તરોતાઝા

કાયાને શક્તિવર્ધક બનાવી દે છે… `હનુમાન ફળ’

હનુમાન ફળના ગુણ જાણીએ…

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ફળ-શાકભાજીની વિવિધતા જોઈને મનમાં પ્રત્યેકને એક વિચાર તો જરૂર આવે જ કે કુદરતની કમાલ કેવી મજાની છે. કેટલી ચીવટની સાથે દરેકમાં સ્વાદ- રસ-રંગ- સુગંધની સાથે આકાર કે પરિમાણની (કદની) કમાલ જોવા મળે છે. નાના અમથાં બોર કે દ્રાક્ષનો રંગ આંખને ઠંડક પહોંચાડે તેવો પૂર્યો છે. કેરી- કેળાં- અનાનસ- દાડમ કે સંતરાનો સ્વાદ માણવા તેની ઉપરના પડને હટાવવું પડે. જમરૂખ કે સફરજનનો સ્વાદ છાલ સાથે લઈ શકાય. કોઈમાં વચ્ચે નાના બીજ તો કોઈમાં મોટો ગોટલો મૂકીને શું શું અજાયબી સર્જી છે…કુદરતે !

આવો, આપણે આજે એવા જ એક ફળ વિશે જાણકારી મેળવીએ, જેનો ઉપયોગ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે. નામ પ્રમાણે ગુણ ધરાવતું હનુમાન ફળ એવું જ એક ફળ ગણી શકાય. હનુમાન ફળના સ્વાદની વાત કરીએ તો સ્ટ્રોબરી તથા અનાનસને મળતો આવે છે. આ ફળ વિટામિન તથા ખનીજથી ભરપૂર જોવા મળે છે.એક અભ્યાસ કહે છે હનુમાન ફળના છોડમાં લગભગ 212 ફાઈટોકેમિકલ્સ સમાયેલાં છે, જેમાંથી અલ્કલોઈડસ, મેગાસ્ટિગમેન્સ, ફ્લેવોનોલ, ટ્રાઈગ્લિસરાઈડસ, ફેનોલિક્સ, સાઈક્લો-પેપ્ટાઈડસ્ની સાથે આવશ્યક તૈલીય ગુણો છે. આ સત્ત્વ ઍન્ટિ કેન્સર, ઍન્ટિમાઈક્રોબિયલ, ઍન્ટિ-ડાયાબિટીક માટે જરૂરી ગણાય છે. હનુમાન ફળ ઉપરથી જેટલું કડક જોવા મળે છે તેટલું જ સ્વાદમાં અંદરથી રસીલું તેમજ સુંગધીત છે. તેના બીજનો ઉપયોગ નહીંવત્‌‍ કરવામાં આવે છે. હનુમાન ફળમાં કેલ્શિયમ, આયર્ન, મૈગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, તેમજ વિટામિન સી વગેરે પોષક ગુણો છે. 100 ગ્રામ હનુમાન ફળમાં 81.16 ટકા પાણીની માત્રા છે. એને કારણે તે રસીલું લાગે છે. સોરસૌપ નામથી ઓળખાતું હનુમાન ફળ ભારતમાં લક્ષ્મણ ફળ’ તરીકે જાણીતું છે. હનુમાન ફળ વિશે એવું કહેવાય છે કે તેનું મૂળ ઉત્પત્તિ સ્થળ બ્રાઝિલ છે. માનવજાત માટે ઈશ્વરીય ભેટ ગણાય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટથી સમૃદ્ધ હોવાની સાથે પોષણ મૂલ્યોનો ખજાનો ધરાવે છે. હનુમાન ફળનું વૃક્ષ ઘટાદાર જોવા મળે છે. તેનાં પાન મોટા તેમજ ફળનો આકાર હૃદય જેવો હોય છે તો રંગ લીલો જોવા મળે છે. ફળના ઉપરી ભાગમાં નાના કાંટા હોય છે. દેખાવમાં તે સીતાફળ જેવું લાગે છે. હનુમાન ફળને કાપવાથી અંદરનો માવો સફેદ તેમજ બી ક્યારેક કાળા તો ક્યારેક હલકા ભૂરા રંગના જોવા મળે છે. સ્વાદની વાત કરીએ તો પાઈનેપલ તેમજ સ્ટ્રોબરી બંનેને એક સાથે ખાવાથી જે સ્વાદ મળે તેવો હોય છે. હનુમાન ફળના પાન તેમજ ફૂલ અનેક બીમારીમાં ઉપયોગી બને છે.

કેન્સરથી રક્ષણ
હનુમાન ફળમાં કેન્સર વિરોધી ગુણો છે. તેમાં રહેલાં ફાઈટોકેમિકલસ જેવા કે એસિટોજેનિન મુખ્ય રૂપે કેન્સર કોશિકાને વધતી અટકાવવામાં મદદ કરે છે. હનુમાન ફળ વિશે એવું પણ કહેવાય છે કે તે કેન્સર રોગીઓ માટે ચમત્કારિક ફળ ગણાય છે. કિમોથેરાપીની વખતે એ અસરકારક ગણાય છે. કેન્સરની કોશિકાને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે.

પાચન માટે ગુણકારી
વિટામિન સીની ભરપૂર માત્રા
હોવાને કારણે હનુમાન ફળનું સેવન પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. એના નિયમિત સેવનથી જૂના કબજિયાતમાં રાહત મળે છે, કારણ કે હનુમાન ફળમાં પ્રચુર માત્રામાં સોલ્યુબલ ફાઈબર તેમજ ઈનસોલ્યુબલ ફાઈબરની માત્રા છે, જે કબજિયાતથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

વાઈરસ – બેકટેરિયાના પ્રકોપથી રક્ષણ
કુદરતે એવા અનેક ફળની ભેટ માનવજાતને આપી છે, જેના સેવનથી બેક્ટેરિયા કે વાઈરસને કારણે શરીરમાં ફેલાતા ચેપથી રક્ષણ મેળવી શકાય છે. હનુમાન ફળ તેમાનું એક છે. `બાયોટેકનોલોજી ઈન્ફર્મેશન’ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં દર્શાવ્યા મુજબ હનુમાન ફળનું સેવન કરવાથી વાઈરસ કે બેક્ટેરિયાથી ફેલાતાં ચેપથી શરીરને બચાવી શકાય છે. શરદી-ખાંસી, તાવ તેમજ અન્ય વિવિધ વાઈરલ ચેપથી બચી શકાય છે.

લિવરને નુકસાનથી બચાવે
લિવર એટલે કે યકૃતની સંભાળ આજે અત્યંત આવશ્યક છે. એક અભ્યાસ કહે છે કે છે. કે બિલીરૂબિનનું વધુ પ્રમાણ હોય તો તે લિવરને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ તે શરીરમાં કોઈ રોગ હોવાની શક્યતા દર્શાવે છે. હનુમાન ફળનું સેવન શરીરમાં કાર્બન ટેટ્રાક્લોરાઈડ તેમજ એસિટામિનોફેનકે ટોક્સિનથી લિવરની રક્ષા કરે છે અને બિલીરૂબિનનું પ્રમાણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

આંખોનું તેજ વધારે
હનુમાન ફળમાં વિટામિન સી- બી તેમજ બિટાકેરોટીનનું પ્રમાણ સારા પ્રમાણમાં છે. વળી વિટામિન એની માત્રા પણ ભરપૂર છે તેથી હનુમાન ફળના સેવનથી આંખોની રોશની વધે છે. બિટાકેરોટીન એક ખાસ ઍન્ટિ-ઓક્સિડન્ટ છે, જે ફ્રી રેડિક્લ્સ સામે લડવામાં શરીરને મદદ કરે છે. ફ્રી રેડિક્લ્સ આંખોની અંદરની શીરા કે ધમનીને નુકસાન પહોંચાડી શકે છે. વધતી વય સાથે નજર નબળી પડવાથી બચાવે છે. ઢળતી વયમાં આંખોનું તેજ જળવાઈ રહે છે.

બ્લડ પ્રેશરને લાભકારક
હાઈ બ્લડ પ્રેશર તેમજ હાઈપરટેન્શન હૃદયરોગ તેમજ કિડની સ્ટોન ખરાબ થવાનું મુખ્ય કારણ ગણાય છે.એના ઉપચારમાં ય આ ફળ ઉપકારક નીવડે છે.

પેટ ફૂલી જવાની સમસ્યામાં લભકારી
અનેક વખત મહિલાઓને માસિક ધર્મ દરમિયાન અથવા તો મસાલેદાર ભોજન બાદ બ્લોટિગની સમસ્યા સતાવતી રહે છે, જેને કારણે પેટ ફૂલી જવું કે નબળાઈ આવવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. હનુમાન ફળમાં સારા પ્રમાણમાં પોટેશિયમ સમાયેલું છે, જે શરીરમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.

અલ્સરમાં ગુણકારી
ફ્લેવોનોઈડસ, ટૈનિન અને ટ્રાઈસેપ્સ જેવાં સક્રિય ગુણ એમાં છે, જેને કારણે હનુમાન ફળનો ઉપયોગ પેટમાં થતાં અલ્સર કે મોંમાં થતાં ચાંદાની તકલીફથી રાહત અપાવે છે. પેટના અલ્સરના ઘાવને તેમજ ગેસ્ટ્રિક અલ્સરને ઘટાડવામાં મદદ કરે છે. તેમજ પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

હનુમાન ફળનો આઈસક્રીમ
સામગ્રી: 2 નંગ હનુમાન ફળનો માવો, 1 નાનો કપ નાળિયેરની ખાંડ, 500 ગ્રામ નાળિયેરનું દૂધ અથવા ફૂલ ક્રીમ દૂધ, વેનિલા ઍસેન્સ 2 ટીપાં
બનાવવાની રીત: સૌ પ્રથમ હનુમાન ફળનો માવો બી અલગ કરીને બનાવી લેવો. બજારમાં નાળિયેરની ખાંડ મળે છે તે લેવી અથવા બ્રાઉન શુગર લેવી. નાળિયેરનું દૂધ લેવું. મિક્સરમાં બધું જ બરાબર મિક્સ કરી લેવું. વેનિલા ઍસેન્સ ભેળવીને પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બામાં મિશ્રણ ભરી લેવું. ફ્રિઝરમાં છથી સાત કલાક માટે રાખીને આઈસક્રીમ તૈયાર કરવો.
ઘરમાં બનાવેલો આવો તાજો આઈસક્રીમ પીસ્તાથી સજાવીને ખાવાની લિજજત કંઈક ઔર જ છે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…