વિશેષ સંભાળ રાખવા જેવા દાંતની વાત
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
મનુષ્ય માટે તો આહાર એ જ જીવન છે. આહારમાંથી જ આપણને શરીરને ટકાવી રાખવા માટેના પોષકતત્ત્વો મળે છે, પરંતુ આહારને સીધે સીધો ગળી શકતો નથી. તેના માટે ભગવાને દાંતની સુંદર રચના કરી આપી છે. આપણે ગ્રહણ કરેલા કોઈ પણ આહારનો પહેલો સંપર્ક દાંતને થાય છે, દાંત ખોરાકને ચાવીને શરીરમાં પાચન માટે તૈયાર કરી આપે છે. આમ શરીરના આરોગ્યમાં દાંતની પ્રથમ જરૂરિયાત અને મહત્તા છે.
ભગવાને આપેલ દાંત ૧૦૦ વર્ષ સુધી સ્વસ્થ રહેવા સક્ષમ છે. પહેલાના જમાનામાં લોકોના દાંત છેલ્લી અવસ્થા સુધી સ્વસ્થ રહેતા હતા, પરંતુ આજે દાંત સંબંધી રોગ પ્રચંડ માત્રામાં વધતા જાય છે. જે દાંતના રોગ પાછલી ઉંમરમાં થતાં હતા, તેવા રોગ આજે નાની ઉંમરમાં જ શરૂ થઈ જાય છે. આજે વિશ્ર્વમાં ૬૦ થી ૯૦% સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો દાંત સંબંધી કોઈને કોઈ રોગથી પીડાતા હોય છે. વિશ્ર્વમાં ૬૫ થી ૭૪ વર્ષની ઉંમરના ૩૦% લોકોને કુદરતી દાંત જ નથી. આનું જો કોઈ કારણ હોય તો તે આપણી બેદરકારી જ છે.
આપણને તેની વ્યવસ્થિત જાળવણી કરતાં આવડતું નથી અથવા તેની જાળવણી કેવી રીતે કરવી તે બાબતથી સાવ અજાણ છીએ. મોટા ભાગે થતાં દાંતના રોગમાં ખરાબ આહારની પસંદગી જ જવાબદાર છે. શું ખાવાથી દાંતને કેવું અને કેટલું નુકસાન પહોંચે છે તે વાતનો ખ્યાલ રાખ્યા વિના આડેધડ શરીરમાં જે તે ઠાલવીએ છીએ. આપણને કદાચ એ ખબર નથી કે દાંતની યોગ્ય જાળવણી ન કરવાથી ડાયાબિટીસ, શ્ર્વસનતંત્ર સંબંધી રોગ, હૃદયરોગ તથા કૅન્સર જેવા ભયંકર રોગ પણ થઈ શકે છે તો શું, આજથી જ આપણા તથા પરિવારજનોના દાંતની જાળવણી માટે જાગૃત થઈશું..
સાવધાની
*અમુક સમયે દાંત સડી જાય પછી જ થોડો-થોડો દુ:ખાવો શરૂ થાય છે માટે દાંતમાં કાળો ડાઘ દેખાય તો તરત જ ચિકિત્સકની સલાહ લેવી, પરંતુ દુ:ખાવો થાય તેની રાહ જોવી નહીં.
*જેના દાંત વાંકાં-ચૂકાં હોય તે લોકોના દાંતની આજુબાજુમાં ખોરાકના કણ રહી જવાની શક્યતા વધુ હોવાથી સડો થઈ શકે છે માટે એમણે દાંતની સફાઈ કરવામાં ખાસ સાવધાની રાખવી.
*દાંતને ખોતરવા માટે સળી કે તીક્ષ્ણ અન્ય પદાર્થો વાપરવાની ટેવ સારી નથી. તે દાંતની વચ્ચે ખોટી જગ્યા વધારે છે. પેઢાને ઈજા કરી રસી કરી શકે છે.
*મોઢાની બંને બાજુ અનાજ ચવાય તે રીતે જમવું.
*આ પદાર્થોના સેવનથી દાંતના રોગ થવાની સંભાવના વધી જાય છે.
૧. સિગારેટ, તમાકુ, ગુટખા અને દારૂના વ્યસનથી.
૨. વધુ ગળ્યા પદાર્થો જમવાથી દાંતને જેટલું નુકસાન થાય છે તેટલું અન્ય કોઈ પદાર્થોથી થાતું નથી માટે ગળ્યા પદાર્થો જમ્યા પછી તરત જ વ્યવસ્થિત કોગળા કરી મોં સાફ કરવું અને શક્ય હોય તો બ્રશ કરી લેવું.
૩. ચા, કૉફી, સોડા વગેરે નશીલા પદાર્થોના સેવનથી.
૪. વારંવાર બરફ ચગળવાથી દાંતની સંવેદનશીલતા વધતી હોવાથી ઠંડા કે ગળ્યા પદાર્થો જમતી વખતે પણ દાંત કળી શકે છે.
બ્રશ કે દાતણ-કયું શ્રેષ્ઠ?
*દાતણમાં અનેક જંતુનાશક રસાયણો હોય છે, જે દાંત અને પેઢાઓનું આયુષ્ય ખૂબ જ વધારે છે. ગઢપણમાં પણ દાંતને મજબૂત રાખે છે અને દાંતના અનેક રોગથી બચાવે છે.
- દાતણ એવી રીતે કરવું કે દાંતના પેઢાને ઈજા ન પહોંચે.
*દાતણ હંમેશાં તાજુ અને રસવાળું હોવું જોઈએ.
*બાવળ, લીમડો અને કરંજનું દાતણ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
*ત્રણ પ્રકારના રસવાળા દાતણ અલગ-અલગ રોગમાં વપરાય છે.
કરંજનું દાતણ તીખા રસવાળું હોવાથી અરુચિ દૂર કરે છે.
લીમડાનું દાતણ કડવા રસવાળું હોવાથી મોઢામાં જામેલો કફ દૂર કરે છે.
બાવળનું દાતણ તૂરા રસવાળું હોવાથી મોઢાને સાફ કરે છે.
*શક્ય હોય તો રોજ બ્રશની જગ્યાએ દાતણ કરવું. જો દાતણ કરવાની વ્યવસ્થા ન હોય તો દિવસમાં બે વાર બ્રશ અવશ્ય કરવું.
બ્રશ કરવાની સાચી રીત
*ટૂથપેસ્ટ વધુમાં વધુ એક વટાણાના દાણા જેટલી લેવી. વધારે ટૂથપેસ્ટ કાંઈ કામમાં આવતી નથી અને તેનો ખોટો બગાડ થાય છે. સ્પીડમાં, ખૂબ ભાર દઈને તથા એક જગ્યાએ વધુ વાર બ્રશ ક્યારેય ન કરવું.
દર ત્રણ મહિને નવું બ્રશ વાપરવું
હંમેશાં ઊભું બ્રશ કરવું. બ્રશની શરૂઆત દાંતના પેઢાવાળા ભાગથી ચાવવાની સપાટી તરફ કરવી. બ્રશ બધી જગ્યાએ પહોંચવું જોઈએ.
બ્રશ કરવાની સાચી રીત આ મુજબ છે: