દાને સે બનતી હૈ દુનિયા
તંદુરસ્તી-મનદુરસ્તી – મયુર જોશી
ઘણી વાર કદમાં નાના હોય તેની ઉપેક્ષા થતી હોય છે. આ નાની નાની ચીજવસ્તુઓ મોટાંમોટા કામ કરતી હોય છે તે ધ્યાન બહાર રહી જાય છે. તમે રોજ આહારમાં આરોગો છો તેમાં કેટલા નાના નાના દાણા કે બીજ આપણી સરભરા કરે છે. તેનો આપણને ખ્યાલ પણ નથી હોતો. આવો, “ત્વન્નો દેહિ વનસ્પતે” અંતર્ગત વનસ્પતિના આ ખોરાક સ્વરૂપ વિવિધ બિયારણોંના દર્શન કરીએ.
દાળ-ભાત એટલે બહુ સાદો ખોરાક, પણ એ દાળમાં કેટલી ઝીણીઝીણી દાણેદાર સામગ્રી હોય છે તે કોઈ દાળ ખાતા નાના છોકરાને પૂછીએ તો જવાબ પણ ન આપી શકે કે ગૃહિણીને ખબર હોય છે કે તુવેર, અડદ કે મગના દાણા ઉપરાંત તેમાં મીઠું, મરચું આદું, કોકમ, ગોળ, વઘાર માટેનું તેલ, જીરું, હળદર, મેથી, રાઈ, હિંગ, લવિંગ, તજ, તમાલપત્ર અને મીઠો લીમડો કેટકેટલી ચીજો વપરાય છે. કહેવાય દાળ પણ હોય સત્તર મસાલાનો રસાલો હજુ થોડાં વર્ષો પૂર્વે ખાસ કરી ગામડાંમાં શાકનું ચલણ અત્યાર જેટલું વધ્યું ન હતું. ત્યારે દાળ અને રોટલા ખાઈને પણ લોકો ખડતલ અને આરોગ્યપ્રદ જીવન જીવી શકતા હતા. દાળમાં રહેલા ઉપર્યુક્ત મસાલા શરીરને પોષણ ઉપરાંત વિવિધ રોગો સામે રક્ષણ આપી દવાની ગરજ પણ સારે છે. જેમ કે જીરું અજીર્ણ, મંદાગ્નિ, કૃમિરોગ જેવા પેટનાં રોગોમાં ઉપયોગી છે. મેથી વાતવ્યાધિ સામે રક્ષણ કે છે. સંવિવાત, પક્ષાઘાત તથા દંતશૂળમાં રાઈનું તેલ અને તલનું તેલ ઉપયોગી છે. અજમો કફ, વાયુશામક છે, ઉપરાંત તે કૃમિ રોગ, ઉદરશૂળ વગેરેમાં ઉપયોગી છે. હિંગ કફવાતનાશક, કૃમિઘ્ન છે તે ઉદરશૂળ, હૃદયશૂળ દૂર કરનારી છે. લવિંગ અરુચિ, અજીર્ણ, મંદાગ્નિ, દૂર કરે છે. ઉપરાંત માથા તેમજ દાંતના દુખાવામાં લવિંગ તેલ ઉપયોગી છે. તજ અને તમાલપત્ર કફનાશક છે. મંદાગ્નિ આમદોષને દૂર કરે છે. સાથે રક્તવિકાર, ક્ષય,ઉદરશૂળમાં ઉપયોગી છે. ધાણા ત્રિદોષનાશક છે. તે અરુચિ વમન, તૃષારોગને દૂર કરે છે. આ વાનગીનું મુખ્ય ઘટક દાળ ભરપૂર પ્રોટીન આપે છે. ઈંડાની જાહેરાતો દ્વારા એક ગેરસમજ ફેલાવાય છે કે ઈંડામાં સૌથી વધુ પોટીન છે. આ બાબતમાં ફૂડ ન્યૂટ્રિશિયનો કહે છે કે કઠોળ જેવા કે મગ, અડદ, ચણા, તુવેર અને સોયાબીનના દાણામાં ઈંડા કરતાં પણ ઉત્તમ અને સુપાચ્ય પ્રોટીન છે, તો પછી આપણે આટલી બધી વેરાયટી છોડીને ઈંડા પાછળ શા માટે ભાગવું જોઈએ?
