દેવોનું પ્રિય ફળ જાંબુ તંદુરસ્તી માટે છે જાદુઈ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
દેખાવે નાનું અમથું જાંબુડી રંગ ધરાવતું જાંબુ એક આકર્ષક મીઠાશ ધરાવતું ફળ છે. જાંબુને બ્લેક પ્લમ કહેવામાં આવે છે. એક સમયે ફક્ત ભારતમાં મળતાં જાંબુ હવે તો વિશ્વના લગભગ બધા જ દેશોમાં સરળતાથી મળી રહે છે.
મોસમ પ્રમાણે ફળનો ઉપયોગ કરી લેવો યોગ્ય ગણાય છે. વૈજ્ઞાનિકો તેમજ આહાર તજજ્ઞો મોસમી ફળનો ભરપૂર ઉપયોગ કરવાનું ભારપૂર્વક કહે છે. જાંબુ બજારમાં મે, જૂન તથા જુલાઈ ત્રણ માસ દેખાય છે. પોષક ગુણોનો ભંડાર ધરાવતાં જાંબુનો ઉપયોગ કરવો જ જોઈએ. માન્યું કે અન્ય ફળોની સરખામણીએ જાંબુની કિમત થોડી વધુ હોય છે. જાંબુમાં પાણીની માત્રા વધુ હોય છે તેથી શરીરને હાઈડે્રટ રાખવામાં મદદ કરે છે. જાંબુના ફળ, તેના પાન તેમજ તેની ગોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી ગણાય છે.
જાંબુમાં બે કમ્પાઉન્ડ સમાયેલાં છે જેવાં કે જમ્બુોલિન તથા જમ્બુોસીન. બ્લડશુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આયુર્વેદાચાર્યોનું માનવું છે કે જાંબુનું સેવન કરવાથી લોહીમાં ઈન્સ્યુલિનના પ્રોડક્શનમાં વૃદ્ધિ થાય છે. જાંબુમાં રહેલાં પોષક ગુણો જોઈએ તો આયર્ન, કૅલ્શિયમ, પ્રોટીન, ફાઈબર તેમજ કાર્બોહાઈડે્રટ છે.
જાંબુને સંસ્કૃતમાં રાજજમ્બુૂ કે મહાફલા, હિન્દીમાં બડી જામુન ફલેન્દ્રા, કોંકણીમાં જમ્બુોલ, ગુજરાતીમાં જાંબુડી કે જાંમ્બુ, તેલુગુમાં નીરેડૂ, તમિળમાં નવલ કે સમ્બલ, પંજાબીમાં ડામૂલ, મરાઠીમાં જામ્બૂલ કહેવામાં આવે છે.
જાંબુની ખેતી એશિયાઈ દેશો જેવા કે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશમાં થાય છે. જાંબુ ઉપર અનેક અધ્યયનો થયાં છે. જેના આધારે એવું કહી શકાય કે જાંબુમાં ઍન્ટિઑક્સિડેશન, ઍન્ટિડાયાબિટીક, ઍન્ટિ-ઈન્ફ્લેમેશન, ઍન્ટિકાર્સિનોજેનિક, હાઈપરલિપિડેમિક જેવા રોગની સામે રાહત આપે છે.
જાંબુના સ્વાસ્થ્યવર્ધક ગુણો :
હિમોગ્લોબિનમાં સુધારો : જાંબુમાં વિટામિન સી તથા આયર્ન સારા પ્રમાણમાં છે. જાંબુમાં રહેેલું આયર્ન લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધવાથી ઑક્સિજન વહન કરવાની ક્ષમતા વધી જતી હોય છે. જાંબુનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી શરીરમાં લોહીની ઊણપ થતી નથી.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : જાંબુમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તેમજ પોટેશ્યિમ જેવાં મિનરલ્સ છે. જે હૃદયની તંદુરસ્તી માટે લાભદાયક ગણાય છે. હૃદય રોગ જેવી ગંભીર બીમારીથી બચવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર, હાર્ટઍટેક વગેરેના ખતરાથી બચવું હોય તો જાંબુનું ફળ ગુણકારી ગણાય છે. જાંબુ લોહીની આર્ટરિઝને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
ત્વચા ચમકીલી બનાવે છે : વારંવાર ચહેરા ઉપર મેકઅપ કરવો, વિવિધ ક્રિમને લગાવતાં રહેવાની સ્પર્ધા યુવાવસ્થામાં વધુ જોવા મળે છે. કેમિકલની આડ-અસરને લીધે અનેક વખત લાંબેગાળે ત્વચા ઉપર ક્યારેક કાળા તો ક્યારેક સફેદ ડાઘ દેખાવા લાગે છે. ઉપરોક્ત સમસ્યાથી બચવું હોય તો જાંબુનું સેવન ગુણકારી છે. તેનું મુખ્ય કારણ તેમાં સમાયેલું વિટામિન સી ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. જે ત્વચાને મુલાયમ બનાવે છે. તૈલીય ત્વચા ધરાવતી વ્યક્તિ જાંબુનું સેવન કરે તો ત્વચા તાજગી અનુભવવા લાગે છે.
