ઠંડાઈ: મગજથી લઈને જઠરને બનાવે ઠંડા-ઠંડા કુલ -કુલ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
ભારતીયોના પ્રત્યેક તહેવારની ઊજવણી સ્વાદિષ્ટ મીઠાઈ વગર અધૂરી છે, જેમ કે ગણપતિમાં લાડુ, જનમાષ્ટમીમાં પંજરી, નવરાત્રિમાં સીંગપાક, દિવાળીમાં મગજ કે બુંદીના લાડુ, ઉત્તરાયણમાં ચિક્કી, શિવરાત્રીમાં ભાંગ તો હોળીમાં ઠંડાઈની સાથે ગુજિયા, પૂરણપોળી કે માલપુઆની પરંપરા ચાલી આવે છે.એમાંય મહાશિવરાત્રિ આવે ત્યારે હોશે હોશે રસિયાઓ ફરાળની વાનગીઓની સાથે ભાંગનો રસાસ્વાદ માણતાં માણતાં શિવજીની ભક્તિમાં લીન બની જાય છે તો હોળીમાં વિવિધ રંગોમાં ભીંજાતા-ભીંજાતા, ઠંડાઈની ચૂસકી રંગરસિયાઓને ઠંડા-ઠંડા…કુલ-કુલ’ બનાવી દે છે.
હોળીના તહેવારની ખાસ વાત એટલે ભારતના પ્રત્યેક રાજ્યમાં તેની ઉજવણી રંગોની સાથે વિવિધ વ્યંજનોની જ્યાફત માણીને કરવામાં આવે છે, જેમ કે ગુજરાતમાં હોળીના દિવસે મગજના લાડુ, મહારાષ્ટ્રમાં ચણાની દાળની પૂરણપોળી, બિહારમાં કેલે કા પુઆ, મધ્ય પ્રદેશમાં દાલ-બાટી-ચુરમા, રાજસ્થાનમાં ગુજિયા, ઉત્તરાખંડમાં આલુ કે ગુટકે-ભાંગની ચટણી, બંગાળમાં પનીર જલેબી, પંજાબમાં લસ્સી, ભાંગના પકોડા, કર્ણાટકમાં કાંજી વડા- ખીર.
હોળી નજીક આવી રહી છે, ભારતના પ્રત્યેક રાજ્યમાં હોળીના દિવસે ખાસ તન-મનને ટાઢક પહોંચાડે તેવું ગટગટાવાતું પીણું એટલે ઠંડાઈ.
ઠંડાઈ એક ઔષધિ ગણાય છે. એને બદામ, ખસ-ખસ, કાળા મરી, ઈલાયચી, કેસર, દેશી ગુલાબ, મગજતરીના બી, ખડી સાકર તેમજ વરિયાળીના અનોખા મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવે છે. ઠંડાઈ સ્વાદની સાથે સંપૂર્ણ શરીર માટે લાભકારક ગણાય છે. ઠંડાઈ ઍન્ટિ-ઓક્સિડન્ટથી સમૃદ્ધ છે. હાર્મોનને સંતુલિત બનાવીને જઠરને તંદુરસ્ત બનાવે છે. પેટમાં અનુકૂળ બેક્ટેરિયાનું પુન: નિર્માણ કરીને એસિડીટી, બ્લોટિગની સાથે પાચન સંબંધિત અન્ય સમસ્યા દૂર કરે છે.
ઠંડાઈના સ્વાસ્થ્ય લાભ પણ જાણી લઈએ
એ ઝટપટ ઊર્જા ભરે છે
અનેક વખત એવું બનતું હોય છે કે વધુ પડતું શારીરિક કે માનસિક કામ ર્ક્યા બાદ શરીરમાં નબળાઈ આવી જાય છે. તન-મનને થોડાં આરામની આવશ્યક્તા પડે છે. આવા સંજોગોમાં એરિયેટેડ પીણાં પીવાની જગ્યાએ જો ઠંડાઈને અડધું દૂધ તેમજ અડધા પાણી સાથે પીવામાં આવે તો શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય છે. ઠંડાઈમાં કાજુ-બદામ-પિસ્તા, મગજતરીના બી, ખડી સાકર જેવી વિવિધ ચીજોનો સમન્વય થયો હોય છે, જે કુદરતી બળ પ્રદાન કરે છે.
પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો
આપણે ભોજન બાદ મુખવાસ અચૂક લેવાનું પસંદ કરીએ છીએ. તેની પાછળનું મુખ્ય કારણ મુખવાસ ભોજનને બરાબર પચાવે છે. ઠંડાઈમાં વરિયાળીનો સમાવેશ સારા પ્રમાણમાં કરવામાં આવે છે, જેને કારણે ઠંડાઈ પીધા બાદ પેટ ફૂલી જવાની સમસ્યાથી બચી શકાય છે. વરિયાળીમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે.
યાદશક્તિ વધારે છે
ઠઠંડાઈમાં વિવિધ પ્રકારના સૂકામેવાનો સમાવેશ થાય છે, જેમાં વિટામિન તેમજ ખનીજની માત્રા વધુ હોય છે. એ મગજની કાર્યશક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. પ્રોટીન, ઓમેગા- 3, વિટામિન તેમજ ઝિંક સમાયેલું હોય છે. જે યાદશક્તિ વધારે છે.
માનસિક તાણ દૂર કરે છે
વિવિધ પ્રકારના વિટામિન, ખનીજ, ફાઈબરના ગુણો ઠંડાઈમાં હોય છે. તેથી માનસિક તાણ વધી જાય ત્યારે તેને દૂર કરવા શરીરને શક્તિ આપે તેવી ઠંડાઈનો ગ્લાસ ગટગટાવી જવો જોઈએ. સ્મોકિગ કે ગુટકાનો ઉપયોગ શરીરને માટે ઝેર સમાન છે. જ્યારે ઠંડાઈનો ઉપયોગ શરીરને માટે ઉત્તમ ઔષધિ બની રહેશે.
કબજિયાતને દૂર કરે
કબજિયાતની તકલીફ હોય એમને માટે ઠંડાઈ લાભકારક પીણું છે. ઠંડાઈમાં થોડા પ્રમાણમાં પલાળેલી ખસખસનો ઉપયોગ કરવામાં આવે છે. જે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ બળતરાંથી રાહત પહોંચાડવામાં મદદ કરે છે. કબજિયાતની તકલીફથી છુટકારો અપાવે છે. ખસખસના બીજ ઘણા પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર, પ્રોટિન, કેલ્શિયમ તેમજ ખનિજના ગુણો હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ઠંડાઈનો ઉપયોગ ગરમીમાં કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઠંડાઈમાં લવિંગ, મરી તેમજ કેસર હોય છે. જે પાચનક્રિયામાં સુધારો લાવે છે. કેસરને કારણે દિલો-દિમાગમાં એક પ્રકારની ઠંડક પ્રસરી જતી હોય છે. કેસર ઍન્ટિ-ડિપ્રેસન તથા ઍન્ટિ-ઓક્સિડેટિવ ગુણો ધરાવે છે, જે સંપૂર્ણ શરીરને રોગથી બચાવે છે.
શરીરને આરામ પૂરો પાડે છે
ઠંડાઈમાં ઉપયોગમાં લેવાતી ખસખસમાં શરીરને આરામ પહોંચાડે તેવા ગુણો છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ટોક્સિકોલોજીમાં પ્રકાશિત એક લેખ અનુસાર ખસખસનો ઉપયોગ ઠંડાઈમાં હોવાથી તન-મન ઠંડક અનુભવવા લાગે છે. અકારણ માનસિક તાણને દૂર કરવામાં મદદ કરે છે. નામ પ્રમાણે ગુણ ધરાવતી ઠંડાઈનો ઉપયોગ ભોજન બાદ કે કસરત બાદ કરવાથી શરીરમાં ઠંડક પ્રસરી જતી હોય છે. મન આનંદિત બની જતું હોય છે. વ્યાયામ બાદ શરીરને ત્વરિત બળ આપતું પાણી હોય કે દૂધમાં બનાવેલી ઠંડાઈ શરીરમાં શક્તિનો સંચાર કરવામાં પ્રભાવશાળી પીણું ગણાય છે.
ઠંડાઈ બે પ્રકારની હોય છે. એક ભાંગવાળી બીજી ભાંગ વગરની. અનેક લોકો ભાંગવાળી ઠંડાઈથી બચવાનું પસંદ કરે છે.એનું કારણ કે એમને ડર હોય છે કે તેનાથી નશો ચડશે. પ્રમાણભાન રાખીને ભાંગનું સેવન કરવાથી નશો ચડતો નથી. જે શરીરને નુકસાન ન પહોંચાડતા શરીરને ઠંડક પહોચાડે છે. ભાંગને તબીબી ભાષામાં ટેટ્રાહાઈડ્રોકાર્બનિબિનોલ’ કહે છે. એના ઉપયોગથી એક અજબ પ્રકારનો આનંદ મળે છે. મગજને સક્રિય બનાવે છે. ભાંગમાં ઔષધિય ગુણો સમાયેલાં હોય છે. તેથી જ તેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. ભાંગ માટે પ્રમાણભાન અત્યંત અગત્યનું ગણાય છે.કેનબિસ’ ભાંગમાં રહેલાં વિશિષ્ટ ગુણોને એને `યુનાઈટેડ નેશન’ દ્વારા દવા તરીકે માન્યતા આપવામાં આવી છે
હવે રંગોનો તહેવાર ગણાતી હોળીના દિવસો ઢૂંકડા આવી રહ્યા છે ત્યારે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ ઠંડાઈ પીને તેમજ હોળીના ખેલૈયાઓને પીવડાવીને મોજ-મસ્તીને બમણી કરવાનો મોકો છોડવા જેવો નથી.
ઠંડાઈ બનાવવાની રીત
સામગ્રી : અડધો કપ કાજુ, અડધો કપ બદામ, અડધો કપ પિસ્તા, 10-11 નંગ ઈલાયચી, 2-4 ચમચી મગજતરીના બીજ, 1 નાનો ટુકડો તજ, 4 ચમચી વરિયાળી, ચપટી
જાયફળ પાઉડર, 2 ચમચી ખસખસ, 8-10 તાંતણાં કેસર, 4-5 નંગ મરી, 3-4
નંગ લવિંગ, 1 નાનો ટુકડો જાવંત્રી, ખડી સાકરનો ભૂકો 2 કપ. 2 નંગ દેશી ગુલાબના સૂકા પાન.
બનાવવાની રીત : સૌ પ્રથમ મિક્સર જારમાં કાજુ-બદામ-પિસ્તાને થોડાં શેકીને લેવાં. તેમાં મગજતરીના બી, વરિયાળી, જાયફળ પાઉડર, ખસખસ, કેસરનાં તાંતણા, તજ, લવિંગ, મરી, જાવંત્રી, દેશી ગુલાબના પાન વગેરે ભેળવવું. તેમાં ખડી સાકર ભેળવીને પાઉડર બનાવી લેવો. આ ઠંડાઈનો પાઉડર 2-3 મહિના સુધી સાચવી શકાય છે. તાજો પાઉડર ઠંડા દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં તાજગી અનુભવાશે.