યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
(5) અભિનિવેશ :
“અભિનિવેશ એટલે પ્રાણીમાત્રમાં રહેલી, વિદ્વાનોને પણ બાંધનારી જીવવાની ઈચ્છા”
પ્રત્યેક પ્રાણીમાં જીવવાની તીવ્ર ઈચ્છા હોય છે. મૃત્યુનો ભય વિદ્વાનોને પણ હોય છે. આમ હોવાનું કારણ દેહાધ્યાસ છે. દેહનું હોવું મારું હોવું છે અને દેહનું મૃત્યુ તે મારું મૃત્યુ છે- એવી ધારણા ચિત્તમાં દૃઢપણે બેસી ગઈ છે, તેથી સૌ કોઈ જીવનને લંબાવવા ઈચ્છે છે અને મૃત્યુને ટાળવા ઈચ્છે છે. વૃદ્ધાવસ્થા, રોગ કે અન્ય કારણોસર જીવન દુ:ખદ હોય તો પણ સૌમાં જીવવાની ઈચ્છા તો રહે જ છે.
વિદ્વાનમાં પણ જીવન લંબાવવાની ઈચ્છા હોય જ છે. વિદ્વાનનો અર્થ અહીં જ્ઞાની પુરુષ નથી, પરંતુ પંડિત છે. જ્યાં સુધી આત્મા અને શરીરનું તાદાત્મ્ય હોય છે, ત્યાં સુધી વિદ્વાનમાં પણ ક્લેશો રહે જ છે, કારણ કે ક્લેશોનું મૂળ કારણ અવિદ્યા તો હયાત જ રહે છે.ક્લેશ' શબ્દનો સામાન્ય અર્થ દુ:ખ છે, પરંતુ અહીં ક્લેશનો અર્થ
દુ:ખનું કારણરૂપ તત્ત્વ’ છે. યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે. ભગવાન પતંજલિએ આર્ષદૃષ્ટિથી જીવનનાં બધાં જ દુ:ખોના મૂળમાં આ પાંચ કારણો જોયાં છે અને તેથી તેમને ક્લેશો કહ્યા છે. આ ક્લેશો સર્વ ક્લેશોના પાયામાં રહેલા મૂળભૂત અને કારણરૂપ ક્લેશો છે.
દુ:ખમાંથી આત્યંતિક મુક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે સાધક ક્લેશોમાંથી આત્યંતિક રીતે મુક્ત થાય.
આ પાંચે ક્લેશો એકબીજાથી તદ્દન ભિન્ન નથી, પરંતુ કારણ-કાર્યની શૃંખલાથી જોડાયેલા છે. અવિદ્યા મૂળભૂત કારણ છે. તેમાંથી અસ્મિતા જન્મે છે. અસ્મિતામાંથી રાગ પેદા થાય છે. દ્વેષ તો રાગનું જ બીજું રૂપ છે. આ શૃંખલામાં છેલ્લે આવે છે અભિનિવેશ.
- ક્લેશોની અવસ્થા :
ઉપરોક્ત પાંચ ક્લેશોની ચાર અવસ્થા છે. અવિદ્યા ક્લેશોનું ક્ષેત્ર છે. સર્વ દુ:ખો અને દુ:ખોના મૂળભૂત કારણો અવિદ્યામાંથી ઉત્પન્ન થાય છે. ક્લેશોની ચાર અવસ્થા આ પ્રમાણે છે – પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર.
(1) પ્રસુપ્ત : આ અવસ્થામાં ક્લેશો માત્ર બીજરૂપે હોય છે, પરંતુ કાર્યરત હોતા નથી. દા. ત. બાલ્યાવસ્થામાં ભોગેચ્છા પ્રસુપ્તાવસ્થામાં હોય છે.
(2) તનુ : પ્રતિપક્ષભાવના, ક્રિયાયોગ, અષ્ટાંગયોગ આદિ સાધનોના અભ્યાસથી ક્લેશો જ્યારે શિથિલ થઈ ગયા હોય અને ચિત્તમાં હોવા છતાં પોતાના કાર્યનો પ્રારંભ કરવા જેટલા પ્રબળ ન હોય ત્યારે તે અવસ્થાને ક્લેશોની `તનુ’ અવસ્થા કહેવામાં આવે છે.
(3) વિચ્છિન્ન : જ્યારે કોઈ બલવાન ક્લેશના પ્રાબલ્યને કારણે અન્ય ક્લેશ દબાયેલા રહે ત્યારે તે દબાયેલા ક્લેશની વિચ્છિન્ન અવસ્થા ગણાય છે. દા.ત. તીવ્ર દુ:ખના અનુભવ વખતે કામવાસના દબાઈ જાય છે.
(4) ઉદાર : કોઈ પણ ક્લેશ જ્યારે કાર્યરત બને, અર્થાત્ ક્લેશ વ્યક્તિના વર્તનને પ્રભાવિત કરે, તેને દોરે ત્યારે તે અવસ્થાને ક્લેશની ઉદાર અવસ્થા ગણવામાં આવે છે.
