તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે

તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(4) અષ્ટાંગયોગ :
યમની સમાધિ સુધીનો અષ્ટાંગયોગ ક્લેશમુક્તિનો રાજમાર્ગ છે. વસ્તુત: અષ્ટાંગયોગનો હેતુ કૈવલ્યપ્રાપ્તિ જ છે, પરંતુ તેના અભ્યાસથી ક્લેશોમાંથી મુક્તિ પણ મળે જ છે. સમાધિના અભ્યાસથી સાધકને ક્લેશોમાંથી લગભગ મુક્તિ મળે છે, છતાં અવિદ્યાક્લેશોમાંથી આત્યંતિક મુક્તિ તો કૈવલ્યપ્રાપ્તિ દ્વારા જ મળે છે.

અષ્ટાંગયોગનો વિચાર આપણે કર્યો છે તેથી અહીં માત્ર ઉલ્લેખ જ કર્યો છે.

(5) યોગનો ચતુર્વ્યૂહ :
કોઈ પણ ચિકિત્સક રોગનિવારણ માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રમાણે ચાર બાબતોનો વિચાર કરે છે : (શ) રોગનું સ્વરૂપ, (શશ) રોગનું કારણ, (શશશ) રોગનિવારણનું સ્વરૂપ, (શદ) રોગનિવારણનો ઉપાય.
તે જ રીતે ભગવાન પતંજલિ ક્લેશમુક્તિ માટે યોગનો ચતુર્વ્યૂહ આપે છે.

“હજુ સુધી ન આવેલું (ભવિષ્યમાં આવનારું) દુ:ખ ટાળવા યોગ્ય છે.”
“દ્રષ્ટા (પુરુષ) અને દૃશ્ય(પ્રકૃતિ)નો સંયોગ દુ:ખનું કારણ છે.”
“તે સંયોગનું કારણ અવિદ્યા છે.”
“તેના (અવિદ્યાના) અભાવથી સંયોગનો અભાવ થાય છે, તે હાન છે. તે જ કૈવલ્ય છે.”

“કદી વિચલિત ન થાય તેવી વિવેકખ્યાતિ (પુરુષ-પ્રકૃતિ-વિવેક) હાનનો ઉપાય છે.”
આમ યોગના ચતુર્વ્યૂહ પમાણે સર્વ દુ:ખો અને તેમના કારણરૂપ ક્લેશોનું મૂળભૂત કારણ અવિદ્યા છે અને વિવેક તે અવિદ્યાના નિવારણનો ઉપાય છે.

  1. યોગમાં વિઘ્નો અને નિવારણના ઉપાયો :
    ભગવાન પતંજલિ નવ વિઘ્નોને યોગમાં બાધારૂપ ગણાવે છે. આ નવ વિઘ્નો આ પ્રમાણે છે – વ્યાધિ (ધાતુવૈષમ્ય), સ્ત્યાન (અકર્મણ્યતા),સંશય (સાધ્ય અને સાધનપથ વિશે શંકા), પ્રમાદ (સાધન કરવામાં ભૂલ કરવી), આલસ્ય (શારીરિક જડતા), અવિરતિ (વિષયોમાં આસક્તિ), ભ્રાન્તિદર્શન (ભ્રમજન્ય દર્શન), અલબ્ધ ભૂમિકત્વ (આધ્યાત્મિક અવસ્થાની પ્રાપ્તિ ન થવી), અનવસ્થિતિ (પ્રાપ્ત થયેલ આધ્યાત્મિક ભૂમિકામાં ટકી ન રહેવું).
    દુ:ખ, દૌર્મનસ્ય (દુ:ખમાંથી આવતી ઉદાસીનતા), અંગમેજપત્વ (શારીરિક કંપ), શ્વાસ અને પ્રશ્વાસની કઠિનતા – આ પાંચ વિઘ્નો સાથે આવતા અન્ય અંતરાયો છે.

