તરોતાઝા

યોગ મટાડે મનના રોગ યૌગિક મનોવિજ્ઞાન

તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ

૧.પ્રસ્તાવ : યૌગિક માનચિકિત્સાનાં સ્વરૂપ, સિદ્ધાંતો, પદ્ધતિઓ અને વિનિયોગને સમજવા માટે સૌથી પહેલાં આપણે યૌગિક મનોવિજ્ઞાનને સમજવું જોઈએ. કોઈ પણ માનસચિકિત્સાના પાયામાં, તેના આધારરૂપે તેનું પોતાનું એક વિશિષ્ટ મનોવિજ્ઞાન હોય છે. દૃષ્ટાંતત: ફ્રોઈડ માનસચિકિત્સાપદ્ધતિ તરીકે મનોવિશ્ર્લેષણપદ્ધતિ આપે છે અને આ મનોવિશ્ર્લેષણના પાયામાં તેના આધારરૂપે એક વિશિષ્ટ મનોવિજ્ઞાન પણ આપે છે. ફ્રોઈડની માનસચિકિત્સાપદ્ધતિ કોઈ એક મનોવિજ્ઞાન પર પ્રતિષ્ઠિત છે. આ જ રીતે દરેક માનસચિકિત્સાપદ્ધતિ કોઈ એક મનેવિજ્ઞાન પર પ્રતિષ્ઠિત હોય છે.
યોગ મૂલત: એક અધ્યાત્મવિદ્યા છે. યોગ એક મહામૂલી સાધનપદ્ધતિ છે. યોગ એક દર્શન છે અને સાથેસાથે યોગને પોતાનું વિશિષ્ટ મનોવિજ્ઞાન પણ છે. યોગના આ સમગ્ર સ્વરૂપમાંથી યૌગિક માનસચિકિત્સા વિકસી શકે તેમ છે, તેથી આપણે પ્રારંભે જ યૌગિક મનોવિજ્ઞાન સમજી લઈએ તે આવશ્યક છે. યૌગિક મનોવિજ્ઞાન પણ યોગદર્શન પર પ્રતિષ્ઠિત છે, તેથી સૌથી પહેલાં તો આપણે યોગદર્શનને સંક્ષેપમાં સમજી લઈએ અને પછી તેના પર આધારિત યૌગિક મનોવિજ્ઞાનને સમજીશું.

૨. યોગદર્શન:
સમગ્ર અસ્તિત્વ બે તત્ત્વોનું બનેલું છે: પુરુષ અને પ્રકૃતિ.
પુરુષ ચેતન છે, અને પ્રકૃતિ જડ છે. પુરુષ વિષયી છે, પ્રકૃતિ વિષય છે. પરુષ ગુણાતીત છે, પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. પુરુષ અનેક છતાં એક સ્વરૂપ છે, પ્રકૃતિ એક છતાં અનેકવિધ સ્વરૂપ ધારણ કરે છે. પુરુષ સ્વરૂપત: નિષ્ક્રિય છતાં તેના સાંનિધ્યથી જડ પ્રકૃતિ સક્રિય બને છે.પુરુષ દેશકાલાતીત છે, પ્રકૃતિ દેશકાળમાં છે. પુરુષ ભોક્તા છે, પ્રકૃતિ ભોગ્યા છે. પ્રકૃતિ જ્ઞાનસ્વરૂપ છે, પ્રકૃતિ અવિદ્યાસ્વરૂપિણી છે. પુરુષ જગતથી પર છે, પ્રકૃતિ જગતનું આદિકારણ છે. પુરુષ મુક્ત છે, પ્રકૃતિ બંધનનું કારણ છે.

પુરુષ અને પ્રકૃતિનો સંબંધ રહસ્યપૂર્ણ છે. પ્રકૃતિ જડ છે એટલે પોતાની મેળે કશું કરી શકે નહીં, પુરુષ સ્વયંપૂર્ણ છે એટલે તેના માટે પ્રવૃત્તિ અનાવશ્યક છે, પરંતુ પુરુષના સંપર્કથી જડ પ્રકૃતિમાં ચૈતન્ય સંચરે છે અને જગતનો પસારો શરૂ થાય છે અને પુરુષ મુક્ત હોવા છતાં બંધનમાં પડે છે. આમ બંને દ્વારા પંગુ-અંધ-ન્યાયે પ્રવૃત્તિ ચાલે છે.

અવ્યક્ત પ્રકૃતિ પુરુષના સંપર્કથી એકરૂપિણી છતાં ચોવીસરૂપિણી બને છે. અવ્યક્ત ચિત્ત, અહંકાર, મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત- આમ ચોવીસ તત્ત્વો પ્રકૃતિનાં અને પચીસમો પુરુષ એ રીતે પચીસ તત્ત્વો દ્વારા આ સમગ્ર સૃષ્ટિ સંભવે છે. સૃષ્ટિની રચનાને ‘સર્ગ’ અને તેમાંથી મુક્ત થવાની ઘટનાને ‘અપવર્ગ’ કહેવામાં આવે છે.
પ્રકૃતિનું પ્રથમ સર્જન ચિત્ત છે. પુરુષના સંપર્કથી પ્રકાશિત ચિત્તની વૃત્તિઓ સાથેના તાદાત્મ્યથી પુરુષ બદ્ધ બને છે.
ચિત્ત જ્યારે વૃત્તિમુક્ત હોય ત્યારે પુરુષ પોતાના મૂળ સ્વરૂપે અર્થાત્ દ્રષ્ટા-સ્વરૂપે હોય છે. . દ્રષ્ટા- પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોય છે. જ્યારે ચિત્તમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે ત્યારે પુરુષ પોતાના દ્રષ્ટા-સ્વરૂપમાંથી ચલિત થાય છે, કારણ કે તે વખતે તે વૃત્તિઓ સાથે તાદાત્મ્ય અનુભવે છે આ બીજી અવસ્થામાં તેનું (પુરુષનું) વૃત્તિઓ સાથે સારૂપ્ય હોય છે.

યોગ દ્વારા પરમાવસ્થામાં પહોંચાય છે.
આ મૂળભૂત દર્શનના પાયા પર યૌગિક મનોવિજ્ઞાનનું ભવન પ્રતિષ્ઠિત છે. હવે આપણે યૌગિક મનેવિજ્ઞાનનાં પ્રધાન તત્ત્વો સંક્ષેપમાં સમજીએ.
૩. ચિત્ત:
ચિત્ત પ્રકૃત્તિનો પ્રથમ વિકાર છે. ચિત્ત તત્ત્વત: પ્રકૃતિનો ભાગ હોવાથી સ્વરૂપત: જડ છે, પરંતુ પુરુષથી નિકટતમ હોવાથી સૌથી વધુ પ્રકાશિત થયેલું છે. ચિત્ત એટલ ચેતાયેલુબનેલું. પ્રકૃતિનાં બધાં તત્ત્વોમાં ચિત્ત સૌથી વધુ ચૈતન્યયુક્ત છે.

ચિત્તની વૃત્તિઓ અને વૃત્તિઓ સાથે પુરુષનું તાદાત્મ્ય એ જ પુરુષના બંધનનું કારણ છે અને આ તાદાત્મ્યનું વિસર્જન તે જ મુક્તિનો ઉપાય છે. આમ યોગવિદ્યામાં ચિત્ત અને તેની વૃત્તિઓને બંધન અને મુક્તિમાં કારણભૂત માનવામાં આવે છે, તેથી ‘ચિત્ત’ તત્ત્વ યોગવિદ્યામાં સૌથી વિશેષ નોંધપાત્ર તત્ત્વ છે. પુરુષ રાજા તો ચિત્ત તેનો પ્રધાન છે. આ પ્રધાન દ્વારા અર્થાત્ત ચિત્તરૂપી પ્રધાન દ્વારા પુરુષ કાર્ય કરાવે છે, પોતે બંધાય છે અને મુક્તિ પણ પામે છે.

આધુનિક મનોવિજ્ઞાનમાં ‘મન’ શબ્દ દ્વારા જે સૂચવવામાં આવે છે તેવો જ અર્થ યોગમાં ‘ચિત્ત’ નો નથી. ચિત્ત એક સ્વતંત્ર તત્ત્વ છે. વૃત્તિઓ ન હોય પણ વૃત્તિમુક્ત અવસ્થામાં પણ ચિત્તતત્ત્વ તો હોય જ છે, એટલું જ નહીં, પણ ચિત્ત અંત:કરણનો ભાગ છે તેથી આપણા સ્થૂળ શરીરથી સ્વતંત્ર એવું તેનું અસ્તિત્વ છે. મૃત્યુ પછી પણ અંત:કરણના ભાગરૂપે ચિત્ત અને તેના સંસ્કારો ટકી રહે છે પુનર્જન્મ વખતે પણ તે સાથે જાય છે.

