તરોતાઝા

તીખાં ચટપટા સ્વાદવાળાં `વોટર ક્રેસ’ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

વોટર ક્રેસ એક પાણીમાં ઊગતી ભાજી છે, જેને કોબી, બ્રોકલી, કેલ, બ્રસેલ્સ સ્પ્રાઉટના પરિવારની ગણી શકાય. ટૂંકમાં કહીએ તો ક્રિસિફેરસ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાજી ગણી શકાય. ભારતીયો તેને જલકુંભી' કેચાંસૌર’ના નામે ઓળખે છે. પાણીમાં ઝડપથી ફેલાતો આ છોડ છે. તળાવ કે નદીમાં તે ઊગી નીકળે છે. મોટે ભાગે યુરોપ તથા મધ્ય એશિયામાં તે વધુ જોવા મળે છે. રોમન તથા મિસ્ર સામ્રાજ્યના કાળથી જોવા મળે છે. રોમન સૈનિકોના ભોજનનો મુખ્ય હિસ્સો ગણવામાં આવતો. તીખાં ચટપટા સ્વાદવાળા જલકુંભીના અનેક સ્વાસ્થ્ય લાભ જોવા મળે છે. વિવિધ વ્યંજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. યુનાનિ તથા રોમનના મત પ્રમાણે મસ્તિષ્કની કાર્યક્ષમતાને સુધારવામાં અત્યંત ગુણકારી ગણાય છે. અણિયાળાં શસ્ત્રો જેવા કે તલવાર-તીર કે ભાલાના ઘાને ઠીક કરવા માટે તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેના સેવનથી અનેક ગંભીર બીમારીમાં લાભકારી બને છે. હાઈપરકોલેસ્ટ્રોલેમિયા, હાઈપરગ્લાઈસેમિયા, હાઈબ્લડ પ્રેશર, કૅન્સર, આર્થરાઈટિસ, બ્રોંકાઈટિસ, ડાયયૂરિસિસ, ઓડોન્ટૈલ્જ્યાિ તથા સ્કર્વીમાં ઉપયોગી સાબિત બને છે.

લાંબા સમયથી કેલ તથા અકાઈના શાકને સુપરફૂડ ગણવામાં આવતું હતું. થોડા સમય પહેલાં આ સ્થાન વોટર ક્રેસને મળ્યું છે. સેન્ટર ફોર ડિજિટલ ક્નટ્રોલ ઍન્ડ પ્રિવેંશન(સીડીસી)'ના રિપોર્ટ અનુસાર વોટર ક્રેસને ધરતીના સૌથી તાકતવર શાકનું સન્માન આપવામાં આવ્યું છે.સીડીસી’ ફળ તથા શાકભાજીમાં સમાયેલાં મિનરલ્સ તથા વિટામિનના આધારે લિસ્ટ તૈયાર કરતી હોય છે. તે લિસ્ટમાં સૌથી સ્વસ્થ શાકનો તાજ વોટર ક્રેસને આપવામાં આવ્યો છે.

આ વોટર ક્રેસ શાક છે શું?
ચાલો, જાણીએ આ શાકની વિશેષતા…
ભારતમાં જલકુંભી'ના નામે ઓળખવામાં આવતા વોટર ક્રેસ ઘાટા લીલા રંગનો છોડ છે. આ પ્રાકૃતિક તળાવ કે ઝરણાં કે નદીમાં ઊગે છે. અનેક દેશમાં વોટર ક્રેસના છોડને પ્લાન્ટની રીતે સજાવીને ઉપયોગમાં લેવામાં આવે છે.નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન’ના રિપોર્ટ અનુસાર વોટર ક્રેસમાં ઍન્ટિઈન્ફેલેમેટરી, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-બૈક્ટેરિયલ ગુણ સમાયેલાં છે એટલે તેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. તેના મૂળ- પાન તેમજ ફૂલ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. તેથી જ વોટર ક્રેસ માટે એવું કહેવાય છે કે કાજુ-બદામને બદલે આહારમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વરદાન બની રહેશે.