ઉપરોક્ત વિઘ્નોમાંથી મુક્ત થવા માટે ચિત્તનું પ્રસાદન થવું જરૂરી છે. ભગવાન પતંજલિ ચિત્ત-પ્રસાદનના ઉપાયો નીચે પ્રમાણે બતાવે છે :

  1. કોઈપણ એક તત્ત્વનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ.
  2. સુખ, દુ:ખ, પુણ્ય અને પાપ પ્રત્યે અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના રાખવી.
  3. રેચક અને બાહ્ય કુંભકનો અભ્યાસ કરવો.
  4. આંતરજગતમાં કોઈ અનુભવનું પ્રાગટ્ય થવું.
  5. જ્યોતિનું દર્શન થવું.
  6. વીતરાગ પુરુષમાં ચિત્તનું જોડાણ થવું.
  7. સ્વપ્ન કે નિદ્રામાં મળેલ જ્ઞાનનું આલંબન કરવું.
  8. અભિમત તત્ત્વનું ધ્યાન કરવું.
  9. યૌગિક મનોવિજ્ઞાનની વિલક્ષણતા :
    આધુનિક મનોવિજ્ઞાનની તુલનામાં યૌગિક મનોવિજ્ઞાન ઘણું વિલક્ષણ છે – ઘણું ભિન્ન છે. યૌગિક મનોવિજ્ઞાનની પ્રધાન વિલક્ષણતાઓ નીચે પ્રમાણે છે :
    (1) યૌગિક મનોવિજ્ઞાન `ચૈતન્ય’નો સ્પષ્ટ સ્વીકાર કરે છે. ચૈતન્યને જ આત્મા, પુરુષ કે દ્રષ્ટા પણ કહે છે. યૌગિક મનોવિજ્ઞાન માત્ર ચૈતન્યનો સ્વીકાર જ કરે છે એમ નથી, પરંતુ ચૈતન્યને જ વ્યક્તિનું યથાર્થ સ્વરૂપ ગણે છે. શરીર, પ્રાણ, ચિત્ત, આદિ તો ચૈતન્યનાં કારણો છે. ચૈતન્ય જ વ્યક્તિનું યથાર્થ કે કેન્દ્રસ્થ સ્વરૂપ છે. વ્યક્તિના વ્યક્તિત્વનો સારભાગ કે પ્રધાન તત્ત્વ તે ચૈતન્ય જ છે. આ ચૈતન્ય છે તો વ્યક્તિ છે અને તેના વિના વ્યક્તિની વ્યક્તિમત્તા જ શક્ય નથી.

ચૈતન્ય કે આત્મા સચેતન, સજ્ઞાન, શાશ્વત, અસંગ છે. ચૈતન્ય તેના મૂળ સ્વરૂપે દ્રષ્ટા છે અને પ્રકૃતિના સંસર્ગને પરિણામે ભોક્તા ગણાય છે.
આ ચૈતન્ય કે આત્માનો ભોગ અને તેની મુક્તિ તે જ પ્રકૃતિનો હેતુ છે.

(2) યૌગિક મનોવિજ્ઞાન ચિત્ત'-તત્ત્વનો સ્પષ્ટ સ્વીકાર કરે છે. આધુનિક મનોવિજ્ઞાનની કોઈ શાખામાં શરીરથી અતિરિક્ત તેવા મન-તત્ત્વનો સ્વીકાર થયો નથી. યૌગિક મનોવિજ્ઞાન શરીરથી અતિરિક્ત તેવાચિત્ત’-તત્ત્વનો સ્પષ્ટ સ્વીકાર કરે છે. આ ચિત્ત પ્રકૃતિનું જ તત્ત્વ છે. પરંતુ ચૈતન્યના સંપર્કથી ચેતનવંતું બનેલું છે, તેથી ચિત્ત કહેવાય છે. શરીરનો નાશ થાય તો પણ ચિત્ત ટકી રહે છે. ચિત્ત સૂક્ષ્મ શરીરનો ભાગ છે અને જન્મજન્મની યાત્રા દરમિયાન ચિત્ત-તત્ત્વ આત્માની સાથે રહે છે. વ્યક્તિએ કરેલાં કર્મોના સંસ્કારો ચિત્તમાં સંગ્રહિત થાય છે અને ચિત્ત તેને પુનર્જન્મ વખતે સાથે લઈ જાય છે.