આથી ઊલટું, આધુનિક મનોવિજ્ઞાનમાં આવા સ્વતંત્ર તરીકે ‘મન’ તત્ત્વનો સ્વીકાર હોય તેમ જોવા મળતું નથી.
ચિત્ત સૂક્ષ્મ તરલ દ્રવ્યનું બનેલું એક તત્વ છે અને પંચભૂતાત્મક શરીરની તુલનાએ ઘણું દીર્ઘાયુષ છે.

૪. ચિત્તવૃત્તિ :
ચિત્તના વ્યાપારને ચિત્તવૃત્તિ કહે છે. ચિત્ત સરોવર છે અને વૃત્તિઓ તે સરોવરના તરંગો સમાન છે. ચિત્ત વૃત્તિઓ દ્વારા બાહ્ય જગત સાથે સંપર્કમાં આવે છે.
ચિત્તની વૃત્તિઓ તો અગણિત છે, પરંતુ યૌગિક મનોવિજ્ઞાનમાં તેમને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે.

” વૃત્તિઓ આ પ્રમાણે છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.
હવે આપણે આ પાંચ વૃત્તિઓના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) પ્રમાણ:
” પ્રત્યક્ષ, અનુમાન અને આગમ- આ ત્રણ પ્રમાણો છે
જેનાથી વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય તે વૃત્તિને પ્રમાણ કહે છે. જ્ઞાનપ્રાપ્તિની આ પ્રક્રિયા ત્રણ રીતે બને છે. ચિત્તની વૃત્તિઓ ઈન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનો સીધો સંપર્ક કરીને વસ્તુનું જ્ઞાન મેળવે ત્યારે તે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. દા.ત. આંખ વડે જોઈને વૃક્ષને વૃક્ષરૂપે જાણવું. સીધા સંપર્ક દ્વારા મળેલા (પ્રત્યક્ષ) જ્ઞાનને આધારે, તેનાથી આગળ વધીને બૌદ્ધિક વિચારણા દ્વારા વધુ જ્ઞાન મેળવવામાં આવે ત્યારે તે પ્રમાણને અનુમાન કહે છે. દા.ત. ધુમાડો જોઈને અગ્નિનું અનુમાન કરાય છે. ઉપરોક્ત બંનેમાંથી એકેય જ્ઞાન મેળવવામાં આવે ત્યારે તે આગમ- પ્રમાણ કહેવાય છે. દા.ત. વેદવચન, જ્ઞાની પુરુષના શબ્દો.

(૨) વિપર્યય:
” વસ્તુના સાચા જ્ઞાન પર પ્રતિષ્ઠિત ન હોય તેવા મિથ્યા જ્ઞાનને વિપર્યયવૃત્તિ કહે છે.
ચિત્તની આ વિપર્યવૃત્તિ દ્વારા પણ જ્ઞાન થાય છે, પરંતુ આ જ્ઞાન વસ્તુના યર્થાથ સ્વરૂપને અનુરૂપ નથી, તેનાથી ભિન્ન છે, તેથી મિથ્યા છે. દૃષ્ટાંત: અંધારામાં ઝાડના ઠૂંઠાને માનવ સમજી લેવામાં આવે તો તે વિપર્યય છે. વિપર્યય પણ એક વૃત્તિ છે, કારણ કે તેમાં ચિત્તનો વ્યાપાર તો થાય જ છે. વિપર્યયમાં પણ ચિત્ત પોતાની વૃત્તિ દ્વારા ઈન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ કારણવશાત્ આ જ્ઞાન મિથ્યા રહે છે.

(૩) વિકલ્પ :