વજન ઘટાડવામાં લાભદાયક : જાંબુમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. વળી કૅલરીની માત્રા ઓછી હોય છે. વિટામિન સી, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ વગેરે હોય છે. જેને કારણે શરીરની સ્વસ્થ્તા જાળવવામાં મદદ મળે છે. ફાઈબરની માત્રા હોવાને કારણે પાચનક્રિયાને સુધારવામાં જાંબુનું સેવન ગુણકારી ગણાય છે.
ગેસની તકલીફમાં લાભદાયી : જાંબુમાં ડ્યૂરેટિક ગુણ હોય છે. જેને કારણે પાચનસંબંધિત સમસ્યાથી બચવામાં સહાય મળે છે.
મોંની તંદુરસ્તીમાં લાભદાયક : ઍન્ટિબેક્ટેરિયલ ગુણ હોવાને કારણે દાંતમાં થતાં સડાને તેમજ ખરાબ બેક્ટેરિયાને વધતાં અટકાવવામાં મદદ કરે છે. પેઢાંને મજબૂત બનાવવા હોય તેમણે જાંબુના પાનને સૂકવીને પાઉડર બનાવીને દાંત ઉપર રગડવાથી લાભ થશે.
સંક્રમણને રોકે છે : જાંબુમાં ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-મેલેરિયલ ગુણ છે. જેને કારણે જાંબુને બરાબર સાફ કરીને ખાવાથી રોગના સંક્રમણથી બચી શકાય છે. જાંબુમાં મેલિક એસિડ, ગૈલિક એસિડ, ટૈનિન એસિડ, ઑક્સાલિક એસિડ તેમજ બેટુલિનિક એસિડ જેવા એસિડની માત્રા હોય છે. જેને કારણે શરીર ગંભીર બીમારીના કિટાણુના ચેપથી બચી જાય છે.
સગર્ભાવસ્થામાં લાભકારી : જાંબુમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન સી, આયર્ન, કૅલ્શિયમ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. મિનરલ્સ તેમજ વિટામિન્સ શરીરના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
સગર્ભાવસ્થામાં બ્લડપ્રેશર વધવું કે કબજિયાત જેવી સમસ્યા સર્જાતી હોય છે. આવા સંજોગોથી બચવું હોય તો પોટેશિયમ તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટના ભરપૂર ગુણો ધરાવતાં જાંબુનું સેવન ગુણકારી ગણાય છે. હાઈ મેગ્નેશિયમના ગુણો સમયથી પહેલાં પ્રસવથી બચાવમાં મદદ કરે છે.
દેવોનું ફળ શા માટે? પૌરાણિક કથાઓ દ્વારા એવું જાણવા મળે છે કે ભગવાન રામ વનવાસમાં જાંબુનું સેવન કરતા હતા.
જાંબુના ફળની મિઠાશ ફળની છાલમાં રહેલી ચીકાશ ઉપરથી માપવામાં આવે છે. ભગવાન રામના મંદિરમાં આપને એક જાંબુનું વૃક્ષ અચૂક જોવા મળશે. એવું પણ કહેવાય છે કે મેઘરાજા જેઓ વાદળાના દેવતાં ગણાય છે તેઓ જાંબુના રૂપે ધરતી ઉપર પધાર્યા હતા. તેથી જ ફળનો રંગ ગહેરો વરસાદી વાદળો જેવો દેખાય છે.