(3) સૂક્ષ્મ અને કારણશરીરનો યૌગિક મનોવિજ્ઞાનમાં સ્પષ્ટ સ્વીકાર છે.
પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર – આ ઓગણીસ તત્ત્વો મળીને સૂક્ષ્મ શરીર બને છે. સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે.

પાંચ કોશની દૃષ્ટિએ જોઈએ તો સૂક્ષ્મ શરીરમાં ત્રણ કોશનો સમાવેશ થયેલો છે. – પ્રાણમય કોશ, મનોમય કોશ અને વિજ્ઞાનમય કોશ. આ ત્રણે કોશ મળીને સૂક્ષ્મ શરીર બનેલું છે. પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયો મળીને પ્રાણમય કોશ બનેલો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન મળીને મનોમય કોશ બનેલો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમય કોશ બનેલો છે. વિજ્ઞાનમય કોશના અધિષ્ઠાતા વિજ્ઞાનમય પુરુષને વ્યવહારિક `જીવન’ કહેવામાં આવે છે.

કારણ શરીર અજ્ઞાન સ્વરૂપ છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિનું કારણ, બીજરૂપ અજ્ઞાન સ્વરૂપ કારણ શરીર છે. કારણશરીરને આનંદમય કોશ પણ કહેવામાં આવે છે.

સ્થૂળ શરીરનો નાશ થાય છતાં સૂક્ષ્મ અને કારણ શરીર ટકી રહે છે અને તેઓ આત્માની જન્મજન્માંતરની યાત્રા દરમિયાન તેની સાથે રહે છે. કૈવલ્યપ્રાપ્તિ વખતે અજ્ઞાનરૂપી કારણ શરીરનો નાશ થવાથી સૂક્ષ્મ શરીરનું પણ વિસર્જન થાય છે.

(4) યૌગિક મનોવિજ્ઞાનમાં પ્રાણતત્ત્વને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પ્રાણાયામ કોશ એક કોશ છે,
જે અન્નમય કોશથી સૂક્ષ્મ છે, પરંતુ મનોમય કોશથી સ્થૂળ કે બહિરંગ છે. પ્રાણ વસ્તુત: ચિત્ત અને શરીરને જોડનારી વચલી કડી છે. યોગ – ખાસ કરીને હઠયોગ વિશેષત: પ્રાણમય શરીરની સાધના છે. યોગવિજ્ઞાન પ્રમાણે શરીર અને ચિત્ત બંનેને જીવનશક્તિ પ્રદાન કરનાર તત્ત્વ પાણ છે. તેથી જો પાણમય શરીરમાં પરિવર્તન થાય તો તેને પરિણામે સ્મૂળ શરીર અને ચિત્ત બંનેમાં પરિવર્તન આવે છે, તેથી આર્ષદૃષ્ટા યોગીઓએ વચલી કડીરૂપ પ્રાણને પકડેલ છે. યૌગિક ક્રિયાઓ દ્વારા પ્રાણનું નિયંત્રણ સિદ્ધ કરવામાં આવે છે. પ્રાણજય દ્વારા ચિત્તજય અને પ્રાણજય દ્વારા શરીરજય – આ યૌગિક મનોવિજ્ઞાનના સિદ્ધાંત છે. યૌગિક મનોવિજ્ઞાનને સમજવા માટે પ્રાણતત્ત્વનો પણ અનિવાર્યપણે વિચાર કરવો જોઈએ.

આપણે પ્રાણમય શરીરનાં તત્ત્વોનો વિચાર કર્યો જ છે અને આગળ તેની વિચારણા કરવાના પ્રસંગો આવશે, તેથી અહીં આટલો ઉલ્લેખ પર્યાપ્ત છે.