“વસ્તુના અભાવમાં માત્ર શબ્દને આધારે ઊભી થતી વૃત્તિને વિકલ્પ કહે છે.
વિકલ્પ એટલે કલ્પના. પ્રમાણ અને વિપર્યમાં જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા બાહ્ય પદાર્થને આધારે બને છે,પરંતુ વિકલ્પવૃત્તિની પ્રક્રિયામાં બાહ્ય પદાર્થનો અભાવ છે. બાહ્ય પદાર્થના અભાવમાં વૃત્તિની કાલ્પનિક પ્રક્રિયા તે વિકલ્પવૃત્તિ છે. વિકલ્પવૃત્તિમાં વસ્તુનો અભાવ છે, છતાં શબ્દના આધાર પર ચિત્તમાં કલ્પના ઊભી કરવામાં આવે છે. દા.ત. સોનાની માછલી, શિંગડાંવાળો પુરુષ.
આમ છતાં એટલું સ્મરણ રાખવું જોઈએ કે આ કલ્પનાના મૂળમાં કોઈક સ્વરૂપનું પ્રમાણજન્ય જ્ઞાન હોય જ છે અને તેને આધારે કલ્પના ઊભી થાય છે. ઉપરોક્ત સોનાની માછલીના દૃષ્ટાંતમાં સોનાની માછલી એક કલ્પના છે, પરંતુ માછલી અને સોનું બંને વસ્તુ અને તજ્જન્ય પ્રમાણિત જ્ઞાન છે. તેને આધારે સોનાની માછલીની કલ્પના ઊભી થાય છે.
(૪) નિદ્રા:
” અભાવના પ્રત્યયનું આલંબન લઈને રહેનારી વૃત્તિને નિદ્રા કહે છે.
નિદ્રાને વૃત્તિરૂપે સમજવાનું કાર્ય મુશ્કેલ પણ આવશ્યક છે.
નિદ્રા પણ એક વૃત્તિ છે અને તે ‘અભાવ’-પ્રત્યયની વૃત્તિ છે. અહીં આપણી સમક્ષ એક પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે શું ‘અભાવ’ નો પણ પ્રત્યય હોઈ શકે? હા, હોઈ શકે. કશાકના ન હોવાનો પ્રત્યય ચિત્તમાં આવી શકે અને આલંબન લઈને વૃત્તિ રહી શકે. આપણે એક દૃષ્ટાંત લઈએ.
પ્રશ્ર્ન: આ કમરામાં કમલ છે?
ઉત્તર: ના, આ કમરામાં કમલ નથી.
અહીં કમરામાં કમલના ન હોવાનું જ્ઞાન તે અભાવ-પ્રત્યય છે અને આ અભાવ-પ્રત્યયને આધારે જ રહેનારી વૃત્તિ પણ છે. અહીં કમલનો અભાવ છે, પરંતુ ચિત્તમાં પ્રત્યયનો અભાવ નથી. બીજા પ્રત્યય નથી, પરંતુ કમલના અભાવના જ્ઞાનનો પ્રત્યય છે જ. આમ કશાકના અભાવનો પ્રત્યય પણ ચિત્તમાં આવી શકે છે, તેમ સિદ્ધ થાય છે.
ઉપરોક્ત દૃષ્ટાંત તો ‘અભાવ’-પ્રત્યયના સ્વરૂપને સમજવા માટે એક સાદું દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંતમાં તો બીજી જ ક્ષણે ચિત્તમાં અનેક પ્રત્યયો આવી શકે છે. ચિત્તમાં જ્યારે અન્ય સર્વ પ્રત્યયોનો સર્વથા અભાવ હોય અને માત્ર અભાવનો પ્રત્યય શેષ રહે ત્યારે તે અભાવના પ્રત્યયને આધારે રહેનારી વૃત્તિને નિદ્રાવૃત્તિ કહેવામાં આવે છે.

યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે ચિત્તની વૃત્તિ મુક્ત અવસ્થાને સમાધિ કે નિરોધાવસ્થા કહેવામાં આવે છે. નિદ્રાવસ્થા તે સમાધિ-અવસ્થા નથી. જો નિદ્રાને વૃત્તિ ન ગણીએ અને વૃત્તિમુક્ત ગણીએ તો સમાધિ અને નિદ્રામાં ભેદ શો રહ્યો? નિદ્રા સમાધિથી તદ્દન ભિન્ન અવસ્થા છે, તેથી તેનો સમાવેશ વૃત્તિયુક્ત અવસ્થામાં જ થશે, પરંતુ નિદ્રા દરમિયાન ચિત્તમાં કોઈ પ્રત્યય તો છે નહીં, તો નિદ્રા દરમિયાન ચિત્તમાં અભાવનો પ્રત્યય હોય છે.