ક્રીસિફેરસ શાકમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા ભરપૂર સમાયેલી જોવા મળે છે. જે કોશિકાને થતાં નુકસાનથી બચાવમાં મદદ કરે છે. એમાં ફોલેટ, મેંગેનીઝ, પૈંટોથએનિક, એસિડ, થાયમિન, કેલ્શ્યિમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશ્યિમ, વિટામિન ઈ અને વિટામિન- એ ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.

કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવામાં મદદરૂપ

વોટર ક્રેસનો ઉપયોગ હાઈકોલેસ્ટ્રોલ ધરાવતાં ઉંદર ઉપર કરવામાં આવ્યો હતો. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે 10 દિવસ સુધી તેમને આહારમાં વોટર ક્રેસ આપવામાં આવ્યું હતું 10 દિવસના ઈલાજ બાદ તેમનું કોલેસ્ટ્રોલ લેવલ 34 ટકા ઓછું થયું હતું. હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ જલકુંભીના પાનમાં હાઈપો કોલેસ્ટ્રોલેમિક ગુણ સમાયેલાં છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. શરીરની કોશિકામાં ફરતાં લોહીમાં એ પ્રકારનો ચીકણો પદાર્થ બનતો હોય છે, જે કોલેસ્ટ્રોલ હોય છે. તે એક પ્રકારનું લિપિડ ગણાય છે, જે લોહીમાં ભ્રમણ કરે છે. ભોજન પચાવવામાં કોલેસ્ટ્રોલની આવશ્યક્તા પડે છે. એલડીએલ(લો ડેન્સીટી લીપોપ્રોટીન) જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. એચડીએલ (હાઈ ડેન્સીટી લીપોપ્રોટીન) જે સ્વાસ્થ્ય માટે સાં ગણાય છે. હૃદયને બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે.

કૅન્સરને રોકવામાં મદદરૂપ
પાવરફૂલ ઍન્ટિઓક્સિડન્ટને કારણે જલકુંભી માનસિક તાણને દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન- એ તથા પોટેશ્યિમની માત્રા સારા પ્રમાણમાં હોવાને કારણે તેનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. બિટાકેરાટીન નામક ઘટકની સાથે અન્ય કેરોટીનોઈડથી ભરપૂર જોવા મળે છે, જેને શક્તિશાળી ઍન્ટિ-ઓક્સિડન્ટ ગણવામાં આવે છે.
વિશ્વના નિષ્ણાત આહાર તજજ્ઞો દ્વારા મળતી જાણકારી મુજબ જે ફળ-શાકભાજીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે તેમાં મુક્તકણોની સંખ્યા વધુ જોવા મળે છે. આને કારણે શરીરને થતાં નુકસાન સામે રક્ષણ મળે છે. શરીરની કોશિકાને ઓક્સિડેટિવ ક્ષતિથી બચાવી શકાય છે. એને કારણે કૅન્સર તથા અન્ય ગંભીર બીમારીથી શરીરને બચાવી શકાય છે.
વોટર ક્રેસને કઈ રીતે ખાવી જોઈએ ?

મોટેભાગે તો તેનો ઉપયોગ સલાડમાં કરવામાં આવે છે. વળી તેનો ઉપયોગ કરીને વિવિધ વાનગી સરળતાથી બનાવી શકાય છે. ફળના રસમાં હાથેથી કાપીને તથા સ્મૂધી બનાવીને ઉપયોગમાં લઇ શકાય. ચણા ચાટ કે પછી સેન્ડવીચમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ઈટાલિયન વાનગી એટલે કે પાસ્તામાં તેને હાથેથી તોડીને વાપરી શકાય છે.આનાથી સ્વાદ વધે છે.. કેટલાંક લોકો તેને સૂકવીને ઉપયોગમાં લે છે. પાણીપૂરીની સજાવટ પણ જલકુંભીના પાનથી કરવામાં આવે છે. ચાઈનીઝ વાનગી જેવી કે ચાઈનીઝ વોટર ક્રેસ સૂપ કે કોલ્ડક્રિમ ઓફ વોટર ક્રેસ સૂપમાં મુખ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. સુશીરોલમાંય તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓસ્ટિયોપોરોસિસથી
બચાવે છે