(5) યૌગિક મનોવિજ્ઞાન મુનર્જન્મ અને કર્મના નિયમનો સ્પષ્ટ સ્વીકાર કરે છે.
વ્યક્તિ જે કાંઈ કર્મ કરે તેનાં ફળ તેને ભોગવવાં જ પડે છે. કર્મને પરિણામે ચિત્ત પર સંસ્કારો પડે છે. પાપ-પુણ્ય, સારાં-નઠારાં સર્વ કર્મો વ્યક્તિની સાથે રહે છે અને પુનર્જન્મ વખતે આ બધાં તત્ત્વો સાથે જાય છે. સ્થૂળ શરીરનો નાશ છતાં આત્મા અજરઅમર છે. સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આત્માની સાથે જન્મજન્માંતર દરમિયાન પણ રહે જ છે. વ્યક્તિની જીવનપદ્ધતિ પર તેના ગત જન્મોના સંસ્કારો અને કર્મોની અસર પણ હોય જ છે.

યૌગિક મનોવિજ્ઞાન માનવવર્તન અને તેની જીવનપદ્ધતિને સમજવા માટે તેનાં જન્મજન્માંતરનાં કર્મો અને સંસ્કારોને પણ દૃષ્ટિ સમક્ષ રાખે છે. આધુનિક મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને અને તેના ચિત્તની સમસ્યાઓને સમજવા માટે તેના જન્મ સુધીની ઘટનાઓને ધ્યાનમાં રાખે છે, પરંતુ યૌગિક મનોવિજ્ઞાન તેથી પણ પાછળ જાય છે અને વ્યક્તિની જન્મજન્માંતરની યાત્રાને, તેના ગત જન્મોનાં સંસ્કારોને અને કર્મોને પણ દૃષ્ટિ સમક્ષ રાખે છે.

(6) યૌગિક મનોવિજ્ઞાન જીવનના એક ઊંડા દર્શન પર આધારિત મનોવિજ્ઞાન છે અને તે જ તેના સાફલ્યનું રહસ્ય છે. કોઈ પણ મનોવિજ્ઞાન જો સદ્દર્શનના નક્કર પાયા પર પ્રતિષ્ઠિત ન હોય તો તે માનવજીવનની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન આપવામાં નિષ્ફળ જાય છે. આધુનિક મનોવિજ્ઞાન પાસે જીવનવિષયક આવું કોઈ નક્કર દર્શન નથી અને છે તે પણ ઝાંખું ભૌતિકવાદી દર્શન છે. આમ હોવાથી આટલા પ્રચંડ પુરુષાર્થ છતાં જીવનની મૂળભૂત સમસ્યાઓનું કાયમી અને યથાર્થ સમાધાન આપવાની દિશામાં મનોવિજ્ઞાન મૂલ્યવાન પ્રગતિ કરી શક્યું નથી. યૌગિક મનોવિજ્ઞાન પાસે જીવનનું નક્કર દર્શન છે અને તેથી તેની પાસે જીવનની મૂળભૂત સમસ્યાઓનું નક્કર સમાધાન છે.

(7) યૌગિક મનોવિજ્ઞાન અધ્યાત્મપથનું મનોવિજ્ઞાન છે. અધ્યાત્મવિદ્યા એટલે જીવનની કેન્દ્રસ્થ વિદ્યા. તેથી યૌગિક મનોવિજ્ઞાન જીવનની મૂળભૂત સમસ્યા અને તેના યથાર્થ સમાધાનનો વિચાર કરે છે. આધ્યાત્મવિદ્યા જીવનની વિદ્યા છે, તેથી યૌગિક મનોવિજ્ઞાન જીવનનિષ્ઠ મનોવિજ્ઞાન છે – જીવનનું મનોવિજ્ઞાન છે. આધુનિક મનોવિજ્ઞાન પણ જીવનનું જ મનોવિજ્ઞાન છે, પરંતુ જીવનની મૂળભૂત સમસ્યા સાથે તેનું અનુસંધાન રહ્યું નહીં. યૌગિક અધ્યાત્મવિદ્યા અને યૌગિક મનોવિજ્ઞાન તે આપે છે, જેને પામ્યા પછી અન્ય કંઈ પામવાપણું બાકી રહેતું નથી.