સમાધિ-અવસ્થામાં બાહ્ય જગતનું ભાન નથી, પરંતુ આંતર જગતની પૂર્ણ જાગૃતિ છે. નિદ્રા આંતરિક અને બાહ્ય, બંને રીતે બેભાનાવસ્થા છે. સમાધિ શુદ્ધ સત્ત્વગુણના ઉદ્રેકની કે ત્રિગુણાતીત અવસ્થામાં છે, નિદ્રા તમોગુણની અવસ્થા છે. સમાધિમાં પ્રવેશ વ્યક્તિના જીવનનું આમૂલાગ્ર રૂપાંતર સાધે છે. નિદ્રા દ્વારા આવું કશું થતું નથી. બંને અવસ્થામાં મૂલગામી ભેદ છે. આ ભેદ છે. આ ભેદનું કેન્દ્ર આ છે- સમાધિ એટલે ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા અને નિદ્રા એટલે અભાવ- પ્રત્યયની વૃત્તિ. સમાધિમાં વૃત્તિનો અભાવ છે, નિદ્રામાં અભાવની વૃત્તિ છે.
આ વર્ગીકરણ પ્રમાણે ભિન્નભિન્ન પ્રકારની બેભાનાવસ્થાઓનો સમાવેશ પણ નિદ્રામાં જ થશે, કારણ કે બેભાનાવસ્થામાં પણ અભાવ-પ્રત્યયની વૃત્તિ હોય છે.
યૌગિક મનોવિજ્ઞાનની દૃષ્ટિ કેટલી સૂક્ષ્મ છે અને યૌગિક મનોવિજ્ઞાનમાં કેટલું ઊંડાણ છે, તે સમજવા માટે નિદ્રા અંગેની યૌગિક સમજ એક દૃષ્ટાતરૂપ છે.

(૫) સ્મૃતિ :
“સ્મૃતિ એટલે અનુભવેલા વિષયનું ભૂંસાઈ ન જવું અર્થાત્ ટકી રહેવું.
ભૂતકાળમાં અનુભવેલ ઘટના ભૂંસાયા વિના ચિત્તમાં ટકી રહે અને ફરીથી વ્યાપારરૂપે ચિત્તમાં ઉપસ્થિત થાય ત્યારે તે વૃત્તિને ‘ સ્મૃતિ’ કહે છે. સ્મૃતિના પાયામાં અન્ય કોઈ પણ વૃત્તિ દ્વારા થયેલ અનુભવની છાપ રહેલ હોય છે. એક રીતે જોઈએ તો સ્મૃતિ અન્ય વૃત્તિનું મનોગત પુનરાવર્તન છે. આપણા વ્યવહારિક જીવનમાં સ્મૃતિનો ફાળો ઘણો વિશાળ છે.
સ્વપ્નને અલગ વૃત્તિ ગણાવેલ નથી, કારણ કે તે નિદ્રા અને સ્મૃતિનો સમન્વય છે.

ચિત્તમાં ઉત્પન્ન થતી હજારો વૃત્તિઓને આ રીતે પાંચ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ વર્ગીકરણ કઈ દૃષ્ટિથી કરવામાં આવેલ છે તથા આ વર્ગીકરણ કેટલે અંશે યુક્તિસંગત છે તે સમજવું રસપ્રદ થઈ પડશે.
પ્રથમ પ્રકારની વૃત્તિઓથી ચિત્તમાં વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. આ પ્રમાણવૃત્તિ છે. બીજા પ્રકારની વૃત્તિઓથી ચિત્તમાં વસ્તુનું અયથાર્થ જ્ઞાન થાય છે. આ વિપર્યયવૃત્તિ છે. આ બંને પ્રકારની વૃત્તિઓમાં બાહ્ય વસ્તુ હાજર છે, પરંતુ એકમાં જ્ઞાન યથાર્થ છે અને બીજીમાં જ્ઞાન અયથાર્થ છે અને બીજીમાં જ્ઞાન અયથાર્થ છે.

ત્રીજા પ્રકારની વૃત્તિઓમાં અર્થાત્ વિકલ્પવૃત્તિમાં વસ્તુ વિના પરંતુ સ્મૃતિમાં ભૂતકાળના અનુભવના આધારે ચિત્તનો વ્યાપાર થાય છે, જેને સ્મૃતિ કહે છે. સ્મૃતિમાં વ્યાપાર યથાર્થ હોય છે.
પાંચમાં પ્રકારની વૃત્તિમાં અન્ય પ્રત્યયનો અભાવ હોય છે, પરંતુ અભાવનો પ્રત્યય હોય છે અને તેનું આલંબન લઈને રહેનારી વૃત્તિ હોય છે. આ વૃત્તિ નિદ્રા છે.
આમ સર્વ પ્રકારની વૃત્તિઓનો આ વર્ગીકરણમાં સમાવેશ થાય છે, તેથી વર્ગીકરણ સંપૂર્ણ અને યુક્તિસંગત છે.
યોગનો હેતુ ચિત્તવૃત્તિનિરોધ છે, તેથી વૃત્તિઓનું વર્ગીકરણ પણ આ હેતુને નજર સમક્ષ રાખીને કરવામાં આવેલ છે.