ક્લેશોની આ ચારે અવસ્થા ઉત્તરોત્તર પ્રબળ અવસ્થા છે. ઊલટા ક્રમે જતાં ક્લેશોનું પ્રાબલ્ય ઘટે છે અને અંતે તેમનો નાશ થાય છે. - ક્લેશો અને માનવવર્તન :
ભગવાન બુદ્ધે ચાર આર્ય સત્યો આપતાં કહ્યું છે : દુ:ખનું કારણ ઈચ્છા છે. આ એક સનાતન સત્ય અને સર્વમાન્ય સિદ્ધાંત છે કે દુ:ખનું કારણ ઈચ્છા છે. ભગવાન પતંજલિ પણ એમ જ કહે છે કે દુ:ખનું કારણ રાગ-દ્વેષ છે; પરંતુ તેથી પણ આગળ વધીને તેઓ કહે છે કે રાગ-દ્વેષનું કારણ અસ્મિતા અને તેનું કારણ અવિદ્યા છે. આમ સર્વ દુ:ખોનું મૂળ કારણ અવિદ્યા છે તેમ યૌગિક મનોવિજ્ઞાન કહે છે. યૌગિક મનોવિજ્ઞાન એક મૂલ્યવાન અને પાયાનું દર્શન આપે છે કે બધાં દુ:ખોનું કારણ અવિદ્યા છે અને દુ:ખોમાંથી આત્યંતિક મુક્તિનો ઉપાય અવિદ્યામાંથી મુક્ત થવું તે જ છે.
ભારતીય અધ્યાત્મપરંપરામાં ષડ્રિપુઓનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે. આ ષડ્રિપુઓ છે – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. માનવને દુ:ખ આપનાર આ ષડ્રિપુઓ જ છે. આ જ સત્ય ભગવાન પતંજલિ “પાંચ ક્લેશો”ના દર્શન દ્વારા વધુ સારી રીતે અને વધુ ઊંડાણથી આપે છે. ભગવાન પતંજલિનો અભિગમ મૂલગામી અને મનોવૈજ્ઞાનિક પણ છે.
આધુનિક મનોવિજ્ઞાન પણ વ્યક્તિમાં રહેલી મૂળભૂત પ્રેરણાઓને સમજવા પ્રયત્ન કરે છે. મનોવિજ્ઞાને સમજાવેલ સર્વ પ્રેરણાઓનો ભગવાન પતંજલિ રાગ-દ્વેષમાં સમાવેશ કરે છે અને મનોવિજ્ઞાનથી ઊંડા જઈને અસ્મિતા અને અવિદ્યાને તેમના મૂળ કારણ તરીકે શોધી આપે છે.
“દુ:ખનું મૂળ કારણ અવિદ્યા છે અને અવિદ્યામુક્તિથી દુ:ખમુક્તિ શક્ય છે.” યૌગિક મનોવિજ્ઞાનના આ સિદ્ધાંત સુધી પહોંચતાં આધુનિક મનોવિજ્ઞાનને હજુ સમય લાગશે.
ચિત્તની વૃત્તિઓનું વર્ગીકરણ કરતી વખતે પતંજલિએ વૃત્તિઓના પાંચ વર્ગો આપ્યા છે. અહીં આપેલ આ પાંચ ક્લેશો વૃત્તિઓના કારણસ્વરૂપે રહેલા છે, તેથી ક્લેશો વૃત્તિઓના પાયામાં છે. વૃત્તિઓ તો ચિત્તના તરંગો છે અને ક્લેશો તો ચિત્તમાં ઊંડે સંસ્કારોના રૂપે પડેલા જ છે. ક્લેશોમાંથી મુક્ત થયા વિના વૃત્તિઓમાંથી મુક્ત થઈ શકાય નહીં. - ક્લેશમુક્તિના ઉપાયો :
એક અધ્યાત્મવિદ્યા તરીકે યોગશાસ્ત્રમાં ક્લેશોમાંથી મુક્તિના
ઉપાયો પણ આપવામાં આવ્યા છે.
(1) ક્રિયાયોગ :
ક્લેશોની પ્રબળતા ઓછી કરવા માટે ભગવાન પતંજલિ ક્રિયાયોગનું પરિશીલન સૂચવે છે.
“તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ છે.”
પ્રાણાયામના વિવિધ પ્રકારો, સંયમી જીવનપદ્ધતિ, તિતિક્ષા, સાધનાપરાયણતા આદિ તપ છે.
અધ્યાત્મપથના પ્રમાણભૂત શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, ગાયત્રી, મહામૃત્યુંજય આદિ મહામંત્રોનો જપ આદિ સ્વાધ્યાય છે.
ભગવત્પ્રીત્યર્થે પૂજા, યજ્ઞ, પાઠ, જપ આદિ કર્મો ઈશ્વરપ્રણિધાન છે.
ઈશ્વરપ્રણિધાનથી ક્લેશોનું બળ ઘટે છે અને ચિત્તની સમાધિ માટેની યોગ્યતાનું નિર્માણ થાય છે.
(2) અભ્યાસ-વૈરાગ્ય :
અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તની વૃત્તિઓ અને ચિત્તના ક્લેશોનો નિરોધ થાય છે. ચિત્તને વૃત્તિઓના પ્રવાહ અને ક્લેશોમાંથી પાછું વાળીને સમ-અવસ્થામાં સ્થિર કરવા માટેનો પ્રયત્ન તે અભ્યાસ છે.
અધ્યાત્મ પ્રત્યે એકનિષ્ઠા અને તદ્વિરોધી સાંસારિક આસક્તિઓ પ્રત્યે અનાસક્તભાવ ધારણ કરવો તે વૈરાગ્ય છે.
(3) ઈશ્વરપ્રણિધાન :
ઈશ્વરપ્રણિધાન એટલે પરમાત્મા પ્રત્યે સમર્પણભાવ ધારણ કરવો તે.
ક્રિયાયોગના ભાગરૂપે જે ઈશ્વરપ્રણિધાન છે તે ક્રિયાત્મક છે. અહીં જેનો ઉલ્લેખ છે તે ભાવનાપ્રધાન છે.
ઈશ્વરપ્રણિધાનભાવથી ક્લેશોનું બળ ઘટે છે. - (ક્રમશ:)