સિસ્ટમેટિક – અનસિસ્ટમેટિક જોખમ એટલે શું?
‘આપણે ઇતિહાસમાંથી એટલું જ શીખીએ છીએ કે આપણે ઇતિહાસમાંથી કંઈ જ શીખતા નથી.’

ગૌરવ મશરૂવાળા
– બેન્જામિન ડિઝરાયેલી
બાળક ચાલતાં શીખે ત્યારે હંમેશાં પડતું-આખડતું હોય છે. ગુલાબની સાથે કાંટા પણ હોય જ અને ડૉક્ટર દરદીને સાજો કરવા માટે ઓપરેશન કરે ત્યારે થોડું લોહી પણ વહી જતું હોય છે. અમુક વાત પરસ્પર વણાયેલી હોય છે. એકને બીજીથી છૂટી કરવાનું શક્ય નથી હોતું. આ જ રીતે ફુગાવો, કરવેરા, સરકારી નીતિઓ, ભૂ-રાજકીય સ્થિતિઓ અને આર્થિક ચક્રોની અસર રોકાણ પર થતી હોય છે.
આ જોખમો તંત્ર (સિસ્ટમ)માં પહેલેથી મોજૂદ હોય છે. તેમને ટાળી શકાતાં નથી. તમે ઈક્વિટીમાં રોકાણ કરો, બોન્ડમાં કરો કે પછી રિયલ એસ્ટેટમાં કરો.. ફુગાવાને કારણે તેના વળતરનો વાસ્તવિક દર ઘટી જતો હોય છે.
આ જ રીતે, વળતર જ્યારે રોકાણકારના હાથમાં આવે ત્યારે કરવેરાને કારણે તેમાં ઘટાડો થઈ જાય છે. સ્થાનિક ચલણનું અવમૂલ્યન કરવામાં આવે ત્યારે તે દેશના દરેક પ્રકારનાં રોકાણ પર અસર થતી હોય છે. તંત્રમાં પહેલેથી જ રહેલા એટલે કે અંતર્ભૂત જોખમો ‘સિસ્ટમેટિક રિસ્ક’ કહેવાય છે.
આવાં જોખમને લઈને તમે કંઈ જ કરી શકો નહીં. જોકે, ટાઇમ એવરેજિંગ (જેને સામાન્ય રીતે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે)ની પદ્ધતિ દ્વારા સિસ્ટમેટિક રિસ્કની અસરને ઓછી કરી શકાય છે. નિશ્ર્ચિત સમયાંતરે નિશ્ર્ચિત રકમનું રોકાણ કરવાથી જોખમની અસરને એટલા સમયગાળામાં વિભાજિત કરી શકાય છે. ભાવ ઓછા હોય ત્યારે વધારે યુનિટ અને ભાવ વધારે હોય ત્યારે ઓછાં યુનિટની ખરીદી કરવામાં આવતી હોવાથી લાંબા ગાળે મળતો સરેરાશ ભાવ એકંદરે રોકાણકારના લાભમાં હોય છે. અહીં એ પણ જણાવવું રહ્યું કે ટાઇમ એવરેજિંગની પદ્ધતિથી કરાતું રોકાણ ડેટ, ઈક્વિટી કે પ્રોપર્ટી, કોઈ પણ ઍસેટ ક્લાસમાં હોઈ શકે છે.
બીજી એક પદ્ધતિ ટાઇમ એવરેજિંગ કરતાં ચડિયાતી છે. તેનું નામ છે ‘વેલ્યુ એવરેજિંગ’. જોકે, વેલ્યુ એવરેજિંગની પદ્ધતિ થોડી જટિલ હોવાથી સામાન્ય સંજોગોમાં ઘણા ઓછા લોકો તેની ભલામણ કરે છે. બૅન્કની રિકરિંગ ડિપોઝિટ પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનું જ ઉદાહરણ છે.
જોખમનો બીજો પ્રકાર એટલે અનસિસ્ટમેટિક રિસ્ક. સર્વસામાન્યપણે સમગ્ર તંત્રમાં નહીં, પરંતુ અમુક ઍસેટ ક્લાસમાં કે પછી રોકાણની કોઈ એક પ્રકારની પ્રોડક્ટમાં રહેલા જોખમને ‘અનસિસ્ટમેટિક રિસ્ક’ કહે છે. દાખલા તરીકે, અરબી સમુદ્રની નજીક કોઈ પણ રિયલ એસ્ટેટ ઊભી કરવા પર અદાલતે મૂકેલા પ્રતિબંધને લીધે મુંબઈમાં પ્રોપર્ટીના ભાવ તૂટે એ જોખમને ‘અનસિસ્ટમેટિક રિસ્ક’ કહી શકાય. અદાલતના આદેશને લીધે મુંબઈમાં ફક્ત પ્રોપર્ટીના ભાવ પર અસર થશે, અન્ય ઍસેટ ક્લાસ પર નહીં. વળી, આ અસર દરિયાકિનારે ન હોય એવાં શહેરોની પ્રોપર્ટી પર પણ નહીં થાય. આ જ રીતે, જો કોઈ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાજીનામું આપી દે અને એને લીધે એ કંપનીના સ્ટોકના ભાવ ઘટવાનું જોખમ ઊભું થાય તેને પણ અનસિસ્ટમેટિક રિસ્ક કહેવાય. સરકારે લાદેલાં નિયંત્રણોને લીધે સોનાના ભાવ ઘટે એ પણ આવું જ જોખમ છે.
અનસિસ્ટમેટિક રિસ્કને કાબૂમાં રાખવા માટે ડાઇવર્સિફિકેશન (વૈવિધ્યીકરણ) શ્રેષ્ઠ ઉપાય છે. દરેક રોકાણકાર માટે ડાઇવર્સિફિકેશનનો સૂચિતાર્થ અલગ હોય છે. અમુક લોકો અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સની એકસમાન સ્કીમમાં રોકાણ કરીને પોતે ડાઇવર્સિફિકેશન કર્યું હોવાનું માનતા હોય છે.
બીજી બાજુ અમુક લોકો એક જ ઉદ્યોગની અલગ અલગ કંપનીઓમાં કરેલાં રોકાણને ડાઇવર્સિફિકેશન માની લેતા હોય છે, જેમ કે એમના પોર્ટફોલિયોમાં હિન્દુસ્તાન યુનિલિવર, મારિકો ઇન્ડસ્ટ્રીઝ, જિલેટ ઇન્ડિયા અને પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલના શેર જોવા મળે. આપણે બારીકાઈથી જોઈએ તો આ બધી જ કંપની ફાસ્ટ મૂવિંગ ક્ધઝ્યુમર ગુડ્સની છે. બીજા એવા પણ લોકો હોય છે, જે એક જ પ્રકારની ઍસેટમાં અલગ અલગ સાધન દ્વારા રોકાણ કરતા હોય. દાખલા તરીકે, એ ઈક્વિટીમાં જ રોકાણ કરતી હોય એવી અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરતા હોય.
ડાઇવર્સિફિકેશન એટલે પરસ્પર વ્યસ્ત સંબંધ ધરાવતા ઍસેટ ક્લાસમાં કરાયેલું રોકાણ. સામાન્ય ભાષામાં કહીએ તો એક ઍસેટના ભાવ વધી રહ્યા હોય ત્યારે બીજીના ભાવ ઘટતા હોય એવા પ્રકારની ઍસેટમાં કરાયેલું રોકાણ એટલે ડાઇવર્સિફિકેશન. આવા પોર્ટફોલિયોમાં વળતર સ્થિરપણે મળતું રહે છે.કોઈ પણ રોકાણ સંપૂર્ણપણે જોખમમુક્ત હોતું નથી. જોખમ વગરનું વળતર હોય જ નહીં. આમ છતાં, જોખમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી લેવાથી ઓછા જોખમે વધારે વળતર મેળવવાનું શક્ય બને છે.