વોટર ક્રેસમાં ખનિજ તથા વિટામિનનો ભંડાર સમાયેલો જોવા મળે છે. વધતી વય સાથે હાડકાંની તંદુરસ્તી માટે એ અત્યંત ઉપયોગી છે. કેલ્શ્યિમ, મેગ્નેશ્યિમ, પોટેશ્યિમ, ફોસ્ફરસ વગેરે હાડકાંની મજબૂતાઈ માટે અત્યંત ઉપયોગી ગણાય છે. સામાન્ય રીતે કેલ્શ્યિમયુક્ત આહાર હાડકાં માટે ઉપયોગી છે એ વાત આપણે જાણીએ છીએ,પણ વાસ્તવમાં કેલ્શ્યિમની સાથે પોટેશ્યિમ, ફોસ્ફરસ તેમજ મેગ્નેશ્યિમ હાડકાંના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક ઘટક ગણાય છે. વિટામિન કે સ્વસ્થ હાડકાંના રક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કોલેજન ઉત્પાદન
વધારે છે
વય વધવાની સાથે ચહેરા ઉપર કરચલી પડતી હોય છે. એને કારણે ચહેરો નિસ્તેજ લાગે છે, તેનું મુખ્ય કારણ કોલેજનની ઊણપ. આહારમાં વોટર ક્રેસનો સમાવેશ કરવાથી શરીરમાં કોલેજનની માત્રા વધવા લાગે છે. ચહેરા પર નિખાર આવવા લાગે છે.

આજકાલ આયુર્વેદિક દવાઓ તેમજ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની પણ વોટર ક્રેસના અર્કનો ઉપયોગ ક્રિમ બનાવવામાં કરવા લાગી છે. એવું કહે છે કે કોલેજન પ્રોડકશનની માત્રા વધવાથી ડર્મલ સેલની માત્રા વધવા પ્રેરિત થાય છે.

ત્વચાને ચેપથી બચાવે છે

અત્યંત ઓછી કેલરીની સાથે હાઈ ફાઈબર ધરાવતાં વોટર ક્રેસમાં વિટામિન તથા મિનરલ્સનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે. ડાયેટરી નાઈટે્રટસ એમાં સમાયેલું હોય છે, જે નસોમાં થતાં સોજાને તથા જકડાઈ જવાની તકલીફને ઘટાડવામાં મદદ કરે છે. સોરાયસીસ, ઍક્ને તેમજ ત્વચા ઉપર જોવા મળતી કરચલીને દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન- એ તથા સી ની માત્રા સારા પ્રમાણમાં હોવાથી ત્વચાને થતી ઓક્સિડેટિવ ક્ષતિ તેમજ ફોટોએજિંગની સમસ્યાથી બચાવે છે. પ્રત્યેક શરીરને પડતી 72 ટકા વિટામિન સીની આવશ્યક્તા વોટરક્રેસના ઉપયોગ દ્વારા પૂર્ણ થઈ શકે છે. ત્વચા ચમકદાર તથા તાજગીપૂર્ણ દેખાવા લાગે છે.

વાળને ચમકીલા બનાવવામાં મદદગાર

વોટર ક્રેસને વાટીને તેની પેસ્ટ વાળમાં લગાવવાથી વાળ ચમકીલા તેમજ ભરાવદાર બને છે. વાળ વારંવાર તૂટવા કે ખરવાની સમસ્યા માટે તેની પેસ્ટ ઉપયોગી ગણાય છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી

વોટર ક્રેસના નામમાં જ પાણીનો સમાવેશ જોવા મળે છે. ઓછી કેલરી તેમજ ફાઈબરયુક્ત હોવાને કારણે વોટર ક્રેસનો ઉપયોગ વજનને નિયંત્રણમાં રાખવા ઈચ્છતી વ્યક્તિઓ માટે અત્યંત ઉપયોગી ગણાય છે. લીવરની સાથે સંપૂર્ણ શરીરને ડીટોક્સ કરવામાં મદદ કરે છે. તેથી સલાડ કે સૂપની સાથે તેનો ઉપયોગ કરીને શાક બનાવીને કરવો હિતાવહ છે.