(8) યૌગિક મનોવિજ્ઞાનનો વિકાસ સ્વતંત્ર શાસ્ત્રરૂપે થયો નથી, પરંતુ યોગસાધનપથની સાથે સમરસ થઈને થયો છે. યોગવિદ્યા એક સુવ્યવસ્થિત સાધનપથ છે. આ સાધનપથનું મનોવિજ્ઞાન તે જ યૌગિક મનોવિજ્ઞાન. આમ હોવાથી યૌગિક મનોવિજ્ઞાન માત્ર સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન જ નથી, પરંતુ વ્યવહારિક મનોવિજ્ઞાન પણ છે. જીવનની નાનીનાની સમસ્યાઓની વિચારણા યૌગિક મનોવિજ્ઞાનમાં નથી. દા. ત. જાહેરખબર કેવી રીતે કરવી તેનો વિચાર યૌગિક મનોવિજ્ઞાન કરતું નથી, પરંતુ બધી સમસ્યાઓની જે કેન્દ્રસ્થ સમસ્યા છે, તેનો વ્યવહારિક ઉકેલ શો છે, તેનો વિચાર યૌગિક મનોવિજ્ઞાન કરે છે અને કેન્દ્રસ્થ સમસ્યાનું નિરાકરણ મળતાં તેમાંથી જન્મેલી અન્ય સમસ્યાઓનો ઉકેલ તો અનાયાસે મળી જ જાય છે.

(9) આધુનિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ પ્રધાનત: પ્રયોગ, નિરીક્ષણ અને આંતરનિરીક્ષણ છે. યૌગિક મનોવિજ્ઞાન આ પદ્ધતિઓનો ઈનકાર નથી કરતું, પરંતુ તે પ્રધાનત: આંતરદૃષ્ટિ અને આર્ષદર્શનમાંથી જન્મ્યું છે અને વિકસ્યું છે. આમ હોવાથી સ્વાભાવિક રીતે જ યૌગિક મનોવિજ્ઞાનમાં ઊંડાણ ઘણું છે.

(10) યોગનાં મૂળ વેદ-ઉપનિષદમાં છે. વેદ-ઉપનિષદ ઋષિઓનું દર્શન છે. આમ હોવાથી યૌગિક મનોવિજ્ઞાન એમ મહાન સ્રોતમાંથી નિષ્પન્ન થાય છે. યૌગિક મનોવિજ્ઞાન વેદ પર આધારિત મનોવિજ્ઞાન છે. યૌગિક મનોવિજ્ઞાનનું આ ગૌરવ છે.

(11) યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે આત્મપ્રાપ્તિ જ જીવનનો હેતુ છે અને આત્મપ્રાપ્તિમાં જ જીવનની કૃતાર્થતા છે. આધુનિક મનોવિજ્ઞાન પાસે જીવનના હેતુવિષયક કોઈ સ્પષ્ટતા નથી. આધુનિક મનોવિજ્ઞાનની દૃષ્ટિ સુખ તરફ છે. આ રીતે જોઈએ તો આધુનિક મનોવિજ્ઞાન સુખવાદી છે. આધુનિક મનોવિજ્ઞાનનું લક્ષ્ય સુખ છે; યૌગિક મનોવિજ્ઞાનનું લક્ષ્ય સુખ નહીં, પરંતુ સત્ય છે. આધુનિક મનોવિજ્ઞાન સુખવાદી છે, યૌગિક મનોવિજ્ઞાન આત્મપરક છે.
(12) જીવનની મૂળભૂત પ્રેરણા કઈ? આધુનિક મનોવિજ્ઞાન પાસે કોઈ સ્પષ્ટ ઉત્તર નથી, અનેક મતમતાંતર છે. મેકડૂગલ ચૌદ વૃત્તિઓને, ફ્રૉઈડ કામને, એડલર આધિપત્યની વૃત્તિને, યુંગ એક બૃહત્‌‍ પ્રેરણાને અને મેસ્લોવ શારીરિક, માનસિક અને આત્માવિષ્કારની વૃત્તિઓને વર્તનનું પ્રેરક બળ ગણે છે.

