બોલે એના બોર વેચાય.. ખાય એની તબિયત મસ્ત થાય !
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ફળ : બોરને ઓળખી લો…
મોસમ બદલાય તેમ શાકભાજી તથા ફળોમાં વિવિધતા જોવા મળે છે. તેમાં વળી શિયાળો શરૂ થાય તેમ રંગબેરંગી ફળો તથા શાકભાજી જોવાનો- ખાવાનો એક આગવો આનંદ હોય છે. શિયાળામાં જામફળ- સીતાફળ,-સફરજન-લીલી-કાળી-લાલ દ્રાક્ષનો સ્વાદ મીઠો મધુરો લાગે તો વળી લાલ-પીળા, નાના-મોટા બોર ખાવાની તો મજા પડી જાય.
ઉત્તરાયણના બે દિવસ તો ગુજરાતના પતંગોત્સવમાં પ્રત્યેક ધાબે પતંગના શોખીનો પતંગની સાથે બોર-જામફળની જ્યાફત હળીમળીને માણતા હોય છે. કાપ્યો છે...કાપ્યો છે..'ની પોકાર સાથે રસઝરતાં બોર એક પછી એક ચિક્કીની સાથે ખવાતા હોય છે. બોર ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય તેનું મુખ્ય કારણ છે બોરમાં નાઈટ્રિક ઑક્સાઈડ હોય છે, જે શરીરમાં બ્લડ ફ્લો તેમજ હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બોર માટે એવું કહેવાય છે કે તેને તાજા ખાવ કે સૂકવીને ખાવ તેનો ફાયદો એકસરખો જ મળે. બોરને
ચિની સફરજન’ તરીકે ઓળખવામાં આવે છે. મોસમી ફળ હોવાની સાથે તેની ઔષધિય ગુણોથી ભરપૂર ફળ તરીકે ઓળખ છે. બોરનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે. ભગવાન શ્રીરામે ભાવસભર શબરીના એઠાં બોર ચાખીને એની ભક્તિનો સ્વીકાર ર્ક્યો હતો.
બોરનું વાનસ્પતિક નામ `જિજિફસ મોરિસિયાના’ છે.
ભારતની સાથે ચીન- યુરોપ-રશિયા જેવા અનેક દેશમાં તેનો પાક મોટા પ્રમાણમાં થાય છે. બોરનો ઉપયોગ ઔષધ બનાવવામાં થાય છે. બોરનું અથાણું, બોરનો મુખવાસ, બોરનો મુરબ્બો વગેરે બનાવવામાં આવે છે.
બોરનું સેવન પ્રમાણભાન રાખીને કરવું આવશ્યક છે. જો વધુ પડતું સેવન કરવામાં આવે તો બોર ઉધરસ, કફ જેવી તકલીફ ઊભી કરે છે. બોરનું સેવન અપચો, પિત્તનાશક ગણાય છે. સગર્ભાવસ્થામાં થતી બેચેની, ઊલટી કે પેટમાં દુખાવાની તકલીફમાં બોરનું સેવન ગુણકારી ગણાય છે. બોરના ઝાડના પાન, તેની કૂણી ડાળી, તેના ફળ વગેરેનો ઉપયોગ આયુર્વેદમાં ખાસ કાઢો બનાવવામાં થાય છે.
બોરને સંસ્કૃતમાં બદરી- ગૂઢફલ-સુફલ કહેવામાં આવે છે. તો હિન્દીમાં બૈર કે બહર, ક્નનડમાં યાલાચી કે મલ્લએલેંથા, તમિલમાં ઈલદૈ કે ઈલાન્ડઈ, બંગાળીમાં કુલ કે કોલ બેર, મરાઠીમાં બોર કે બોરીચે ફળ, અંગ્રેજીમાં ઈન્ડિયન બેરી પ્લમ તરીકે ઓળખવામાં આવે છે.
બોરના સ્વાસ્થ્યવર્ધક ગુણ…
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી એવા બોરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેનું મુખ્ય કારણ છે બોરમાં પોલિસેકેરાઈડ' નામે કાર્બોહાઈડે્રટ જોવા મળે છે, જે ઈમ્યૂનો મોડ્યૂલેશનની પ્રક્રિયા કરે છે. એના કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે એવું સંશોધન નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફર્મેશન
(એનસીબીઆઈ)’ દ્વારા કરવામાં આવ્યું છે.
માનસિક તણાવમાં લાભકારક…
એવું કહે છે કે બોરનું સેવન કરવાથી વ્યક્તિ માનસિક તાણમાં હોય તો તેમાંથી બહાર નીકળે છે. તેનું કારણ છે બોરમાં માનસિક તાણથી લડવામાં મદદરૂપ તેવા ન્યૂરોપ્રોટેક્શનનો પ્રભાવ જોવા મળે છે, જેને કારણે બોરનું સેવન ર્ક્યા બાદ વ્યક્તિનું મન તાજગી તથા શાંતિ અનુભવવા લાગે છે. વળી બોરનો માવો દિવસમાં એક થી ત્રણ વખત ખાવાથી ચિંતાગ્રસ્ત લોકોને ફાયદો થતો જોવા મળે છે. બોર જેવાં રસદાર ફળ ખાવાથી મગજને તેમજ સંપૂર્ણ શરીરમાં પૂરતાં પ્રમાણમાં પ્રવાહી પહોંચે છે. આને કારણે વ્યક્તિ તાજગી અનુભવવા લાગે છે.