મહિલા માટે અમૃત સમાન

વોટર ક્રેસ માટે એવું કહેવાય છે કે તે મહિલાઓ માટે અમૃત સમાન છે. તેનું મુખ્ય કારણ તેનો ઉપયોગ આહારમાં કરવાથી સ્તનપાન કરાવતી માતા માટે અત્યંત લાભદાયક છે તો પિરિયડસમાં થતાં દુખાવામાં રાહત મેળવવા માટે વોટર ક્રેસનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે.

વોટરક્રેસ સૂપ
સામગ્રી : 2 ચમચી માખણ, 1 કપ ઝીણા સમારેલાં લીલા કાંદા, 1 ગ્લાસ વેજિટેબલ સ્ટોક, 1 નાનું બટાકું, 3 કપ તાજા વોટર ક્રેસ સાફ કરીને ઝીણાં કરેલાં
1 ચમચી મરી પાઉડર, સ્વાદાનુસાર મીઠું, 2 ચમચી કોથમીર, 1 ચમચી આદુંની કતરણ

બનાવવાની રીત : સૌ પ્રથમ કાંદાને ઝીણાં સમારી લેવાં. તેને માખણમાં સાંતળી લેવાં. કાંદા પારદર્શક બની જાય ત્યારબાદ તેમાં વેજિટેબલ સ્ટોક ભેળવવો. 1 નાનું બટાકું ઝીણું સમારીને ભેળવવું. બરાબર ધીમી આંચ ઉપર ચઢવા દેવું. ત્યારબાદ તેમાં વોટરક્રેસ ભેળવીને 2 મિનિટ ઉકાળી લેવું. થોડું ઠંડું પડે એટલે મિક્સરમાં એકરસ કરી લેવું. ગરમ કરવા મૂકવું. તેમાં મરી પાઉડર તેમજ સ્વાદાનુસાર મીઠું ભેળવવું આદુંની કતરણ તેમજ કોથમીરથી સજાવીને ગરમાગરમ વોટરક્રેસ સૂપ પીરસવો.

આંખો માટે ગુણકારી
વોટર ક્રેસમાં વિટામિન -એ તથા બિટાકેરોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જેને કારણે તે આંખોના સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. જલકુંભીમાં બે મહત્ત્વના ઍન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલા છે : લ્યૂટિન તથા જૈક્સૈન્થિન. આ બંને કેરોટીનોઈડ તથા લિપિડ ઍન્ટિઓક્સિડન્ટ ગણાય છે, જે હાનિકારક ફ્રી રેડિકલ્સથી બચાવમાં મદદ કરે છે.
આપણાં વડીલો અનેક વખત કહેતાં કે કોઈ સાથે બગાડવું નહીં. જીવનમાં ચપટી ધૂળની પણ આવશ્યક્તા પડતી હોય છે. તે જ પ્રમાણે ધરતી ઉપર કે પાણીમાં કુદરતી રીતે ઊગતાં પ્રત્યેક શાક-ફળમાં સ્વાસ્થ્યને ટકાટક બનાવી રાખવાની ક્ષમતા સમાયેલી જોવા મળે છે. તેથી જ સપ્રમાણ માત્રામાં બધા જ શાક-ફળનો ઉપયોગ આહારમાં કરવો આવશ્યક છે. `નથી ભાવતું માટે ઘરમાં તે વસ્તુ લાવવાની જ નહીં’ તે આદતને તિલાંજલિ આપવી રહી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે