તરોતાઝા

ભારતીયોનું અત્યંત લોકપ્રિય શાક `રીંગણ’

રીંગણના વિવિધ લાભ

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

રીંગણનું નામ પડતાંની સાથે સ્વાદરસિયાઓના બે ભાગ પડી જતાં જોવા મળે છે. એક તરફ રીંગણના રસિયા, તો બીજી તરફ રીંગણનું નામ સાંભળીને મોં મચકોડનારા. રીંગણના ગુણો વિશેની જાણકારી મેળવ્યા બાદ રીંગણનો ચાહક વર્ગ અચૂક વધી જશે.

ચાલો, રીંગણ વિશે અવનવી જાણકારી મેળવી લઈએ : વિશ્વમાં ચીન રીંગણની ખેતીમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. ભારત બીજા નંબરે રીંગણની ખેતી કરતો દેશ છે. રીંગણ ભારતમાં અત્યંત લોકપ્રિય શાક ગણાય છે. બટાકા બાદ રીંગણનો સૌથી વધુ વપરાશ આપણા દેશમાં થતો જોવા મળે છે. ચીનમાં 54 ટકા રીંગણની ખેતી થાય છે. ભારતમાં 27 ટકા રીંગણનું ઉત્પાદન જોવા મળે છે.

રીંગણ ફાઈબર તેમજ પોષક ગુણોનો ખજાનો
ધરાવે છે.
રીંગણને `ઍગપ્લાન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે તેનું મુખ્ય કારણ તેની એક જાતિનો રંગ સફેદ હોય છે. તેમજ તેનો આકાર ઈંડા જેવો દેખાય છે.
એવી માહિતી મળે છે કે 5મી શતાબ્દી પૂર્વે રીંગણનું ઉત્પાદન સૌ પ્રથમ ચીની લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

રીંગણ એક બારમાસી છોડ ગણાય છે. ખેડૂતો તેની ખેતી `વાર્ષિક છોડ’ તરીકે કરે છે. છોડમાં ફળ આવી ગયા બાદ છોડને કાઢી નાખવામાં આવે છે. ગરમ પ્રદેશમાં તેનો પાક વધુ થતો હોય છે. યુરોપના વિવિધ દેશો તેમજ એશિયાઈ દેશોમાં રીંગણનું ઉત્પાદન મોટા પાયે થઈ રહ્યું છે. તુર્કી તેમજ ભૂમધ્ય સાગરની આસપાસના દેશો રીંગણનું ઉત્પાદન કરતાં થયા છે. રીંગણના ઉત્પાદનમાં મુખ્ય પાંચ દેશો જોવા મળે છે. ચીન પ્રથમ ક્રમાંકે જોવા મળે છે. બીજા ક્રમાંકે ભારત, ત્રીજા ક્રમાંકે મિસ્ત્ર, ચોથા ક્રમાંકે તુર્કી તેમજ પાંચમા ક્રમાંકે ઈરાન આવે છે.

રીંગણ મુખ્ય 5 આકારમાં જોવા મળે છે. અંડાકાર, લાંબા પાતળા, ગોળ. નાના સંભારીયાના તેમજ મોટા ભડથુંના. તેની છાલનો રંગ ઘેરો કાળો, ઘેરો જાંબુડી, ઘેરો લીલો, ઘેરો બેંગની(ભૂખરો), ધારીદાર કાળો તેમજ સફેદ જોવા મળે છે. આમ રીંગણના રંગમાં વિવિધતા જોવા મળે છે. ઉપરથી રંગ ભલે વિવિધતાભર્યો હોય પરંતુ અંદરનો માવો સફેદ જ હોય છે.

ઉત્તર ભારતમાં બેંગન ભરથાનો આસ્વાદ લોકો હોશે હોશે માણતાં હોય છે. રીંગણનું સંસ્કૃત નામ વાર્તાકી છે. અંગ્રેજીમાં બ્રિંજલ, ઓબેરગ્રીન કહેવામાં આવે છે. હિન્દીમાં તેને બેંગેન કહેવાય છે, ઉત્તર ભારતીય મહિલાઓની રીંગણ વિશેની વાત જાણવા જેવી છે. રીંગણ ન ભાવતાં હોય તેમને તેના ગુણો સમજાવવા માટે, એવું કહેતી હોય છે કે બે ગુણ નહીં પરંતુ રીંગણ બડે ગુણોવાલી સબ્જી હૈ. મરઘીના ઈંડા જેવાં દેખાતા નાના સફેદ રીંગણને અમેરિકનો `ઍગ-પ્લાન્ટ’ કહે છે. રીંગણમાં 92 ટકા પાણીનો ભાગ જોવા મળે છે. 100 ગ્રામ રીંગણમાં 25 ગ્રામ કૅલરી સમાયેલી હોય છે. આથી જ નિષ્ણાત આહારતજજ્ઞો વજન ઘટાડવા માગતી વ્યક્તિને રીંગણની વિવિધ વેરાયટી સદા ખાતા રહેવાની સલાહ આપતાં હોય છે.


હૃદયની તંદુરસ્તી માટે લાભકારી

નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે રીંગણમાં વિટામિન એ, વિટામિન સીની સાથે બિટાકેરોટીન તથા પૉલિફેનોલિક કંમ્પાઉન્ડ જોવા મળે છે. ઉપરોક્ત તત્ત્વોને કારણે રીંગણમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ પ્રભાવ જોવા મળે છેે. હૃદયની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે તેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.