પ્રાચીન પુરાણોમાં બ્રહ્માંડના સાત મહાદ્વીપનું વર્ણન છે. જેના કેન્દ્રમાં જમ્બુદ્વીપ હતું. તેનો શાબ્દિક અર્થ જોઈએ તો `જાંબુના વૃક્ષોની ભૂમિ’. વિષ્ણુ પુરાણમાં જાંબુના વૃક્ષને હાથી જેટલાં વિશાળકાય દર્શાવવામાં આવ્યા છે. એવું પણ કહેવાય છે કે જાંબુના વૃક્ષ ઉપરથી ફળ સડી ગયા બાદ પહાડી જમીન ઉપર પડતાં તેને કારણે જાંબુડી રંગના રસની નદી બની જતી.
જાંબુનો સૌથી ગાઢ સંબંધ ભગવાન શિવ સાથે ગણાય છે. તેમને જમ્બુુનાથ કે જમ્બુકેશ્વર તરીકે પૂજવામાં આવે છે.1800 વર્ષ જૂનું જમ્બુકેશ્વર મંદિર હાલમાં તિરૂચિરાપલ્ લીમાં આપને જોવા મળશે. બુદ્ધ ધર્મમાં પણ જાંબુના વૃક્ષને પવિત્ર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધે સૌ પ્રથમ ધ્યાન જાંબુના વૃક્ષની છત્રછાયામાં બેસીને કર્યું હતું.
સામાન્ય રીતે જાંબુનું વૃક્ષ 60-100 ફૂટ ઊંચું ઘેરાવદાર વધે છે. દૂરથી જુઓ તો જાણે વૃક્ષ ઉપર મુગટ પહેરાવ્યો હોય તેવું દૃશ્ય લાગે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફૂલ આવે છે. મે મહિનાથી જુલાઈમાં તેની ઉપર વર્ષમાં એક વખત મબલખ ફળ પાકે છે.
હવે તો જાંબુમાંથી સાબુ, શરબત જામ, કાલાખટ્ટા સિરપ, જાંબુનો આઈસક્રીમ વગેરે સરળતાથી મળી રહે છે. જાંબુનો અસલી સ્વાદ તો ફળને એક ઝાટકે મોંમાં સરકાવીને મમળવાથી આવે છે તે જ અસલી છે. હાલમાં તો બજારમાં ટામેટાં જેવા મોટા જાંબુ મળવા લાગ્યા છે. તેનો સ્વાદ મીઠો હોય છે.
જાંબુનાં વૃક્ષોનું સ્વર્ગ એટલે નવી દિલ્હી. ટ્રી ઓફ દિલ્હી પુસ્તકમાં બ્રિટિશરો દ્વારા દિલ્હીના માર્ગોના કિનારાનું સુશોભિકરણ કરવા ખાસ જાંબુ, પીપળો અંજીર, કડવો લીમડો તેમજ અર્જુનના છોડ રોપ્યા હતા.
જાંબુનો આઈસક્રીમ :
સામગ્રી : 2 કપ જાંબુનો માવો બીજ કાઢીને લેવો, 500 ગ્રામ દૂધ 2 મોટી ચમચી કૉર્નફ્લોર, 1 કપ ખાંડ અથવા 1 કપ મિલ્કમૅડ
બનાવવાની રીત : સૌ પ્રથમ કૉર્ન ફ્લોરને 1 કપ દૂધમાં ઓગાળી લેવો. દૂધને ગરમ કરવાં મૂકવું. દૂધ ગરમ થાય ત્યારબાદ ધીમે ધીમે કૉર્ન ફ્લોરવાળું દૂધનું મિશ્રણ ભેળવવું. ધીમા તાપે સતત હલાવતાં રહેવું. મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેમાં મિલ્કમૅડ ભેળવવું. જો ખાંડનો ઉપયોગ કરતાં હોવ તો દૂધમાં ઉકાળતી વખતે ભેળવી દેવી.
મિશ્રણ ઠંડું થાય ત્યારબાદ જાંબુનો માવો ભેળવી દેવો. પ્લાસ્ટિકના ડબ્બામાં મિશ્રણ ભરીને ફ્રિઝરમાં 6-7 કલાક રાખવું. બહાર કાઢીને ફરીથી મિક્સરમાં ચર્ન કરીને 6-7 કલાક સેટ કરવું. ઠંડો-ઠંડો સ્વાદિષ્ટ શુદ્ધ આઈસક્રીમ તૈયાર થઈ જશે.