કઈ બીમારીઓ પુરુષો કરતાં મહિલાઓને વધુ થાય છે
તંદુરસ્તી-મનદુરસ્તી – મઝીદ અલીમ
તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાની `ઈન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કેન્સર’ નામની એજન્સીએ 115 દેશને આવરી લઈ તાજેતરમાં જ પ્રગટ કરેલા એક સર્વેક્ષણના અહેવાલ મુજબ પુરુષોની સરખામણીએ મહિલાઓને કેન્સરની બીમારી વધુ ઝડપથી સકંજામાં લે છે. ભારતમાં ગયા વરસે કેન્સરના નવા 14,13,316 કેસ નોંધાયા હતા જેમાં 6,91,178 પુરુષ અને 7,22,138 મહિલા દર્દીઓનો સમાવેશ થતો હતો. મોટાભાગની મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર બની હતી. ભારતમાં સ્તન કેન્સર બાદ હોઠ અને મોઢાના કેન્સરના સૌથી વધુ કેસ નોંધાયા હતા.
ગર્ભાશય અને ફેફસાના કેન્સરનું પ્રમાણ ત્યાર પછીના ક્રમે રહ્યું હતું. જોકે કેન્સર જ એકમાત્ર એવી બીમારી નથી જે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ જોવા મળે છે. બીજી એવી અનેક બીમારીઓ છે જે પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે કે પછી મહિલાઓ પુરુષોની સરખામણીએ એ બીમારીની ઝપટમાં વહેલી આવી જાય છે.
આ બધામાં મુખ્ય બીમારી છે એનિમિયા. એનિમિયા એ શરીરમાં લોહી ઘટી જવાની કે લોહી ન બનવાની બીમારી છે. દેશની 56 ટકા કરતાં પણ વધુ મહિલાઓ એનિમિયાની શિકાર છે. આર્થરાઈટિસ, હાઈપરટેન્શન, થાઈરોઈડ અને સ્થૂળતાની બીમારી પણ પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે જોવા મળે છે.
હાઈપરટેન્શન અને આર્થરાઈટિસની દવા પુરુષોની સરખામણીએ દેશની મહિલાઓ વધુ પ્રમાણમાં ખાય છે. ખરેખર તો મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ બીમાર રહેતી હોવાનું એટલે જોવા મળે છે કેમ કે તેમના શરીરમાં અનેક તત્ત્વો પુરુષોની સરખામણીએ ઓછા જોવા મળે છે. જો આર્થરાઈટિસની વાત કરવામાં આવે તો અલગ અલગ તબીબી સંશોધનો દર્શાવે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓને સૂર્યપ્રકાશ ઓછો મળે છે.
એ પણ સાચી વાત છે કે બાળપણમાં મહિલાઓએ પુરુષોની સરખામણીએ દૂધનું સેવન પણ ઓછું કરેલું હોય છે એટલે જ ઘડપણમાં મહિલાઓનાં હાડકાં પુરુષોનાં હાડકાંની સરખામણીએ વધુ નબળા હોય છે. જોકે ખાવાપીવાની તમામ જવાબદારીઓ મહિલાઓનાં જ હાથમાં હોય છે, પરંતુ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં મહિલાઓના ભાગે ડેરી ઉત્પાદનો ઓછાં આવે છે.
આ કારણે પણ આર્થરાઈટિસ જેવી બીમારી મહિલાઓને સરળતાથી શિકાર બનાવે છે.
પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ થતી હોય એવી બીજી પણ બીમારી છે અને એ છે યુરિનરી ટે્રક ઈન્ફેક્શન (યુટીઆઈ). ખરેખર તો મહિલાઓની શારીરિક રચના પુરુષોની સરખામણીએ વધુ જટિલ હોય છે. આ કારણે તેમને ચેપ જલદી લાગે છે. બેક્ટેરિયા અને ફુગ પાચનતંત્રમાંથી પસાર થઈ મૂત્રમાર્ગે બહાર નીકળે છે ત્યારે તે મૂત્રમાર્ગની દીવાલ પર ચોંટી જાય છે. પુરુષોનો મૂત્રમાર્ગ સીધો અને વધુ સરળ હોય છે જ્યારે મહિલાઓનો મૂત્રમાર્ગ વાંકોચૂકો અને વધુ જટિલ હોય છે એટલે તેમને ચેપ વહેલો લાગે છે. મહિલાઓમાં ચેપ કિડની સુધી પહોંચી જાય છે. આ કારણે જ પુરુષોની સરખામણીએ મહિલાઓ યુટીઆઈથી વધુ પરેશાન હોય છે. 10માંથી લગભગ બે મહિલા થાઈરોઈડનો શિકાર હોય છે. વર્તમાનમાં દેશમાં થાઈરોઈડની સારવાર કરાવી રહી હોય એવી 4.2 કરોડ મહિલાઓ છે જે પુરુષોની સરખામણીએ 10થી 12 ટકા વધુ છે. એવી અનેક મહિલાઓ છે જેમણે ચૅકઅપ નથી કરાવ્યું અને બીમારીની દવા પણ તેમની પાસે ઉપલબ્ધ નથી.
અમુક બીમારીઓ પુરુષ કરતાં ખાસ કરીને મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. એ પણ એટલી જ સાચી વાત છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ કુપોષિત હોય છે અને પ્રજનનને કારણે મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ પૌષ્ટિક ખોરાકની જરૂર રહે છે, પરંતુ હકીકતમાં મહિલાઓને પુરુષોની સરખામણીએ ઓછો પૌષ્ટિક ખોરાક ખાવા મળે છે. આ કારણે દેશની પંચાવન ટકા કરતાં પણ વધુ મહિલાઓમાં એનિમિયા કે લોહીનું ઓછું પ્રમાણ જોવા મળે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે મહિલાઓનું આરોગ્ય તેમના પૂરતું સીમિત ન રહેતું હોવાથી તેમ જ જન્મ લેનાર બાળકને પણ મહિલાઓ પાસેથી જ તંદુરસ્ત આરોગ્ય મળતું હોવાને કારણે આપણે તેનાં પર વધુ ધ્યાન આપવું જોઈએ. મહિલાઓનું આરોગ્ય ઓછામાં ઓછાં બે જણ સાથે સીધું સંકળાયેલું હોવા છતાં મહિલાઓ વધુ બીમાર જોવા મળે એ ખરેખર ચિંતાજનક બાબત છે.