આ વિશેનું યૌગિક મનોવિજ્ઞાનનું દર્શન બહુ સ્પષ્ટ છે. માનવજીવનની અને માનવવર્તનની મૂળભૂત પ્રેરણા સચ્ચિદાનંદની પ્રાપ્તિની પ્રેરણા જ છે. અન્ય સર્વ પ્રેરણાઓ આ સચ્ચિદાનંદની પ્રાપ્તિની પ્રેરણાનાં જ વિકૃત સ્વરૂપો છે. જીવનની બધી ઈચ્છાઓ, આવેગો અને તેમને પરિણામે ઊભી થતી સમસ્યાઓનું એકમાત્ર યથાર્થ સમાધાન સચ્ચિદાનંદની પાપ્તિમાં જ છે. માનવવર્તનના પ્રેરકબળ વિશે યૌગિક મનોવિજ્ઞાન પાસે આવું સ્પષ્ટ દર્શન છે.

(13) આધુનિક મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે અને યૌગિક મનોવિજ્ઞાન ચેતનાનું મનોવિજ્ઞાન છે. આધુનિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આ રીતે અપાય છે: “મનોવિજ્ઞાન એટલે અવિરતપણે પલટાતા વાતાવરણ સાથે સામંજસ્ય સાધવા પ્રયત્ન કરતી વ્યક્તિના વર્તનનું સ્વરૂપલક્ષી વિજ્ઞાન.”
યૌગિક મનોવિજ્ઞાનમાં પણ વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન થાય છે, પરંતુ વર્તન તો વ્યક્તિના જીવનનો બાહ્ય છેડો છે. વ્યક્તિની સમગ્ર વ્યક્તિમત્તા તેના વર્તનમાં જ સમાઈ જતી નથી. યૌગિક મનોવિજ્ઞાન વ્યક્તિની સમગ્ર વ્યક્તિમત્તાને અને પ્રધાનત: તેની ચેતનાને સમજવા પ્રયત્ન કરે છે, વર્તન જેનું બાહ્ય પરિણામ છે.

(14) આધુનિક મનોવિજ્ઞાન જાગ્રત મન અને તેથી આગળ વધીને અજાગ્રત મનનો અભ્યાસ કરે છે. યૌગિક મનોવિજ્ઞાન જાગ્રત મનનો અભ્યાસ કરે છે. દા. ત. વૃત્તિઓનો અભ્યાસ. યૌગિક મનોવિજ્ઞાન અજાગ્રત મનનો પણ અભ્યાસ કરે છે. દા. ત. ક્લેશો અને સંસ્કારોનો અભ્યાસ, પરંતુ આ બધાથી વિશેષ તો યૌગિક મનોવિજ્ઞાન ચેતનાના ઊર્ધ્વસ્તરો નો અભ્યાસ કરે છે. વસ્તુત: યૌગિક મનોવિજ્ઞાનનું પ્રધાન ક્ષેત્ર જ આ ચેતનાના ઊર્ધ્વસ્તરોનો અભ્યાસ છે. ધ્યાન, સમાધિ, સમાપત્તિ, સમાધિનાં અનેકવિધ સ્વરૂપો, સંયમ, સંયમનો વિનિયોગ આદિ તત્ત્વોનો અભ્યાસ યોગમાં વિશેષત: અને ઊંડાણપૂર્વક થાય છે, જે ચેતનાનો ઊર્ધ્વસ્તરવિષયક અભ્યાસ જ છે.
આધુનિક મનોવિજ્ઞાનને હજુ આ ક્ષેત્રની જાણ પણ નથી.

