણી પીવું જોઇએ. આવા લોકોએ ગરમીમાં દરરોજ રાતે એક ચમચી વરિયાળી ચાવીને ખાવી જોઇએ. તેનાથી સવારે પેટ સારી રીતે સાફ આવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.


મોંને રાખે તાજગીભર્યું
આપણે બધા જાણીએ છીએ કે વરિયાળી એક ઉત્તમ માઉથફ્રેશનર છે. જેને ચાવવાથી માત્ર શ્વાસ જ તાજગીભર્યા નથી રહેતા પણ તેમાં ખાસ પ્રકારની સુગંધ પણ હોય છે. જે આસપાસના લોકોને સારી લાગે છે. તેથી માઉથફ્રેશનર તરીકે વરિયાળીથી ઉત્તમ બીજો કોઇ વિકલ્પ નથી. તે આપણને ઘણા પ્રકારે શ્વાસ સંબંધી તાજગી પ્રદાન કરે છે. તેમજ આપણા હૃદયને પણ મજબૂત બનાવે છે. કારણ કે નિયમિત વરિયાળી ખાવાથી બ્લડ પ્રેશર ક્નટ્રોલમાં રહે છે. ગરમીઓમાં ખાસ કરીને વરિયાળી ખાવાથી બ્લડ પ્રેશર અનિયંત્રિત થતું નથી. કારણ કે વરિયાળીમાં ભારે માત્રામાં પોટેશિયમની હાજરી હોય છે. આ પોટેશિયમ આપણા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker