તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

સ્વાસ્થ્ય સુધા : નવરાત્રિમાં શક્કરિયાં જરૂરથી ખાજો… આયુષ્ય વધશે

-શ્રીલેખા યાજ્ઞિક

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. પાવન પર્વની ઊજવણીમાં ભક્તો માના પૂજન-અર્ચનમાં ભક્તિમય બની જાય છે. ભક્તો આ દિવસોમાં ઉપવાસ, ફરાળ કે એકટંક ભોજન કરવાનું પસંદ કરે છે. વળી કેટલાંક ભક્તો ફક્ત ફળ કે કંદમૂળ ખાઈને મા ના વિવિધ સ્વરૂપની આરાધનામાં મગ્ન બનતાં હોય છે. કુદરતી મીઠાશ ધરાવતાં શક્કરિયાં એક એવું કંદમૂળ છે, જેનો ઉપયોગ ફરાળમાં સરળતાથી કરી શકાય છે. શક્કરિયાં સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. શક્કરિયાંનું સેવન ર્ક્યા બાદ લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાલમાં તો સ્વાસ્થ્ય પ્રત્યે ઉત્સાહી યુવાવર્ગ તેમજ ઈન્સ્ટાગ્રામ ઉપર ઝટપટ નુસખાં બતાવતાં નિષ્ણાત આહારતજજ્ઞ શક્કરિયાંની પૌષ્ટિક્તા વિશે વારંવાર વાતો કરતાં જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, મેંગેનીઝ જેવા અનેક વિટામિન સમાયેલાં હોય છે. કૅન્સર વિરોધી ગુણને કારણે શક્કરિયા હાલમાં અત્યંત પ્રચલિત બન્યાં છે. શક્કરિયાં એક મીઠાશ ધરાવતું કંદમૂળ છે. વૈજ્ઞાનિક રૂપથી તે ઈપોમિયા બટાટા તરીકે ઓળખાય છે. વિવિધતાની વાત કરીએ તો ૧૦૦ અલગ-અલગ પ્રકારના શક્કરીયાંની ખેતી કરવામાં આવે છે. કેટલાંક સફેદ દૂધ જેવા, લાલ, ભૂખરા, પીળાશ પડતાં, રીંગણના રંગના આછા જાંબલી જોવા મળે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતાં શક્કરિયાં ‘કોવિંગટન’ છે. જેની છાલ ગુલાબી તથા માવો આછો ચમકદાર નારંગી રંગનો જોવા મળે છે.

શક્કરિયાંને બાફીને ખાઈ શકાય, શેકીને ખાઈ શકાય, બૅક કરીને ખાઈ શકાય, તળીને ખાઈ શકાય, ફરાળી શાક બનાવીને ખાઈ શકાય કે શક્કરિયાંને અન્ય શાકભાજીમાં ભેળવીને ખાઈ શકાય છે.

શકકરિયાંના ફાયદા
લાંબું જીવન: તંદુરસ્ત તથા લાંબું જીવન જીવવાની પ્રત્યેક વ્યક્તિને ચાહ હોય છે. શક્કરિયાંનો આહારમાં ઉપયોગ નિયમિત પ્રમાણભાન રાખીને કરવાથી આપ દીર્ઘાયુષ્ય મેળવી શકશો. શક્કરિયાંમાં બીટા-કેરોટીનની માત્રા ભરપૂર સમાયેલી છે. વળી અનેક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે બીટા-કેરોટીનથી ભરપૂર શક્કરિયાંનું સેવન કરવું જોઈએ. જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો ખતરો ઘટવા લાગે છે. જેને કારણે વ્યક્તિ લાંબું આયુષ્ય મેળવે છે. ઍન્ટિ-ઓક્સિડન્ટના લાભ શરીરને પૂર્ણ પણે મળે છે. તે માટે શક્કરિયાંને તળવા કે વઘારવાને બદલે તેને બાફીને કે શેકીને ખાવા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

પેટના સ્વાસ્થ્ય માટે લાભકારક: શક્કરીયાં ફાઈબર તથા ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે. શક્કરિયાંમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. જે પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વૈદ્યકીય નિષ્ણાતનું માનવું છે કે ફાઈબર યુક્ત આહાર લેવાથી કૅન્સરની સંભાવના ઘટી જાય છે.

આંખની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી: શક્કરિયાંનું સેવન નિયમિત કરવાથી આંખની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. શક્કરિયાંમાં બીટા-કેરોટીનની માત્રા વધુ હોય છે. જેને કારણે સાફ કર્યા બાદ તેની છાલ ચમકદાર લાગે છે.

બીટા-કેરોટીન માનવ શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત બની જાય છે. જે આંખમાં પ્રકાશની ઓળખ કરનાર રિસેપ્ટર્સ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મેડિકલ અધ્યયન બાદ એવું પણ જાણવા મળે છે કે શક્કરિયાંમાં સમાયેલું એંથોસાયનિન આંખની કોશિકાઓને નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે : દુનિયામાં અનેક લોકો ઊંચા બ્લડપ્રેશરની તકલીફ સાથે જીવતાં હોય છે. જેને કારણે તેઓ હૃદય સંબંધિત વ્યાધિના સરળતાથી શિકાર બની જાય છે. તે માટે અપૂરતી ઊંઘ, માનસિક તાણ, ફાસ્ટ ફૂડનો આહારમાં વારંવાર ઉપયોગ જવાબદાર ગણાય છે. શક્કરિયાંની સાથે વિવિધ તાજા શાકભાજી તેમજ ફળોનો સમાવેશ આહારમાં કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. કામ કરવાની કાર્યક્ષમતા વધવાની સાથે વજન નિયંત્રણમાં રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે: શક્કરિયાં શરીરને બહારી તત્ત્વો જેવા કે ફ્રી રેડિકલ ડૈમેજથી લડવાની શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સને કારણે શરીરની કોશિકાઓની સંરચનાને થતાં નુકસાનથી બચાવેછે. ઑક્સિડેટીવ ક્ષતિને કારણે આવતાં સોજા કે લાંબા સમયથી કોઈ બીમારી સતાવતી હોય તો તેનાથી બચાવે છે. જેમ કે કૅન્સર ફેલાવું, હૃદય સંબંધિત સમસ્યા કે લિવરને થયેલાં નુકસાનથી બચાવે છે.

શક્કરિયાંમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી શરીરને પ્રદૂષણ કે વધુ પડતાં સૂર્યપ્રકાશથી થતાં નુકસાનની સામે લડવામાં મદદ કરે છે.

હાડકાં માટે લાભકારક: શક્કરિયાં વિટામિન ડીની ભરપૂર માત્રા ધરાવે છે. વિટામિન દાંત, હાડકાં, ત્વચા તથા શરીરની કોશિકાના યોગ્ય વિકાસ-મજબૂતાઈ જાળવવા માટે આવશ્યક ગણાય છે.

બ્લડ શુગરને નિંયત્રણમાં રાખે: શક્કરિયાંમાં કેરોટીનૉઈડ નામક તત્ત્વ હોય છે. જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી તેમાં વિટામિન બી-૬, ડાયાબિટીક, હૃદય સંબંધિત તકલીફમાં ગુણકારી છે.

શક્કરિયાંમાં પ્રાકૃત્તિક મીઠાશ સમાયેલી છે. શક્કરિયાંનો ઉપયોગ કરીને વિવિધ વ્યંજનો બનાવી શકાય છે. તેને બટાટાની ચીપ્સની જેમ તળીને ખાઈ શકાય છે. શક્કરિયાંને બાફીને તેની ઉપર સિંધામૂણ, લીંબૂ, કોથમીર છાંટીને ચાટ સ્વરૂપે ખાઈ શકાય છે. શક્કરિયાંની ટિક્કી બનાવી શકાય છે, શક્કરિયાંનો શીરો પણ બનાવી શકાય છે. સગડી કે કોલસામાં શેકીને તે સ્વાદિષ્ટ- અત્યંત મીઠા બની જાય છે.

શક્કરિયાંનો ચાટ
૩ નંગ બાફેલાં શક્કરિયાં,૧ મોટી ચમચી મીઠી ખજૂરની ચટણી,૧ ચમચી કોથમીરની લીલી ચટણી, સ્વાદાનુસાર સંચળ, કોથમીર, ૧ નાની ચમચી શેકેલું જીરું, દાડમના દાણા સજાવટ માટે, ખારી સીંગ ૧ ચમચી.

બનાવવાની રીત: સૌ પ્રથમ શક્કરિયાંને બાફી લેવા. તેના એક સરખાં ટુકડા કરી લેવાં. હવે એક પ્લેટમાં તેને ગોઠવી દેવાં. ઉપરથી મીઠી ચટણી, તીખી ચટણીથી સજાવવું. શેકેલું જીરું ભભરાવવું. દાડમના દાણા, ખારી સીંગ ગોઠવવી. ચાટ મસાલો ભભરાવવો. કોથમીરથી સજાવીને ચાટ સર્વ કરવો. આ ચાટ સર્વ કરવા માટે બદામના પાનના કે ખાખરાના પાનના ‘પડિયા’ બજારમાં મળે છે તેને સાફ કરીને ઉપયોગ કરવાથી ચાટની મજા બેવડાઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button