રોટલા કે ભાતની વાત કરીએ તો તેમાં પણ ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર ઉપરાંત કોદરા, નાગલી, બંટી જેવા વનસ્પતિના બીજ વાપરીએ છીએ, જે કાર્બોહાઈડે્રટ જેવા પોષક તત્ત્વો શરીરને આપે છે. શરીરને સ્નિગ્ઘતા આપતા મુખ્ય વાયુનાશક તેલોને આપનાર તેલીબિયાં કેમ ભૂલાય? તલ, રાઈ, સીંગદાણા, એરંડાના બીજ, બદામ, સૂર્યમુખીના બીજ જેવા કેટલાય તેલિબિયામાં કુદરતે ખાદ્યતેલ મૂક્યું છે. આ તેલ વાતવ્યાધિથી બચાવે છે. ઉપરાંત તે શરીરને જરૂરી ચરબી આપે છે અને સાંધાના ભાગને સુંવાળ તથા લચકદાર રાખે છે. તેલનું માલિશ ચામડીને જરૂરી પોષક તત્ત્વ આપે છે તેને કોમળ, તેજસ્વી તથા નિરોગી બનાવે છે. માત્ર ભોજન માટે નહિ પરંતુ ખાધેલું પચાવવા પણ વનસ્પતિનો જ ઉપયોગ થાય છે. ક્યારેક વધું પડતું ખવાઈ ગયું હોય કે ગમે તેવું ખવાઈ ગયું હોય. તો તેનું પાચન કરવામાં મુખવાસ મદદ કરે છે. જમ્યા પછી પાન અને મુખવાસ ખાવા એ ભારતની સુંદર અને ઉપયોગી પ્રણાલી છે. વિદેશોમાં ભારે માંસાહારી ભોજન ખાઈ એના પર વધુ કૅલરી ધરાવતો આઈસ્ક્રિમ ખાવાનો રિવાજ છે. આ કારણે ત્યાં ચરબી અને વજન વધવાના કિસ્સા વધુ જોવા મળે છે. પછી શરૂ થાય છે ડાયેટિંગ તેમ જ બોડી સ્લીમ બનાવવાના નવા નવા પ્રયોગ. આજે બદલે ભોજનમાં અંથે છાશ જેવું હલકું એસિડિક તત્ત્વ કે પાચનક્રિયાને સતેજ કરતા પાન કે મુખવાસ લેવા ઉત્તમ છે. આજે મુખવાસ વિશે જોઈએ. કે મુખવાસ એ બીજું કાંઈ નહીં પણ મુખ અને શરીર ને શુદ્ધ રાખતી સ્વાદિષ્ટ કુદરતી દવા જ છે. વરિયાળી મુખશુદ્ધિકર્તા અને પાચક તો છે જ, ઉ5રાંત દૃષ્ટિદૌર્બલ્ય, મસ્તિષ્કદૌર્બલ્ય, હૃદયરોગ, રક્તવિકાર, મૂત્રઘાત, જ્વર, ઉદરશૂળ, કબજિયાત વગેરેમાં ઉપયોગી છે. ધાણાદાળ મુખશુદ્ધિકર્તા અને પાચક છે. ઉ5રાંત પેટના રોગ દૂર કરે છે. પ્રસાદી તરીકે ખવાતી પંજરીમાં તેનો ઉપયોગ થાય છે. સુવા પાચક તો છે, સાથે વાતવ્યાધિ અને ઉદરશૂળમાં પણ ઉપયોગી છે. જીરાગોળી તેની પ્રખ્યાત આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવટ છે. એલચીના દાણા મુખને સુગંધિત તો બનાવે છે સાથે હૃદયને બળ આપનારી છે. તે વમન, ઉદરશૂળ, હરસ, મૂત્રકૃચ્છ વગેરેમાં ઉપયોગી છે. દાડમનું ચૂર્ણ પિત્તાશામક તથા પાચક છે. તે શરીરની દુર્બળતાને દૂર કરે છે. કોળાના બી મગજને બળ આપે છે, અને શરીરને પુષ્ટ બનાવે છે. કેરીની ગોટલી મુખશુદ્ધિકર્તા, પાચક અને વાયુનાશક છે. અજમો દુર્ગંદનાશક, વાયુનાશક અને પાચક છે. ઉપરાંત તે પેટ પરની વધારાની ચરબી દૂર કરવામાં ઉપયોગી છે.
“ત્વન્નો દેહિ વનસ્પતિ” અંતર્ગત વનસ્પતિના વિવિધ પ્રકારોમાં ઊંડા ઊતરીએ ત્યારે ખબર પડે છે કે અનાજ, દાળ, મસાલા, કઠોળ, તેલિબિયાં, મુખવાસ વગેરે દાણા જેવી ચીજો જીવનમાં કેટલી વણાઈ ગઈ છે. વનસ્પતિમાંથી ચરબી, કાર્બોહાઈડે્રટ, પ્રોટીન, વિટામિન્સ, ક્ષાર, ફાઈબર વગેરે દરેક જાતનાં તત્ત્વો મળી રહે છે. માટે જીવનભર સંપૂર્ણ શાકાહારી રહી શકાય એવી કુદરતી વ્યવસ્થા શક્ય છે. પરંતુ માંસાહારી સંપૂર્ણ માંસાહાર પર રહી શકતો નથી. માંસને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવવા તેમ જ શરીરમાં આવશ્યક દરેક તત્ત્વો જાળવવા વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં જેટલી વિપુલ વનસ્પતિઓ ઉત્પન્ન થય છે તેટલી દુનિયામાં ક્યાંય થતી નહીં હોય. એક જમાનામાં જે દેશમાંથી મરી મસાલા દરિયાઈ માર્ગે વિદેશમાં નિકાસ થતાં એ દેશ હવે મટન એક્સપોર્ટ કરવા કત્તલખાના વિકસાવી રહ્યો છે. અન્ય માંસાહારી દેશોમાં પણ વધુ લોકો શાકાશારી તરફ વળી રહ્યા છે અને નગ્ન રહેવાનું પસંદ કરશું પણ ફરનો કોટ (ફર એ એક પ્રકારના પ્રાણીના સુવાળા વાળવાળું ચામડું) કે ચામડાંનાં વસ્ત્રો નહીં પહેરીએ એવી જાહેરાત ત્યાંના લોકો પણ કરે છે. એવા દેશોમાં મૂળે કૃષિપ્રધાન ભારત દેશ મટનની નિકાસ કરીને શું સાબિત કરવા માગે છે એ સમજાતું નથી.