ફોકસ ઃ રતાળા લાવશે ચહેરા પર નિખાર…
ફ્રૂટ્સ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. એમાં પણ રતાળાથી ચહેરો ખીલી જશે એ જાણીને તો નક્કી આશ્ર્ચર્ય લાગશે. હા રતાળા ચહેરા પર નિખાર લાવશે. આ સુપરફૂડ અંદર અને બહારથી ચહેરાને સુંદર બનાવશે. જો તમે ચહેરાને કેમિકલવાળા પ્રોડક્ટ્સને બદલે કુદરતી નીખારવા માગો છો તો રતાળા એનો બેસ્ટ પર્યાય છે. આજે આપણે વાત કરીશું કે રતાળાની ચહેરા પર શું અસર થાય છે.
રતાળા વિટામિન અને એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે ચહેરા પર ગ્લો લાવી દેશે. તમારો ચહેરો ડ્રાય હોય કે પછી ચહેરા પર રેશીઝ હોય તો રતાળાને પોતાના આહારમાં સામેલ કરો.
રતાળામાં વિટામિન સી પણ હોય છે, જે કોલેજન ઉત્પાદન માટે એક અગત્યનું પોષક તત્ત્વ છે. કોલેજન એ પ્રોટીન છે જે સ્કીનને દ્રઢ, શાઇનિંગ અને ટાઇટ બનાવે છે. ૨૦૨૧ની સ્ટડી પ્રમાણે વીસથી સીત્તેરની ઉંમરના ૧૧૨૫ પ્રતિભાગીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. એમાં ૯૫ ટકા મહિલાઓ સામેલ હતી. એ સ્ટડીમાં જાણવા મળ્યું કે હાઇડ્રોલાઇઝ્ડ કોલેજને સ્કીનને નિખારવામાં અને કરચલીઓને ઘટાડવામાં મદદ કરી હતી. રતાળાના નિયમીત સેવનથી ચહેરાને ઘણો ફાયદો થાય છે.
રતાળામાં નારંગી રંગ બીટા-કેરોટીનથી આવે છે, જે એક શક્તિશાળી એન્ટીઑક્સિડેન્ટ છે. શરીરમાં જતાં જ એ વિટામિન એમાં બદલાઈ જાય છે. ત્વચાને સુધારવા અને પુનર્જીવિત કરવા માટે વિટામિન એ ખૂબ જરૂરી છે. બીટા-કેરોટીન ચહેરાને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરે છે. એનાથી સનબર્ન અને લાંબા ગાળા સુધી ચહેરાને થનારા નુકસાનનું જોખમ ઘટી જાય છે. રતાળા સૂર્યનાં કિરણોથી ત્વચાને બચાવે છે. રતાળામાં રહેલા બીટા-કેરોટીન અને વિટામિન એનું ઉચ્ચ સ્તર ચહેરાના રંગને એકસમાન બનાવી રાખવામાં મદદ કરે છે. ચહેરા પરના કાળા દાગ અને અસમાન રંગને ઘટાડવામાં મદદ કરે છે.
રતાળામાં પાણીની માત્રા વધુ હોય છે, જે તમારી સ્કીનને હાઇડ્રેટ રાખે છે. સાથે જ પોટેશિયમ ભરપૂર હોવાથી ચહેરાને કોમળ અને સ્વસ્થ બનાવી રાખે છે. રતાળાને કારણે ચહેરો હાઇડ્રેટ હોવાથી સ્કીન ગ્લો કરવાની સાથે ચમક વધારે છે. આવી રીતે રતાળાને કારણે ચહેરો સ્વસ્થ અને ચમકદાર બને છે.
રતાળા ખાવાના અન્ય ગુણકારી લાભ
*આંખોને તંદુરસ્ત રાખવા માટે રતાળા ખાવા ખૂબ જરૂરી છે. એમાં વિટામિન એ અને બીટા-કેરોટીન હોવાથી આંખોનું તેજ વધારે છે.
*બ્લડ સુગરનું લેવેલ જાળવી રાખવામાં મદદ મળે છે. રતાળામાં રહેલો ગ્લુકોઝ ધીમે-ધીમે શરીરમાં રિલીઝ થાય છે. એને કારણે ડાયાબિટીઝનો સામનો કરી રહેલા લોકો માટે રતાળા ફાયદાકારક છે.
*રતાળા બેડ કોલેસ્ટ્રોલને કાબૂમાં કરવામાં મદદ કરે છે. એને કારણે હૃદય સ્વસ્થ રહે છે.
*રતાળામાં રહેલા બીટા-કેરોટીનને કારણે કૅન્સરનું જોખમ ઘટી જાય છે.
*રતાળા પાચનશક્તિ વધારે છે અને એસિડિટી ઘટાડે છે.
*રતાળામાં રહેલા વિટામિન સીને કારણે વાઇટ બ્લડ સેલ્સ વધારવામાં મદદ મળે છે.
*રતાળામાં કાર્બોહાઇડ્રેટ વધારે હોવાથી શરીરમાં ઊર્જા વધી જાય છે.