આ બધી વૃત્તિઓ અને અક્લિષ્ટ એમ બેમાંથી એક સ્વરૂપ હોઈ શકે છે. જે વૃત્તિઓથી ચિત્તમાં કલેશ થાય તેને ક્લિષ્ટ અને તેનાથી વિપરીતને અક્લિષ્ટ કહે છે. અહીં ક્લિષ્ટનો અર્થ દુ:ખદ અને અક્લિષ્ટનો અર્થ સુખદ થતો નથી. અહીં ક્લિષ્ટનો એટલે અવિદ્યામૂલક અને રજોગુણ-તમોગુણથી આચ્છાદિત તથા અક્લિષ્ટ એટલે સત્ત્વગુણાચ્છાદિત અને અવિદ્યાક્લેશોની નિવૃત્તિ કરનાર એવો અર્થ છે.
અક્લિષ્ટ વૃત્તિઓ દ્વારા ક્લિષ્ટ વૃત્તિઓનો નિરોધ અને આખરે સર્વ વૃત્તિઓના નિરોધ દ્વારા સમાધિ- અવસ્થામાં જવાનું છે.
૫.ચિત્તની ભૂમિકાઓ :
ચિત્તની પાંચ ભૂમિકાઓ છે. આ પાંચે ભૂમિકાઓ ઉત્તરોત્તર ચડિયાતી અને ઉત્તરોત્તર વધુ વિકસિત સ્વરૂપ ભૂમિકાઓ છે.

(૧) મૂઢાવસ્થા:
આ અવસ્થામાં તમોગુણનો ઉદ્રેક હોય છે અને સત્ત્વગુણ તથા રજોગુણ દબાયેલા રહે છે. આ અવસ્થામાં ચિત્ત વિવેકશૂન્ય રહે છે. આ અવસ્થા કામ, ક્રોધ, લોભ અને મોહની અવસ્થા છે. આ અવસ્થામાં રહેલા પુરુષની પ્રવૃત્તિ અજ્ઞાન, અધર્મ, રાગ અને ક્રોધ અનૈશ્ર્વર્ય તરફ રહે છે.
આપણે એવા ઘણા માણસો જોઈએ છીએ જેમના દેહની આકૃતિ તો માનવની હોય છે, પરંતુ તેમનાં જીવન અને વ્યવહારમાં માનવતા કરતાં પશુતા વધુ હોય છે. આવા કહેવાતા માનવો વિશેષત: ઉદરભરા અને શિશ્ર્નપરા જ હોય છે. તેમના ચિત્તની અવસ્થા મૂઢાવસ્થા ગણાય છે.

(૨)ક્ષિપ્તાવસ્થા
ચિત્તની આ અવસ્થામાં રજોગુણની પ્રધાનતા રહે છે. આ અવસ્થામાં તમોગુણ અને સત્ત્વગુણ દબાયેલા રહે છે. આ અવસ્થામાં ધર્મ-અધર્મ, રાગ-વૈરાગ્ય, જ્ઞાન-અજ્ઞાન, ઐશ્ર્વર્ય-અનૈશ્ર્વર્ય એમ બંને તરફ પ્રવૃત્તિ રહે છે. આ અવસ્થા સાધારણ સાંસારિક અવસ્થા છે.
રજોગુણની પ્રધાનતાને લીધે આ અવસ્થામાં રહેલ વ્યક્તિમાં ચંચળતા,કામના, પ્રવૃત્તિશીલતા, સ્વાર્થપરાયણતા આદિ તત્ત્વો વિશેષ સ્વરૂપે જોવા મળે છે.
આ અવસ્થામાં રહેલ માનવોનાં ચિત્તમાં જીવનના હેતુની કોઈ સ્પષ્ટતા હોતી નથી. રજોગુણના ઉદ્રેકને લીધે તેમના જીવનમાં પ્રવૃત્તિપરાયણતા હોય છે, પરંતુ સત્ત્વગુણજન્ય જ્ઞાનદૃષ્ટિના અભાવમાં તેમની પાસે હેતુની સ્પષ્ટતા હોતી નથી. તેમની પ્રવૃત્તિમાં દિશાહિનતા હોય છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button