(15) આધુનિક મનોવિજ્ઞાન વર્તનનો વસ્તુલક્ષી દૃષ્ટિકોણથી વિચાર કરે છે. યૌગિક મનોવિજ્ઞાન માનવીને આત્મલક્ષી દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરે છે. આધુનિક મનોવિજ્ઞાન પોતાની પદ્ધતિમાં આધુનિક વિજ્ઞાનને જ અનુસરે છે. આધુનિક વિજ્ઞાન તો વસ્તુલક્ષી દૃષ્ટિકોણને વરેલું છે. આ જ દૃષ્ટિકોણ આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આવેલો છે, પરંતુ યૌગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને દૃષ્ટિકોણ જ ભિન્ન છે. તે ભારતીય દર્શન અને વિશેષત: સાંખ્યયોગના દર્શનને અનુસરે છે, જે સ્પષ્ટત: આત્મલક્ષી દૃષ્ટિકોણ ધરાવે છે, તેથી યૌગિક મનોવિજ્ઞાન પણ આત્મલક્ષી દૃષ્ટિકોણથી વિચારે છે.

(16) સાંખ્યની સર્ગપ્રક્રિયા પ્રમાણે પુરુષ-પ્રકૃતિના સંપર્કથી સર્ગનો પ્રારંભ થાય છે. સર્ગનો ક્રમ વધુ ચેતનથી ઓછા ચેતન પ્રત્યે આગળ વધે છે અને આખરે આ પ્રક્રિયા પાંચ મહાભૂતો સુધી અર્થાત્‌‍ સ્થૂળ પદાર્થ સુધી પહોંચે છે. યૌગિક મનોવિજ્ઞાન માનવીની બધી ક્રિયાઓ પાછળ ચેતનપુરુષની હાજરી અનિવાર્ય ગણે છે. ચેતનપુરુષના સાંનિધ્ય વિના જડ પ્રકૃતિ કશું ન કરી શકે.

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને સ્વીકારીને આધુનિક મનોવિજ્ઞાનની જેમ આધુનિક મનોવિજ્ઞાન પણ ઉત્ક્રાંતિક્રમમાં કોઈ ચેતનતત્ત્વનો સ્વીકાર કરતું નથી. એટલે મનોમય લાગતી પ્રક્રિયાઓ પણ આખરે તો પદાર્થમાંથી વિકસીને નિષ્પન્ન થાય છે તેવી આધુનિક મનોવિજ્ઞાનની સમજ છે.

બંનેની સર્ગપ્રક્રિયા અને સ્વરૂપ તદ્દન ઊલટાં છે. યૌગિક મનોવિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે સર્ગનો પ્રારંભ ચેતનાના સંપર્ક દ્વારા જ થાય છે અને તેની પછીની પ્રક્રિયા પણ ચેતનાના સતત સાંનિધ્ય દ્વારા જ શક્ય બને છે અને વ્યક્તિના જીવનવિકાસની કૃતાર્થતા પણ આખરે ચેતન(પુરુષ)માં અવસ્થિત થવામાં જ છે.

(17) આધુનિક મનોવિજ્ઞાન શાખા-પ્રશાખામાં વિભક્ત થઈ ગયું છે. તેનો દૃષ્ટિકોણ વિશેષત: વિશ્લેષણાત્મક છે. આમ હોવાને કારણે જીવનને સમગ્રતયા વિચારવાની દૃષ્ટિ લગભગ વીસરાઈ ગઈ છે. યૌગિક મનોવિજ્ઞાન જીવનનો સમગ્રતયા વિચાર કરે છે. યૌગિક મનોવિજ્ઞાન જીવનની મૂળભૂત સમસ્યા – અવિદ્યાને પકડે છે અને તેના નિરાકરણ માટે અષ્ટાંગયોગરૂપી સાધનપથ પણ આપે છે.

(18) યૌગિક મનોવિજ્ઞાનને પોતાનું પરામનોવિજ્ઞાન અને પોતાની ગુહ્યવિદ્યા (જ્ઞભભીહશિંતળ) છે. યૌગિક મનોવિજ્ઞાન પાસે આ બંને ક્ષેત્ર વિશે ઘણું ઊંડું અને વિશદ દર્શન છે. `યોગસૂત્ર’માં એવાં ગહન સત્યો રજૂ થયાં છે, જે શોધવા માટે આધુનિક મનોવિજ્ઞાન હજુ ફાંફાં મારે છે.