વજન નિયંત્રણમાં માટે મદદરૂપ
બોરનું સેવન આરોગ્ય માટે જેટલું ગુણકારી છે તેટલું જ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ ગણાય છે. બોરનું સેવન કરવાથી બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ), શરીરમાં રહેલી ચરબી ઘટવા લાગે છે. તેવું ખાસ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. બોરનું સેવન સીધું કરવું ના પસંદ હોય બોરની ચટની કે બોરનો ઉપયોગ સલાડમાં કરી શકાય… . બોરમાં ફાઈબરની માત્રા ભરપૂર છે. ફાઈબરથી ભરપૂર ખોરાક નિયમિત લેવાથી શરીરમાં વધી ગયેલી ચરબી ધીમે ધીમે ઘટવા લાગે છે. તેનું મુખ્ય કારણ ફાઈબરનો ઉપયોગ આહારમાં વિવિધ રીતે કરવાથી વારંવાર ભૂખ લાગતી નથી. ધીમે ધીમે શરીરની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી …
બોરમાં વિવિધ પ્રકારના ફાઈટોકોન્સ્ટિટ્યૂઍન્ટસ હોય છે, જે હૃદયરોગની સમસ્યા કે કાર્ડિયોવૈસ્ક્યુલરની તકલીફથી બચવામાં મદદ કરે છે.
હાડકાંને મજબૂત બનાવે છે ..
શરીરમાં હાડકાંની મજબૂતાઈ ઘટવાનું એક કારણ કોપર-તાંબાની ઊણપ ગણાય છે. બોરમાં આની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી બોરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પ્રમાણ પણ સારી માત્રામાં છે,જે હાડકાંને મજબૂતાઈ બક્ષે છે. આમ બોરનું સેવન સ્વાસ્થ્ય માટે વધતી વયની સાથે આવશ્યક ગણાય છે.
સોજામાં રાહત મળે છે..
બોરનું સેવન કરવાથી શરીરે આવતાં સોજામાં રાહત મેળવી શકાય છે કારણ કે બોરમાં ઍન્ટિઈન્ફેમેટરી – પીડા દૂર કરે એવા ગુણો જોવા મળે છે. વળી બોરમાં બાયોમોલિક્યૂલના ગુણ હોય છે, જે શરીરના સોજાને ઘટાડવામાં મદદરૂપ બને છે.
પ્રસૂતિ બાદ માતાના
દૂધ માટે ગુણકારી ..
અનેક સંશોધન બાદ સાબિત થયું છે કે પ્રસૂતિ બાદ શિશુ માટે માતાનું દૂધ શ્રેષ્ઠ આહાર છે. સગર્ભાવસ્થા દરમિયાન માતા જો બે માસ સતત પ્રમાણભાન સાથે બોરનું સેવન કરતી હોય તો એના દૂધમાં રહેલાં આર્સેનિક, લેડ તથા કેડિમિયમ જેવાં હાનિકારક પદાર્થોનું સ્તર ઘટતું જોવા મળ્યું હતું. બોરનું સેવન પ્રસૂતિ બાદ માના દૂધની ગુણવત્તા વધારવામાં ઉપયોગી બની શકે છે.
બોરની ચટણી
સામગ્રી : 3 નંગ લીલા મોટા બોર, 3-4 નંગ લીલા મરચાં, 1 વાટકી કોથમીર, 1 મોટો ટુકડો આદું, 2-3 કળી લસણ, 2 ચમચી લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું, મરી પાઉડર, અડધી ચમચી આખા ધાણા, ચપટી જીં.
બનાવવાની રીત : સૌપ્રથમ બોરના નાના ટુકડા કરી તેના બી કાઢી લેવાં. મિક્સરમાં બોરના ટુકડા, કોથમીર, આદું-મરચાં, લસણ, લીંબનો રસ, આખા ધાણા-જીં, મરી પાઉડર ભેળવીને વાટી લેવું. ઝટપટ સ્વાદિષ્ટ ચટણી તૈયાર થઈ જશે. ગરમાગરમ રોટલી-પરાઠા ચાટ કે સેન્ડવીચ બ્રેડ ઉપર તેનો ઉપયોગ કરી શકાય છે. બોરની આવી ચટણી લાલ મરચાંનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પણ બનાવી શકાય છે.
ત્વચાની સમસ્યામાંય રાહતરૂપ
બોરના ફાયદામાં ત્વચાને તંદુરસ્ત રાખતા લાભ પણ છે. બોરના માવામાં ઘાને ભરવાની ક્ષમતા છે. બોરનું સેવન કરવાથી શરીર માટે હાનિકારક ટોક્સિન દૂર થાય છે અને ત્વચા સ્વચ્છ અને ચમકીલી બને છે. ઍક્સિઝમાને કારણે થતી ખંજવાળમાં રાહત મળે છે. બોરનું તેલ શરીરના સોજાને દૂર કરવામાં મદદ કરે છે. નાળિયેર તેલમાં બોરના બીજનું તેલ ભેળવીને મસાજ કરવાથી ત્વચા તથા વાળની તંદુરસ્તી જળવાઈ રહે છે. બોરમાં ઍન્ટિ ફંગલ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી તથા ઍન્ટિ-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે તેથી આહારમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. આમ શિયાળામાં મળતાં બદરી કે ગૂઢફલ એટલે કે બોરનો ઉપયોગ આપણી તબિયતને તરોતાજા બનાવી દે છે માટે `બોર’ થયા વિના બોરને અપનાવો ! ઉ