તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: વ્યક્તિ પોતે જ પોતાના ને ચિત્તની અસ્વસ્થતાને ન સમજી શકે તો?

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

  1. યૌગિક પરામર્શ
    (yogic counselling)
    માનસિક રોગોની આધુનિક ચિકિત્સાપદ્ધતિઓમાં પરામર્શ (coumselling) એક મૂલ્યવાન ચિકિત્સાપદ્ધતિ ગણાય છે. માનસિક રોગોની યૌગિક ચિકિત્સામાં આપણે આ `પરામર્શ’નો ઉપયોગ કરી શકીએ તેવી શક્યતા છે.
  2. પરામર્શ શું છે?
    વ્યક્તિ પોતાના ચિત્તના સ્વરૂપને -પોતાના ચિત્તની અસ્વસ્થતાના સ્વરૂપને યથાર્થત: જાણી ન શકે તો તેમાંથી અનકે વિટંબણાઓ અને સમસ્યાઓનું નિર્માણ થાય છે. એથી ઊલટું વ્યક્તિ જો પોતાના ચિત્તને અને ચિત્તની અસ્વસ્થતાના સ્વરૂપને સમજે તો તે અનેક વિટંબણાઓમાંથી બચી શકે અને અનેક સમસ્યાઓનું નિરાકરણ પામી શકે છે.
    વ્યક્તિ પોતે જ પોતાના અને ચિત્તની અસ્વસ્થતાને ન સમજી શકે તો?
    આમ હોય ત્યારે જાણકાર વ્યક્તિ તેને તેમ કરવામાં સહાયભૂત થઇ શકે છે. આ પ્રક્રિયાને `પરામર્શ’ કહેવામાં આવે છે.

પરામર્શ એટલે કોઇ વ્યક્તિને તેના ચિત્તના સ્વરૂપ અને તેના ચિત્તની અસ્વસ્થતાઓના સ્વરૂપને સમજવા માટે સહાયભૂત થવાની પ્રક્રિયા.
કોઇ વ્યક્તિ અન્ય વ્યક્તિને સલાહ, સૂચન કે માર્ગદર્શન આપે તે પરામર્શ નથી. પરામર્શમાં સલાહ (advice) આપવામાં નથી આવતી. પરામર્શ માર્ગદર્શન નથી. પરામર્શમાં વ્યક્તિ પોતાની જાતને સમજી શકે તે હેતુ છે. પરામર્શના કેન્દ્રમાં `સમજ’નો વિકાસ છે.

“સમજના અભાવમાં સમસ્યાઓ પ્રગટે છે અને વધે છે. સમજના પ્રકાશથી આ સમસ્યાઓનું નિરાકરણ થાય છે.” – પરામશનો આ મુખ્ય સિદ્ધાંત છે.
એક સમજદાર વ્યક્તિ અન્ય ઓછી સમજદાર વ્યક્તિને તેની સમજના વિકાસમાં સહાયભૂત થાય -આ પરામર્શ છે.

  1. યૌગિક પરામર્શનું સ્વરૂપ:
    આધુનિક માનસચિકિત્સાના ક્ષેત્રમાં પરામર્શનું જે સ્વરૂપ છે તેમાં અને યૌગિક પરામર્શના સ્વરૂપમાં ઘણી ભિન્નતા છે. અહીં આપણે યૌગિક પરામર્શની કેટલીક મૂળભૂત બાબતો જોઇએ.

(1) યૌગિક પરામર્શ યોગદર્શન અને યૌગિક મનોવિજ્ઞાન પર પ્રતિષ્ઠિત છે. તેથી યૌગિક પરામર્શ યોગદર્શન અને યૌગિક મનોવિજ્ઞાનની મૂળભૂત ધારણાઓને સ્વીકારીને આગળ ચાલે છે. તદનુસાર યૌગિક પરામર્શમાં આત્મા'નો સ્પષ્ટ અને નિશ્ચયાત્મક સ્વીકાર છે. આત્મા અર્થાત્‌‍ પુરુષ સ્વરૂપત:જ ચેતન, ગુણાતીત, અજરઅમર, જ્ઞાનસ્વરૂપ, મુક્ત, રાગદ્વેષરહિત અને અધિકૃત છે. માનવવ્યક્તિત્વનું કેન્દ્રસ્થ તત્ત્વ આત્મા અર્થાત્‌‍ પુરુષ છે. આનો અર્થ એમ કે માનવી સ્વરૂપત:સર્વ વિકૃતિઓથી મુક્ત છે. આનો અર્થ એ કે માનવના વ્યક્તિત્વમાં જે વિકૃતિઓ જોવા મળે છે તે આગંતુક અને બહિરંગ છે. યથાર્થત: તો માનવી સચ્ચિદાનંદસ્વરૂપ છે.હું આત્મા છું’ તેવી દઢ શ્રદ્ધા, પ્રતીતિ અને અનુભવ બહુ મોટી વાત છે અને તે માનવીને અનેક વિકૃતિઓથી મુક્ત રાખે છે.

(2) પુરુષ અર્થાત્‌‍ આત્મા પ્રકાશસ્વરૂપ છે અને પ્રકૃતિ અજ્ઞાનસ્વરૂપિણી અર્થાત્‌‍ અંધકારરૂપ છે. જીવનમાં જે અંધકારનાં જાળાં જોવા મળે છે તે પ્રકૃતિની કરામત છે. આ અંધકારનાં જાળાં પર જો પુરુષના પ્રકાશની ધારા છોડવામાં આવે તો અંધકારનાં જાળાં ઓગળી જાય છે. માનસિક અસ્વસ્થતાઓને ચૈતન્યસ્વરૂપ પુરુષના સંસ્પર્શથી ઓગાળી નાખો.
હવે પ્રશ્ન એ છે કે આમ બને કેવી રીતે? ધ્યાનના અભ્યાસથી આમ બની શકે છે.

યૌગિક પરામર્શ પોતાના દરદીને ધ્યાન શીખવશે અને ધ્યાનાભ્યાસ દ્વારા માનસિક અસ્વસ્થતાઓનું વિસર્જન કેવી રીતે કરશે તે પણ શીખવશે.

(3) યોગને પોતાનું મનોવિજ્ઞાન છે. ભારતીય અધ્યાત્મધારાઓમાં સંભવત: મનોવિજ્ઞાનનો સૌથી વધુ વિકાસ યોગવિદ્યામાં થયો છે. યૌગિક પરામર્શક પોતાના દરદીને યૌગિક મનોવિજ્ઞાનની સમજ આપશે. આ સમજ પ્રારંભમાં તો બૌદ્ધિક સ્વરૂપની હોય તે સ્વાભાવિક જ છે. આ બૌદ્ધિક સમજનું પણ કાંઇક મૂલ્ય છે. બૌદ્ધિક સમજ દ્વારા પણ કોઇક સ્વરૂપની સ્પષ્ટતા મળે છે. આ સ્પષ્ટતા માનવીને અનેક અસ્વસ્થતાઓમાંથી બચાવી લે છે.

(4) યોગવિદ્યાને પોતાનુંએક જીવનદર્શન છે. આત્માની અમરતાનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, જીવનનું લક્ષ્ય અર્થાત્‌‍ ઇચ્છાની ભુક્તિની વ્યર્થતા અને ઇચ્છામાંથી મુક્તિનું દર્શન- આ સર્વ યૌગિક જીવનદર્શનના પાયાના સિદ્ધાંતો છે. યૌગિક પરામર્શક પોતાના દરદીને આ જીવનદર્શનની સમજ આપે છે. એટલું જ નહીં. પરંતુ પોતાના જીવનમાં આ દર્શનનો વિનિયોગ કેવી રીતે થઇ શકે તે પણ શીખવે છે. જીવનદર્શનની સ્પષ્ટતાના અભાવમાં માનવી અહીંતહીં અથડાય છે અને અનેક અસ્વસ્થતાઓનો ભોગ બની જાય છે. જીવનદર્શનની સ્પષ્ટતા માનવીને અનેક અસ્વસ્થતાઓમાંથી બચાવી લે છે.

(5) યૌગિક પરામર્શ માત્ર પરામર્શ નહીં રહે. એટલો પસમર્શ અધૂરો છે. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન આદિ યોગાભ્યાસ જો પરામર્શની સાથેસાથે વિનિયુક્ય થાય તો ચિકિત્સા બળવત્તર બને છે. તેથી યૌગિક પરામર્શક માત્ર સમજના વિકાસને ઇતિશ્રી નહીં માને, પરંતુ યોગાભ્યાસનાં અન્ય તત્ત્વો પણ શીખવશે. આમ બનવાથી યૌગિક માનસચિકિત્સા અનેક આયામી અને વધુ બળવાન પદ્ધતિ બને છે.

(2) યોગ મુલત: અધ્યાત્મવિદ્યા છે. જ્યારે યોગ માનસચિકિત્સાનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે પણ યોગ અધ્યાત્મવિદ્યા તો રહે જ છે. આમ હોવાથી યૌગિક પરામર્શ અધ્યાત્મથી અનુરંજિત રહેશે જ. અર્થાત્‌‍ યૌગિક પરામર્શને અધ્યાત્મનો પુટ લાગેલો રહેશે જ.
અધ્યાત્મને બાજુએ મૂકીને યૌગિક પરામર્શ થઇ શકે નહીં, કારણ કે યૌગિક પરામર્શનો આધાર જ અધ્યાત્મ છે.

  1. યૌગિક પરામર્શક કોણ બની શકે?
    પરામર્શ એક ગહન વિદ્યા છે. પર્યાપ્ત તૈયારી વિના કોઇએ પરામર્શનું કઠિન કાર્ય કરવાનું સાહસ કરવું નહીં. યૌગિક પરામર્શ તો તેથી પણ કઠિન છે. આમ હોવાથી આપણી સમક્ષ પ્રશ્ન ઉપસ્ઘિક થાય છે. યૌગિક પરામર્શક કોણ બની શકે?
    (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button