તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: આ સમગ્ર જીવનસૃષ્ટિમાં એક માનવી જ એવું પ્રાણી છે કે જે પોતાની જાત વિશે સભાન -જાગ્રત થઇ શકે છે

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

  1. (ગતાંકથી ચાલુ)
  2. જાગૃતિનું મૂલ્ય:
    આ સૃષ્ટિ પર અગણિત પકારના જીવો છે. આ સમગ્ર જીવનસૃષ્ટિમાં એક માનવી જ એવું પ્રાણી છે કે જે પોતાની જાત વિશે સભાન -જાગ્રત થઇ શકે છે. પોતાના હોવાનું ભાન, પોતાના અસ્તિત્વ વિશે સભાનતા, પોતાનાં વાણી અને વર્તન વિશે જાગૃતિ માનવી સિવાય અન્ય કોઇ જીવસૃષ્ટિમાં જોવા મળતી નથી. આ જાગૃતિ જ માનવીની મોટી આશા છે અને તેને આધારે જ માનવી દેવત્વ સુધી પહોંચી શકે છે. આ જાગૃતિને અવધાન
    પણ કહેવામાં આવે છે.

હવે આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે આપણી આ જાગૃતિ- આ અવધાન સંપૂર્ણ છે કે આંશિક છે? શું આપણે આપણાં વાણી અને વર્તન વિશે, મનની બધી ગતિવિધિઓ અંગે હંમેશાં જાગ્રત હોઇએ છીએ? શું આપણી પૂર્ણત: જાગ્રત હોઇએ છીએ? વસ્તુત: આપણામાં જાગૃતિનો માત્ર અંશ હોય છે- માત્ર પ્રારંભ જ હોય છે. પૂર્ણ જાગ્રત તો માત્ર પરમાત્મા છે કે ભગવાન બુદ્ધ હોઇ શકે છે.

કારણ કે તેમનામાં બેભાનાવસ્થાનો અંશ પણ નથી. પરમાત્મા પૂર્ણ જાગ્રત છે. તેથી જ તો તે જ્ઞાનસ્વરૂપ ગણાય છે. માનવીમાં આ જ્ઞાનનો અતિ અલ્પ અંશ ઊતરી આવ્યો છે અને તેથી જ તેનામાં જાગૃતિનો અંશ છે. આ જાગૃતિ તો માત્ર તણખો છે. આ તણખો મહાપ્રકાશનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ તણખાની મહાપ્રકાશ સુધીની યાત્રા એ જ જીવનવિકાસની યાત્રા છે.

પથ્થરમાં જાગૃતિનું તત્ત્વ નથી. વનસ્પતિસૃષ્ટિમાં ચેતના છે, પરંતુ તેનામાં જાગૃતિ નથી. પ્રાણીસૃષ્ટિમાં જાગૃતિનો વિકાસ થયો છે, પરંતુ પોતાની જાતવિષયક જાગૃતિ હોતી નથી. આવી જાગૃતિનો પ્રારંભ માનવીથી થયો છે, માનવીમાં જાગૃતિનો પ્રારંભ થયો છે, પરંતુ આ જાગૃતિ ઘણી અધૂરી અને આંશિક છે.

આધુનિક મનોવિજ્ઞાનના તારણ પ્રમાણે આપણા જાગ્રત મન કરતાં અજાગ્રત મનનું ક્ષેત્ર મોટું હોય છે, જેના વિશે આપણી જાગૃતિ નહીંવત્‌‍ હોય છે. જાગ્રત મન વિશે પણ આપણી જાગૃતિ આંશિક હોય છે અને સતત રહેતી નથી. આપણા જીવનની વિટંબણાઓનું કારણ આ આપણી અજાગૃતિ છે. જીવનની મુખ્ય સમસ્યા અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી સમસ્યાઓ જન્મે છે અને જ્ઞાનથી સમસ્યાઓનું નિરાકરણ મળે છે. અજાગૃતિ અજ્ઞાનનું જ એક સ્વરૂપ છે.

મન સિવાય આપણી ચેતનાના અનેક સ્તરો અને વિભાગો છે. આ સર્વને ગણતરીમાં લઇએ તો આપણી જાગૃતિ, આપણા અસ્તિત્વવિષયક આપણી જાગૃતિ અતિ અલ્પ પ્રમાણમાં છે તેમ સમજવું મુશ્કેલ નથી.
જો જાગૃતિનો વિકાસ થાય તો આપણા જીવનવિકાસની ચાવી હાથ લાગે છે, એટલું જ નહીં, પરંતુ આપણા જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ પણ હાથ લાગે છે. અંધકારને કારણે પેદા થયેલી ગૂંચો પ્રકાશના પ્રાગટ્યથી આપોઆપ ઉકેલાવા લાગે છે.

  1. જાગૃતિ એટલે શું?
    જાગૃતિ એટલે સભાનતા, અવધાન કે બોધ, પણ આ તો બધા પર્યાયવાચક શબ્દો થયા. જાગૃતિનું યથાર્થ સ્વરૂપ શું છે? વસ્તુત: જાગૃતિનો અર્થ સમજાવવાનું કાર્ય બહુ કઠિન છે. સદ્ભાગ્યે જાગૃતિનો કોઇક સ્વરૂપનો થોડઘણો અનુભવ તો સૌને થયો જ હોય છે તેને આધારે તે તંતુ પકડીને આપણે જાગૃતિ કે અવધાનના સ્વરૂપને સમજી શકીએ છીએ. આપણે જેને જાગૃતાવસ્થા કહીએ છીએ તે અને આ યથાર્થ જાગૃતિ બંને એક નથી.

આપણા નિત્યજીવનની ત્રણ અવસ્થાઓ છે:
(1) નિદ્રાવસ્થા
(2) સ્વપ્નાવસ્થા
(3) જાગૃતાવસ્થા
સમજણની સરળતા ખાતર આપણે જાગૃતાવસ્થાને બે ભાગમાં વહેંચી શકીએ:
(1) પ્રત્યક્ષીકરણની અવસ્થા
(2) વિચારાવસ્થા.
આમ આપણા નિત્યજીવનની આ ચાર અવસ્થાઓ છે. આ ચારેના સ્વરૂપને સમજીને તેના દ્વારા આપણે જાગૃતિના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.

(1) નિદ્રાવસ્થા:
નિદ્રાવસ્થામાં આપણું મન સ્વરૂપમાં સ્થિર થઇ જાય છે. પરંતુ તમોગુણના આવરણને કારણે મનને સ્વનું કે બાહ્ય જગતનું કશું ભાન હોતું નથી. તેથી નિદ્રા તો સ્પષ્ટ રીતે બેભાનાવસ્થા જ છે. ક્લોરોફોર્મની અસર હેઠળની અવસ્થા કે શારીરિક-માનસિક આઘાત લાગવાથી આવેલી બેભાનાવસ્થા પણ સ્વરૂપત આ પ્રકારની બેભાનાવસ્થા જ છે.

આમ છતાં આપણે નોંધવું જોઇએ કે બેભાનાવસ્થા પથ્થરની બેભાનાવસ્થા નથી જ નિદ્રાવસ્થામાં કોઇક સ્વરૂપની જાગૃતિ હોય જ છે. શરીરનાં તંત્રો ચાલે જ છે. શરીર પડખાં ફરે જ છે. મચ્છર કરડે તો હાથ ત્યાં પહોંચે જ છે.

(2) સ્વપ્નાવસ્થા:
સ્વપ્નાવસ્થામાં બાહ્ય જગત સાથેનો સંપર્ક હોતો નથી. પરંતુ વ્યક્તિ સ્વરચિત જગતમાં વિહરે છે. નિદ્રાવસ્થાની તુલનાએ સ્વપ્નાવસ્થામાં જાગૃતિ કાંઇક પ્રમાણમાં વિકસેલી હોય છે. આમ છતાં વસ્તુત: સ્વપ્નાવસ્થા પણ એક સ્વરૂપની બેભાનાવસ્થા જ હોય છે, કારણ કે સ્વપ્નાવસ્થામાં પણ બ્રાહ્ય જગતનું કે પોતાની જાતનું ભાન હોતું નથી.

(3) પ્રત્યક્ષીકરણની અવસ્થા:
પ્રત્યક્ષીકરણ (ાયભિયાશિંજ્ઞક્ષ)ની ઘટનામાં મન જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયો સાથે જોડાય છે. આ અવસ્થામાં મન બાહ્ય જગતના વિષયોમાં રમખાણ હોવાથી પોતાના વિશે જાગ્રત નથી. બાહ્ય જગતની સાથેના તદાત્મ્યને લીધે આ અવસ્થામાં આપણે આપણા જાગૃત સ્વરૂપનું અનુસંધાન ગુમાવી બેસીએ છીએ. એટલે પ્રથમ બે અવસ્થાઓ કરતાં જાગૃતિનું પ્રમાણ આ અવસ્થામાં વધુ હોવા છતાં આ અવસ્થા પણ યથાર્થ જાગૃતિની અવસ્થા નથી.

(4) વિચારાવસ્થા:
વિચારાવસ્થામાં પણ મન પોતાની ક્રિયાઓમાં રમમાણ રહે છે. વિચારો જ્ઞાનેન્દ્રિયોના ભૂતકાલીન પ્રત્યક્ષીકરણની સ્મૃતિ પર રચાયેલા હોય છે. એટલે વિચારાવસ્થામાં મન ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગત સાથે જોડાતું નથી, પરંતુ ઇન્દ્રિયો દ્વારા મેળવેલા પ્રત્યક્ષીકરણની સ્મૃતિને આધારે બાહ્ય જગતના સૂક્ષ્મ સ્વરૂપ સાથે જોડાયેલું રહે છે. વિચારો પણ બાહ્ય જગતનું સૂક્ષ્મ સ્વરૂપ છે. વિચારાવસ્થા તે જાગૃતાવસ્થામાં થતી સ્વપ્નની ક્રિયા છે. જેમ નિદ્રાવસ્થા અને સ્વપ્નાવસ્થાનું યુગ્મ છે. તેમ પ્રત્યક્ષીકરણની અવસ્થા અને વિચારાવસ્થાનું યુગ્મ છે. તેથી વિચારાવસ્થામાં પણ યથાર્થ જાગૃતિ હોતી નથી. જ્યારે ચિત્ત નિદ્રાવસ્થામાં ન હોય, સ્વપ્નાવસ્થામાં ન હોય, ઇન્દ્રિયોના વિષયોમાં
જોડાયેલું ન હોય અને વિચારોની પ્રક્રિયામાં લીન ન હોય એટલે કે ચિત્તની વૃત્તિઓ બંધ પડી જાય અને બેભાનાવસ્થાનું આવરણ પણ ન હોય તેવી અવસ્થા તે યથાર્થ જાગૃતિની અવસ્થા છે.

સામાન્ય રીતે આપણા ધ્યાનની ધારા બાહ્ય જગતના સ્થૂળ કે સૂક્ષ્મ સ્વરૂપ પ્રત્યે વહેતી હોય છે. જ્યારે મન આ બંને બાજુથી પાછું ફરે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તે જાગૃતિની અવસ્થા છે. તેમ કહી શકાય.
જાગૃતિની અવસ્થા તે ચિત્તની પોતાના સ્વરૂપમાં સ્થિર થવાની અવસ્થા છે.

આંતરિક જાગૃતિ છોડ્યા વિના અન્યમાં ધ્યાન આપી શકવાની ક્ષમતા તે જાગૃતિનું વિકસિત સ્વરૂપ છે. વિકસિત અવસ્થા છે. આ વિકસિત જાગૃતાવસ્થામાં ચેતના પોતાના સ્વરૂપની જાગૃતિ છોક્યા વિના પ્રત્યક્ષીકરણ કે વિચાર કરી શકે છે.
આપણે સમજી લેવું જોઇએ કે આ જાગૃતિની અવસ્થા અને આત્મવિશ્લેષણ બંને એક નથી.

આત્મવિશ્લેષણમાં વ્યક્તિ પોતાના મનની ક્રિયાઓનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે. જ્યારે જાગૃતિ કે અવધાન તે વિશ્લેષણની પ્રક્રિયા નથી. એ તો માત્ર જાગૃતિની અવસ્થા છે. આત્મવિશ્લેષણ બૌદ્ધિક ઘટના છે અને જાગૃતિ પરાબૌદ્ધિક ઘટના છે. આત્મવિશ્લેષણની ઘટનાથી વ્યક્તિ મનસાતીત ભૂમિકાએ પહોંચી ન શકે. જાગૃતિનો સ્વરૂપગત હેતુ ન માનસાતીત ભૂમિકાએ પહોંચવાનો છે.

હા, એ વાત સાચી છે કે જાગૃતિ અને આત્મવિશ્લેષણ એકબીજાના પૂરક બની શકે તેમ છે, પરંતુ બંને એક જ ઘટના નથી. જાગૃતિની અવસ્થામાં મનના આટાપાટા, મનની ગતિવિધિ આપોઆપ પ્રગટ થાય છે. તેને પરિણામે મનના સ્વરૂપને સમજવાની ઘટના આપોઆપ બની જાય છે; પરંતુ આ મનોવિશ્લેષણ નથી. આ તો જાગૃતિના પ્રકાશમાં થયેલું મનનું દર્શન છે. એટલે આત્મવિશ્લેષણ દ્વારા વ્યક્તિના મનમાં પોતાના વિશે જે સમજ પ્રગટે છે તેના કરતાં જાગૃતિના પ્રકાશ દ્વારા જે સમય પ્રગટે છે, તે સમજ વધુ ઊંડી, વધુ વ્યાપક અને વધુ યથાર્થ હોય છે.

આત્મવિશ્લેષણમાં મન દ્વારા મનનું વિશ્લેષણ થાય છે, તેથી તે વિશ્લેષણમાં મનની મર્યાદાઓ આવવાની જ જાગૃતિ કે અવધાનની અવસ્થામાં મનસાતીત અવસ્થાનો પ્રકાશ પ્રગટે છે, તેથી આ જાગૃતિની અવસ્થામાં થયેલું મનનું દર્શન મનસાતીત ભૂમિકા પરથી થયેલું મનનું દર્શન છે. આત્મવિશ્લેષણ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને તેથી તેમાં મનોવિજ્ઞાનનું કાંઇક જ્ઞાન હોવું આવશ્યક છે. જાગૃતિ મનોવૈજ્ઞાનિક ઘટના નથી, મનસાતીત અવસ્થા છે. જાગૃતિની અવસ્થામાં મનનું દર્શન કરવા માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ અનિવાર્ય નથી. જોકે જાગૃતિની સાથે મનોવિજ્ઞાનનાં મૂળ તત્ત્વોનું જ્ઞાન હોય તો વિશેષ સહાય મળી શકે છે. તે જ રીતે આત્મવિશ્લેષણ કરનાર વ્યક્તિ પણ જાગૃતિના વિનિયોગ દ્વારા પોતાનું કાર્ય વધુ સારી રીતે કરી શકે છે.

જાગૃતિથી થતું દર્શન અને આત્મવિશ્લેષણ જુદીજુદી ઘટના હોવા છતાં બંનેના ક્ષેત્ર વચ્ચે પ્રગાઢ સંબંધ છે. તેથી બંને વચ્ચે સહયોગ કે પરસ્પર પૂરક ઉપયોગ શક્ય છે.

  1. જાગૃતિમાં પ્રવેશ અને જાગૃતિનો વિકાસ:
    હવે આપણી સમક્ષ એ પ્રશ્ન છે કે વ્યક્તિનો જાગૃતિની યથાર્થ અવસ્થામાં પ્રવેશ કેવી રીતે થઇ શકે અને તેના જીવનમાં જાગૃતિ કેવી રીતે વિકસી શકે.
    જાગૃતિ અભવા અવધાનની અવસ્થામાં પ્રવેશ પામ્યા વિના તેના સ્વરૂપની યથાર્થ સમજ પામવાનું શક્ય નથી. શબ્દાતીત અવસ્થા વિશે શબ્દો દ્વારા કેટલું સમજાવી શકાય? હા. જાગૃતિની અવસ્થામાં પ્રવેશ થાય અને જીવનમાં જાગૃતિનો વિકાસ થાય તો બધું દીવા જેવું સ્પષ્ટ જોઇએ.
    જાગૃતિમાં પ્રવેશ થાય અર્થાત્‌‍ જીવનમાં જાગૃતિ પ્રગટ થાય અને તેની વિકાસ થાય તે માટેની કેટલીક પદ્ધતિ સરળથી કઠિન ક્રમે અહીં પ્રસ્તુત છે.
    (1) ભોંયતળિયા પર રજાઇ કે ગાલીચો પાથરીને તેના પર શવાસનની અવસ્થામાં સૂઇ જાઓ. શ્વાસની સાથે પેટ અંદરબહાર આવે છે અને જાય છે. પેટની આ ગતિને શાંતભાવે જોયા કરો. પેટની આ ગતિ પ્રત્યે માત્ર જાગૃતિ રાખો.

(2) કોઇ પણ સરળ આસન ધારણ કરીને બેસો. શ્વાસની સાથે પેટ અંદર-બહાર આવે છે અને જાય છે. પેટની આ ગતિને શાંતભાવે જોયા કરો. પેટની આ ગતિ પ્રત્યે માત્ર જાગૃતિ રાખો.

(3) કોઇ પણ સરળ આસન ધારણ કરીને બેસો. શ્વાસ અંદર આવે છે અને શ્વાસ બહાર જાય છે. શ્વાસની આ ગતિ પત્યે શાંતભાવે જાગૃતિ રાખો.

(4) કોઇ પણ સરળ આસનમાં બેસો. શ્વાસ પ્રત્યે જાગૃતિ રાખો. શ્વાસ અંદર લેતી વખતે નસકોરાંમાં ઠંડકની સંવેદના અનુભવાશે અને શ્વાસ બહાર કાઢતી વખતે ઉપલા હોઠ પર ઉષ્માની સંવેદના અનુભવાશે. આ સંવેદના પ્રત્યે માત્ર જાગૃતિભાવ ધારણ કરો. જાગૃતિપૂર્વક તેમનો અનુભવ થવા દો.

(5) કોઇ પણ શાંત એકાંત સ્થાનમાં ધીમી ગતિએ ચાલતી વખતે શ્વાસ પ્રત્યે જાગૃતિ રાખો. જાગૃતિપૂર્વક શ્વાસોચ્છ્વાસને જોયા કરો.

(6) કોઇ શાંત એકાંત સ્થાનમાં ધીમે ગતિએ ચાલો. ચાલતી વખતે હાથ અને પગની ગતિને જાગૃતિપૂર્વક જોયા કરો.

(7) કોઇ શાંત એકાંત સ્થાનમાં ધીમી ગતિએ ચાલો. ચાલતી વખતે ભ્રમણ પ્રાણાયામ કરાી. ભ્રમણ-પ્રાણાયામમાં ચાર પગલાં દરમિયાન પૂરક અને આઠ પગલાં દરમિયાન રેચક કરો. હાથ-પગની ગતિ અને શ્વાસોચ્છ્વાસની ગતિ – આ બંને પ્રત્યે એકસાથે જાગૃતિ રાખો. શ્વાસની ગતિ અને હાથ-પગની ગતિ પ્રત્યે શાંતભાવે જાગૃતિ ધારણ કરી રાખો.

(8) કોઇ શાંત સ્થાનમાં સરળ આસન ધારણ કરીને બેસો. અનુકૂળ મંત્રોનો ઉપાંશુજપ કરો. મંત્રના ઉચ્ચારણ પ્રત્યે જાગૃતિભાવ રાખો.

(9) સમુદ્રકિનારે કે વૃક્ષોની ઘટા વચ્ચે બેસી. જે કોઇ પ્રાકૃતિક નાદ આવે છે. તેના પ્રત્યે શાંતભાવે જાગ્રત રહો. સમુદ્રના ગર્જનનો નાદ, પવન દ્વારા વૃક્ષોમાંથી ઉત્પન્ન થતો નાદ, પક્ષીઓના કલવરનો નાદ આદિ જે કોઇ નાદ સંભળાય તેનું શાંતભાવે જાગૃતિપૂર્વક શ્રવણ કરો. નાદ પ્રત્યે જાગૃતિ પ્રધાન છે, તે સ્મરણમાં રાખો.

(10) નદીકિનારે, સમુદ્રીકિનારે, અરણ્ય કે ઉપવન જેવા કોઇ સુંદર સ્થાનમાં બેસો. સુંદર દશ્યનું દર્શન કરો. આ દર્શનની ઘટના પ્રત્યે જાગ્રત રહો. દશ્ય જુઓ અને આ દર્શન થાય છે તે વિશે જાગૃતિભાવ પણ રાખો.
જેમ નાદશ્રવણ પ્રત્યે જાગ્રત થઇ શકાય તેમ દર્શન પ્રત્યે પણ જાગ્રત થઇ શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button