યાદશક્તિ વધારવા માટે ઉપયોગી

આહારતજજ્ઞો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે યાદશક્તિ વધારવા માટે રીંગણનો સમાવેશ કરવો જરૂરી છે. તેનું મુખ્ય કારણ રીંગણમાં આયર્ન, ઝિંક, ફૉલેટ તથા વિટામિન એ, વિટામિન બી તેમજ વિટામિન સી છે. ઘરના વડીલો એવું કહેતાં હોય છે કે રીંગણ ખાવાથી મન આનંદિત રહે છે. મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. યાદશક્તિ પ્રત્યેકની માનસિક પરિસ્થિતિ ઉપર નિર્ભર કરતી હોય છે. તેથી રીંગણનો ઉપયોગ આહારમાં કરવાથી યાદશક્તિ વધે છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ

શરીરને રોગમુક્ત બનાવવું હોય તો રીંગણનો સમાવેશ આહારમાં વિવિધ રીતે કરવો આવશ્યક બની જાય છે. તેનું મુખ્ય કારણ રીંગણમાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારનાર વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન બી-2, વિટામિન બી-6 તેમજ વિટામિન બી-12 છે. રીંગણમાં ફોલિક એસીડ, આયર્ન, સેલેનિયમ, તેમજ ઝિંક સારા પ્રમાણમાં જોવા મળે છે. જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે.

ધ્રૂમપાન છોડવામાં મદદરૂપ

આજકાલ સગીરાવસ્થામાં પ્રવેશતાં જ સંતાનો ધૂમ્રપાનની લતે ચડી જતાં હોય છે. જેને કારણે તેઓ તાણ અનુભવે છે. આવા સંજોગોમાં ધૂમપાનની આદતથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ 100 ગ્રામ રીંગણમાં 0.01 મિલીગ્રામની માત્રામાં નિકોટીન હોય છે. જે ધૂમપાન કરતી વ્યક્તિને સિગારેટને બદલે રીંગણમાંથી મળી રહે છે. એવું કહી શકાય કે તેની માત્રા નહીંવત્‌‍ ગણાય. તેમ છતાં તેનો ઉપયોગ ખોટી આદતથી છુટકારો મેળવવામાં કારગર બની શકે તેવો છે.

વજનને ઘટાડવામાં મદદગાર

વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતાં લોકો માટે રીંગણ ઘણા ઉપયોગી છે. 100 ગ્રામ રીંગણમાં 92 ગ્રામ પાણી હોય છે. વળી ચરબીનું પ્રમાણ નહીંવત્‌‍ જોવા મળે છે. રીંગણમાં ફાઈબરની માત્રા ભરપૂર છે. ફાઈબરયુક્ત આહાર લેવાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. જેને કારણે વારંવાર ખાતા રહેવાની આદતથી બચી શકાય છે.વળી અન્ય એક અધ્યયન થકી જાણવા મળ્યું છે કે રીંગણ ખાવાથી કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

કૅન્સરથી બચવામાં ગુણકારી

કૅન્સરથી બચવું હોય તો રીંગણ ખાવા જોઈએ. તેનું મુખ્ય કારણ રીંગણમાં એંથોસાયનિન હોય છે. જે કૅન્સર પેદા કરતી કોશિકાના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.

રીંગણમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. જેમ કે રીંગણનું શાક, રીંગણની ચીપ્સ, રીંગણના ભજિયા, ભરેલાં રીંગણ, રસાવાળા રીંગણ, રીંગણનું ભરથું, રીંગણને અન્ય શાક સાથે ભેળવીને બનાવી શકાય જેમ કે મેથી રીંગણ, રીંગણ-બટાકા, પાલક-સુવા-તાંદળજો-રીંગણ, ચોળી-રીંગણ, રીંગણમાંથી ડીપ બનાવીને એક લેબનીઝ વાનગી આજકાલ અત્યંત લોકપ્રિય બની છે. જેનું નામ છે `બાબા ગાનુશ ડીપ’.

બાબા ગાનુશ ડીપ
સામગ્રી : 1 નંગ મોટું રીંગણ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુંની પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી પીનટ બટર, 3 ચમચી મોળું દહીં, 2 ચમચી ધાણાજીરૂ પાઉડર, 1 નંગ કાંદો ઝીણો સમારેલો, 1 ચમચી ઑલિવ ઓઈલ, 2 ચમચી કોથમીર, 1 ચમચી પીનટ બટર, એક નાની ચમચી મરીનો ભૂકો સ્વાદાનુસાર મીઠું.
બનાવવાની રીત : સૌ પ્રથમ રીંગણને તેલ લગાવવું. તેમાં વચ્ચે કાપા કરીને અંદરથી બરાબર ચકાશી લેવું. વચ્ચે લસણની કળી ગોઠવી દેવી. બરાબર શેકાઈ જાય એટલે તેની છાલ કાઢીને તેનો માવો બનાવી લેવો. એક બાઉલમાં દહીં બરાબર વલોવીને લેવું. સ્વાદાનુસાર મીઠું ઉમેરવું. ધાણાજીરું પાઉડર, પીનટ બટર, મરીનો ભૂકો, આખા જીરૂનો પાઉડર ભેળવવો. રીંગણનો માવો ભેળવવો. ઑલિવ ઓઈલ ભેળવવું. ઝીણા સમારેલાં કાંદા
તેમજ કોથમીરથી સજાવવું. પીટા બ્રેજ કે સલાડ સાથે તેનો આનંદ માણવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button