સ્વયંની આગવી ઓળખ ધરાવતું છાલ વગરનું રસીલું ફળ શેતૂર
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
આપણા ભારત દેશની વિવિધતા અનેક છે. કોઈપણ ક્ષેત્ર જોઈ લો ભારતીય સંસ્કૃતિ અવ્વલ નંબર ધરાવતી જોવા મળશે. જેમાં પહેરવેશ, બોલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, રહેણી-કરણી, ભોજનકળાનો સમાવેશ કરી શકાય. વિવિધ પ્રાંતના શાકભાજી-ફળફળાદિની એક આગવી ઓળખ બની ગઈ છે. જેમ કે ચીકુ તો ઘોલવડના, હાફૂસ કેરી તો રત્નાગિરીની, દ્રાક્ષ તો નાસિકની, નાળિયેર તો દક્ષિણ ભારતના, કેળા તેમજ મસાલા તો કેરાલાના. કેસર કેરી સૌરાષ્ટ્રની, સફરજન તો સીમલાના, શેરડી તેમજ બોર ગુજરાતના. આલુબુખારા ઉત્તરાખંડના. હા, એ વાત અલગ છે કે હવે તો પ્રત્યેક રાજ્યમાં બધાં જ શાકભાજી-ફળોની ખેતી થવા લાગી છે.
આજે આપણે એક એવા ફળની વાત કરીશું જેને શરીર સ્વાસ્થ્ય માટે ચમત્કારિક માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે નાના અમથાં ફળમાં ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન સી, મેગ્નેશિયમ, ફાઈબર તેમજ કેલ્શિયમ જેવા પોષક ગુણો સમાયેલાં છે. રસદાર, મુલાયમ શેતૂરને તાજા-તાજા ખાવાની મજા કાંઈક અલગ જ છે.
ગરમી હોય કે વરસાદી મોસમ ખટ્ટ-મધુરા શેતૂર ખાવા જ જોઈએ. નાના-નાના મોતી જેવું દેખાતું છાલ વગરની શેતૂર કુદરતની એક અજાયબી સમાન છે. તેનો ઉપયોગ તાજા તેમજ સૂકવણી કરીને બંને રીતે કરવામાં આવે છે. શેતૂરની અનેક પજાતિ જોવા મળે છે. નારંગી, લાલ, સફેદ તેમજ કાળા રંગના શેતૂર ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. શેતૂરનું વૃક્ષ મધમાખી માટે અમૃતનું શ્રેષ્ઠ સ્થળ ગણાય છે.
શેતૂરના પાન રેશમના કીડા માટે ભોજનનું મુખ્ય સ્તોત્ર ગણાય છે. પક્ષીઓ શેતૂરને અત્યંત પસંદ કરે છે. શેતૂરના વૃક્ષ એશિયા, યુરોપ તેમજ અમેરિકામાં સૌથી વધુ જોવા મળે છે. શેતૂરનું વૈજ્ઞાનિક નામ છે `અલ્બા’. હિન્દીમાં તેને શહતૂત કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ ઉત્પાદન આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરમાં થાય છે.
શેતૂરના સ્વાસ્થ્યવર્ધક ગુણો
કૅન્સર જેવી બીમારીથી બચાવે
નિયમિત શેતૂરનું સેવન કરવાથી કૅન્સર થવાની શક્યતા ઘટે છે. તેનું મુખ્ય કારણ શેતૂરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા છે, જે શરીરમાં રહેલાં ફ્રિ રેડિકલ્સને દૂર કરે છે. ફ્રિ-રેડિકલ્સ કોશિકાને નુકસાન પહોંચાડે છે. જેને લીધે કૅન્સર થવાની શક્યતા વધી જતી જોવા મળે છે. તેથી શેતૂરનું સેવન કરવાથી કૅન્સર જેવી બીમારીથી બચી શકાય છે. શેતૂરમાં એંથાસાયનિન ભરપૂર હોય છે. વળી રેસ્વેરાટ્રોલની માત્રા હોય છે જે ઍન્ટિ-કૅન્સરના ગુણ તરીકે ઓળખાય છે. કૉલોન કૅન્સર, સ્કિન કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર તેમજ થાઈરોઈડ જેવી બીમારીથી લડવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
રસીલા શેતૂરનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ખટ-મધુરું હોવાને કારણે શેતૂરમાં વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી છે. જે વ્યક્તિની પાચનક્રિયાને મજબૂત કરવામાં મદદરૂપ બને છે. વિટામિન સી અનેક પ્રકારના વાઈરસ તેમજ બેક્ટેરિયાથી લડવામાં શરીરને ઉપયોગી બને છે. પ્રદૂષિત હવા-ખોરાકને કારણે ફેલાતાં ચેપી રોગથી શરીરને બચાવવામાં મદદ કરે છે.
બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
શેતૂરનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ શેતૂરમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલ છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી શરીરમાં રહેલાં વધારાના સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે. શેતૂરમાં ફાઈબરની માત્રા સમાયેલી છે. ફાઈબરયુક્ત આહાર લેવાથી લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. જેને કારણે બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખી શકાય છે.
શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદરૂપ
શેતૂર ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર જોવા મળે છે. જે લોહીની નસ સંકોચાઈ ગઈ હોય તેની મરામત શેતૂરના સેવનથી શક્ય બને છે. શેતૂરમાં આયર્નની માત્રા સૌથી વધુ હોય છે. જેને કારણે લાલ રક્તકણોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
ખટ્ટ-મધુરા શેતૂરનો ઉપયોગ કરીને હવે તો વિવિધ વાનગીઓ બનવા લાગી છે. સૌંદર્યપ્રસાધન બનાવતી કંપનીઓ શેતૂરનો ઉપયોગ પોતાની હર્બલ પ્રોડક્ટ બનાવવામાં કરી રહી છે. શેતૂરમાંથી જામ, જેલી, કૅક, કુકીઝ, ચા, પાઈ, શરબત વગેરે બજારમાં વેચાવા લાગ્યા છે. શ્રેષ્ઠ ફાયદો મેળવવો હોય તો શેતૂરને સાફ કરીને સીધું જ સેવન કરવું યોગ્ય રહેશે.
શેતૂરનું સેવન કરવાના અન્ય લાભ વિશે જોઈએ તો તેના સેવનથી લિવર મજબૂત બને છે. મગજની કાર્યશક્તિ વધે છે. અલ્ઝાઈમર જેવી બીમારીથી બચી શકાય છે.
હાડકાંની મજબૂતાઈ માટે ગુણકારી
વય વધવાની સાથે તેમજ યુવાનોમાં બેઠાડુ જીવનને કારણે હાડકાંની તકલીફ વધવાના કિસ્સા જોવા મળે છે. શેતૂરનું સેવન કરવાથી શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. વળી શેતૂરમાં વિટામિન કે ની માત્રા છે. જે હાડકાંની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. હાડકાં બરડ બનતાં અટકે છે.
ડાયાબિટીસની તકીલફથી બચાવે
શેતૂર એક એવું ફળ છે જેના સેવનથી લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. શેતૂરનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ એવું દર્શાવે છે કે કયો ખાદ્યપદાર્થ લોહીમાં શર્કરાની માત્રા ઝડપથી વધારે છે. શેતૂરમાં ફાઈબરનું પ્રમાણ જોવા મળે છે. જેને કારણે પાચનક્રિયા મજબૂત બને છે. લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શેતૂર-વરિયાળી- ફુદીનાનું શરબત
સામગ્રી : 1 કપ શેતૂર, 2 મોટી ચમચી વરિયાળી, 2 મોટી ચમચી ફુદીનો, 2 ચમચી લીંબુનો રસ, 2 મોટી ચમચી દળેલી ખાંડ, સંચળ સ્વાદાનુસાર.
બનાવવાની રીત : શેતૂર, તેમજ ફદીનાને બરાબર સાફ કરી લેવાં. વરિયાળીનો પાઉડર બનાવી લેવો. હવે મિક્સર જારમાં શેતૂર, વરિયાળી, ફુદીનો, ખાંડ, સંચળ પાઉડર થોડો બરફ ભેળવીને ક્રશ કરી લેવું. આ શરબત અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
શેતૂર વિશે અવનવું
એવું કહેવાય છે કે ચીનથી તિબેટ ફરતું ફરતું શેતૂરનું ફળ ભારત આવ્યું હતું. ચીનમાં શેતૂરનો ઉપયોગ સિલ્ક વોર્મ ઉગાડવા માટે કરવામાં આવતો હતો. સિલ્ક વૉર્મ મુખ્યત્વે શેતૂરના પાન ઉપર વિકસતા હોય છે, જે પ્રક્રિયાને `સેરી કલ્ચર’ કહેવામાં આવે છે. જે સૌ પ્રથમ ચીનમાં શરૂ થઈ હતી. પહેલાંના વખતમાં રોમન પ્રજા મોં તેમજ ફેફસાના રોગમાં શેતૂરના પાનનો ઉપયોગ કરતા હતા.
શેતૂરનું વૃક્ષ રોપ્યા બાદ 10 વર્ષ પછી તેમાં મબલખ ફળ આવે છે. વળી વિવિધ રંગના ફળ જે તે પ્રજાતિના છોડ ઉપર આધાર રાખે છે.
નારંગી, લાલ, જાંબુડી, કાળા રંગના સેતૂરનો ઉપયોગ ડાઈ બનાવવા માટે કરવામાં આવે છે.