(19) આધુનિક મનોવિજ્ઞાનમાં માનસચિકિત્સાનો ઘણો વિકાસ થયો છે. યૌગિક મનોવિજ્ઞાન પાસે પોતાનું કોઈ માનસચિકિત્સાશાસ્ત્ર નથી, પરંતુ યૌગિક મનોવિજ્ઞાન પાસે એવી ઘણી ક્ષમતા છે કે તેના આધારે યૌગિક માનસચિકિત્સા વિકસી શકે તેમ છે. યૌગિક મનોવિજ્ઞાન પાસે યૌગિક માનસચિકિત્સાની ઘણી મૂલ્યવાન ભૂમિકા તૈયાર છે, જેને આધારે યૌગિક માનસચિકિત્સાનું એક ભવન નિર્મિત થઈ શકે તેમ છે. યોગમાં અનેક એવી ક્રિયાઓ પણ છે, તેમનો ઉપયોગ માનસચિકિત્સા માટે પણ થઈ શકે તેમ છે.
યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે, પરંતુ તેને પોતાનું ગહન અને સમૃદ્ધ મનોવિજ્ઞાન પણ છે. તે જ રીતે તે જ પાયાના આધારે યૌગિક માનસચિકિત્સાનો વિકાસ પણ કરી શકાય તેમ છે. યોગ વિશેષત: સામાન્યથી અતિસામાન્ય નો પથ આપે છે, પરંતુ હવે આપણે તેનો ઉપયોગ વિકૃતથી સામાન્ય થવા માટે પણ કરી શકીએ તેમ છીએ.

(20) આધુનિક મનોવિજ્ઞાનની જેમ યૌગિક મનોવિજ્ઞાન પણ માનવ વ્યક્તિત્વના બંધારણનું સ્વરૂપ છે. યૌગિક મનોવિજ્ઞાન વ્યક્તિત્વનું જે બંધારણ દર્શાવે છે તે વ્યક્તિત્વ આત્મકેન્દ્રી વ્યક્તિત્વ છે. આત્માની આજુબાજુ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર છે, અર્થાત્‌‍ પંચકોશ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણતત્ત્વ, જાગ્રત મન, અજાગ્રત મન, ઊર્ધ્વ મન – આ બધાં તત્ત્વો વ્યક્તિત્વના પરિઘમાં છે. વ્યક્તિત્વના કેન્દ્રમાં બેઠું છે મહાચૈતન્ય અર્થાત્‌‍ આત્મા.

  1. ઉપસંહાર :
    આધુનિક મનોવિજ્ઞાન અને યૌગિક મનોવિજ્ઞાનના સ્વરૂપમાં ઘણી ભિન્નતા છે. આમ છતાં બંને વચ્ચે ઉમદા તત્ત્વોનો વિનિમય શક્ય છે, જ્યાં જે સત્ય છે, જ્યાં જે સારું છે તેનો સ્વીકાર કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં જ ડહાપણ છે.

આધુનિક મનોવિજ્ઞાનમાં પણ ઘણું મૂલ્યવાન સંશોધન થયું છે. અજાગ્રત મન, ગ્રંથિઓ, વૈફલ્ય, મનોરોગવિજ્ઞાન માનસચિકિત્સા વિજ્ઞાન, મનોમાપન પદ્ધતિઓ – આ અને આવા અનેક વિષયોમાં આધુનિક મનોવિજ્ઞાને ઘણું મૂલ્યવાન સંશોધન કર્યું છે. યૌગિક મનોવિજ્ઞાન પોતાની સમૃદ્ધિ માટે આધુનિક મનોવિજ્ઞાનનાં આ મૂલ્યવાન તત્ત્વોનો સદુપયોગ જરૂર કરી શકે. યૌગિક માનસચિકિત્સાની સંરચના માટે પણ આપણે આધુનિક મનોવિજ્ઞાનનાં સંશોધનોનો ઉપયોગ અવશ્ય કરશું.

જ્યાં જે શુભ છે, જ્યાં જે સત્ય છે તે અમારું છે, તેને અમે મસ્તક પર ચઢાવીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button